ન્યૂ કેસલ (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનું ત્રીજા ક્રમે આવતું અને ન્યૂ સાઉથ વેલ્સનું બીજા ક્રમે આવતું બંદર તથા ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 32° 56´ દ. અ. અને 151° 46´ પૂ. રે.. તે અગ્નિ ઑસ્ટ્રેલિયામાં હન્ટર નદીના મુખ પર વસેલું છે અને સિડની બંદરથી ઉત્તરે 173 કિમી. અંતરે આવેલું છે.

આ શહેર ઉપઅયનવૃત્તીય પ્રદેશમાં દરિયાકિનારે આવેલું હોવાથી ભેજવાળી સમધાત આબોહવા ધરાવે છે. આ વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો હોવાથી જુલાઈ માસમાં સખત ઠંડી પડે છે. તાપમાન સરેરાશ 12° સે. જેટલું રહે છે. જાન્યુઆરી માસ ગરમ ગણાય છે, પરંતુ તાપમાન સરેરાશ 22° સે. જેટલું હોય છે. વરસાદની વાર્ષિક સરેરાશ 1,350 મિમી. રહે છે.

કૃષિપેદાશો, ડેરીની પેદાશો, ખનિજપેદાશો તથા ઘાસચારા માટે ઑસ્ટ્રેલિયાનો આ વિસ્તાર જાણીતો બનેલો છે. આ શહેરમાં લોખંડ-પોલાદના, વહાણવટાના તથા રાસાયણિક ઉદ્યોગોનો નોંધપાત્ર વિકાસ થયેલો છે. ગિરજાઘરો તથા ઉદ્યાનો ઉપરાંત અહીં આર્ટ સ્કૂલ તથા ટૅકનિકલ સંગ્રહાલય છે.

આ શહેર રસ્તાઓ અને રેલમાર્ગોથી ન્યૂ સાઉથ વેલ્સના કિનારા પરનાં શહેરો અને બંદરો સાથે જોડાયેલું છે. આ શહેર અહીંના વિસ્તાર માટેનું છેલ્લું હવાઈ મથક અને રેલમથક છે. દર વર્ષે આ બંદર સરેરાશ 21 લાખ ટન માલની હેરફેર કરે છે. અહીંથી થતી નિકાસોમાં મુખ્યત્વે ઘઉં, ઊન, લોખંડ-પોલાદ માટેનાં લોહધાતુ-ખનિજો, કોલસો, માંસ તેમજ ડેરીની પેદાશોનો સમાવેશ થાય છે.

1821માં તેને શહેર તરીકેનો દરજ્જો મળેલો તથા 1859માં અહીં નગરપાલિકા અસ્તિત્વમાં આવેલી છે. વિસ્તાર : 261.8 ચોકિમી.. 2016 મુજબ અહીંની વસ્તી 3,22,278 જેટલી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે