ન્યૂ કૅલિડોનિયા : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં મેલાનેશિયા (Melanesia) તરીકે ઓળખાતા વિસ્તારમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ફ્રાન્સનાં દરિયાપારનાં સંસ્થાનો પૈકીનો ટાપુપ્રદેશ. નાના નાના ટાપુઓ ધરાવતો ન્યૂ કૅલિડોનિયા પ્રદેશ ઑસ્ટ્રેલિયાના સિડનીથી 2,000 કિમી. અંતરે ઈશાનમાં આવેલો છે. આખો પ્રદેશ ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ 19°થી 23° દ. અ. અને 163°થી 169° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની આસપાસના ટાપુઓમાં પાઇન્સ (Pines), ધ લૉયલ્ટી, ચેસ્ટરફીલ્ડ અને હ્યુઓન (Huon), ધ બિલીપ ટાપુસમૂહ તેમજ વૉલપોલ ટાપુઓનો સમાવેશ થાય છે. લગભગ લંબચોરસ આકાર ધરાવતા મુખ્ય ટાપુનો વિસ્તાર 18,575 ચોકિમી. છે, જ્યારે નાના નાના ટાપુઓ સહિત કુલ વિસ્તાર 18,998 ચોકિમી. જેટલો થાય છે. મુખ્ય ટાપુની લંબાઈ 400 કિમી. અને સરેરાશ પહોળાઈ 50 કિમી. છે.
ભૂપૃષ્ઠ : મધ્યમાં આવેલી પર્વતમાળાથી મુખ્ય ટાપુ ઉત્તર અને દક્ષિણના બે ભાગોમાં વહેંચાઈ જાય છે. આ કારણે સાંકડી ખીણો અને કાંઠાપ્રદેશો રચાયા છે. ઉત્તર કિનારા પર આવેલાં માઉન્ટ પેની 1,628 મીટરની અને માટ હમ્બોલ્ટ 1,618 મીટરની ઊંચાઈ ધરાવે છે. ટાપુનો દક્ષિણ ભાગ પ્રમાણમાં સપાટ મેદાન છે. આ ટાપુ વહાણવટા માટે બિનઉપયોગી એવાં અનેક વેગીલાં ઝરણાં ધરાવે છે. તેની આજુબાજુ, ખાસ કરીને પશ્ચિમ કિનારે સ્થાનભેદે 8થી 28 કિમી.ની પહોળાઈવાળા પરવાળાંના બાધક ખડક-ખરાબા આવેલા છે. જે વિશ્વમાં બીજા ક્રમના પરવાળાંના ખરાબા છે.
આબોહવા : ન્યૂ કૅલિડોનિયાની આબોહવા ખુશનુમા અને હવાઈ ટાપુઓના જેવી છે. તે અગ્નિકોણી વ્યાપારી પવનોની દિશાને સમાંતર આવેલો હોઈને અહીં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. આથી આ પ્રદેશ છૂટાંછવાયાં વૃક્ષોવાળાં ઘાસનાં મેદાનો ધરાવે છે. પરંતુ પૂર્વમાં પર્વતીય ઢોળાવવાળા વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડતો હોવાથી ગાઢાં જંગલો આવેલાં છે.
ન્યૂ કૅલિડોનિયા મકરવૃત્તની નજીક આવેલો હોવાથી જૂન-જુલાઈના અરસામાં શિયાળો અને ડિસેમ્બર-જાન્યુઆરીના અરસામાં ઉનાળો હોય છે. જાન્યુઆરીનું તાપમાન 30° સે. જેટલું રહે છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન શિયાળા ઠંડા અને સૂકા રહે છે. જુલાઈનું તાપમાન 24° સે. જેટલું રહે છે. ડિસેમ્બરથી માર્ચ સુધી ગરમ ભેજવાળું વાતાવરણ રહે છે. અહીંનું હવામાન મલેરિયાથી મુક્ત હોઈને તે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલ છે. અહીંની સ્થાનિક વનસ્પતિમાં ‘કૅપ્ટન કૂક’ નામથી જાણીતાં પાઇન અને યુકૅલિપ્ટસનો સમાવેશ થાય છે.
