ન્યૂ કેસલ (યુ.એસ., ઇન્ડિયાના) : યુ.એસ.ના ઇન્ડિયાના રાજ્યના હેન્રી પરગણાનું વહીવટી મથક તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 39° 55´ ઉ. અ. અને 85° 22´ પ. રે. રાજ્યના પાટનગર ઇન્ડિયાનાપૉલિસથી ઈશાન તરફ 74 કિમી. અંતરે બ્લૂ નદીના કિનારે તે વસેલું છે.

રાજ્યના ફળદ્રૂપ વિસ્તારમાં આવેલા આ નગરની આજુબાજુમાં ઘઉં, અન્ય ધાન્ય તથા ટામેટાંની ઠીક પ્રમાણમાં પેદાશ થાય છે. આ ઉપરાંત અહીં ગુલાબનાં ફૂલની ખેતી વ્યાપારી ધોરણે ઘણા મોટા પ્રમાણમાં થતી હોવાથી તે માટે આ નગર જાણીતું બનેલું છે.

વીસમી સદીની શરૂઆતથી તેનો ઔદ્યોગિક વિકાસ થયો છે અને હાલ ત્યાં સ્વયંચાલિત ઔદ્યોગિક વાહનો, તૈયાર પોશાકો, ગડી કરી શકાય તેવાં બારણાં, તિજોરીઓ, મંજૂષા, પિયાનો, પોલાદની બનાવટો જેવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે.

વર્જિનિયા રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકોએ 1819માં અહીં વસવાટ શરૂ કરેલો. 1839માં તે નગરમાં રૂપાંતર પામ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે