ન્યૂનતાજન્ય રોગો

(deficiency diseases)

આહાર અને પોષણના અગત્યના ઘટકોની ઊણપથી થતા રોગો. પોષક દ્રવ્યો(nutrients)ને બે મુખ્ય જૂથમાં વિભાજિત કરાય છે : (અ) અસૂક્ષ્મ પોષક દ્રવ્યો (macronutrients); જેવા કે, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી; પ્રોટીન તથા અસૂક્ષ્મ ખનીજ ક્ષારો (macrominerals); જેવાં કે, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ તથા (આ) સૂક્ષ્મપોષક દ્રવ્યો (micronutrients); જેવાં કે, પ્રજીવકો (vitamins) અને સ્વલ્પ ધાતુઓ (trace metals) અને સ્વલ્પ તત્ત્વો (trace elements). સ્વલ્પ ધાતુઓમાં લોહ, ક્રોમિયમ, જસત, તાંબું, મૅંગેનીઝ, મોલિબ્ડીનમનો સમાવેશ થાય છે; જ્યારે સ્વલ્પ તત્ત્વોમાં આયોડિન અને ફ્લૉરિન મુખ્ય છે. અસૂક્ષ્મ પોષક દ્રવ્યોની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે સૂક્ષ્મ પોષક દ્રવ્યોની જરૂરિયાત મિલિગ્રામ કે તેથી ઓછી માત્રામાં હોય છે. તેઓ મુખ્યત્વે ઉત્સેચક (enzyme) તરીકે, સહ-ઉત્સેચક તરીકે અથવા અંત:સ્રાવ (hormone) કે આધારદ્રવ્ય (substrate) તરીકે વપરાય છે. પોષક દ્રવ્યોને ચાર જૂથમાં વહેંચવામાં આવે છે : (1) શક્તિદાયી, (2) અસેન્દ્રિયી દ્રવ્યો, (3) પ્રજીવકો અને અન્ય દ્રવ્યો (સારણી 1).

સારણી 1 : પોષક દ્રવ્યોના પ્રકારો

પ્રકાર ઉદાહરણ
1. શક્તિદાયી કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, આલ્કોહૉલ
2. અસેન્દ્રિય અન્ય દ્રવ્યો પાણી, ક્ષારજન્ય આયનો (elecrotytes), સ્વલ્પધાતુઓ અને તત્ત્વો
3. પ્રજીવકો વિટામિન એ, બી, સી, ડી, ઇ, કે, ફૉલિક ઍસિડ, રાઇબૉફ્લૅવિન વગેરે
4. અન્ય તંતુઓ (રેસાઓ)

પોષણવિદ્યામાં બે મહત્ત્વના વિકાસ-તબક્કાઓ આવેલા છે : પ્રથમ તબક્કામાં વિવિધ પોષક દ્રવ્યો, તેમની ઓછામાં ઓછી જરૂરિયાત, તેમનાં કાર્યો, તેમની ઊણપ(ન્યૂનતા)થી થતા રોગો અને એમનાં ઉપલબ્ધિસ્થાનો અંગે સંશોધનો થયાં છે. બીજા તબક્કામાં આહાર અને પોષણસ્થિતિનો વિવિધ રોગો સાથેનો સંબંધ શોધાવા માંડ્યો, જેને કારણે હૃદયરોગ, કૅન્સર અને અન્ય મૃત્યુકારક મહત્ત્વના રોગો થતા અટકાવવામાં આહારનું મહત્ત્વ સમજાવા માંડ્યું છે. આવતા દશકાઓમાં તેનાથી આ રોગોનું પ્રમાણ ઘટશે એવી માન્યતા ઉત્પન્ન થયેલી છે.

પોષણવિદ્યાનાં તારણો વસ્તીરોગવિદ્યા(epidemiology)ના પ્રાણી તથા માનવ પર થયેલાં વિવિધ પ્રયોગો ને સંશોધનો પર તેમજ ખોરાકના પૃથક્કરણ પર આધારિત છે. માનવઆહારની વિવિધતા જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા સાંસ્કૃતિક વ્યવહારોને આધારે હોય છે તેવી જ રીતે જુદા જુદા રોગો જુદા જુદા વિસ્તારના લોકોમાં અલગ અલગ પ્રમાણમાં થાય છે. તેથી વસ્તીરોગવિદ્યાના અભ્યાસો અગત્યના બની શકે, પરંતુ તે કારણરૂપ ઘટક શોધી કાઢવામાં ક્યારેય સફળ નથી થતા. સ્વતંત્ર માનવી પરના પ્રયોગોનો નૈતિક કારણોસર વિરોધ કરાય છે અને બહિર્દેહી (in vitro) પ્રયોગો કે જે શરીરની બહાર કરાય છે તેની માહિતી શરીરની અંદરની સ્થિતિ (અંતર્દેહી, in vitro) સાથે સરખાવી શકાતી નથી. જોકે ઘણા માનવલક્ષી પ્રયોગો થયા છે, પરંતુ તેમાં અનેક મર્યાદાઓ રહેલી હોય છે; જેમ કે, અભ્યાસજૂથના નિશ્ચયનની મર્યાદા કે વ્યક્તિગત અલગ અલગ ટેવો. આમ વિવિધ પ્રકારના અભ્યાસોની મર્યાદાઓ છતાં તેમનાં તારણોનો સંયુક્ત રીતે અભ્યાસ કરીને  પોષણની ઊણપથી થતા વિવિધ રોગો અને તેમની સારવાર વિશે જાણી શકાયું છે.

પોષણને લગતાં સંશોધનો હાલ વધુ ઝીણવટભર્યાં બન્યાં છે. અગાઉ ઓછા જોવા મળતા ન્યૂનતાજન્ય રોગો શોધવાનો પ્રયત્ન થતો હતો, જ્યારે હાલ સામાન્ય રીતે જોવા મળતા રોગોમાં આહારની કઈ સારી કે ખરાબ અસર હોય છે તે શોધાય છે. જુઓ (સારણી 2). સૂક્ષ્મ પોષક દ્રવ્યો અગાઉ ફક્ત શરીરની રાસાયણિક પ્રક્રિયાઓના સહઘટકો (co-factors) તરીકે જોવાતા હતા; હવે તેમને પ્રતિ-ઑક્સિડન્ટ તરીકે, જનીની નિયંત્રક તરીકે, કોષ-કોષ-પ્રત્યાયન(cell-cell communication)ના ઘટક તરીકે, અંત:સ્રાવ કે ઔષધ તરીકે મૂલવાય છે. અગાઉ પોષક દ્રવ્યોની જરૂરિયાત નક્કી કરવામાં તેમની ઊણપથી થતા રોગો અટકાવવાનો સંદર્ભ ખ્યાલમાં રખાતો હતો. હવે ઘણા લાંબા સમયના અન્ય રોગોને અટકાવવાનો, તંદુરસ્તી જાળવવાનો ખ્યાલ રખાય છે અને વ્યક્તિગત જનીની બંધારણને અનુરૂપ જરૂરી હોય તેટલી માત્રાને દૈનિક જરૂરિયાત તરીકે ગણવાનું સૂચન કરાય છે. અગાઉ એવું મનાતું હતું કે ખોરાકનું સંપૂર્ણ મૂલ્ય તેનાં પોષક દ્રવ્યોમાં જ છે; પણ હવે ખબર પડી છે કે તંતુઓ અથવા રેસાઓ (fibre), રંજક દ્રવ્યો (pigments), પ્રોટિએઝ અવદાબકો અને ફ્લૅવોનૉઇડ્ જેવાં વિવિધ બિનપોષક દ્રવ્યો પણ મહત્ત્વનાં છે.

આકૃતિ 1 : પ્રોટીનોર્જા ઊણપ સંલક્ષણ : (અ) શિશૂર્જા ઊણપ(marasmus) વાળો ઓછા વજનનો બાળક અને (આ) બાળપ્રોટીન ઊણપ (kwashiorkar)ના સોજાવાળો બહુપીડિત બાળક. નોંધ (1) સામાન્ય વાળ, (2) ઘરડા માણસ જેવો ચહેરો, (3) સ્નાયુ પાતળા પડી જવા, (4) પેટ પર ચરબી ન હોવી, (5) પગે સોજા, (6) આછા રંગના પાતળા વાળ, (7) મોં પર સોજાથી ચંદ્ર જેવો ગોળ ચહેરો, (8) ભૂખ ન લાગે, (9) ચામડી પર વિરંગી ડાઘા અને પોપડીઓ ઊખડે, (10) યકૃત મોટું થાય, (11) પેટની દીવાલના સોજા, (12) પગ પર દબાવવાથી ખાડો પડે તેવા સોજા.

તકનીકી વિકાસની પોષણ અંગેનાં સંશોધનો પર તેમજ માનવીય જૂથના પોષણની સ્થિતિ પર પણ અસર પડી છે. (1) આપણા 10,000 વર્ષ કે તે પહેલાંના પૂર્વજો જેવા જ હજુ થોડા માણસો આપણા સમયમાં પણ બચેલા છે; દા. ત., ફુંગ બુશમૅન જાતિ. એ આદિમ પૂર્વજો આહાર માટે શિકાર કરતા. તેઓ શરીરે પાતળા હતા. તેમનામાં કુપોષણ નહોતું. તેઓ હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ, દાંતમાં સડો, દારૂના વ્યસન વગેરેથી મુક્ત હતા. (2) આવા આદિમાનવો પછીનો તબક્કો લીલાં ઘાસનાં મેદાનોમાં ઢોર ચરાવનાર પ્રજાઓનો આવ્યો. આજેય તિબેટિયન, મૉંગોલિયન, ટુઆરેંગ ફલાની અને મસાઈ પ્રજાઓ તે પ્રકારની છે. તેઓ દૂધ અને પ્રાણીજ ખોરાક પર જીવે છે. તેમના વિશે પૂરતો અભ્યાસ થયેલો નથી. તેમાંની કેટલીક પ્રજાઓ ઊંચી છે. દૂધ પીવાની ટેવને કારણે પુખ્ત વયે પણ તેમના આંતરડામાં દૂધની લેક્ટૉઝ નામની શર્કરાને પચાવવા માટેનો જરૂરી લેક્ટૅઝ ઉત્સેચક બનતો રહે છે. (3) કૃષિ-વિકાસના તબક્કામાં સ્થાયી જીવન જીવતી પ્રજાઓ વિકસી. હાલ વિશ્વભરનાં ગામડાંની પ્રજા તેવું જ જીવન વિતાવે છે. તેમના ખોરાકમાં સ્થાનિક પરિસ્થિતિમાં જે પાક (ધાન્ય) મુખ્યત્વે પાકતું હોય તેનું પ્રમાણ વધારે રહે છે. દુષ્કાળથી કે અન્ય કારણોએ ધાન્યભંડાર ખૂટી જાય તો પૂરતું પોષણ ન મળે એવું બને છે. ચક્રીય યંત્રો (mills) અને શુદ્ધીકરણ પ્રક્રિયાઓ(refinery)ના કારણે અનાજના દાણામાંથી પોષક દ્રવ્યો ગુમાવવાની ભૂલો પણ થાય છે. તેથી ક્વોશિઓરકોર, પેલાગ્રા, બેરીબેરી જેવા પોષણ દ્રવ્યોની ઊણપના રોગો પણ થાય છે. તેમને ફૂગવિષ(mycotoxin)ના રોગો અને લોહીના વધતા દબાણના રોગો થાય છે. હૃદયધમનીના રોગો ઓછા જોવા મળે છે. (4) શહેરી વિકાસે ઝૂંપડપટ્ટી(slums) અને પરિનગરીય ઝૂંપડાં(periurban shanty)નું સર્જન કર્યું છે. વિકાસશીલ કે અવિકસિત દેશોની ગરીબ પ્રજાનો ઘણો ભાગ આ સ્થિતિમાં રહે છે. આવું લંડન અને ન્યૂયૉર્કમાં ઓગણીસમી સદીમાં હતું. તેમની મુખ્ય પોષણલક્ષી સમસ્યાઓ બદલાતી જતી જીવનરીતિથી ઉદ્ભવે છે; જેમ કે, આહાર અંગેની રૂઢિઓનો નાશ થવો, ગૃહ-બગીચા ન હોવા, માતાઓનું સખત શારીરિક શ્રમમાં જોડાવું, ખોરાક-સફાઈ(food-hygiene)માં ઘટાડો, મોંઘો થતો જતો સાદો રોજિંદો આહાર વગેરે. તેને કારણે બાળકોને પૂરતું સ્તન્યપાન અથવા ધાવણ (breast-feeding) મળતું નથી, ઝાડા-ઊલટીનો વારંવાર ઉપદ્રવ થાય છે, મેરેસ્મસ અને રિકેટ્સ નામના રોગો થાય છે તથા દારૂની લત ઉત્પન્ન થાય છે. તેની સામે કેટલીક પુખ્ત વયની વ્યક્તિઓ જાડી થઈ જાય છે, લોહીનું દબાણ વધે છે, પરંતુ હૃદયધમનીના રોગનું પ્રમાણ વધતું નથી. (5) લોકસમાજનો પાંચમો પ્રકાર આધુનિક માનવીઓનો છે. તે સધ્ધર સમાજ(affluent society)નો બનેલો છે. તેમને ભાવે એવું ભોજન-આહાર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વળી સુપાચ્ય તૈયાર ખોરાક, તરત લઈ શકાય એવો ખોરાક તેમને સુલભ હોય છે. આમ પોષણલક્ષી ખોરાકની ભારે છત હોય છે. તેને લગતાં જોખમો અંગેની સલાહ અને સાથે સાથે રૂઢિગત સલાહ પણ ઉપલબ્ધ હોય છે. વિવિધ પોષણપૂરક પદાર્થો અને દવાઓ (દા. ત., વિટામિનની ગોળીઓ) પણ તેમને સહેલાઈથી હાથવગી હોય છે. આવા સમાજમાં (દા. ત., પશ્ચિમી સમાજ) પોષણની ઊણપ દવાખાનાના લાંબા ગાળાના દર્દીઓ અને વૃદ્ધોમાં જ જોવા મળે છે. હૃદયધમનીનો રોગ તેમનામાં વધુ વ્યાપક હોય છે. આહાર-વિષયક મનોરુગ્ણતા (hypochondriasis) વધુ હોય છે. વિવિધ આહારોની ઍલર્જી અથવા અતિસંવેદનશીલતા પણ વધુ હોય છે. મેદસ્વિતા સામાન્યપણે વધુ જોવા મળે છે. તેને પરિણામે તેઓ મનોવિકારી અરુચિ(anorexia nervosa)ના શિકાર બને છે.