ઉદ્યોગો–આર્થિક પેદાશો : નિકલનાં ખનિજોનું ખાણકાર્ય એ ન્યૂ કૅલિડોનિયાનો મુખ્ય ઉદ્યોગ છે. કૅનેડા પછી નિકલના સૌથી મોટા ભંડારો અહીં આવેલા છે. પોરો, નેપોઈ (Nepoui) અને થીઓ ખાતે નિકલનાં ધાતુખનિજોનું ખાણકાર્ય કરવામાં આવે છે. નૂમેઇ નજીક ડોનિયામ્બો ખાતેના કારખાનામાં આ ધાતુખનિજોમાંથી 80% સુધીનું નિકલ શુદ્ધ કરવામાં આવે છે અને પ્રતિવર્ષ આશરે 70,000 મેટ્રિક ટન જેટલા ફેરો-નિકલનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત અહીં લોહધાતુ ખનિજો અને ક્રોમાઇટના ભંડારો પણ આવેલા છે.
પ્રવાસન બીજા ક્રમે આવતો તેનો મહત્ત્વનો ઉદ્યોગ છે. 1980ના દાયકાની શરૂઆતનાં વર્ષોમાં એક અંદાજ મુજબ માત્ર એક જ વર્ષમાં આશરે એંશી હજાર પ્રવાસીઓ આ ટાપુની મુલાકાતે આવેલા, પછી રાજકીય અશાંતિ અને તંગદિલીને લીધે પ્રવાસીઓની સંખ્યામાં ક્રમશ: ઘટાડો થતો રહ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે નૂમેઇ ખાતે હોટલ-ઉદ્યોગનો વિકાસ થયો છે. પીનેસના ટાપુઓ પરનાં વિહારધામો પ્રવાસીઓ માટે આકર્ષણ અને સગવડરૂપ બની રહ્યાં છે. પશુધન(ઢોર, ઘેટાં, ભુંડ અને ઘોડા)નો ઉછેર પણ અહીંની મહત્વની આર્થિક પ્રવૃત્તિ છે. નાળિયેરી અને કૉફી અહીંની મુખ્ય પેદાશો છે.
પરિવહન : નૂમેઇ અહીંનું પાટનગર અને મુખ્ય બંદર છે. તે નિયમિત જહાજી સેવાઓ દ્વારા દુનિયાનાં અન્ય બંદરો સાથે સંકળાયેલું છે. નૂમેઇથી 50 કિમી. દૂર આવેલા લા ટોન્ટાઉટા ખાતે આવેલ આધુનિક વિમાની મથકેથી નિયમિત વિમાની સેવા ચાલે છે. અહીંથી કોપરાં-કૉફીની નિકાસ થાય છે.
વસ્તી–લોકજીવન : અહીંની વસ્તી 2,71,407(2019) હતી, જેમાં 40% મેલાનેશિયનો છે, બાકીના યુરોપિયનો (બીજા ક્રમે), ઇન્ડોનેશિયનો, પૉલિનેશિયનો અને વિયેટનામીઓ છે. મેલાનેશિયનો આ ટાપુના મૂળ સ્થાનિક વતનીઓ છે. તેઓ 27 જેટલી જુદી જુદી ભાષાઓ અને ઘણી બોલીઓનો ઉપયોગ કરે છે. ઘણા ટાપુવાસીઓ આજે પણ પોતાના પૂર્વજોનાં ગામડાંઓમાં જ રહે છે. મેલાનેશિયનો (મૂળ વતનીઓ) નાળિયેરીનાં પાંદડાં, છોડવા અને તાડપત્રીઓનાં બનાવેલાં ઝૂંપડાંઓમાં તો કેટલાક લોખંડનાં પતરાંની છતવાળાં પાકાં મકાનોમાં રહે છે. મેલાનેશિયનો પોતાના પરંપરાગત નૃત્ય ‘પિલાઉપિલાઉ’ (Pilou-pilou) માટે જાણીતા છે, જ્યારે લૉયલ્ટી ટાપુના વતનીઓ ‘ચૅપ-ચૅપ’ (tchap-tchap) નૃત્ય માટે પ્રસિદ્ધ છે.
ન્યૂકૅલિડોનિયામાં ઇન્ડોનેશિયાઈ તથા વિયેટનામી મજૂરોના વંશજો પણ છે. તેમણે પોતાના માદરે વતનની ઘણી પ્રથાઓ અને રહેણીકરણી જાળવી રાખી છે. પૅસિફિકના અન્ય ટાપુઓમાંથી આવેલા લોકો નિકલની ખાણોમાં કે તેનાં શુદ્ધીકરણ કારખાનાંમાં કામ કરે છે. અહીંના મોટા ભાગના લોકો રોમન કૅથલિક સંપ્રદાયના અનુયાયીઓ છે.
