ન્યૂ કેસલ (યુ.એસ., ડેલવેર) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલા ડેલવેર રાજ્યમાં ઉત્તરે ન્યૂ કેસલ પરગણામાં ડેલવેર નદી પર વસેલું નગર. તે વિલમિંગટનથી દક્ષિણે 11 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 39° 39´ ઉ. અ. અને 75° 34´ પ. રે..

આ નગરમાં પ્લાસ્ટિકની બનાવટો, લોખંડ-પોલાદની ચીજવસ્તુઓ, રેયૉન, પગરખાં, દવાઓ, યંત્રો અને તેમની સામગ્રી, પેટ્રોલિયમ-પદાર્થો, રંગો, ઈંટો, સિમેન્ટ–ક્રૉંક્રીટના બ્લૉક બનાવવાના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે.

આ નગરમાં ઇમૅન્યુએલ દેવળ, આમેસ્ટેલ હાઉસ ઑવ્ મ્યુઝિયમ, ઓલ્ડ ચર્ચ હાઉસ, ઓલ્ડ ડચ હાઉસ (જે હવે સંગ્રહાલયમાં ફેરવાયું છે), ઓલ્ડ સ્ટેટ હાઉસ તથા ગ્રીન ટાઉન સ્ક્વેર જેવાં જોવાલાયક ઐતિહાસિક સ્થળો આવેલાં છે. 1967માં અહીં કૉલેજ સ્થાપવામાં આવી છે.

1651માં ડચ અધિકારીએ અહીં એક કિલ્લો બનાવેલો ત્યારે આ નગરનું નામ સેન્થોક (Santhok) રાખવામાં આવ્યું હતું. ત્યારપછી તેના પર 1654માં સ્વીડિશ, 1655માં ડચ તથા 1664માં અંગ્રેજ શાસન હતું. પેન્સિલવેનિયા રાજ્યના સ્થાપક તથા ખ્રિસ્તી ધર્મના અનુયાયી (ક્વેકર) વિલિયમ પેને (1644–1718) તેના પર પોતાનો કબજો જમાવ્યો હતો. 1704–1776 દરમિયાન તે પરગણાનું વહીવટી મથક (Seat of Lower Counties-on Delware) રહેલું. 1976–77ના એક વર્ષ માટે નવા રાજ્યનું પાટનગર પણ બનેલું.

ન્યૂ કેસલનું ઐતિહાસિક સીમાસ્તંભ સમું ઇમૅન્યુઅલ ચર્ચ

છેલ્લી ચાર સદીઓ (1651–1995) દરમિયાન અહીં બનેલી ઐતિહાસિક ઘટનાઓનાં સ્મારકો કે તેમના અવશેષો ઉપરાંત તે એક વિકસતા ઔદ્યોગિક નગર તરીકે પણ મહત્વ ધરાવે છે એની નોંધ લેવી ઘટે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે