ન્યૂક્લિઆઇડ : ન્યૂક્લિયસના બંધારણ વડે જેનું લક્ષણચિત્રણ થાય છે તેવા પરમાણુની જાતિ (species). ન્યૂક્લિઆઇડનું લક્ષણચિત્રણ ખાસ કરીને પ્રોટૉનની સંખ્યા એટલે કે પરમાણુક્રમાંક (Z) અને ન્યૂટ્રૉનની સંખ્યા A-Z વડે થાય છે. અહીં A ન્યૂક્લિયસનો ભારાંક એટલે કે ન્યૂટ્રૉન અને પ્રોટૉનની સંખ્યા છે. સમસ્થાનિકો (isotopes) સમાન પરમાણુક્રમાંક ધરાવે છે, જ્યારે સમભારીય (isobaric) પરમાણુઓ સમાન પરમાણુભારાંક ધરાવે છે અને સમન્યુટ્રૉન પરમાણુઓ ન્યૂટ્રૉનની સંખ્યા સમાન ધરાવે છે. આજે સ્થાયી ન્યૂક્લિઆઇડની કુલ સંખ્યા આશરે 275 જેટલી છે. આશરે ડઝનેક રેડિયોઍક્ટિવ ન્યૂક્લિઆઇડ કુદરતમાંથી મળી આવ્યાં છે. આ ઉપરાંત કેટલાંક ન્યૂક્લિઆઇડ કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે.

પ્રહલાદ છ. પટેલ