વહીવટ : ન્યૂ કૅલિડોનિયા ફ્રાન્સનું દરિયાપારનું સંસ્થાન છે. તેના વહીવટ માટે ફ્રાન્સની સરકાર ગવર્નર અને હાઈકમિશનરની નિમણૂક કરે છે, મોટા ભાગની સત્તા તેમના હાથમાં હોય છે. ગવર્નરના પ્રમુખપદ હેઠળ હાઈકમિશનર પ્રશાસન સંભાળે છે. હાઈકમિશનરને તેના વહીવટમાં મદદ કરવા માટે 36 સભ્યો ધરાવતી ચૂંટાયેલી પરિષદની રચના કરવામાં આવે છે. આ પરિષદ ન્યૂ કૅલિડોનિયાના અંદાજપત્ર પર ચર્ચાવિચારણા કરીને અનુમતિ આપે છે.
કાઉન્સિલ અને મેયર ધરાવતા સમગ્ર પ્રદેશને 31 કૉમ્યુન્સમાં વહેંચી નાખવામાં આવેલો છે. અહીંના વતનીઓ ફ્રેન્ચ નાગરિકો ગણાય છે. તેઓ સેનેટમાં 1 અને નૅશનલ ઍસેમ્બ્લીમાં 2 સભ્યો ચૂંટીને મોકલે છે.
ઇતિહાસ : ન્યૂ કૅલિડોનિયાના મૂળ વતનીઓ સંભવત: ‘પાપુઆ’ ખાતેથી સ્થળાંતર કરીને આવેલા લોકો હતા. ‘લૉયલ્ટી’ ટાપુના કેટલાક વતનીઓ તો પૉલિનેશિયન ઉત્પત્તિ ધરાવે છે. આ ટાપુ પર આવનાર પ્રથમ યુરોપીય મુલાકાતી જેમ્સ કૂક હતો (1774). 1843માં ફ્રેન્ચ કૅથલિક પાદરીઓએ બેલાડે (Balade) ખાતે મિશન સ્થાપેલું. 1853માં ફ્રાન્સે આ પ્રદેશને પોતાના વિસ્તારમાં ભેળવી દીધો. 1860માં ન્યૂ કૅલિડોનિયાને સંસ્થાનનો દરજ્જો આપવામાં આવ્યો. ચાર વર્ષ બાદ ‘લૉયલ્ટી’ ટાપુઓને પણ આ સંસ્થાનમાં સામેલ કરવામાં આવ્યા. 1863માં નિકલનાં ખનિજો મળી આવતાં અહીં વસાહતીઓનો ધસારો શરૂ થયો. 1864થી 1897 સુધી ફ્રાન્સે રાજદ્વારી કેદીઓને દેશનિકાલની સજા કરવાના હેતુસર આ ટાપુઓનો ઉપયોગ પણ કરેલો.
દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન આ ટાપુએ મુક્ત ફ્રાન્સનાં દળોને ટેકો જાહેર કર્યો. પશ્ચિમ પૅસિફિકના રક્ષણ માટે આ ટાપુઓ મુખ્ય મથક બની રહ્યા. યુ.એસ., ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનાં લશ્કરી દળોનાં મથકો આ ટાપુઓ પર રખાયાં હતાં. ન્યૂ કૅલિડોનિયા 1946માં ફ્રાન્સનો દરિયાપારનો વિસ્તાર (overseas territory) બન્યો. 1976માં કેટલીક સ્થાનિક બાબતોમાં નિર્ણય લેવાની સત્તા હાઈકમિશનરને બદલે કાઉન્સિલને સોંપવામાં આવી. 1980ના દાયકા દરમિયાન અહીંના જનજીવનને અસર કરનારી બાબતોમાં જમીનસુધારણા અને સ્વાધીનતા મુખ્ય બાબત હતી. 1980ના દાયકાના આરંભે સ્થાનિક લોકોએ જમીનસુધારાઓની માંગણી ઉગ્ર બનાવતાં અહીં તંગદિલી ઊભી થયેલી, કારણ કે અહીંની વસ્તીના 5% જેટલા યુરોપીય લોકો 20% જમીન ધરાવતા હતા, જ્યારે સ્થાનિક લોકો માત્ર 10% જમીન ધરાવતા હતા. 1981માં એક સ્વાતંત્ર્યઆંદોલનના નેતાની હત્યાને કારણે ઊભી થયેલી તંગદિલીના પરિણામે ફ્રાન્સને સુધારાલક્ષી શ્રેણીબદ્ધ પગલાં લેવાની ફરજ પડી. 1988માં મેલાનેશિયનો અને ફ્રાન્સના અધિકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ. વર્ષાન્તે મતદારોએ શાંતિ – સમજૂતી મંજૂર રાખી. પરિણામે સ્વતંત્રતા માટે લોકપૃચ્છા કરવાની જોગવાઈ કરી છે.
નવનીત દવે
જયકુમાર ર. શુક્લ