ન્યૂ કેસલ (યુ.એસ., પેન્સિલવેનિયા) : યુ.એસ.ના પેન્સિલવેનિયા રાજ્યના લૉરેન્સ પરગણાનું વહીવટી મથક, ઔદ્યોગિક નગર અને કૃષિપેદાશોનું વ્યાપારનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 41° 0´ ઉ. અ. અને 80° 20´ પ. રે.. તે શેનાન્ગો અને નેશૉનૉક નદીઓના સંગમસ્થાને વસેલું છે. ઓહાયો રાજ્યના યંગ્ઝટાઉનથી અગ્નિકોણમાં 32 કિમી. તથા પિટ્સબર્ગથી વાયવ્યમાં 71 કિમી. અંતરે તે આવેલું છે.

તેની આજુબાજુનો વિસ્તાર ખેતીની પેદાશો માટે ફળદ્રૂપ છે, તેથી ખેતીના પાકો માટેનું તે વેપારી કેન્દ્ર બની રહેલું છે. અહીંના વિસ્તારમાં લોહધાતુખનિજો, કોલસો અને ચૂનાખડક જેવી ખાણપેદાશો મળે છે. નગરમાં વિકસેલા ઉદ્યોગોમાં પોલાદ તથા ઍલ્યુમિનિયમની સંલગ્ન પેદાશો, રસાયણો, ચામડાની બનાવટો, ચિનાઈ માટીની ચીજવસ્તુઓ, પતરાના ડબ્બા, પિત્તળ તથા કાંસામાંથી ઢાળેલી વસ્તુઓ, તૈયાર પોશાકો, રાચરચીલું, વિસ્ફોટકો વગેરેનો સમાવેશ થાય છે.

1798ના અરસામાં તેને વસાવવામાં આવેલું, 1802માં તેનું વ્યવસ્થિત આયોજન થયું; 1825માં તે કસબા તરીકે અને 1869માં તે શહેર તરીકે માન્યતા પામ્યું છે. મુસાફરો અને માલની અવરજવર માટેનું તે એક મહત્વનું રેલમથક છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે