ન્યુમોનિયા

ફેફસાંનો શોથ. ફેફસાંની નાની શ્વસનિકાઓ (bronchioles), વાયુપોટા (alveoli) તથા તેની આસપાસની અંતરાલીય પેશી (interstitium) વગેરે લોહીના કોષો ભરાવાથી લાલ, સોજાયુક્ત અને ગરમ થાય તેને ફેફસાંનો શોથ (inflammation) કહે છે. તેને શાસ્ત્રીય રીતે ફેફસીશોથ અથવા ફુપ્ફુસી (pneumonia) કહે છે.

કારણવિદ્યા (aetiology) : ન્યુમોનિયા થવાનું મુખ્ય કારણ ચેપ છે. ક્યારેક કોઈ બાહ્ય પદાર્થ, જઠરમાંનું પ્રવાહી કે શ્વસનમાર્ગના બહિ:સ્રાવો (secretions) જો ફેફસાંની અંદર ઊતરે તો ત્યાં તે શોથજન્ય વિકાર સર્જે છે અને ન્યુમોનિયા થાય છે. તેને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચાય છે : પ્રાથમિક ન્યુમોનિયા (જુઓ સારણી) અને આનુષંગિક ન્યુમોનિયા.

સારણી : પ્રાથમિક ન્યુમોનિયા કરતા કેટલાક સૂક્ષ્મજીવો

સંખ્યાપ્રમાણ સૂક્ષ્મજીવો
1. સૌથી વધુ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિ
2. ઘણું વધારે સ્ટેફાયલોકોકલ ઑરિયસ, લેજિઓનેલા ન્યુમોફિલિયા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિ
3. ક્યારેક હીમોફ્લિસ ઇન્ફ્લુએન્ઝી, ક્લેબ્સીએલા ન્યુમોનિ, સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ, સ્યૂડોમોનાસ ઍરિઓજિનોઝા
4. જવલ્લે જ કોક્સિયેલા બુર્નેટાઇ, ક્લેમાઇડિયા સિટેસી, ઍક્ટિનૉમાઇસિસ ઇઝરેઇલી, વિવિધ વિષાણુઓ

પ્રાથમિક ન્યુમોનિયા વિવિધ સૂક્ષ્મજીવોથી થાય છે; જેમ કે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ, સ્ટેફાયલોકોકલ ઑરિયસ, લેજિઓનેલા ન્યુમોફિલિયા, ગ્રામ અનભિરંજિત જીવાણુથી થતો ન્યુમોનિયા, માયકોપ્લાઝ્મા, કોક્સિયેલા, ક્લેમાડિયા વગેરે. આનુષંગિક ન્યુમોનિયામાં બાહ્ય પદાર્થ કે પ્રવાહી ફેફસાંમાં અંદર પ્રવેશે માટે તેને અભિશોષણ(aspiration)જન્ય ન્યુમોનિયા પણ કહે છે. તેનાં મુખ્ય કારણોમાં નાકની આસપાસના હાડકાનાં પોલાણો(અસ્થિવિવર, sinus)માં ચેપ (વિવરશોથ, sinusitis), શ્વાસનલિકાશોથ (bronchitis), બેભાન અવસ્થામાં થયેલી ઊલટી ફેફસાંમાં પ્રવેશે તેવી સ્થિતિ; દા. ત., શીશી સૂંઘાડીને બેભાન-અવસ્થા કરાઈ હોય, અતિશય દારૂ પીધો હોય, મગજના રોગોમાં દર્દી બેભાન થયો હોય વગેરે. આવા સમયે ઓછી ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો ન્યુમોનિયા કરે છે. સામાન્ય રીતે અભિશોષણજન્ય ન્યુમોનિયામાં થતો શોથજન્ય વિકાર ફેફસાંની પેશીનો નાશ કરે છે અને તેમાં પરુ બને છે. તેથી ફેફસાંમાં ગૂમડું થાય છે. તે જ્યારે રુઝાય ત્યારે તંતુઓ બને છે અને શ્વાસની નાની નલિકાઓ પહોળી થઈ જાય છે. તેમને અનુક્રમે ફેફસી તંતુતા (pulmonary fibrosis) અને શ્વસનનલિકા વિસ્ફારણ (bronchiectasis) કહે છે. આવા પ્રકારના ન્યુમોનિયાને સપૂય (suppurative) ન્યુમોનિયા પણ કહે છે.

નિદાન : ન્યુમોનિયામાં તાવ, ખાંસી, ગળફો પડવો, ક્યારેક લોહી મિશ્રિત ગળફો પડવો, છાતીમાં દુખાવો થવો, ભૂખ ન લાગવી વગેરે અનેક લક્ષણો જોવા મળે છે. ફેફસાંનો જે ભાગ ન્યુમોનિયાગ્રસ્ત હોય તે ફેફસાંનો ભાગ હવાદાર પોચો રહેવાને બદલે એક ઘનપદાર્થ જેવો થઈ જાય છે. તેને સંઘનીભવન (consolidation) કહે છે. તેના કારણે છાતીની ટકોરાતપાસ(percussion)માં બોદો અવાજ આવે છે. શ્વાસમાં પ્રવેશતી હવાની અવરજવર ઘટે છે. તેમાં ખરખર (crepitation) જેવો, સૂકાં પાન ઘસાય એવો અવાજ આવે છે અને પોલી નળીમાંથી હવા પસાર થતી હોય તેવો સીટીવાળો અવાજ પણ સંભળાય છે. તેને શ્વસનનલિકાકીય શ્વસન (bronchial breathing) કહે છે.

નિદાન માટે છાતીનું એક્સ-રે-ચિત્રણ તથા ગળફો અને લોહીની પ્રયોગશાળાકીય તપાસ અગત્યની છે. છાતીનું એક્સ-રે-ચિત્રણ ન્યુમોનિયાના સ્થાન અને પ્રકાર વિશે માહિતી આપે છે અને ક્યારેક તેના મૂળ કારણરૂપ ફેફસાંનું કૅન્સર કે શ્વસનનલિકા-વિસ્ફારણ જેવો કોઈ રોગ છે કે નહિ તે પણ દર્શાવે છે.

ગળફો તપાસવાથી ન્યુમોનિયા કરતા સૂક્ષ્મ જીવો વિશે જાણી શકાય છે. તે માટે ગ્રામ અને ઝિલ-નેલસન – એમ બંનેય પદ્ધતિઓ વડે ગળફાને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસાય છે. તે ઉપરાંત ગળફામાંના સૂક્ષ્મ જીવોને યોગ્ય સંવર્ધનમાધ્યમ (culture medium) પર ઉછેરીને તેમને અંગેની વધુ માહિતી મેળવાય છે. તેમના પર જુદી જુદી ઍન્ટિબાયૉટિક દવાઓની કેવીક અસર છે તે પણ તેથી જણાય છે. આ કસોટીને જીવાણુલક્ષી સંવર્ધન અને તેમની ઍન્ટિબાયૉટિક વશ્યતા કહે છે. તેને ટૂંકમાં, સંવર્ધન અને વશ્યતા(culture and sensitivity)-કસોટી પણ કહે છે. કયો જીવાણુ કઈ ઍન્ટિબાયૉટિકને વશ થશે તે જાણવાની પ્રક્રિયાને વશ્યતા-કસોટી કહે છે. જો દર્દીની હાલત સારી હોય તો ખાંસી દ્વારા કઢાયેલો ગળફો તપાસ માટે લેવાય છે. બેભાન દર્દી કે અતિશય નિર્બળ દર્દીમાં જો શક્ય હોય તો શ્વસનમાર્ગના પ્રવાહીઓનું અભિશોષણ (aspiration) કરાય છે. કેટલાક કિસ્સામાં શ્વાસની નલિકાઓને પ્રવાહી વડે શોધિત કરાય છે (washings). તે માટે શ્વાસનળીમાં પ્રવેશે તેવી રીતે ગળામાંથી ઇન્જેક્શનની સોય નંખાય છે. ન્યુમોનિયા કરતા જીવાણુ લોહીમાં પણ પ્રવેશે છે. માટે લોહીમાંના જીવાણુઓનું સંવર્ધન કરવાથી પણ નિદાન નિશ્ચિત કરી શકાય છે. ચેપ કરતા સૂક્ષ્મજીવોના પ્રતિજનો(antigens)ને રુધિરરસકસોટીઓ (serological tests) દ્વારા શોધી શકાય છે. તે ખાસ કરીને માયકોપ્લાઝ્મા, ક્લેમાયડિયા, લેજિઓનેલા અને વિષાણુઓ (viruses) દ્વારા ન્યુમોનિયા થાય ત્યારે કામ આવે છે. નાક અને ગળામાં રૂનાં પૂમડાં (swabs) વડે પ્રવાહી લઈને પણ સૂક્ષ્મ જીવોનું સંવર્ધન કરાય છે તેમજ તેમને વીજાણુ-સૂક્ષ્મદર્શક (electron microscope) કે પ્રતિરક્ષા-દમકશીલ કસોટીઓ (immunofluorescence) દ્વારા નિર્દેશિત કરી શકાય છે. જીવાણુજન્ય ન્યુમોનિયામાં લોહીના શ્વતેકોષો, ખાસ કરીને તટસ્થ શ્વેતકોષો(neutrophils)નું પ્રમાણ વધે છે. વિષાણુજન્ય ન્યુમોનિયામાં શ્વેતકોષોનું પ્રમાણ સામાન્ય રીતે 5,000/ મિલિ. જેટલું જ હોય છે. અતિશય બીમાર વ્યક્તિમાં ધમનીના લોહીમાંના ઑક્સિજન (પ્રાણવાયુ) અને કાર્બન-ડાયૉક્સાઇડ(અંગારવાયુ)નું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનોનું પ્રમાણ અને લોહીનું PH મૂલ્ય જાણવામાં આવે છે. જો દર્દીને અગાઉ લાંબા ગાળાનો શ્વસનમાર્ગનો કોઈ રોગ હોય તો આ તપાસ ખાસ જરૂરી બને છે.

ન્યુમોનિયાના વિવિધ પ્રકારો તથા તબક્કાઓ : (અ) શ્વસનનલિકાલક્ષી ફેફસીશોથ (broncho pneumonia)  છૂટા છૂટા દાણાદાર દોષવિસ્તારો (lesions), (આ) ફેફસાના એક ખંડને ઘનસ્વરૂપમાં ફેરવતો ખંડલક્ષી ફેફસીશોથ (lobar pneumonia), (ઇ) ફેફસાના નીચલા ભાગમાં શ્વસનનલિકાલક્ષી ફેફસીશોથના વિસ્તારો, (ઈ) કશાતંતુ(cilia)ને ઈજા થયેલી હોય તેવી શ્વસનનલિકા અને તેની આસપાસની પેશીમાં શોથજન્ય (inflammatory) સોજો, (ઉ) પહોળી થયેલી કેશવાહિનીઓવાળા અને તટસ્થકોષો(neutrophils)વાળા વાયુપોટાઓ(alveoli)માંનો શરૂઆતનો વિકાર, (ઊ) વાયુપોટામાં શ્વેતકોષો તથા તંતુઓવાળો સંઘનીભૂત (consolidation) કરતો ભૂખરા રંગનો વિકાર જેમાં કેશવાહિનીઓ ઓછી પહોળી હોય છે, (ઋ) બે વાયુપોટાઓ વચ્ચેના કોહરના છિદ્ર દ્વારા ચેપનો ફેલાવો, (એ) ખંડલક્ષી ફેફસીશોથના સૌથી પ્રથમ તબક્કામાં પહોળી થયેલી નસો અને વાયુપોટામાં થોડા જીવાણુ (bacteria), શ્વેતકોષો, રક્તકોષો અને પ્રવાહી, (ઐ) લાલ રંગનો યકૃત જેવો સંઘનીભૂત થયેલો ફેફસાનો અસરગ્રસ્ત ખંડ જેને રક્તયકૃતીકરણ (red hepatization)નો તબક્કો કહે છે, (ઓ) રક્તયકૃતીકરણ વખતે પહોળી રુધિરભારિત (congested) કેશવાહિનીઓ તથા ફાઇબ્રિન-તંતુઓ, રક્તકોષો, જીવાણુઓ, શ્વેતકોષો તથા પ્રવાહીવાળા વાયુપોટા, (ઔ અને અં) નાની થયેલી કેશવાહિનીઓવાળો ભૂખરા યકૃતીકરણ(grey hepatization)નો તબક્કો, (અ:, ક) ફેફસાની સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત થવાની પ્રક્રિયા (resolution) અને તે સમયે વાયુપોટામાં જોવા મળતા મહાભક્ષી કોષો (macrophages), (ખ) ઇન્ફ્લુએન્ઝાના વિષાણુથી થતો ન્યુમોનિયા જેમાં તલીય પટલ (basement membrane) જાડું થાય છે, આસપાસની પેશીમાં એકકેન્દ્રી કોષો (mononuclear cells) જમા થાય છે અને કાચવત્ (hyaline) આવરણ જોવા મળે છે, (ગ) કોષનાશી શ્વસનિકાશોથ (necrotizing bronchiolitis), (ઘ) અંતરાલીય પેશી (interstitial) ન્યુમોનિયા, (ઙ) વિષાણુજન્ય ફેફસાનો પ્રતિક્રિયાલક્ષી વિકાર, (ચ, છ) લિજીઓનેરના રોગમાં જોવા મળતા ન્યુમોનિયાના બે તબક્કા જેમાં શરૂઆતમાં રુધિરભારિતા થાય છે અને પછીથી કોશનાશ અને ગૂમડું બને છે, (જ) અભિશોષણજન્ય ન્યુમોનિયા (aspiration pneumonia) જેમાં બાહ્ય પદાર્થ ફેફસામાં પ્રવેશીને ન્યુમોનિયા કરે છે, (ઝ, ઞ) શ્વસનમાર્ગમાં તૈલી પદાર્થનું અભિશોષણ થાય ત્યારે થતો ન્યુમોનિયા–વ્યાપક, (ઞ) અથવા સ્થાનિક (ઞ), (ટ) ક્ષયજન્ય શ્વસનનલિકાલક્ષી ન્યુમોનિયા, નોંધ : (1) શ્વાસનળી, (2) શ્વસનનલિકા, (3) ફેફસું, (4) શ્વસનિકાલક્ષી ફેફસીશોથના રોગવિસ્તારો, (5) ખંડીય ફેફસીશોથ, (6) શ્વસનિકા, (7) કેશવાહિની, (8) શોથગ્રસ્ત વાયુપોટા, (9) રુધિરભારિત કેશવાહિની, (10) સંઘનીભૂત વાયુપોટા, (11) કોહરનું છિદ્ર, (12) રક્તયકૃતીકરણવાળો ફેફસાનો બંધ, (13) રક્તયકૃતીકરણમાં સંઘનીભૂત થયેલા વાયુપોટા, (14) ભૂખરો યકૃતીકરણવાળો ફેફસાનો ખંડ, (15) શ્વસનિકા, (16) જાડું તલીય પટલ, (17) અંતરાલીય પેશીમાં શોથ, (18) રુધિરભારિતાથી પહોળી કેશવાહિનીઓ (19) પરુવાળું ગૂંમડું, (20) વ્યાપક ફેફસીશોથ, (21) સ્થાનિક વિકાર, (22) ક્ષયજન્ય ન્યુમોનિયા.

નિદાનભેદ (differential diagnosis) : ન્યુમોનિયાને ફેફસીપ્રણાશ (pulmonary infarction), ક્ષયનો રોગ, ફેફસી જળશોફ (pulmonary oedema) તથા ઉરોદરપટલની નજીકના પીડાકારક વિકારોથી અલગ પાડવામાં આવે છે. અન્ય સ્થળેથી આવેલો લોહીનો ગઠ્ઠો ફેફસાંની ધમનીમાં જામી જાય તો તેને ફેફસી વિસ્થાની ગુલ્મતા(pulmonary embolism) કહે છે. તેમાં ફેફસાનો કોઈ એક ભાગ મરી જાય છે. લોહીનો પુરવઠો મળતો બંધ થવાથી કોઈ અવયવનો ભાગ મરી જાય તો તેને અવયવનો પ્રણાશ (infarction) કહે છે. ફેફસી વિસ્થાની ગુલ્મતાને કારણે ફેફસીપ્રણાશ થાય છે. તેમાં ફેફસાંના સંઘનીભવનનાં ચિહનો વરતાય છે; પરંતુ દર્દીનાં તાવ અને ખાંસી ઓછા પ્રમાણમાં રહે છે. તેનો ગળફો ક્યારેક લોહીમિશ્રિત હોય છે અથવા તો ફ્કત લોહી જ ગળફા રૂપે પડે છે. ક્ષયનો રોગ ફેફસાના આખા ખંડનો ન્યુમોનિયા કરતો નથી, પરંતુ શ્વસનિકાઓના નાના નાના વિસ્તારોમાં શોથજન્ય વિકાર કરે છે. સામાન્ય રીતે તે ફેફસાંના ઉપલા ભાગને અસરગ્રસ્ત કરે છે. તેમાં ક્યારેક ફેફસાંના આવરણમાં પ્રવાહી ભરાવાનો વિકાર થાય છે. તેને પરિફેફસી બહિ:સાર (pleural effusion) કહે છે. સામાન્ય રીતે ક્ષયના રોગમાં ન્યુમોનિયાની માફક પુષ્કળ તાવ તથા લોહીના તટસ્થ કોષોનો વધારો થતો નથી તેમજ ન્યુમોનિયાની ઍન્ટિબાયૉટિક દવાઓથી તે શમતો પણ નથી. જોકે ક્યારેક ક્ષયના ઉગ્ર હુમલામાં ન્યુમોનિયાનાં બધાં જ ચિહનો અને લક્ષણો થઈ આવે છે. તે સમયે ગળફામાં ક્ષયના જીવાણુઓ દર્શાવીને નિદાનભેદ કરાય છે. હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતા હોય કે શરીરમાં પાણીનો ભરાવો થાય ત્યારે ફેફસાંની પેશીઓમાં પ્રવાહી ભરાય છે. તેને ફેફસી જળશોફ અથવા ફેફસીશોફ (pulmonary oedema) કહે છે. તેમાં ફેફસીશોથ(ન્યુમોનિયા)ની માફક શોથજન્ય વિકાર થયેલો હોતો નથી. સામાન્ય રીતે તેમાં તાવ આવતો નથી. જોકે ક્યારેક શંકાસ્પદ કિસ્સામાં ઍન્ટિબાયૉટિક તથા મૂત્રવર્ધક એમ બંને પ્રકારની દવાઓ અપાય છે. છાતી અને પેટનાં પોલાણોને છૂટો પાડતો ઉરોદરપટલ નામનો સ્નાયુનો એક પડદો આવેલો છે. તેની ઉપર ફેફસાં અને હૃદય છે અને નીચે પેટના પોલાણમાં યકૃત (liver), જઠર અને બરોળ (spleen) તથા મૂત્રપિંડો આવેલાં છે. સ્વાદુપિંડ પણ તેની નજીક આવેલો અવયવ છે. આ બધા જ અવયવોના પીડાકારક કે તાવ લાવતા વિકારોમાં ઘણી વખત ન્યુમોનિયા જેવાં જ લક્ષણો ઉત્પન્ન થાય છે. વિવિધ તપાસપદ્ધતિઓ વડે તેનું નિદાન કરી શકાય છે. પિત્તાશયશોથ (cholecystitis), પક્વાશયના પેપ્ટિક વ્રણ(duodenal ulcer)માં છિદ્રણ, ઉગ્ર આંત્રપુચ્છશોથ (appendicitis) અવ-ઉરોદરપટલીય ગૂમડું (subphrenic abcess), ઉગ્ર સ્વાદુપિંડશોથ (acute pancreatitis), અમીબાજન્ય યકૃતરોગ અથવા યકૃતીય અમીબારોગ (hepatic amaebiasis) જેવા વિવિધ રોગોથી ન્યુમોનિયાને અલગ પડાય છે. પિત્તાશય(gall bladder)માં જીવાણુના ચેપથી થતા તાવ અને પીડાવાળા વિકારને પિત્તાશયશોથ કહે છે. પક્વાશય(duodenum)માં ચાંદું પડે તો તેને પક્વાશયી પેપ્ટિક વ્રણ (duodenal ulcer) કહે છે. તેમાં કાણું પડે (છિદ્રણ) ત્યારે પીડા કરતો વિકાર થાય છે. આંત્રપુચ્છ (appendix), યકૃત (liver) તથા સ્વાદુપિંડ (pancreas)ના શોથજન્ય વિકારોને અનુક્રમે આંત્રપુચ્છશોથ, યકૃતશોથ અને સ્વાદુપિંડશોથ કહે છે. ઉરોદરપટલની નીચે થયેલા ગૂમડાને અવ-ઉરોદરપટલીય ગૂમડું કહે છે.

