ન્યૂમોકોકસ : મનુષ્યમાં મુખ્યત્વે ગળા અને શ્વાસનળીના ન્યુમોનિયા તેમ જ ફેફસાના લોબર ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરતો જીવાણુ. વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ. પહેલાં આ જીવાણુ ડિપ્લોકોકસ ન્યુમોનિ તરીકે જાણીતો હતો. આ જીવાણુની શોધ 1881માં પાશ્ચર અને સ્ટનબર્ગે કરી.
લૅક્ટોબૅસિલેસી કુળની સ્ટ્રેપ્ટોકોક્સ પ્રજાતિનો આ જીવાણુ ગ્રામધની(gram positive) ગ્રામ પૉઝિટિવ હોય છે. તેનો આકાર ગોળ અને બેની જોડમાં આવેલ નાની-મોટી સાંકળના રૂપમાં ગોઠવાયેલો જોવા મળે છે. તે કશાવિહીન અચલ હોય છે અને તે પ્રવર (capsule) ધરાવે છે. બધા જ ન્યૂમોકોકાઇ, રક્ત-અગાર માધ્યમ(ઘોડાનું 5-10 % લોહી ધરાવતું પોષક માધ્યમ)માં આલ્ફા-હીમોલાયસિન ઉત્પન્ન કરે છે. પ્રવર અને આલ્ફા-હીમોલાયસિન એ આ જીવાણુની રોગકારકતા તેમજ રોગતીવ્રતા માટે જવાબદાર હોય છે. તે બીજાણુ ઉત્પન્ન કરતા નથી. વૈકલ્પિક અજારક (facultative anaerobic) અવસ્થામાં તે વૃદ્ધિ પામી શકે છે.
આ જીવાણુનું પ્રવર બહુશર્કરા(polysaccharide)નું બનેલું હોય છે. પ્રવરમાંની બહુશર્કરાના પ્રકારના આધારે ન્યૂમોકોકાઇના 85 પ્રતિજન-પ્રકાર (antigenic types) જાણવામાં આવ્યા છે.
ન્યૂમોકોકાઇની પોષક દ્રવ્યોની જરૂરિયાતો વિવિધ પ્રકારે ઘણી છે. તેનાં આવશ્યક પોષક દ્રવ્યોમાં ઍમિનોઍસિડો, કોલીન, વિટામિનો, ખનિજ-દ્રવ્યો, પ્યુરિનો, પિરિમિડિનો ઉપરાંત શક્તિના સ્રોત તરીકે ગ્લુકોઝનો સમાવેશ થાય છે. તે રક્ત-અગાર તેમજ અન્ય સમૃદ્ધ માધ્યમમાં 24 કલાકમાં 37° સે. તાપમાને સારી રીતે વૃદ્ધિ પામે છે. તેની વસાહતો ગોળ, નાની જ્યારે બહુશર્કરાકીય પ્રવરને લીધે લીસી હોય છે. કેટલાક ન્યૂમોકોકસ જીવાણુઓએ પ્રવર બનાવવાની ક્ષમતા ગુમાવી દીધી હોય છે. તેમની વસાહતો ખરબચડી બને છે અને તે રોગ ઉપજાવી શકતા નથી. બ્લડ અગારને લીધે આલ્ફા-હીમોલાયસિન ઉત્પન્ન થવાથી વસાહતની ફરતે રંગવિહીન કે લીલા રંગનો ગોળ વિસ્તાર (zone) બનતો દેખાય છે.
રક્ત-અગાર માધ્યમમાં 0.1 % ગ્લુકોઝ ઉમેરી, માધ્યમને 5 %થી 10 % અંગારવાયુ હોય તેવા વાતાવરણમાં સેવન (incubation) માટે મૂકવાથી આ જીવાણુની વૃદ્ધિ ઝડપી થાય છે.
હીસ સિરમમાં આ જીવાણુ ઇન્યુલિન સહિત વિવિધ શર્કરાનું આથવણ કરી અમ્લનું ઉત્પાદન કરે છે; પરંતુ તે વાયુ ઉત્પન્ન કરતા નથી. પિત્ત-લવણોની હાજરીમાં તેમનું લયન થાય છે. કેટાલેઝ અને ઑક્સિડેઝ કસોટીનું પરિણામ ન્યૂમોકોકાઇ માટે નકારાત્મક છે.
આ જીવાણુના ચેપથી ન્યુમોનિયા ઉપરાંત મગજનો રોગ મૅનિંજાઇટિસ, શ્વાસનળીનો રોગ સાયનસિસ તેમજ બાળકોમાં કાનના મધ્યભાગમાં (થતો) કર્ણકેન્દ્રનલિકાના ચેપ(otitis media)નો રોગ પણ થાય છે.
ન્યુમોનિયા રોગનાં ચિહ્નો : ઠંડીની ધ્રુજારી, તાવ, ફેફસાંમાં દુખાવો વગેરે આ રોગનાં સામાન્ય લક્ષણો છે. જે મનુષ્યને સખત ખાંસી, ઉટાંટિયું કે ફ્લૂ થયાં હોય અથવા અન્ય વિષાણુઓનો ચેપ લાગ્યો હોય તેઓ ન્યુમોનિયાના ચેપથી પીડાય છે. આ રોગ ક્યારેક પ્રાણઘાતક નીવડવાની શક્યતા પણ રહે છે.
ખાંસી, છીંક વગેરેના કારણે ન્યુમોનિયાના જીવાણુઓ ધૂળની રજકણવાળી હવા દ્વારા ફેલાય છે અને શ્વાસ દ્વારા મનુષ્યશરીરમાં પ્રવેશી તેને ચેપ લગાડે છે. પ્રયોગશાળામાં આ રોગના નિદાન માટે લોહી અથવા ગળફાની તપાસ વિવિધ કસોટીઓ દ્વારા કરાય છે. (1) ગ્રામ-રંજન કસોટી વડે મૂત્રપિંડ આકારના જોડમાં ગોઠવાયેલા ગ્રામધની જીવાણુ જોવા મળે છે. (2) ક્વેલંગ (quellung) પ્રક્રિયા કસોટી : વિશિષ્ટ સીરા સાથે પ્રક્રિયા થવાથી જીવાણુના પ્રવર ફૂલે છે. (3) પિત્ત લયન કસોટી : પિત્તની હાજરીમાં આ જીવાણુનું લયન થાય છે. (4) ઑપ્ટોચિન (ethylhydrocaprein) કસોટી : પ્રસ્તુત કસોટી સામે આ જીવાણુઓ સંવેદનશીલ છે.
ચિકિત્સા : સ્લફોનામાઇડ, પેનિસિલીન-જી, સેફેલોસ્પોરિન, ટેટ્રાસાઇક્લીન તેમજ ઇરિથ્રોમાયસીન જેવાં પ્રતિજૈવિકો દ્વારા આ જીવાણુથી થતા રોગોમાં સારવાર આપવામાં આવે છે. જોકે ઘણા ન્યૂમોકોકાઇ એક કરતાં વધુ ઔષધોનો પ્રતિકાર કરતા હોવાનું પણ જણાયું છે.
1928માં બ્રિટિશ વૈજ્ઞાનિક એફ. ગ્રિફિથે ન્યૂમોકોકાઇ પર પ્રયોગો કરી એક કોષમાંથી બીજા કોષમાં જનીન તત્ત્વનું સ્થાનાંતર કરવાની પદ્ધતિ શોધી કાઢી.
પ્રમોદ રતિલાલ શાહ