આમ માનવીય વિકાસના તબક્કાઓમાં કૃષિ-ઉત્પાદક ગામડાની પ્રજા અને અર્ધવિકસિત દેશોનાં શહેરોની ઝૂંપડપટ્ટીમાં રહેતી ગરીબ પ્રજા ન્યૂનતાજન્ય રોગોની ભોગ બનેલી હોય છે. એવા રોગો અન્ય સમાજોમાં અન્ય કારણે માંદી પડેલી વ્યક્તિઓ અને વૃદ્ધ વ્યક્તિઓમાં જોવા મળે છે.

પોષણલક્ષી વિકારો : પોષણલક્ષી વિકારો શરીરના કોઈ પણ અવયવને અસર કરે છે. વિવિધ પ્રકારના રોગો અને વિકારોમાં આહારનું મૂલ્ય ઘણું રહે છે. પોષણલક્ષી વિકારો બે પ્રકારના છે : પ્રાથમિક અને આનુષંગિક (સારણી 2 અને 3).

કેટલાક રોગો આહાર-પરિવર્તનની મદદથી જ કાબૂમાં લઈ શકાય છે. તેવું જ કેટલાક લાંબા ગાળાના અપક્ષીણતાકારી રોગોની બાબતમાં છે. શરીરમાં ચયાપચય દ્વારા અનેક પ્રકારનાં પ્રોટીન તથા જરૂરી ઍમિનોઍસિડ પણ બને છે; પરંતુ કેટલાક ઍમિનોઍસિડને બનાવવાની ક્ષમતા માનવ-શરીરમાં નથી; જેમ કે, મિથિઓનિન, લાયસિન, ટ્રિપ્ટોફેન, ફિનાયલ-એલેનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, થ્રિઓનિન અને વેલિન. બાળકોમાં તેવી જ રીતે હિસ્ટીડિન અને કદાચ આર્જેનિનની પણ જરૂરિયાત પડે છે. તેમને અનિવાર્ય ઍમિનોઍસિડ (essential aminoacids) કહે છે. શરીરને કુલ 20 એમિનોઍસિડની જરૂર પડે છે. ઉપર જણાવેલા સિવાયના 10 ઍમિનોઍસિડ શરીર બનાવી શકે છે. અનિવાર્ય ઍમિનોઍસિડની પર્યાપ્ત માત્રા હોય તેવા ખોરાકને ઉચ્ચ જૈવશાસ્ત્રીય મૂલ્ય(high biological value)નો પ્રોટીનયુક્ત આહાર કહે છે. સામાન્ય રીતે પ્રાણીજ પ્રોટીન તે પ્રકારનું હોય છે. જ્યારે વનસ્પતિજ પ્રોટીન તેવું હોતું નથી. માટે જો બે જુદા જુદા પ્રકારના પ્રોટીનવાળા વનસ્પતિજન્ય ખોરાક ન લેવાય તો અનિવાર્ય ઍમિનોઍસિડની ઊણપ વરતાય છે; દા. ત., ધાન્ય(ચોખા, ઘઉં વગેરે)માં 10 % પ્રોટીન હોય છે, પરંતુ તેમાં લાયસિન નથી હોતું. તેવી જ રીતે કઠોળમાં 20 % પ્રોટીન હોય છે, પણ તેમાં મિથિઓનિન નથી હોતું. માટે દાળભાત કે દાળ-રોટી સાથે ખાવાની રીત ઉત્પન્ન થઈ છે. આવો ધાન્ય અને કઠોળનો મિશ્ર આહાર 13 % પ્રોટીન આપે છે, પરંતુ તેનું પ્રોટીન ઉચ્ચ જૈવશાસ્ત્રીય મૂલ્યવાળું ગણાય છે. ધાન્યમાંનું મિથિઓનિન અને કઠોળનું લાયસિન એકબીજાની ઊણપ પૂરી કરે છે. દૈનિક ખોરાકની કુલ કૅલરીમાંથી 10 % કૅલરી પ્રોટીનમાંથી લેવાની સલાહ અપાય છે. એ માટે લગભગ 65 ગ્રા. પ્રોટીન લેવું જરૂરી ગણાય. આમાંના 40 ગ્રામ પ્રોટીનની કક્ષા ઉચ્ચ જૈવશાસ્ત્રી મૂલ્યવાળી હોવી જરૂરી છે. કૅલરીનું મુખ્ય સ્રોત મૂળ કાર્બોહાઇડ્રેટ્સને બનાવાય છે. મુખ્યત્વે બહુશર્કરા(polysaccharide)વાળા કાર્બોહાઇડ્રેટ્સ (બટાકા, ધાન્ય વગેરે) લેવાનું સૂચવાય છે. વનસ્પતિજ કાર્બોહાઇડ્રેટ્સ સ્ટાર્ચ રૂપે અને પ્રાણીજ કાર્બોહાઇડ્રેટ્સ ગ્લાયકોજન રૂપે (બહુશર્કરાનાં ઉદાહરણો) લેવામાં આવે છે. જો દિવસમાં 100 ગ્રામથી ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ જાય તો કિટોઍસિડોસિસ નામનો ઊણપજન્ય વિકાર ઉદ્ભવે છે. તે ખાસ કરીને લાંબા ઉપવાસ કે ભૂખમરામાં થાય છે.

સારણી 2 : પોષણલક્ષી જ્ઞાનનો તબીબી ક્ષેત્રે ઉપયોગ

જૂથ નોંધ
1. પ્રાથમિક પોષણલક્ષી વિકારો (અ) ન્યૂનતાજન્ય રોગો
(આ) મેદસ્વિતા
2. આનુષંગિક પોષણ-લક્ષી વિકાર (અ) દીર્ઘકાલી અન્ય રોગથી થતી માંદગી, જેમાં પ્રોટીન-કૅલરી-કુપોષણ થાય; ફૉલિક ઍસિડ, લોહ અને પોટૅશિયમની ઊણપ થાય.
3. સારવારલક્ષી આહારીય ફેરફારો (અ) સંગ્રહણી : ઘઉંનો નિષેધ
(આ) કમળી : પ્રોટીનનો નિષેધ
(ઇ) ફિનાયલ કિટોન-યુરિયા : વિશિષ્ટ આહાર
(ઉ) મધુપ્રમેહ : કૅલરીનું નિયમન
(ઊ) લોહીનું ઊંચું દબાણ : મીઠું, સોડિયમ, કૅલરીનું નિયમન
(ઈ) મેદસ્વિતા : ચરબી અને કૅલરીનું નિયમન
4. લાંબા ગાળાના અપક્ષીણતાજન્ય (degenerative) રોગો (અ) હૃદયધમની રોગ, લોહીનું ઊંચું દબાણ, મધુપ્રમેહ, દાંતનો સડો અને વિવિધ કૅન્સર : પોષણની જાળવણી અને આહાર-નિયમન

ચરબી (9 કૅલરી/ગ્રામ)નું કૅલરીમૂલ્ય પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ (4 કૅલરી/ગ્રામ) કરતાં બમણાથી વધુ હોય છે. પામિટિક ઍસિડ અને મિરીસ્ટિક ઍસિડ જેવા સંતૃપ્ત મેદામ્લો અથવા સ્નેહામ્લો (fatty acids) કુલ કૉલેસ્ટેરોલ અને અલ્પ ઘનતાવાળા મેદપ્રોટીન(low density lipoprotein, LDL)નું પ્રમાણ વધારે છે. એક અસંતૃપ્ત મેદામ્લ (ઓલિઇક ઍસિડ) અને બહુ-અસંતૃપ્ત મેદામ્લ(લિનોઇક ઍસિડ અને એરેકિડોનિક ઍસિડ)માં એક કે વધુ સંયોજનો અસંતૃપ્ત હોય છે. લિનોઇક ઍસિડ અને એરેકિડોનિક ઍસિડ વનસ્પતિબીજમાંથી મળે છે અને તેને અનિવાર્ય મેદામ્લો કહે છે. તેમની ઊણપથી પોપડીવાળો ત્વચાશોથ (scaly dermatitis) થાય છે. લાંબા સમય સુધી નસ વાટે આહાર અપાતો હોય ત્યારે તે જોવા મળે છે. લોહીમાં એઇકોસેટ્રિઓનિક ઍસિડ અને એરેકિડોનિક ઍસિડનું ગુણોત્તર પ્રમાણ (ratio) જાણવાથી તેનું નિદાન થાય છે. એઇકોસેટ્રિઓનિક ઍસિડ અને ડોકોસે હેકઝાઇનોઇકે ઍસિડ માછલીના તેલમાંથી મળે છે. તે અનિવાર્ય મેદામ્લો નથી, પરંતુ તે લોહીના ગઠનને અટકાવવામાં ઉપયોગી હોય છે. ખોરાકમાં ચરબીની ઊણપ થાય તો મેદદ્રાવ્ય વિટામિનો-એ, ડી, ઈ અને કે ની પણ સંભવત: ઊણપ ઉદ્ભવે છે.

સારણી 3 : પોષણલક્ષી રોગોનું વર્ગીકરણ

જૂથ નોંધ
1. અલ્પપોષણ (undernutrition) ભૂખમરો (પુખ્તવય), મેરેસ્મસ (બાળકો)
2. કુપોષણ (malnutrition) પ્રોટીન અને અન્ય પોષકદ્રવ્યોની ઊણપ
3. મેદસ્વિતા વધુ પડતી ચરબી
4. પોષકદ્રવ્યની અધિકતા લોહ, વિટામિન, સંતૃપ્ત ચરબી તથા આલ્કોહૉલની અધિકતા ટૂંકા તેમજ લાંબા ગાળાના રોગો સર્જે છે.
5. આહારીય વિષકદ્રવ્યો (toxicants) સંગ્રહણી (coeliac disease), શીળસ, ફેવિઝમ, આધાશીશી વગેરે વિકારો વિષક દ્રવ્યોથી થાય છે.