રુગ્ણવિદ્યા (pathology) : ફેફસાંના વાયુપોટા અને તેમની નાની શ્વસનિકાઓ તથા તેમની આસપાસની અંતરાલીય (interstitial) પેશીના શોથને ન્યુમોનિયા કહે છે. રુગ્ણવિદ્યાની દૃષ્ટિએ તેના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે – શ્વસનિકા-ફેફસીશોથ (bronchopneumonia), ખંડીય (lobal) ફેફસીશોથ અને અંતરાલીય પેશી ફેફસીશોથ (જુઓ આકૃતિ).

શ્વસનિકા-ફેફસીશોથ (bronchopneumonia) : દરેક ઉંમરે વિવિધ જીવાણુઓથી થતો આ રોગ સામાન્ય રીતે બંને ફેફસાંના નીચલા ભાગને અસરગ્રસ્ત કરે છે. તે સૌથી વધુ કેટલીક વિશિષ્ટ સ્થિતિઓમાં જોવા મળે છે; જેમ કે, લાંબા ગાળાના દુર્બળતા લાવતા રોગોનો અંતિમ તબક્કો; એક વર્ષથી નાનાં શિશુઓ, વૃદ્ધાવસ્થા તથા ફ્લૂ કે ઓરી જેવા વિષાણુજ ચેપ પછી થતો જીવાણુઓનો આનુષંગિક ચેપ. સામાન્ય રીતે તે છેલ્લી શ્વસનિકાઓ અને તેમના વાયુપોટાઓમાં ફેલાતો જતો ચેપ છે. તેથી તેના દોષવિસ્તારો (lesions) નાનાં નાનાં બિન્દુઓ જેવા હોય છે અને તે એકથી વધુ ખંડ (lobe) કે ખંડિકાઓ(lobules)માં ફેલાયેલા હોય છે. સૌપ્રથમ શ્વસનિકાઓમાં ચેપને કારણે શોથ ઉદભવે છે. તેને શ્વસનિકાશોથ (bronchiolitis) કહે છે. તેમની અંદરની દીવાલ પર નાના તંતુઓ જેવી કશાઓ(cilia)નો નાશ થાય છે અને તેની આસપાસની નસોમાં લોહી ભરાય છે. તેને રુધિરભારિતા (congestion) કહે છે. ત્યારબાદ નસોમાંના તટસ્થ શ્વેતકોષો આસપાસની પેશીમાં પ્રવેશે છે, શ્વસનિકામાં પરુ ભરાય છે અને તે વાયુપોટામાં ફેલાય છે. ફેફસાંના તળિયાના ભાગે સૌથી વધુ તીવ્ર વિકાર થાય છે. રોગવિસ્તારો પ્રથમ લાલ અને પછી ભૂખરા રંગના થાય છે. વાયુપોટાની દીવાલ રુધિરભારણથી સૌપ્રથમ લાલ બને છે, પરંતુ પાછળથી તેમાં તંત્વિકામય (fibrinous) અને તટસ્થ શ્વેતકોષોવાળું પ્રવાહી જમા થાય છે. તેના કારણે તે ભૂખરા રંગની થાય છે.

બે પાસપાસેના વાયુપોટાઓ વચ્ચે કોહરનાં સૂક્ષ્મ છિદ્રો અથવા છિદ્રિકાઓ (pores) આવેલી છે. તેના દ્વારા એક વાયુપોટામાંનો ચેપ પાસે આવેલા બીજા વાયુપોટામાં ફેલાય છે. ચેપની શરૂઆત ધીમી અને અજ્ઞાત અવસ્થામાં થાય છે, પરંતુ ઝડપથી તેની વ્યાપક ઝેરી અસરો ઉદભવે છે. સામાન્ય રીતે ફેફસીગોલાણુ (pneumococci) પ્રકારના જીવાણુથી તે થાય છે. સામાન્ય રીતે ચેપ અને શોથ શમે એટલે વિકાર સંપૂર્ણપણે શમે છે. તેને પૂર્ણશમન (resolution) કહે છે. તંત્વિકાઓ અને વાયુપોટામાં ઝમેલું પ્રવાહી કાં તો લોહીમાં શોષાઈ જાય છે અથવા તો તે ગળફા રૂપે બહાર નીકળી જાય છે. અતિદુર્બળતા કરતા (debilitating) રોગોમાં ક્યારેક મૃત્યુ પણ નીપજે છે. જો પૂર્ણશમન ન થાય તો ચેપશોથને સ્થાને તંતુતા (fibrosis) ઉદભવે છે. જો વધુ પ્રમાણમાં તંતુઓ બને તો આસપાસની શ્વાસની નળીઓ પહોળી થાય છે, જેને શ્વસનનલિકા-વિસ્ફારણ (bronchietasis) કહે છે. પહોળી થયેલી શ્વાસની નળીઓમાં વારંવાર ચેપ લાગે છે, કફ ભરાય છે અને વારંવાર વધુ ને વધુ તંતુતા વિકસે છે. આમ એક વિષચક્ર સ્થપાય છે. ક્યારેક અતિદુર્બળ દર્દીમાં પરુનું ગૂમડું બને છે. તેને સપૂયતા (suppuration) કહે છે. તેને કારણે ફેફસાનું ગૂમડું કે પરિફેફસી સપૂયતા (empyema) થાય છે, જેમાં ફેફસાંના આવરણમાં પરુ ભરાય છે. અભિશોષણજન્ય ન્યુમોનિયામાં તે ખાસ જોવા મળે છે.