ભૂખમરો : તે લાંબા સમય સુધીની ઊર્જા(કૅલરી)ની ઊણપથી થતો વિકાર છે. શિશુઓ અને શાળાએ જવાની ઉંમર કરતાં નાનાં બાળકોમાં ભૂખમરો થવાથી થતા રોગને શિશુ-ઊર્જા (શિશૂર્જા) ઊણપ (marasmus) કહે છે. અલ્પ પોષણ અને ભૂખમરાનાં મુખ્ય કારણોમાં ખોરાકની ઊણપ, સતત થતી ઊલટી, અરુચિ (anorexia), પચેલો ખોરાક લોહીમાં શોષાય નહિ તેવા કુશોષણ (malabsorption)વાળા નાના આંતરડાના રોગો, વધેલા ચયાપચયી દરવાળા અતિગલગ્રંથિતા (hyperthyroidism) કે લાંબા ગાળાના ચેપ જેવા રોગો, મધુપ્રમેહમાં પેશાબ વાટે થતો ગ્લુકોઝનો વ્યય તથા કૅન્સર કે ક્ષય જેવી બીમારીમાં થતી ક્ષીણકાયતા(cachexia)નો સમાવેશ થાય છે. તેને કારણે બાળકોનો વિકાસ અટકે છે અને પુખ્તવયની વ્યક્તિ વજન ગુમાવે છે. દર્દીને ઘણી ભૂખ અને તરસ લાગે છે, અશક્તિ અનુભવાય છે, ટાઢ વાયા કરે છે, રાત્રે પેશાબની હાજત વધે છે, ઋતુસ્રાવ બંધ થાય છે અને કલૈબ્ય અથવા અલ્પલૈંગિક ક્ષમતા અથવા નપુંસકતા(impotance)નો વિકાર થાય છે. ચહેરો વૃદ્ધ, કરમાયેલો અને ભાવશૂન્ય થાય છે. ચામડી ઢીલી, ફિક્કી, પાતળી, ડાઘાવાળી અને સુક્કી થાય છે. હાથ-પગ ઠંડા, ભૂરા પડી જાય છે અને ક્યારેક તેમાં ભાઠાં (ચાંદાં) પડે છે. ચામડી નીચેની ચરબી ઘટે છે અને સ્નાયુઓ પાતળા થઈ જાય છે. લોહીમાં આલ્બ્યુમિન ઘટે છે અને હાથેપગે સોજા આવે છે. નાડી ધીમી ચાલે છે, લોહીનું દબાણ અને શરીરનું તાપમાન ઘટે છે તથા હૃદયનું કદ પણ નાનું થાય છે. પેટ ફૂલે છે, પાતળા ઝાડા થાય છે. ચેતા-પરાવર્તી (reflex) ક્રિયાઓ ઘટે છે. દર્દીની કાર્યારંભશીલતા (initiation) ઘટે છે. તે લાગણીશૂન્યતા (apathy) અને ખિન્નતા અનુભવે છે અને વધુ અને વધુ અંતર્મુખી બને છે. જોકે ખોરાક પાસે જોવા મળે તો તે આક્રમક પણ થઈ જાય છે. તેને વારંવાર ચેપ લાગે છે. શ્વસનિકા-ફેફસીશોથ (branchopneumonia) નામનો ફેફસાંનો ચેપ ઘણી વખત મૃત્યુનું કારણ બને છે. તાવ અને એનાં અન્ય લક્ષણો ઓછાં જોવા મળે છે. સામાન્ય રીતે પ્રયોગશાળામાં નિદાન-કસોટીઓ કરાવાય ત્યારે લોહીમાં વધેલાં મેદામ્લો, કિટોઍસિડોસિસ, લોહીમાં ઘટેલું ગ્લુકોઝનું તથા ઇન્સ્યુલિનનું પ્રમાણ, ઘટેલો તલીય(ન્યૂનતમ) ચયાપચયી દર (basal metabolic rate), પેશાબની નિશ્ચિત રહેતી વિશેષ ઘનતા, પેશાબમાં ઘટેલું ક્રિયેટિનિન, લોહીના કોષોની ઊણપ તથા પાંડુતા તથા હૃદયના વીજ-આલેખમાં હૃદયની ઘટેલી ગતિ અને અલ્પ વીજદાબ જોવા મળે છે. વ્યક્તિની ઊંચાઈ અને વજન પરથી તેના ભૂખમરાની તીવ્રતા નક્કી કરાય છે (સારણી 4).

સારણી 4 : કુપોષણની કક્ષાઓ

કક્ષા જે તે ઊંચાઈએ પ્રમાણિત વજનનું પ્રમાણ
1. મંદ તીવ્રતા 81 %થી 90 %
2. મધ્યમ તીવ્રતા 71 %થી 80 %
3. અતિતીવ્રતા 70 %થી ઓછું

મંદ તીવ્રતાવાળા વિકાસમાં ફક્ત ખોરાક વધે તેવું જોવાય છે; પરંતુ તીવ્ર વિકારમાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરીને 1500થી 2000 કૅલરી/દિવસ આપીને ભૂખમરાની ખરાબ અસરો અટકાવાય છે. આવા દર્દીઓમાં આંતરડાની દીવાલ પાતળી થયેલી હોય છે તથા પિત્ત પણ અલ્પસાંદ્રિત (dilute) થાય છે. તેથી હળવા ખોરાકથી શરૂઆત કરાય છે. મહિને 5 % જેટલો વજનનો વધારો સ્વીકાર્ય ગણાય છે. દુષ્કાળ પડેલો હોય તો તેનાં કારણોને ધ્યાનમાં રાખીને સારવાર કરાય છે.

સારણી 5 : બાળકોમાં જોવા મળતી પ્રોટીન અને ઊર્જાની ઊણપ

વિકાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય વજનના કેટલા ટકા વજન સોજા ઊંચાઈના સંદર્ભમાં ઓછા વજનનું પ્રમાણ
1. બાળપ્રોટીન-ઊણપ 80 %થી 60 % હોય મધ્યમ તીવ્રનો ઘટાડો
2. શિશૂર્જા-ઊણપવાળી પ્રોટીન ઊણપ 60 %થી ઓછું હોય વધુ તીવ્રતાવાળો ઘટાડો
3. શિશૂર્જા-ઊણપ 60 %થી ઓછું ન હોય વધુ તીવ્રતાવાળો ઘટાડો
4. અલ્પપોષણજન્ય વામનતા (nutritional dwarfism) 60 %થી ઓછું ન હોય સામાન્ય ઘટાડો
5. અલ્પવજનવાળું (underweight) બાળક 80 %થી 60 % ન હોય મધ્યમ તીવ્રતાનો ઘટાડો

બાળકોમાં જોવા મળતું પ્રોટીન-ઊર્જા (પ્રોટીનોર્જા અથવા નત્રલોર્જા) કુપોષણ (protein-energy malnutrition) : આ પ્રકારના વિકારનો એક વર્ણપટ બને છે. તેના એક છેડે બાળપ્રોટીન-ઊણપ (kwashiorkar) છે તો બીજા છેડે શિશૂર્જા-ઊણપ છે. બાળપ્રોટીન-ઊણપમાં પ્રોટીનની ઊણપ હોય છે પણ ઊર્જા (કૅલરી) પૂરતા પ્રમાણમાં મળે છે, જ્યારે શિશૂર્જા-ઊણપમાં ફક્ત ઊર્જાની ઊણપ હોય છે. કેટલાંક બાળકોમાં બંને હોય છે. શિશૂર્જા-ઊણપવાળી પ્રોટીન-ઊણપ (marasmic kwashiorkar) હોય છે.

લાંબા સમયની પોષણની ઊણપ અલ્પપોષણજન્ય વામનતા લાવે છે અથવા તો વિકાર મધ્યમ તીવ્રતાનો હોય તો ફકત અલ્પવજનવાળું બાળક (underweight child) જોવા મળે છે.

ઓછા વજનવાળું બાળક જો માંદું પડે તો તે પ્રોટીનની ઊણપ થવાને લીધે શરીરે સોજાવાળા બાળપ્રોટીન-ઊણપના વિકારથી પીડાય છે. તેની સારવાર કરવાથી સોજા ઊતરે છે અને તે સમયે ચરબી તથા સ્નાયુઓ-બધાંના ઘટાડાવાળો શિશૂર્જા-ઊણપનો વિકાર થયેલો જોવા મળે છે. બાળપ્રોટીન-ઊણપના વિકાર-સમયે ભૂખ મરી જાય છે, જેને કારણે શિશૂર્જા-ઊણપનો વિકાર ઉદ્ભવે છે. તેને કારણે આ બધા વિકારોને એક જૂથમાં પ્રોટીનોર્જા-કુપોષણના સંયુક્ત નામે ઓળખવામાં આવે છે. પ્રોટીનોર્જા-કુપોષણવાળાં બાળકોમાં વિવિધ પ્રકારના ચેપ (infections) લાગે છે.

સારણી 6 : પ્રોટીનોર્જાકુપોષણના બાળકોમાં થતા વિવિધ પ્રકારના રોગ

1. ગ્રામ-અનભિરંજિત (ગ્રામ-નૅગેટિવ) જીવાણુઓથી થતો ઝાડા-ઊલટીનો વિકાર(જઠરાંત્રશોથ – gastroenteritis).
2. શ્વસનમાર્ગના ચેપ (ગળું આવવું, શ્વસનનલિકાશોથ  bronchitis, ફેફસીશોથ – pneumonia વગેરે).
3. કેટલાક વિષાણુજ (viral) ચેપ; દા. ત., ઓરી, બરો મૂતરવો (herpes simple labialis).
4. ફેફસાંનો કે અન્ય અવયવોનો ક્ષય.
5. ચામડી પર પરુ કરતા સ્ટેફાયલોકોકાઈ કે સ્ટ્રેપ્ટોકોકાઈ જીવાણુઓનો ચેપ.
6. વિવિધ પ્રકારના કૃમિઓ.

શિશૂર્જાઊણપ (marasmus) : તે બાળકોમાં ભૂખમરાને કારણે થાય છે અને અન્ય પોષણ ઊણપના વિકારો કરતાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે કાર્બોહાઇડ્રેટ્સ તેમજ પ્રોટીન અને અન્ય પોષક દ્રવ્યોની ઊણપવાળો ખોરાક 6થી 12 મહિના સુધી બાળકને લેવાનો થાય ત્યારે તે વિકાર ઉદ્ભવે છે. સામાન્ય રીતે માતા કામધંધે જતી હોય અને બાળક ઘરની અન્ય સ્ત્રીઓને હવાલે હોય ત્યારે માનું દૂધ વહેલું બંધ કરીને પાણી નાખેલા ગાયના દૂધનો આહાર બાળકને અપાય છે. તે ખોરાકથી ઉપર્યુક્ત વિકાર થાય છે. ગરીબાઈ તથા સફાઈની ઊણપને કારણે પણ કુપોષણ વધતું હોય છે. તેને કારણે ચેપ, ઝાડા અને કુપોષણનું એક વિષચક્ર ઊભું થાય છે. શિશુ (infant) પાતળું, ચરબીવિહોણું અને જાણે કરમાઈ ગયેલું હોય તેવું જણાય છે. શરીરના પ્રમાણમાં તેનું માથું મોટું લાગે છે. સ્નાયુઓ ક્ષીણ થયેલા હોય છે. પાંસળીઓ ઊપસી આવેલી હોય છે અને પેટ ફૂલેલું રહે છે. સામાન્ય રીતે શિશુને વારંવાર ઝાડા થયા કરે છે. જોકે તેને સોજા હોતા નથી અને તેની ચામડી કે વાળમાં ખાસ કોઈ ફેરફાર થતો નથી. ઊંચાઈના પ્રમાણમાં વજનનો ઘટાડો વધુ જોવા મળે છે. આવા સંજોગોમાં ક્ષયરોગ અથવા કે હૃદય, મૂત્રપિંડ કે આંતરડાંનો કોઈ અન્ય મોટો રોગ છે કે નહિ તેની ખાતરી કરાય છે. નિર્જલતા (dehydration) થયેલ હોય તો તેની સારવાર અપાય છે. વિટામિનો(પ્રજીવકો)ની ઊણપ હોય તો તે નિવારવાનાં પગલાં લેવાય છે. વિટામિન ‘એ’ની ઊણપ હોય તો સ્વચ્છામૃદુલતા(keratomalacia)નો વિકાર થાય છે અને પોટૅશિયમ અને મૅગ્નેશિયમ પણ ઘટે છે. આંખની કીકીના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. તે પોચું પડે ત્યારે તેને સ્વચ્છામૃદુલતા કહે છે. બાળકને ઝાડાઊલટી, ફેફસાંનો ચેપ, ઓરી, હર્પિસ(બરો મૂતરવો), ક્ષય, ચામડીમાં પરુ કરતાં સ્ટેફાયલોકોકલ કે સ્ટ્રેપ્ટોકોકલ જીવાણુઓનો ચેપ કે કૃમિ થાય છે. શિશૂર્જા-ઊણપ અને બાળપ્રોટીન-ઊણપના વિકારોની સારવાર એકસરખી હોય છે અને તેનો વિચાર ર્પ્રોટીનોર્જા-કુપોષણની સારવારમાં ચર્ચેલો છે.

બાળપ્રોટીનઊણપ (kwashiorkar) : ઘાનાનાં બાળકોમાં પ્રવર્તમાન પ્રોટીનની ઊણપથી થતા વિકારને માટે સિસલિ વિલિયમ્સે 1933માં ‘ક્વોશિઓરકાર’ શબ્દ-સંજ્ઞા યોજી હતી. બીજા વર્ષના બાળકને જ્યારે માતાનું દૂધ છોડાવીને પ્રોટીનની ઊણપવાળા ખોરાક પર મૂકવામાં આવતું ત્યારે તે વિકાર જોવા મળતો હતો. તેમાં આહાર અંગેની ખોટી માન્યતાઓ તથા સ્થાનિક આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ભાગ ભજવતી હતી. પ્રાણીજ પોષણયુક્ત ખોરાક થોડા પ્રમાણમાં મળતો હોઈ તેને કુટુંબમાં ફક્ત પુરુષોને અપાતો હતો. તે પ્રોટીનવાળો ખોરાક તીખો બનતો હોવાથી બાળકોને માટે અયોગ્ય પુરવાર થતો હતો. જ્યાં ન્યૂનતમ જરૂરિયાત જેટલું પ્રોટીન મળે એવો ખોરાક અપાતો હોય છે ત્યાં ઝાડાઊલટી, ઓરી, મલેરિયા કે અન્ય કોઈ ચેપ લાગે છે અને તેવે વખતે જરૂરી પ્રોટીન ન મળતાં તેની ઊણપનો વિકાર દેખા દે છે. જ્યારે બાળકને પૂરતા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો (carbohydrates) મળતા હોય અને પ્રોટીન ઓછા પ્રમાણમાં મળે ત્યારે તેનું ઇન્સ્યુલિનનું ઉત્પાદન સામાન્ય પ્રકારનું રહે છે. તે સ્નાયુમાંના પ્રોટીનને સાચવે છે, પરંતુ યકૃતનું પ્રોટીન વપરાય છે. તેથી આલ્બ્યુમિનનું ઉત્પાદન ઘટે છે. લોહીમાં આલ્બ્યુમિન ઘટવાથી શરીરમાં બધે સોજા આવે છે. વળી તે સમયે મેદપેશીઓમાંથી મુક્ત મેદ-ઍસિડ અથવા મુક્ત મેદામ્લો (free fatty acids) યકૃતમાં જાય છે અને ત્યાં તેમનો સંગ્રહ થાય છે. તેને મેદયુક્ત યકૃત(fatty liver)નો વિકાર કહે છે. પ્રોટીન અને આલ્બ્યુમિનની ઊણપને કારણે સોજા તથા મેદયુક્ત યકૃતવાળો વિકાર ઉદ્ભવે છે જેને બાળપ્રોટીન-ઊણપનો વિકાર કહે છે.

શિશૂર્જા-ઊણપ કરતાં આ ઊણપમાં ઊલટું બને છે. આ ઊણપથી પીડાતું બાળક પાતળું હોતું નથી, પરંતુ સોજાથી ફૂલેલું હોય છે. જોકે તેને ઘણી તકલીફ થતી હોય છે. તેનું ખાસ વિશેષ પ્રકારનું રુદન-બિડાલરુદન (mewing cry) હોય છે. ચામડીનો વિકાર બંને બાજુએ એકસરખો હોય છે. બાળોતિયું પહેરવાને સ્થળે તે સૌથી વધુ હોય છે. સૌપ્રથમ ચામડી ડાઘાવાળી અને જાડી બને છે અને ત્યારપછી તેમાં છીછરાં ચાંદાં પડે છે. બાળક દાઝ્યું હોય એવાં ચાંદાંનો દેખાવ જાણે ઘરમાં ભોંયતળિયે ‘ક્રેઝી’ પ્રકારનું આવરણ બનાવ્યું હોય તેવો થાય છે. વાળ લાલ કે ભૂખરા બને છે, પાતળા થઈ જાય છે અને ઘટી જાય છે. મોંના ખૂણા પર ચાંદાં પડે છે. તેને હોષ્ઠકોણીયશોથ (angular stomatitis) કહે છે. બાળકની ભૂખ મરી જાય છે. તેને વારંવાર ઝાડા થાય છે. તેનું યકૃત મોટું થાય  છે. લોહીમાં આલ્બ્યુમિન ઘટે છે.

પ્રોટીનોર્જાકુપોષણની સારવાર : બાળપ્રોટીન-ઊણપ સંલક્ષણ અને શિશૂર્જા-ઊણપ સંલક્ષણની સારવારને ત્રણ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે : (1) પુન:સંજીવનીકરણ (resuscitation), (2) મટાડવાની શરૂઆત એટલે કે પુન:પોષણ અને (3) પોષણલક્ષી પુન:સ્થાપન (nutritional rehabilitation).

પુન:સંજીવનીકરણની ક્રિયામાં જીવનને જોખમી એવા શરીરના  વિવિધ પ્રકારોની સારવાર કરાય છે. શરીરમાં જો પાણી ઘટી ગયું હોય કે ક્ષાર-આયનોનું પ્રમાણ વિષમ થયું હોય તો સૌપ્રથમ તેને સરખું કરવામાં આવે છે. અતિઅમ્લતા-વિકાર (acidosis) થાય કે લોહીમાં શર્કરા ઘટે તો તેને અનુરૂપ સારવાર અપાય છે. શરીરનું તાપમાન જાળવી રખાય છે અને જો કોઈ ચેપ લાગ્યો હોય તો તેની સારવાર કરાય છે.

પુન:પોષણ શરૂ કરવાની ક્રિયામાં ધીમે ધીમે વધારો કરીને કૅલરી અને પ્રોટીનની માત્રા અનુક્રમે 150 કૅલરી/કિગ્રા. અને 1.5 ગ્રા. પ્રોટીન/મિગ્રા. વજન સુધી લઈ જવાય છે. તે માટે વિવિધ પ્રકારની આહારીય પદ્ધતિઓ વાપરવાના પ્રયોગો થયેલા છે, જેમાં સ્થાનિક ઉપલબ્ધિ અને આર્થિક ક્ષમતાને પણ ધ્યાનમાં લેવાય છે. માતાનું દૂધ ક્યારે છોડાવવું તે અંગે પણ જુદાં જૂદાં જૂથોમાં જુદા જુદા રિવાજો હોય છે તેને પણ ધ્યાનમાં લેવા પડે છે. પશ્ચિમી દેશોમાં દૂધના પાઉડરમાં લોટ, ખાંડ અને તેલ/ઘી ભેળવીને આહાર બનાવવાનું સૂચવાય છે. તેવો ખોરાક દિવસમાં 5થી 6 વખત આપવો જરૂરી બને છે. બાળકોને અરુચિ થઈ હોવાને કારણે તેમને હાથથી ખવડાવવું પડે છે. તે માટે મા તેને તેના ખોળામાં બેસાડીને વહાલથી ખવડાવે તે વધુ યોગ્ય ગણાય છે. પોટૅશિયમ, મૅગ્નેશિયમ અને વિવિધ વિટામિનો પણ આહારમાં લેવાય તે જોવું પડે છે.

ત્રણેક અઠવાડિયાંમાં બાળકની તબિયત સુધરે છે ત્યારે પોષણલક્ષી પુન:સ્થાપન(પુનર્વાસ)ની પ્રક્રિયા શરૂ થાય છે. આ સમયે સોજા, ચાંદાં, ઝાડા વગેરે વિકારો શમી ગયેલા હોય છે. બાળક શરીરથી મજબૂત અને માનસિક રીતે તેજસ્વી બનવા માંડ્યું હોય છે, તેનો આહાર વધ્યો હોય છે; પણ તેનું તેની ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોય છે. પોષણલક્ષી પુનર્વાસની પ્રક્રિયામાં તે તેનો યોગ્ય વૃદ્ધિ-દર મેળવી લે તે જોવાનું હોય છે. માતાને પોષણ અંગે જરૂરી શિક્ષણ અપાય અને બાળકને વધારાનો આહાર મળી રહે તે જોવાય છે.

એકદમ સુસજ્જ હૉસ્પિટલમાં પણ પ્રોટીનોર્જા-ઊણપને કારણે 20 % બાળકો મૃત્યુ પામે છે. તેમાંનાં મોટા ભાગનાનું મૃત્યુ પ્રથમ 10 દિવસમાં થાય છે. બાળ-પ્રોટીન ઊણપમાં યકૃતમાં જમા થતી ચરબી દૂર થાય છે અને તેથી લાંબા ગાળાનો યકૃતકાઠિન્ય(cirrhosis)નો વિકાર થતો નથી. પ્રથમ 2 વર્ષમાં શિશૂર્જા-ઊણપ થયેલી હોય તેવાં બાળકોના મગજનો વિકાસ ઓછો રહે છે. જો તે દરિદ્રતાની વચ્ચે ઊછરતું હોય તો તેનો બૌદ્ધિક વિકાસ પણ ઓછો રહે છે.

ઓછા વજનનું બાળક (અલ્પ કે મધ્યમ પ્રોટીનોર્જાઊણપ) : દર એક શિશૂર્જા-ઊણપ કે બાળપ્રોટીન-ઊણપવાળા દર્દીદીઠ બીજાં 7થી 10 બાળકોમાં મધ્યમ કે અલ્પ પ્રમાણમાં ઊણપ હોવાથી ઓછા વજનના બાળક તરીકે તે જોવા મળે છે. મા-બાપ તે શોધી શકતાં નથી; કેમ કે તેમનાં પાડોશનાં બીજાં બાળકો પણ તેવાં જ હોય છે. કેટલાંક સર્વેક્ષણો પ્રમાણે વિકાસશીલ દેશોનાં 50 %થી વધુ બાળકો આ જૂથનાં હોય છે. બાહુ (upper arm)  ખભાથી કોણીનો ભાગના મધ્ય ભાગનો પરિઘ 4 વર્ષ માટે (12માથી 60મા મહિના સુધી) લગભગ સરખો રહે છે. દરેક સ્થળે વજન-કાંટો લઈ જવો શક્ય ન હોવાથી મધ્ય બાહુ-પરિઘ(mid upper arm circumference)ને માપવામાં આવે છે. તે સામાન્ય રીતે 13.5 સેમી.થી વધુ હોવો જોઈએ. 12.5થી 13.5નો ગાળો અલ્પ પ્રકારની ઊણપ સૂચવે છે, જ્યારે 12.5થી ઓછો પરિઘ મોટે ભાગે પ્રોટીનોર્જા-ઊણપ હોવાની સંભાવના સૂચવે છે. જે વિસ્તારમાં પ્રોટીનોર્જા-ઊણપ ઘણી જ વ્યાપક હોય ત્યાં લોહીમાં આલ્બ્યુમિન ઘટેલું જણાય તો તે આ રોગની પૂર્વસ્થિતિ (શરૂઆત) સૂચવે છે. આવું બાળક તેનાથી એક કે બે વર્ષ નાના બાળક જેવું દેખાય છે. તેને અલ્પપોષણજન્ય વામનતા (nutritional dwarfism) કહે છે. આવાં બાળકોનાં વિકાસ અને વૃદ્ધિ ઓછાં રહે છે. તેમને વારંવાર ઝાડાઊલટી થાય છે અને શ્વાસોચ્છ્વાસનો ચેપ લાગે છે. તેને કારણે પ્રોટીનોર્જા-ઊણપ પૂર્ણ સ્વરૂપે ઉદ્ભવે છે. વિકાસશીલ દેશોમાં 1થી 4 વર્ષના ગાળાનાં બાળકોનું મૃત્યુપ્રમાણ વિકસિત દેશો કરતાં 30થી 40 ગણું વધારે છે તેનું મુખ્ય કારણ અલ્પપ્રોટીનોર્જા-ઊણપ જ ગણાય છે.

બાળપ્રોટીન-ઊણપ અટકાવવા માતાઓનું શિક્ષણ, ખેડૂતોને સલાહ, દવાખાનાં અને શાળાઓમાં બાળકો માટે આહાર-પૂરણની વ્યવસ્થા (મધ્યાહ્ન ભોજન-યોજના) તથા કઠોળ અને બીજવાળો ખોરાક પૂરતા પ્રમાણમાં મળે તેવું આયોજન જરૂરી ગણાય છે. શિશૂર્જા-ઊણપને અટકાવવાના ઉપાયોમાં કુટુંબનિયોજન, રસીકરણ(vaccination)નો કાર્યક્રમ, સ્તન્યપાન(breast feeding)ના લાભોની તથા માતા અને બાળકોના આરોગ્યના સાચા અને પૂરા આંકડાની જાણકારી વગેરેને સમાવવામાં આવે છે.

પુખ્તવયે પ્રોટીનોર્જા-ઊણપ : તેનાં મુખ્ય કારણો સારણી 7માં દર્શાવ્યાં છે.

સારણી 7 : પુખ્ત વયે થતી પ્રોટીનોર્જાઊણપનાં કારણો

જૂથ/પ્રકાર ઉદાહરણ
1. ઘટેલો આહાર અરુચિ, ઊબકા-ઊલટી, ખોરાક ગળવાની તકલીફ (લકવો, કૅન્સર), દુખાવો, જઠર કે આંતરડામાં અવરોધ, દાંત બગડેલા હોવા, ગરીબાઈ, વૃદ્ધાવસ્થા, સામાજિક રીતે અલગ પડી જવું (એકલતા), વ્યસનાસક્તિ, ખિન્નતા (depression)
2. પોષકદ્રવ્યોનો શરીરમાં વધેલો વ્યય કુશોષણ (malabsorption), લાંબા સમયના ઝાડા, ઘણો વખત ખૂબ લોહી પડવું, શર્કરામૂત્રમેહ (glycosuria) પેશાબમાં ખાંડ જવી, મૂત્રપિંડના રોગો, પોલા અવયવોને જોડતી કે બહાર ખૂલતી નળીમાંથી વહી જતો સ્રાવ, આંતરડામાંથી થતો પ્રોટીનનો વ્યય (પ્રોટીન વ્યયકારી આંત્રરુજા – protein loosing enteropathy).
3. પોષકદ્રવ્યની વધેલી જરૂરિયાત લાંબા સમયનો તાવ, કેટલાક ચેપ, કૅન્સર, શસ્ત્રક્રિયા, ઈજા, દાઝવું, કેટલીક દવાઓ

પ્રોટીનોર્જા-ઊણપના કારણે 5 %થી 10 % જેટલો વજનનો ઘટાડો થાય છે. 40 % ટકાથી વધુ ઘટાડો (આદર્શ વજનથી ગણતાં) સામાન્ય રીતે મૃત્યુ નિપજાવે છે. 24 % જેટલા વજનના ઘટાડાએ હૃદયની કાર્યક્ષમતા ઘણી ઘટી જાય છે અને તેની નિષ્ફળતાનાં ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે. મિનેસોટામાં કરાયેલા સ્વયંસેવકો પરના પ્રયોગોમાં હૃદય ઉપરાંત ફેફસાં, આંતરડાં, જઠર, યકૃત, મૂત્રપિંડ અને અંત:સ્રાવી ગ્રંથિઓની વિષમ ક્રિયાઓ નોંધાઈ છે. 24 અઠવાડિયાંના ભૂખમરાથી લગભગ એક મિનિટમાં થતું શ્વસનકાર્ય લગભગ 30 % જેટલું ઘટે છે. વિવિધ પ્રકારની પાચન અને અવશોષણ ક્રિયાઓને અસર પહોંચે છે અને યકૃતમાંનો સંગૃહીત પોષક દ્રવ્યોનો જથ્થો ઘટે છે. મૂત્રપિંડનું કદ ઘટે છે પરંતુ યકૃતકોષો અને મૂત્રપિંડનું કાર્ય જળવાઈ રહે છે. ગલગ્રંથિ (thyroid gland) અને જનનગ્રંથિઓ(શુક્રપિંડ કે અંડપિંડ)ના અંત:સ્રાવોનું પ્રમાણ અને રોગપ્રતિકાર ઘટે છે. વળી ઘા રુઝાવાની ક્રિયા ધીમી પડે છે.

સૂક્ષ્મ પોષક દ્રવ્યોની ઊણપ : તેમને મુખ્ય બે ભાગમાં વહેંચાય છે : વિટામિન અને સ્વલ્પતત્ત્વો (trace elements), જેમાં સ્વલ્પધાતુઓનો સમાવેશ થાય છે. વિટામિન એ, બી, ઈ અને કે મેદદ્રાવ્ય વિટામિનો છે અને તેથી તેમના અવશોષણ માટે તૈલી પદાર્થોના સામાન્ય પચનની જરૂર પડે છે. તેઓ સહઉત્સેચકો (co-enzyme) તરીકે શરીરમાં કાર્ય કરતા નથી. જલદ્રાવ્ય વિટામિનો(બી-જૂથ અને સી)ના અવશોષણમાં તૈલી પદાર્થોની જરૂર પડતી નથી. તે સહ-ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે. 15 સ્વલ્પતત્ત્વોને ઓળખી શકાયાં છે. તેમાંનાં પ્રથમ 10 માણસ માટે અનિવાર્ય ગણાય છે. તે છે : લોહ, જસત (zinc), તાંબું, ક્રોમિયમ, સેલેનિયમ, આયોડિન, ફ્લૉરિન, મૅન્ગેનીઝ, મોલિબ્ડીનમ, કોબૉલ્ટ, નિકલ, ટિન, સિલિકોન, વેનેડિયમ અને આર્સેનિક. ફક્ત વિટામિન B12ના ભાગ રૂપે કોબૉલ્ટ જરૂરી બને છે.

વિવિધ દેહધાર્મિક કે વિકારજન્ય પરિસ્થિતિઓ સૂક્ષ્મ પોષક દ્રવ્યોની જરૂરિયાત વધારે છે અથવા તેમની ઊણપ સર્જે છે. વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓ; દા. ત., ગર્ભની વૃદ્ધિ, શિશુતા (infancy), તરુણાવસ્થા (adolescence) તથા સગર્ભાવસ્થા વગેરેમાં સૂક્ષ્મ પોષક દ્રવ્યોની જરૂરિયાત વધે છે. સગર્ભાવસ્થામાં લોહ અને ફૉલિક ઍસિડની જરૂરિયાત ઘણી વધે છે. પયધારણ(lactation)ના સમયગાળામાં માતા તેના બાળકને સ્તન્યપાન અથવા ધાવણ (breast-feeding) કરાવે છે. ત્યારે જસત તથા વિટામિન એ, ડી, કે, ઈની જરૂરિયાત વધે છે. જન્મસમયે વિટામિન કે આપવું પડે છે અને પ્રથમ વર્ષમાં વિટામિન બી અને લોહની જરૂર પડે છે. ઋતુસ્રાવ આવતો હોય તેવી સ્ત્રીને વધારાના લોહની જરૂર પડે છે. લોહની જરૂરિયાત સગર્ભાવસ્થા તથા પયધારણ વખતે પણ હોય છે. ઉંમર વધવા સાથે વિટામિન બી12નું અવશોષણ અને સંગ્રહ ઘટે છે. મોટી ઉંમરની વ્યક્તિમાં વિટામિન ડીની ઊણપ પણ સર્જાય છે. ગરીબાઈ, દુષ્કાળ, જઠર અને આંતરડાંના અવશોષણને ઘટાડતા રોગો, અપચો કરતા વિકારો, આહારલક્ષી કુટેવો અને ખોટી માન્યતાઓ તથા ક્ષય કે કૅન્સર જેવા કૃષકાયતા (cachxia) કરતા રોગો વિવિધ સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઊણપ સર્જે છે. ધૂમ્રપાન અને દારૂની લત પણ તેમાં ઉમેરો કરે છે. વિવિધ ઔષધો સૂક્ષ્મપોષક દ્રવ્યોની ઊણપ સર્જે છે; જેમ કે, (1) ડેકસ્ટ્રોપ્રોપોફિક્સીફેન, ફેન્ફ્લ્યુરામાઇન અને લીવોડોપા જેવાં ઔષધો મનોવિકારી અરુચિ (anorexia nervosa) કરીને લગભગ બધાં દ્રવ્યોની ઊણપ સર્જે છે, (2) ક્લૉસ્ટિરેમાઇન વિટામિન ડી અને ફોલેટનું અધિશોષણ (adsorption) કરીને તેમની ઊણપ સર્જે છે; (3) ઓમેપ્રેગ્મેલ આંતરડાંમાં જીવાણુઓની અતિવૃદ્ધિ કરાવી, જઠરના ઍસિડનું ઉત્પાદન ઘટાડી તથા અવશોષણની પ્રક્રિયા ઘટાડીને વિટામિન બી-12ની ઊણપ સર્જે છે, (4) સલ્ફાસેલેઝિન અને મિથોટ્રેક્ઝેટ પણ આંતરડાંમાં જીવાણુઓના પ્રકારને બદલીને તથા ફૉલિક ઍસિડના ચયાપચયને અવરોધીને ફૉલિક ઍસિડની ઊણપ સર્જે છે, (5) ક્ષયની સારવારમાં વપરાતી આયસોનિઆઝિડ પાયરિડૉક્સિન (વિટામિન બી-6)નો વપરાશ ઘટાડીને ઊણપ સર્જે છે, (6) આઇબ્રુપ્રોફેન, ઍસ્પિરિન, ડાઇક્લોફેન જેવી વિવિધ દુખાવો રોકતી દવાઓ જઠર અને આંતરડાંમાંથી લોહી વહેવડાવીને લોહની ઊણપ સર્જે છે, (7) પેનિસિલેનાઇન જસતનો મૂત્રપિંડ દ્વારા થતો ઉત્સર્ગ વધારીને તેની ઊણપ સર્જે છે; વગેરે. જઠર અને નાના આંતરડાના રોગો, આંતરડાંમાંના જીવાણુઓની અતિશય સંખ્યાવૃદ્ધિ, પિત્તમાર્ગના અને સ્વાદુપિંડના રોગો તથા ખોરાકના પાચન અને અવશોષણમાં અવરોધ કરે છે. ધૂમ્રપાન ફૉલિક ઍસિડ, બીટા-કેરોટિન, વિટામિન-સી અને વિટામિન-ઈ વગેરેના, ચયાપચયમાં વિકાર સર્જે છે. લાંબા સમયના ધૂમ્રપાનીઓ(smokers)માં ફૉલિક ઍસિડ અને વિટામિન-સીનું રુધિર-સ્તર ઘટે છે. ધૂમ્રપાનથી મોંના શ્લેષ્મસ્તરના કોષો તથા  લોહીના શ્વેતકોષોમાંના વિટામિન-સીનું તથા ફેફસાંના વાયુપોટાના પ્રવાહીમાં વિટામિન-ઈનું પ્રમાણ ઘટે છે.

નવી માહિતીઓ આવતી રહેતી હોવાથી પોષક દ્રવ્યોની વ્યાખ્યા બદલાતી રહે છે. વૃદ્ધોમાં વિટામિન-ઈ આપવાથી ટી-લસિકાકોષો દ્વારા જનીનોના વિકૃતિકારકો (mutageus) સામેનો પ્રતિભાવ સુધરે છે; પરંતુ તેથી તેઓની ચેપ સામેની પ્રતિકારક્ષમતા વધે છે કે નહિ તે જાણમાં નથી. તેવી જ રીતે નિઆસિનની ભારે માત્રામાં ખરાબ પ્રકારનું કૉલેસ્ટેરોલ ઘટે છે તે જોવાયું છે. હાલ તેથી કઈ માત્રામાં કયું સૂક્ષ્મ પોષક દ્રવ્ય અપાવું જોઈએ તે અંગે સતત વિચારણાઓ ચાલતી રહે છે.

ફૉલિક ઍસિડનો શરૂઆતનો ઉપયોગ મહારક્તબીજકોષી (megaloblastic) પાંડુતા થતી રોકવાનો છે. હાલ દર્શાવાયું છે તે પ્રમાણે, તે માટે જરૂરી કરતાં વધુ માત્રામાં ફૉલિક ઍસિડ લેવાથી તંદુરસ્તી પર્યાપ્ત સ્વરૂપે વધે છે. જોકે ત્યારે ક્યારેક વિટામિન બી-12ની ઊણપ દેખાઈ આવે છે. ફૉલિક ઍસિડ લેવાથી રુધિરરસ(serum)માં હોમોસિસ્ટિનનું પ્રમાણ ઘટે છે, જે હૃદયધમની રોગ અને લકવો કરતા અવરોધાત્મક ધમનીરોગો(occlusive vascular diseases)નું પ્રમાણ ઘટાડે છે. કદાચ આ કાર્યમાં વિટામિન બી-6 અને બી-12નું પણ મહત્ત્વ છે; પણ તે સાબિત થયેલું નથી. સગર્ભાસ્ત્રીને ફૉલિક ઍસિડ આપવાથી ગર્ભની ચેતાનળી(neural tube)ની વિકૃતિઓ ઓછી થાય છે. તેવી જ રીતે ફૉલિક ઍસિડ ઓછું હોય તેઓમાં ગર્ભાશય-ગ્રીવા(uterine cervix), મળાશય, મોટું આંતરડું તથા ફેફસાંનાં કૅન્સર વધુ થાય છે તેવું પણ નોંધાયું છે.

કેટલાંક દ્રવ્યોને પ્રતિઑક્સિડન્ટ અથવા પ્રતિઑક્સિજનપૂરક (antioxidant) તરીકે શોધી કઢાયાં છે. તેમાં વિટામિન-એ, સી, ઈ, કેરોટિનોઇડ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિટામિન સી અને ઈ તથા કેટલાક કેરોટિનોઇડ્સ પણ મુક્ત તત્ત્વાંકુરો(free radicdals)ને દૂર કરે છે. પેશી દ્રવ્યોનું ઑક્સિજનેશન તથા મુક્ત તત્ત્વાંકુરો કેટલાંક કૅન્સર, મોતિયો, દૃદૃષ્ટિપટલ-અપક્ષીણતા (retinal degeneration), ચેતાક્ષીણતા-રોગો (neuroen degenerative diseases) અને મેદજન્ય ધમનીકાઠિન્ય (atherosclerosis) કરે છે. પ્રતિઑક્સિડન્ટ અને મુક્ત તત્ત્વાંકુરહર્તા (free radical scavangers) દ્રવ્યો વૃદ્ધાવસ્થાનું અને પાછલી પ્રૌઢાવસ્થાના જીવનને જોખમી રોગોના પ્રમાણને ઘટાડવામાં કદાચ સફળ થાય તેમ મનાય છે. અલ્પ ઘનતાવાળું મેદપ્રોટીન(low density liproprotein, LDL)નું ઑક્સિડેશન ધમનીકાઠિન્યની શરૂઆત કરે છે તેવું મનાય છે. વિટામિન-ઈની ભારે માત્રા તથા અન્ય પ્રતિઑક્સિડન્ટ દ્રવ્યો કદાચ તે ઘટાડે છે એવું મનાય છે. હાલ તેને માટેની સાબિતીઓ અપૂરતી છે. વિટામિન-એ અને બીટા  સિસ-રેટિનોઇક ઍસિડની ભારે માત્રા મોં-ગળાના કૅન્સરને ફરી થતું અટકાવે છે. જોકે તે ત્યારે યકૃતનો વિકાર સર્જે છે. બીટાકેરોટિન અને વિટામિન-ઈ મોંમાંની સફેદ ચકતી (lencoplacia) ઘટાડીને કૅન્સર થતું અટકાવે છે. ચીનમાં ખોરાક સાથે ત્રણ ગણી માત્રામાં બીટા-કેરોટિન, સેલેનિયમ અને વિટામિન-ઈ આપવાથી જઠરના કૅન્સરનો દર ઘટ્યો છે એવી નોંધ ઉપલબ્ધ છે. જોકે ફિનલૅન્ડના એક અભ્યાસમાં ધૂમ્રપાનીઓને બીટા-કેરોટિન આપવાથી ફેફસાંનું કૅન્સર વધ્યાનું પણ નોંધાયું છે. તેથી હાલ કૅન્સર થતું અટકાવવા માટે  આ દ્રવ્યોનો ઉપયોગ વધુ વિધાયક સાબિતીઓ મળ્યા પછી જ નિશ્ચિત કરી શકાય તેમ છે. વિટામિન સી, ઈ અને કેરોટિન વડે આંખનાં દર્દો અટકાવવાના અભ્યાસ થઈ રહ્યા છે. વિટામિન સી લેનારાઓમાં મોતિયો આવતો અટકે છે એવું સૂચવાયું છે. વિટામિન બી-12 વડે ચેતાકીય મનોવિકારી (neuropsychiatric) રોગો ઘટે છે કે કેમ તે જાણવાના અભ્યાસો પણ થઈ રહ્યા છે. આ સાથે સારણી 8માં વિટામિનો(પ્રજીવકો)ના નવા જે આરોગ્યલક્ષી ઉપયોગો વિકસી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યા છે.

સારણી 8 : પ્રજીવકો(વિટામિનો)ના નવા આરોગ્યલક્ષી ઉપયોગો

પ્રજીવક કે પૂર્વપ્રજીવક (provitamin) હાલનો ઉપયોગ ભવિષ્યનો સંભવિત ઉપયોગ
1. બીટા-કેરોટિન વિટામિન-એ મેળવવા. પ્રતિ-ઑક્સિડન્ટ અને મુક્ત- તત્ત્વાંકુરહર્તા આંતરકોષીય અવકાશમાં જોડાણ કરવા.
2. નિયાસિન સહ-ઉત્સેચક. LDL ઘટાડવા.
3. ફૉલિક ઍસિડ મહારક્તબીજકોષી પાંડુતા મટાડવા. હોમોસિસ્ટિનનું લોહીનું પ્રમાણ ઘટાડવા, ગર્ભમાં ચેતાનળીની વિકૃતિ ઘટાડવા.
4. વિટામિન-એ દૃદૃષ્ટિપટલની ઓછા પ્રકાશમાં સંવેદના ઝીલવાની ક્ષમતા જાળવવા. અધિચ્છદના કોષોની જાળવણી, કોષીય પ્રતિરક્ષા-(cellulary immunity)ની જાળવણી, પ્રાગર્ભજનન-(embyogensis)ની જાળવણી.
5. વિટામિન-ડી કૅલ્શિયમ અને ફૉસ્ફરસનો ચયાપચય જાળવવા. અધિચ્છદના કોષોનું યોગ્ય વિભેદન કરવા.
6. વિટામિન-B6 સહઉત્સેચક. સ્ટીરોઇડ-પ્રક્રિયાનું નિયમન.
7. વિટામિન-સી સહઉત્સેચક. પ્રતિઑક્સિડન્ટ.

પુખ્ત વયે પોષણદ્રવ્યની ઊણપ અંગેની જાણકારી મેળવવા માટે વજનનો ઘટાડો, શરીર પરનાં લક્ષણો અને ચિહ્નોની તપાસ (સારણી 9), લોહીમાં પ્રોટીનનું માપ, બાહુપરિઘમાપન, ત્રિશિર્ષી સ્નાયુ સંબંધિત ત્વચાગડી (triceps skinfold) તથા પોષણલક્ષી સારવારનું પરિણામ વગેરેનો ઉપયોગ કરાય છે. પુખ્તવયને અનુલક્ષતી આદર્શ વજન, બાહુપરિઘમાપન તથા ત્રિશિર્ષી સ્નાયુ સંબંધિત ત્વચાગડી માટેની સારણીઓ ઉપલબ્ધ છે; જેના દ્વારા અલ્પપોષણતા નક્કી કરી શકાય છે. વળી ચોક્કસ સૂક્ષ્મ પોષક દ્રવ્યની ઊણપથી ચોક્કસ પ્રકારના વિકારો કે રોગો થાય છે. તે અંગેની નોંધ મેળવવાથી પણ નિદાન કરી શકાય છે. સારણી 10 અને 11માં સૂક્ષ્મ પોષક દ્રવ્યોની ઊણપથી થતા રોગો અંગે ટૂંકમાં માહિતી આપી છે.

બાહુમાપન (upper arms anthropometry) વડે ઊર્જા અને પ્રોટીનના પોષણનું માપન કરી શકાય છે. શરીરની ચરબીના 50 % ચામડી નીચે હોય છે. તેથી શરીરની ચરબી માપવા માટે કોણીને સીધી કરતા ત્રિશિર્ષી સ્નાયુ (triceps muscle)ની ઉપરની ચામડીની ગડીની જાડાઈ માપવાથી શરીરની ચરબીનું પ્રમાણ જાણી શકાય છે. પાંચમા(percentile)થી ઓછા મૂલ્ય વડે વિકારનું પ્રમાણ નિશ્ચિત કરાય છે. મધ્યબાહુપરિઘ (midarm circumference, MAC) અને ત્રિશિર્ષી સ્નાયુ સંબંધિત ત્વચાગડી(triceps skin fold : TSF)ના માપન વડે હાથના સ્નાયુઓનો પરિઘ(બાહુસ્નાયુપરિઘ, arm muscle circumference, AMC) ગણી કઢાય છે; જે પ્રોટીનના પોષણનો મૂલ્યાંક ગણાય છે.

સારણી 9 : પુખ્ત વયે જોવા મળતાં પોષક દ્રવ્યોની ઊણપથી થતાં લક્ષણો અને ચિહ્નો

અવયવ/પેશી લક્ષણ કે ચિહ્ન પોષક દ્રવ્યની ઊણપ
1 સમગ્ર દેહ કૃશકાય, ફક્ત હાડ-ચામડીનો માળો, ઓછી ભૂખ પ્રોટીન, કૅલરી (ઊર્જા)
2 ચામડી સોરિયાસિસ જેવો સ્ફોટ, ખરજવા જેવી પોપડીઓ ઊખડવી ફીકાશ જસત, વિટામિન એ, અનિવાર્ય મેદામ્લો, લોહ, ફૉલિક ઍસિડ, તાંબું, વિટામિન-બી-12
પુટિકાદાર અતિશૃંગિતા (follicular hyperkeratosis) વિટામિન-એ, સી
પરિપુટિકા રુધિરસ્ફોટક (perifollicular petechiae) વિટામિન-સી
ત્વચાશોથ (dermatitis) પ્રોટીનોર્જા નિયાસિન, રિબૉફ્લૅવિન જસત
લોહીનાં ચકામાં પડવાં (bruising) વિટામિન  સી, કે નિયાસિન, પ્રોટીનોર્જા-
ચામડીના રંગના વિકારો ઊણપ
વૃષણ-કોથળી(scrotum)ની ચામડીનો વિકાર રિબૉફ્લૅવિન
જાડી અને સુક્કી ચામડી લિનોલિક ઍસિડ
3. માથું લમણાંના સ્નાયુ પાતળા થાય પ્રોટીન, કૅલરી(ઊર્જા)
4. વાળ પાતળા, આછા, વિરંજિત (dyspigmented) પ્રોટીન
ઝડપથી ખરે, પ્રોટીન
ગૂંચળાં વળે. વિટામિન-સી
5. આંખ રાત્રી-અંધાપો(રતાંધતા), અંજાઈ ગયા પછી પણ જોવાની મુશ્કેલી. વિટામિન-એ, જસત
પ્રકાશ-અસહ્યતા (photopholia) ઝાંખું દેખાવું, નેત્રકલાનો શોથ રિબૉફ્લૅવિન વિટામિન-એ
સ્વચ્છા (cornea) પર નસો ઊગવી રિબૉફ્લૅવિન
શુષ્ક શ્વેતપટલતા (xerosis) વિટામિન-એ
બિટોરબિન્દુઓ, સ્વચ્છામૃદુતા
(keratomalacia)
6. મોં જીભ આવવી રિબૉફ્લૅવિન, નિયાસિન, ફૉલિક ઍસિડ, વિટામિન બી-12, પાયરિડૉક્સિન (બી-6)
અવાળુમાંથી લોહી વહેવું વિટામિન-સી, રિબૉફ્લૅવિન
અને ઓષ્ઠકોણીય રિબૉફ્લૅવિન, નિયાસિન
મુખશોથ (cheilosis). પાયરિડૉક્સિન
અલ્પસ્વાદિતા (hypoguesia) જસત
જીભચીરા નિયાસિન
જિહ્વાક્ષીણતા રિબૉફ્લૅવિન, નિયાસિન,
(tongue atrophy) લોહ, પાયરિડૉક્સિન
નાક-ઓષ્ઠીય તૈલસ્રાવ પાયરિડૉક્સિન
(nasolabial selorrhoea)
7. ડોક (neck) ગલગંડ (goitre), આયોડિન,
કપોલીય લાળગ્રંથિવૃદ્ધિ (parotid enlargement) પ્રોટીન,
8. છાતી અસ્થિગંડમાળ (rosary) વિટામિન-ડી,
9. પેટ (ઉદર) ઝાડા, પેટ ફૂલવું, નિયાસિન, ફૉલિક ઍસિડ, વિટામિન-બી-12, પ્રોટીન, કૅલરી (ઊર્જા)
યકૃતવૃદ્ધિ (hepatomegaly) પ્રોટીન, કૅલરી (ઊર્જા)
10. હાથપગ (ઉપાંગો) સોજા (જળશોફ, oedema), પ્રોટીન, થાયામિન
પોચાં હાડકાં, વિટામિન-ડી, કૅલ્શિયમ, ફૉસ્ફરસ
હાડકાંને અડવાથી દુખાવો વિટામિન – ડી
(સ્પર્શવેદના, tenderness)
હાડકાંમાં દુખાવો, સાંધાનો દુખાવો, વિટામિન – સી
સ્નાયુ પાતળા થવા, પ્રોટીન, ઊર્જા, વિટામિન
નબળા પડવા, ડી, સેલેનિયમ, મીઠું
સ્નાયુ સ્પર્શવેદના, સ્નાયુપીડા થાયામિન
11. નખ ચમચી આકારના, આડી રેખાઓ લોહ, પ્રોટીન
12. ચેતાતંત્ર અંગુલિવંકતા (tetany), કૅલ્શિયમ, મૅગ્નેશિયમ
હાથપગમાં ઝણઝણાટી થાયામિન, વિટામિન
(પરાસંવેદના, paraesthesia), બી-12,
પરાવર્તીક્રિયાઓ ઘટવી, થાયામિન
હસ્ત અને પાદ લબડી પડવા,
ધ્રુજારી, સ્થાનસંવેદના ઘટવી, વિટામિન-બી-12
ચાલવામાં  તકલીફ, વિટામિન-બી-12
દુ:મનસ્કતા (dementia) કે દેશકાળઅભાનતા (disorientation) નિયાસિન
13. લોહી પાંડુતા (anaemia) લોહ, પ્રોટીન, ફૉલિક ઍસિડ, પાયરિડૉક્સિન, વિટામિન-બી-12,
રક્તકોષ-વિલયન (haemolysis) ફૉસ્ફરસ, વિટામિન-ઈ

તે માટે નીચેનું સમીકરણ વપરાય છે :

વિવિધ પોષક દ્રવ્યોની ઊણપથી થતા રોગોને સારણી 10માં દર્શાવ્યા છે.

સારણી 10 : વિટામિનોની ઊણપથી થતા રોગો અને વિકારો

વિટામિન પ્રાથમિક નોંધ ઊણપજન્ય વિકારો
1. વિટામિન-એ રેટિનોઇડ્સ અને કેરોટિનોઇડ સંયોજનમાંથી મળે. આંખના પ્રકાશલક્ષી રંજક દ્રવ્યોના કાર્યમાં ઉપયોગી. (અ) ચામડીમાં પુટિકાકારી અતિશૃંગિતા (follicular hyperkeratosis). (આ) રાત્રી-અંધાપો, (ઇ) આંખમાં નેત્રકલાની શુષ્કતા (conjuctival xerosis), (ઈ) આંખમાં સ્વચ્છામૃદુતા (corneomalacia), (ઉ) આંખની નેત્રકલા (conjuctiva) પરના ફીણ જેવા દેખાતા બિટોટ બિંદુઓ, (ઊ) આંખની સ્વચ્છાના રોગ અને દૃષ્ટિપટલના વિકારને કારણે અંધાપો, ચેપવશ્યતા (વારંવાર ચેપ લાગવો)
2. વિટામિન-ડી વિટામિન ડી-3 ચામડીમાં બને. તેની સક્રિયતામાં મૂત્રપિંડ અને યકૃત પણ કાર્યશીલ હોય છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચય તથા હાડકાં અને સ્નાયુની ક્રિયાઓ અને બંધારણમાં જરૂરી. તેની ઊણપને હવે વિવિધ કૅન્સરના થવા કે ફેલાવા સાથે અને હૃદયરોગ, મધુપ્રમેહ વગેરે વિકારો થવા સાથે પણ સાંકળવામાં આવી રહી છે. (અ) બાળકોમાં રિકેટ્સ અને (આ) પુખ્ત વયે અસ્થિમૃદુલતા (osteomalacia). તેમાં સાંધા પાસેના હાડકાંના વધતા છેડાઓ પહોળા થાય છે અને તેથી કુરૂપતા આવે છે. હાડકાં સહેલાઈથી ભાંગી જાય છે. લોહીમાં કૅલ્શિયમ ઘટે છે.
3. વિટામિન-ઈ લગભગ 8  જુદાં જુદાં કુદરતી દ્રવ્યો વિટામિન-ઈનું કાર્ય કરે છે. તેમને ટોકોફેરૉલ્સ કે ટોકોટ્રાઇનોલ્સ કહે છે. સૌથી વધુ ક્રિયાક્ષમ છે આલ્ફા-ટોકોફેરૉલ. તે પ્રતિ-ઑક્સિડન્ટ છે અને મુક્ત તત્ત્વાંકુરો (free radieais) દૂર કરે છે. કુપોષણમાં ક્યારેક કે એબીટાલાયપ્રોપિટિનિમિયા જેવા ક્યારેક થતા વિકારોમાં તેની ઊણપ થાય છે. રક્તકોષો તૂટી જવા, તેનાથી થતી પાંડુતા, હાથપગની ચેતાના વિકારો, પૂર્વપક્વ શિશુઓ (premature infants)માં થતી પશ્ચનેત્રમણિતંતુવૃદ્ધિ (retrolental fibroplasia)માં તે કારણરૂપ ગણાય છે.
4. વિટામિન-કે ફાયલોક્વિનોન (વિટામિન-કે1) વનસ્પતિમાંથી મળે છે અને મિનાક્વિનોન્સ (કે-2) જીવાણુઓમાંથી મળે છે. તે આંતરડાંમાંના જીવાણુઓ બનાવે છે. લોહીનું ગઠન કરતા વિવિધ પ્રોટીનોના ઉત્પાદનમાં તે સહ-ઘટક તરીકે કાર્ય કરે છે. ભાગ્યે જ ઊણપજન્ય વિકાર થાય છે. (અ) સ્તન્યપાની શિશુઓમાં લોહી વહેવાનો વિકાર, (આ) પુખ્ત વયે ચરબીનું અવશોષણ ઘટે તેવા વિકારો, (ઇ) પુખ્ત વયે ઍન્ટિબાયૉટિકનો વ્યાપક ઉપયોગ, (ઈ) વિટામિન-ઈ અને પ્રતિગઠનકારી ઔષધો લેતી વ્યક્તિઓને સામાન્ય રીતે ખૂબ લોહી વહેવાનો વિકાર થાય છે; દા. ત., યકૃતના પિત્તરોધી (cholestatic) રોગો, તેની ઊણપમાં પ્રોથોમ્બિન-કાળ વધે છે.
5. વિટામિન-સી એસ્કૉર્બિક ઍસિડ અને ડિહાઇડ્રાએસ્કૉર્બિક ઍસિડની સંયુક્ત અસરોને વિટામિન-સી-ની ક્રિયાક્ષમતા રૂપે લેવાય છે તે સંધાનપેશીના શ્વેતતંતુઓ (collegens), પિત્તના ઍસિડ, નૉર એમિનેફ્રિન તથા યકૃતની ઑક્સિજિનેઝ ક્રિયાતંત્રના કાર્યમાં ઉપયોગી છે. તેની હાજરીમાં હિમ-વગરનું લોહતત્ત્વ સહેલાઈથી આંતરડામાંથી લોહીમાં પ્રવેશે છે. થાક, ખિન્નતા, અવાળાનો સોજો, ચામડીમાં લોહી ઝમવું, પરિપુટિકાકીય રુધિરસ્રાવ (periollicular haemorrhages), ઘા-રૂઝમાં વાર થવી, ગૂંચળાવાળા વાળ થવા, વિવિધ સ્થળે લોહી પડવું, હાડકાંનાં વૃદ્ધિ-વિકાસમાં અટકાવ વગેરે વિવિધ લક્ષણોના સમૂહને સ્કર્વી કહે છે, જે વિટામિન-સીની ઊણપથી થાય છે. લાંબા સમયના ધૂમ્રપાનીઓમાં વિટામિન-સીનું સ્તર ઘટે છે.
6. વિટામિન બી-1 (થાયામિન) જલદ્રાવ્ય વિટામિન, એ.ટી.પી.ના સંશ્લેષણમાં તથા ગ્લુકોઝમાંથી ઊર્જા (શક્તિ) મેળવવાના ચયાપચયમાં ઉપયોગી સહઉત્સેચક. તે ઉપરાંત ચેતાકીય આવેગવહનમાં ક્રિયાશીલ. તેની ઊણપથી થતા રોગને બેરીબેરી કહે છે. પૉલિશ કરેલા ચોખા ખાવાથી તે થાય છે. દારૂની લતવાળા અને વારંવાર રુધિરીપારગલન (haemodialysis) કરાવતા લાંબા ગાળાની મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીઓમાં તે થાય છે. જો વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ લેવાય તો પણ તેની માંગ વધે છે. તેની ઊણપમાં હાથ-પગની ચેતાઓનું કાર્ય અને સંવેદનાઓનું વહન ઘટે તથા હૃદયની નિષ્ફળતા ઉદ્ભવે. તેને કારણે ચામડીમાં પણ વિકાર ઉદ્ભવે છે.
7. વિટામિન બી-2 (રિબૉફ્લૅવિન) કેટલીક ઑક્સિડેશન-રિડક્શનની રાસાયણિક પ્રક્રિયાઓમાં સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે. અન્ય વિટામિન-બી-જૂથ સાથે તેની ઊણપ વરતાય છે. તેની ઊણપમાં નાક-ગળામાં લોહીનું વધેલું પરિભ્રમણ ઓષ્ઠકોણીય મુખશોથ, (cheilosis) મુખશોથ (stomatitis), જિહ્વાશોથ (glossitis), તૈલસ્રાવી ત્વચાશોથ (seborrahoic dermatitis) તથા સમકોષી-સમરંજિત પાંડુતા (normocytic normochromic anaemia) થાય છે. હોઠના ખૂણામાં પડતાં ચાંદાંને ઓષ્ઠકોણીય મુખશોથ કહે છે. મોંનાં ચાંદાં અને જીભ આવી જવાને અનુક્રમે મુખશોથ અને જિહ્વાશોથ કહે છે. ચામડી પર સોજો આવે અને તે લાલ થાય ત્યારે તેને ત્વચાશોથ કહે છે. લોહીનું હીમોગ્લોબિન ઓછું હોય ત્યારે થતી ફીકાશને પાંડુતા (anaemia) કહે છે. રિબૉફ્લૅવિનની ઊણપમાં રક્તકોષોનું કદ ઘટતું નથી. (સમકોષી) અને તેમનો રંગ પણ ઝાંખો પડતો નથી (સમરંજિત) પરંતુ તેમની સંખ્યા ઘટે છે.
8. વિટામિન બી-3 નિકોટિનિક ઍસિડ અને તેના એમાઇડને વિટામિન-બી-3 તેની ઊણપના રોગને પેલાગ્રા કહે છે. મકાઈનો મુખ્ય આહાર હોય
(નિયાસિન) કહે છે તે કેટલીક ઑક્સિડેશન-પ્રક્રિયાઓમાં તો તે થાય છે. તેમાં ત્વચાશોથ, ઝાડા તથા દુ:મનસ્કતા(dementia)-
સહઉત્સેચક છે. નો વિકાર થાય છે. ઊંઘ ઘટે છે અને ચામડી પર ડાઘા પડે છે.
હાથ-પગમાં બળતરા થાય છે. જીભ અને મોં આવી જાય છે, ચક્કર આવે છે.
9. વિટામિન બી-6 (પાયરિડૉક્સિન) તેમાં પાયરિડૉક્સિન, પાયરિડૉક્સાલ અને પાયરિડૉક્સાઇમનો સમાવેશ થાય છે. તે વિવિધ ટ્રાન્સ-એમાઇનેશન પ્રક્રિયાઓમાં કાર્યરત છે. અન્ય જલદ્રાવ્ય વિટામિનો સાથે તેની ઊણપ થાય છે. મોં આવવું, હોઠના ખૂણે ચાંદાં પડવાં, જીભ આવવી, ઉશ્કેરાટ અનુભવવો, ખિન્નતા તથા માનસિક ગૂંચવણ થવી, લોહીનું હીમોગ્લોબિન ઘટવું વગેરે થાય છે. આઇસોનિઆઝિડ, પેનિસિલેમાઇન, દારૂ અને થિયોફાયાલિનના સેવનમાં તેની ઊણપ થાય છે.
10. વિટામિન-બી-12 કોબોલામિન જૂથનાં દ્રવ્યો. તેઓ મેદ અને શર્કરાના ચયાપચયમાં ઉપયોગી છે. વળી ઍમિનોઍસિડના ચયાપચયમાં અને ફૉલિક ઍસિડને કોષમાં જાળવી રાખવા માટે કામ આવે છે. ફકત ચુસ્ત શાકાહારીઓમાં. ઊણપ ઉદ્ભવે છે. હાથપગમાં પરાસંવેદનાઓ (ઝણઝણાટી) થાય છે તથા લકવો થાય છે. લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી મહારક્તબીજકોષી (megaloblastic) પાંડુતા થાય છે.
11. ફૉલિક ઍસિડ (વિટામિન-બી-જૂથ) જુદાં જુદાં 35 ટેરિન-સંયોજનોને ફૉલેટ તરીકે વિટામિન ગણવામાં આવે છે. તેમનું સંપૂર્ણ ઑક્સિડાઇઝ્ડ સ્વરૂપ ફૉલિક ઍસિડ છે. તે ન્યુક્લિઓટાઇડ બનાવવા માટે આવશ્યક છે. ન્યુક્લિઓટાઇડમાંથી ડી.એન.એ. બને છે. ઘણી મલેરિયા, જીવાણુ અને કૅન્સરવિરોધી દવાઓ ફૉલેટના ચયાપચયને અટકાવીને કાર્ય કરે છે. ગર્ભ ધારણ કરી શકે તેવી વધુ ઉંમરની સ્ત્રીઓમાં તેની ઊણપ જોવા મળે છે. તેની ઊણપમાં મહાબીજકોષી પાંડુતા (megaloblastic pneumonia) થાય છે. તે ઉપરાંત જીભ આવવી તથા ઝાડા થવા જેવી તકલીફો મોં અને આંતરડાંના કોષોમાં થતા મહાબીજકોષી વિકાર(megoloblastic disorder)ને કારણે થાય છે. પાયરિમિથામિન અને મિથોટ્રેકઝેટ તેના ચયાપચયને અટકાવે છે જ્યારે સલ્ફાસેલેઝિન અને ફેનિટોઇન તેના અવશોષણને અટકાવીને ઊણપ કરે છે. તેના ચયાપચયી અવરોધને પાર કરી જવા ફૉલિનિક ઍસિડ (લ્યુકો બૉરિન ફૅક્ટર) નામનું ઔષધ મળે છે.
12. બિટોનિન (વિટામિન-બી-જૂથ) લાયસિન નામના ઍમિનો સાથે સંકળાયેલું વિટામિન દ્રવ્ય. ચયાપચયી ક્રિયાઓમાં સહઉત્સેચક તરીકે વર્તે છે. મોટે ભાગે અન્ય વિટામિનોની ઊણપ સાથે જ જોવા મળે છે. રાંધ્યા વગરનો ઈંડાનો સફેદ ભાગ પુષ્કળ પ્રમાણમાં ખવાય તો તેમાંનું એમિડિન નામનું દ્રવ્ય બિટોનિન સાથે જોડાઈને તેની ઊણપ સર્જે છે. તે લૅક્ટિક ઍસિડોસિસ અને સેન્દ્રિય અમ્લમેહ (organic aciduria) સાથે જોવા મળે છે. તેની ઊણપમાં સ્નાયુનો દુખાવો, ઝણઝણાટી કે ખાલી ચઢવી તથા ભૂખ મરી જવી જેવા શારીરિક અને માનસિક વિકારો થાય છે. ક્યારેક ચામડીમાં શોથ (inflammation) થાય છે કે વાળ ઊતરવાથી ટાલ પડે છે.
13. પેન્ટોથેનિક ઍસિડ (વિટામિન-બી-જૂથ) તે સહઉત્સેચક-એ(CoA)નું પૂર્વ સ્વરૂપ (precursor) છે. CoA ચરબીના ઍસિડના સંશ્લેષણ અને બીટા ઑક્સિડેશનમાં, કૉલેસ્ટેરોલ, સ્ટીરોઇડ અંત:સ્રાવો, વિટામિન-એ અને ડી વગેરેના સંશ્લેષણમાં ઉપયોગી છે. તે કેટલાક ઍમિનોઍસિડ, વિટામિન-B-12ની કોરિન રિંગ તથા હીમોગ્લોબિનની પોરફાયફિન રિંગના ઉત્પાદનમાં જરૂરી દ્રવ્ય છે. અન્ય વિટામિનો સાથે તેની ઊણપ થાય છે. પેટમાં દુખાવો, ઊલટી, અનિદ્રા અને હાથપગમાં બળતરા થાય છે. ‘બળતા પગ’ના સંલક્ષણમાં તે ખાસ ઉપયોગી છે. વળી તેને નસ વાટે આપવાથી આંતરડાનું હલન-ચલન વધે છે.

સારણી 11 : સ્વલ્પ તત્ત્વોની ઊણપથી થતા વિકારો

સ્વલ્પ તત્ત્વ પ્રાથમિક નોંધ ઊણપજન્ય વિકાર
1. ક્રોમિયમ (ધાતુ) ઇન્સ્યુલિનનું કાર્ય વધારે છે. સેન્દ્રિય અને અસેન્દ્રિય સ્વરૂપે કાર્યરત છે. કાર્બોદિત પદાર્થો, ચરબી તથા પ્રોટીનના ચયાપચયમાં સક્રિય છે. તે ડાઇનિકોટિનો-ગ્લુટાથિઓન નામના સંકુલ અણુ બનાવીને ઇન્સ્યુલિનનું કાર્ય વધારે છે. આ સંકુલ અણુને ગ્લુકોઝસહ્યતા ઘટક (glucose tolerance factor) કહે છે. લાંબા સમય સુધી નસ વાટે પોષણ અપાય ત્યારે ઊણપ થાય છે. તેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લુકોઝ-અસહ્યતા (intolerence) થાય છે. ચેતાઓના તેમજ મસ્તિષ્કના વિકારો થાય છે.
2. તાંબું (ધાતુ) આંતરડામાંથી એક વિશિષ્ટ અવશોષણ-પ્રવિધિ દ્વારા શોષાઈને યકૃતમાં પહોંચે છે, જ્યાં તે સિરુલોપ્લાઝમિન નામના પ્રોટીન સાથે જોડાઈને લોહીમાં પરિભ્રમણ કરે છે. તે પિત્ત અને મળમાર્ગે બહાર નીકળે છે. વિવિધ ઉત્સેચકોના એક અગત્યના ઘટક તરીકે તે કાર્ય કરે છે. તેની ઊણપ ભાગ્યે જ જોવા મળે છે. ફકત ગાયનું દૂધ લેતાં બાળકો કે નસ વાટે પોષણ મેળવતા દર્દીઓમાં તેની ઊણપ થાય છે. તેમાં ચામડીના રંગના વિકારો, ચેતાતંત્રીય વિકારો, લોહીના શ્વેતકોષો અને હીમોગ્લોબિનમાં ઘટાડો, (anaemia) હાડકાંમાં વિકારો વગેરે જોવા મળે છે.
3. લોહ (ધાતુ) લોહીના હીમોગ્લોબિન, સ્નાયુઓના માયોગ્લોબિન તથા સાયટોક્રૉમ ઉત્સેચકોમાં તે એક ઘટક છે અને આમ તે કોષોના શ્વસનમાં ઉપયોગી છે. તેનું અવશોષણ વિટામિન-સીથી વધે છે, પણ અન્ય આહારી દ્રવ્યોથી ઘટે છે. પાંડુતા(anaemia), જીભ આવવી, ચમચી જેવા ખાડાવાળા નખ થવા, થાક લાગી જવો વગેરે વિકારો થાય છે. ઋતુસ્રાવવાળી સ્ત્રીઓમાં અને સગર્ભાવસ્થા કે પયધારણ-કાળમાં તે વધુ જોવા મળે છે.
4. મૅંગેનીઝ (ધાતુ) વિવિધ ધાતૂત્સેચકો (metaloenzymes)માં તે એક ઘટક છે. તે કોષમાંના કણાભસૂત્રો (mitochondria)માં હોય છે. તેની ઊણપના વિકારો માનવમાં દર્શાવી શકાયા નથી. કદાચ તેને કારણે કૉલેસ્ટેરોલમાં ઘટાડો, નખના વિકારો, વજનમાં ઘટાડો, ત્વચાશોથ તથા વિટામિન કે સંબંધિત ગઠન ઘટકોના ઉત્પાદનમાં ઘટાડો જણાય છે.
5. મેલ્બિડિયમ (ધાતુ) ઝેન્થિન ઑક્સિડેઝ અને અન્ય ઉત્સેચકોમાં સહઘટક નસ દ્વારા સલ્ફાઇટ આપવાથી તેની ઊણપ થાય છે. તેને કારણે પ્યુરિન, યુરિક ઍસિડ તથા સલ્ફેટના ઉત્સર્ગમાં ઘટાડો થાય છે.
6. સેલેનિયમ (ધાતુ) વિવિધ ઉત્સેચકોનો ઘટક. ઑક્સિડેટિવ કે મુક્તતત્ત્વાંકુરોથી થતા નુકસાનને ઘટાડે છે તે થાયરૉક્સિનનું ટ્રાઇઆયોડોથાયરોનિનમાં પરિવર્તન કરે છે. લાંબા સમય સુધી નસ દ્વારા પોષણ મેળવતા દર્દીઓમાં તે થાય છે. ચીનમાં તેની આહારીય ઊણપને કારણે કેશાનનો રોગ થાય છે, જેમાં હૃદયસ્નાયુરુજા (cardiomyopathy) થાય છે.
7. જસત (ધાતુ) સગર્ભાવસ્થા અને કોર્ટિડોસ્ટીરોઇડ તેનું અવશોષણ વધારે છે તથા ફાયટેટ, ફૉસ્ફેટ, લોહ, તાંબું, સીસું તથા કૅલ્શિયમ તેનું અવશોષણ ઘટાડે છે. તે 100 જેટલા ઉત્સેચકોમાં સહઘટક છે, જેમાં ડી.એન.એ. અને આર.એન.એ.ના પૉલિમરેઝ ઉત્સેચકોનો સમાવેશ છે. થોડી ઊણપ હોય તો બાળકોની વૃદ્ધિ ઘટે છે; વધુ તીવ્ર ઊણપમાં વૃદ્ધિ બંધ થાય છે. જનનગ્રંથિઓનું કાર્ય ઘટે છે, ગર્ભધારણ થતું નથી, સ્વાદ બદલાય છે, ઘાવ રુઝાતો નથી, ઝાડા થાય છે, ત્વચાશોથ થાય છે તથા મોં આવે છે. વાળ ખરે છે, આંખની સ્વચ્છા ઝાંખી થાય છે. વર્તનના વિકારો થાય છે. લાંબા સમયના ઝાડામાં તેની ઊણપ જોવા મળે છે.
8. ફ્લોરિન (અધાતુ) ફ્લોરાઇડ તરીકે વધુ જાણીતું તત્ત્વ. તે સ્ફટિકદાર હાડકાં અને દાંતમાં જમા થાય છે. શિશુઓમાં 0.1 મિગ્રા./દિવસ અને બાળકોમાં 0.5 મિગ્રા./દિવસથી ઓછી માત્રામાં લેવાય તો દાંતનો સડો થાય છે.
9. આયોડિન (અધાતુ) થાઇરૉઇડના અંત:સ્રાવોમાંનું અગત્યનું ઘટક. થાઇરૉઇડના અંત:સ્રાવોની ઊણપ, વામનતા, ફૅટિનિઝમ તથા ગળામાં ગાંઠ રૂપે ગલગંડ (goitre) થાય. ખાવાના મીઠામાં ભેળવવાથી તેની ઊણપ ઘટે.

શિલીન નં. શુક્લ