ખંડીય (lobar) ન્યુમોનિયા : ચેપને કારણે ફેફસાંનો કોઈ એક ખંડ કે તેનો એક વિખંડ(segment) આખેઆખો અસરગ્રસ્ત થાય ત્યારે તેને ખંડીય ન્યુમોનિયા કહે છે. ક્યારેક ફેફસાંના એકથી વધુ ખંડો પણ અસરગ્રસ્ત થાય છે. સામાન્ય રીતે 30થી 50 વર્ષની તંદુરસ્ત વ્યક્તિમાં તે જોવા મળે છે. તેનું પ્રમાણ પશ્ચિમી દેશોમાં ઘટતું જઈ રહ્યું છે. તેના ચાર તબક્કા છે : (અ) રુધિરભારિતા (પહેલાથી બીજો દિવસ), (આ) રક્ત યકૃતીકરણ (બીજાથી ચોથો દિવસ), (ઇ) ભૂખરું યકૃતીકરણ (પાંચમાથી આઠમો દિવસ) અને (ઈ) પૂર્ણશમન (આઠમો કે નવમો દિવસ). ચેપને કારણે વાયુપોટામાં લોહીના કોષો ભરાય છે અને તે ભાગ ગરમ થઈ જવાથી લાલ થઈ જાય છે. તેને ઉગ્રશોથ(acuteinflammation)નો તબક્કો કહે છે. લોહીનું પરિભ્રમણ વધતું હોવાને લીધે તથા લોહીના કોષોનો પેશીમાં સ્થાનિક ભરાવો થતો હોવાને કારણે તેને રુધિરભારિતા(congestion)નો તબક્કો કહે છે. તે સમયે ફેફસાંમાં ગાઢા લાલ રંગનું ફીણવાળું પ્રવાહી ભરાય છે, જેમાં જીવાણુઓ પણ હોય છે. આ સમયે દર્દીને સખત ટાઢ ચઢીને તાવ આવે છે. બીજાથી ચોથા દિવસમાં ફેફસાંનો અસરગ્રસ્ત ખંડ સૂકો ઘન, લાલ રંગનો અને દાણાદાર (granular) બને છે. તેમાં હવા રહેતી નથી. તંત્વિકાઓ (fibrins) અને તટસ્થ શ્વેતકોષો (polymorphs)નો ભરાવો થાય છે. ફેફસાને આ સમયે કાપીએ તો તે લાલ રંગના યકૃત (liver) જેવું લાગે છે. માટે તેને રક્ત-યકૃતીકરણ(hepatization)નો તબક્કો કહે છે. આ તબક્કે દર્દીને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે અને છીંકણી રંગનો કફ પડે છે. તેના ફેફસાંના આવરણમાં પ્રવાહી પણ ભરાય છે. લોહીમાં શ્વતેકોષોની સંખ્યા વધે છે અને લોહીમાંના જીવાણુઓનું સંવર્ધન (culture) કરીને ચોક્કસ નિદાન કરી શકાય છે. ચોથાથી આઠમા દિવસમાં ફેફસું વધુ ઘન બને છે અને તેને કાપવામાં આવે તો તેની કાપસપાટી (cut surface) ભૂખરા સફેદ રંગની, સૂકી અને દાણાદાર હોય છે. તેને ભૂખરા યકૃતીકરણનો તબક્કો કહે છે. વાયુપોટામાં ઝરેલા પ્રવાહીનું પ્રમાણ વધે છે, પરંતુ રુધિરભારિતા ઘટે છે. લોહીમાં જે તે જીવાણુ સામે પ્રતિદ્રવ્યો (antibodies) ઉદભવે છે, કફ ઘટે છે પરંતુ તાવ અને દુખાવો ચાલુ રહે છે. આઠમે કે નવમે દિવસે જો કોઈ અન્ય આનુષંગિક તકલીફ (complication) ન થઈ હોય તો સમગ્ર વિકાર પૂરેપૂરો શમે છે. વાયુપોટામાં ભરાયેલું ચેપયુક્ત પ્રવાહી ગળફા રૂપે બહાર નીકળે છે. તેને પૂર્ણશમન (resolution) કહે છે : શોથનો વિકાર શમે છે. જીવાણુઓ નાશ પામે છે અને ફેફસાં ફરીથી મૂળ સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે એકદમ ઝડપથી તાવ શમે છે. તેથી તેને આકસ્મિક શમન (crisis) કહે છે. જો ફેફસાંના આવરણમાંની તંત્વિકાઓમાંથી તંતુઓ બને તો ફેફસું મૂળ સ્થિતિમાં પાછું આવતું નથી. તંતુઓ બનવાના આ તબક્કાને ગ્રથન(organization)નો તબક્કો કહે છે. તંતુઓને કારણે પરિફેફસીકલા(pleura)નાં બંને પડ એકબીજાને ચોંટે છે.

અન્ય પ્રકારના ન્યુમોનિયા : નબળા શરીરવાળી વ્યક્તિમાં ક્યારેક ઇન્ફ્લુએન્ઝા કે અન્ય વિષાણુ(virus)થી ફેફસીશોથ થાય છે. તેમાં, શ્વાસનળી, શ્વસનનલિકાઓ અને ફેફસાંમાં ચેપજન્ય શોથ થાય છે. ફેફસાં ભારે, જાંબુડી લાલ રંગનાં અને લોહીમિશ્રિત પ્રવાહીથી ભરેલાં થાય છે. તેમાં પાછળથી અન્ય જીવાણુઓનો ચેપ લાગે છે. વિષાણુના ચેપને કારણે નાની નાની શ્વસનિકાઓ(છેલ્લી નાની શ્વાસની નલિકાઓ)માં શોથનો વિકાર થાય છે અને તેમાં કોષનાશ (necrosis) થાય છે. તેને કોષનાશી શ્વસનિકાશોથ (necrotising bronchiolitis) કહે છે. વાયુપોટાની આસપાસની અંતરાલીય પેશી(interstitium)માં પણ ચેપજન્ય શોથ થાય છે. તેને અંતરાલીય ફેફસીશોથ (intertitial pneumonia) કહે છે. તેમાં મુખ્યત્વે એકકેન્દ્રી કોષો(mononuclear cells)નો ભરાવો થાય છે. વાયુપોટામાં લોહીના કોષોવાળું અને તંત્વિકાઓવાળું પ્રવાહી ભરાય છે. વાયુપોટા અને શ્વસનિકાની દીવાલના કોષોની અંદર અંત:દ્રવ્ય (inclusion body) રૂપે વિષાણુઓ જમા થાય છે. વિવિધ પ્રકારના વિષાણુઓ જુદા જુદા પ્રકારનો વિકાર સર્જે છે. સિટેકોસિસ અને ઑર્નિથોસિસ જેવા પક્ષીઓના વિષાણુજ રોગોમાં ફેફસાંના સંઘનીભવન(consolidation)ના નાના નાના વિસ્તારો એકબીજા સાથે ભળતા જોવા મળે છે. ઓરીના રોગમાં મહાકોષો(giant cells)નો ભરાવો થાય છે. સાયટોમેગેલો વિષાણુના ચેપથી અંતરાલીય ફેફસીશોથ થાય છે.

વિશિષ્ટ પ્રકારના ન્યુમોનિયા : તેમાં લેજિઓનેરનો રોગ, પ્રવાહીના અભિશોષણ(aspiration)થી થતો અભિશોષી ફેફસીશોથ (aspiration pneumonia), મેદજન્ય ફેફસીશોથ (lipid pneumonia) અને અન્ય સૂક્ષ્મ જીવોથી થતા ન્યુમોનિયાનો સમાવેશ થાય છે.

લેજિઓનેરનો રોગ લેજિઓનેલા ન્યુમોફિલિયા નામના ગ્રામ અનભિરંજિત (gram negative) જીવાણુથી થાય છે. તેને સામાન્ય રીતે ન્યુમોકોકાઈ નામના જીવાણુથી થતા ન્યુમોનિયાથી અલગ પાડવો એ અઘરું ગણાય છે, પરંતુ તે નાના વાવડ રૂપે (epidemic) પણ થાય છે. તેમાં 20 %  સુધીનો મૃત્યુદર છે. તેની શરૂઆતના તબક્કામાં વાયુપોટાની કેશવાહિનીઓ પહોળી થાય છે, તેમાં લોહી ભરાય છે તથા વાયુપોટામાં રક્તકોષો, તટસ્થ શ્વેતકોષો તેમજ તંત્વિકાઓવાળું બહિ:સારી દ્રવ્ય (exudate) ભરાય છે. તેના બીજા તબક્કામાં વાયુપોટાની દીવાલ નાશ પામે છે, તેમાંની કેશવાહિનીઓ નાશ પામે છે તથા તટસ્થ શ્વેતકોષોને સ્થાને લસિકાકોષો (lymphocytes) અને મહાભક્ષી કોષો (macrophages) જમા થાય છે. ફેફસાંમાં નાનાં નાનાં ગૂમડાં જેવી પરુની પોટલીઓ બને છે. શ્વસનિકાઓ અને ફેફસાંની પ્રમુખપેશી (parenchyma) નાશ પામે છે. રૂઝ આવે ત્યારે અંતરાલીય પેશીમાં તંતુઓ બને છે અને ફેફસાંના તે ભાગનું કાર્ય સંપૂર્ણપણે નાશ પામે છે. લોહીમાં તટસ્થ શ્વેતકોષોની સંખ્યા સામાન્ય રહે છે, પરંતુ લસિકાકોષોની સંખ્યા અને સોડિયમના આયનો ઘટે છે. ક્યારેક વ્યાપક અંતર્વાહિની રુધિરગઠનતા(disseminated intravascular coagulation)નો વિકાર થાય છે.

ખોરાકનું દ્રવ્ય, પ્રવાહી કે જઠરનું પ્રવાહી શ્વાસોચ્છવાસ સાથે ફેફસાંમાં પ્રવેશે ત્યારે અભિશોષી ફેફસીશોથ(aspiration pneumonia) થાય છે. સામાન્ય રીતે બેભાન વ્યક્તિમાં, આંચકી (convulsion) પછીના તરતના સમયમાં મગજની નસો અથવા મસ્તિષ્કવાહિની(cerebrovascular)ના રોગોમાં, પેટ અને છાતી વચ્ચેના ઉરોદરપટલ(thoracoabdominal diaphragm)માં થતી પ્રવેશદ્વારીય સારણગાંઠ(hiatus hernia)ના વિકારમાં તથા અન્નનળીના કે જઠરના સંકીર્ણન કે અવરોધમાં ઊલટીઓ થવાથી જઠરનું પ્રવાહી કે ખોરાકનું દ્રવ્ય ફેફસાંમાં પ્રવેશે છે. તેમાંનો ઍસિડ ફેફસીપેશીનું ક્ષોભન (irritation) કરે છે. તેમાં સોજો આવે છે અને તેને કારણે વ્યક્તિના નખ અને હોઠ ભૂરા થાય છે. તેને શ્વાસ ચઢે છે અને ક્યારેક લોહીનું દબાણ ઘટવાથી આઘાતની સ્થિતિ થાય છે. શરૂઆતના તબક્કામાં રસાયણજન્ય શોથ(chemical inflammation)નાં ચિહનો રૂપે ફેફસાંનો જે તે ભાગ લોહી ભરાવાથી લાલ તથા ગરમ થાય છે અને સૂજી જાય છે. પાછળથી આનુષંગિક ચેપ લાગે છે અને ત્યારે ફેફસાંમાં કોષનાશ તથા પરુ ભરાવાથી ગૂમડાં થાય છે. આ જ પ્રકારનો વિકાર ફેફસાંના કૅન્સરની ગાંઠ પર પણ જો ચાંદું પડે તો થાય છે.

નાકમાં નંખાતાં તૈલી ટીપાં જો ફેફસાંમાં જતાં રહે કે જઠરમાંનો તૈલી પદાર્થ ફેફસાંમાં જાય તો વ્યાપક કે સ્થાનિક પ્રકારનો મેદજન્ય ફેફસીશોથ થાય છે. સ્થાનિક વિકારમાં એક ફિક્કા રંગનો કૅન્સરની ગાંઠ જેવો દેખાતો કઠણ વિસ્તાર બને છે. જો આવા અનેક વિસ્તારો એકબીજા સાથે જોડાઈ જાય તો આખું ફેફસું કઠણ, ઘન અને પીળા રંગનું થઈ જાય છે. સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે તો વાયુપોટામાં મેદભારિત ફીણવાળા મહાભક્ષી કોષો (lipid filled foamy macrophages) અને બહુકેન્દ્રી મહાકોષો (multinucleated giant cells) જોવા મળે છે. તેમાં પાછળથી તંતુઓ, લસિકાકોષો અને સાથે સાથે મેદકોષો (fat cells) પણ જોવા મળે છે. આવો વિકાર કૅન્સર કે ગૂમડા પછી જો ન્યુમોનિયાનું પૂર્ણશમન ન થાય તોપણ થાય છે.

લાંબા સમયથી ઍન્ટિબાયૉટિક મેળવતા શ્વસનમાર્ગના લાંબા સમયના રોગના દર્દીઓમાં તથા ફ્લૂ ઓરી કે ઉટાંટિયાના દર્દીઓમાં સ્ટેફાયલોકોકાઈ નામના જીવાણુઓનો ચેપ લાગે છે. તે મુખ્યત્વે શ્વસનિકા-ફેફસીશોથ કરે છે. તેમાં ફેફસાંમાં તટસ્થ શ્વેતકોષોવાળું પ્રવાહી તથા લોહી ભરાય છે અને ફેફસું જાંબુડી રંગનું લાગે છે. ઘણી વખત મૃત્યુ પણ નીપજે છે. જેઓ બચે છે તેઓમાં ફેફસી ગૂમડું, પરિફેફસી સપૂયતા (empyema) કે વાતવક્ષ (pneumothorax) થાય છે. ફેફસાંના આવરણમાં પરુ ભરાય તેને પરિફેફસી સપૂયતા કહે છે અને તેમાં હવા ભરાય તો તેને વાતવક્ષ કહે છે.

મોટી ઉંમરે, મધુપ્રમેહના દર્દીમાં કે દારૂની લત હોય તેમને ક્લેબ્સીએલા નામના જીવાણુથી શ્વસનિકા-ફેફસીસોથ થાય છે, જેમાં લાલ શ્લેષ્માભ (mucosal) દોષવિસ્તારો થાય છે. સામાન્ય રીતે જમણા ફેફસામાં ઉપલા ખંડમાં તે જોવા મળે છે. લાલ જેલી જેવો ગળફો નીકળે છે. 80 % દર્દીમાં ત્યાં ગૂમડું થાય છે. તેનો મૃત્યુદર ઊંચો રહે છે. વિષાણુજ ચેપ પછી થતો સ્ટ્રેપ્ટોકોકસનો ચેપ જીવનને જોખમી શ્વસનિકા-ફેફસીશોથ કરે છે, જેમાં તંત્વિકામય પરિફેફસીશોથ (fibrinous pleurisy) થાય છે. હૉસ્પિટલમાં ખૂબ માંદા કે નળીઓ વડે સારવાર મેળવતા દર્દીઓમાં પાણી અને અન્ય પ્રવાહીઓથી તથા નળીઓ અને અન્ય સાધનો દ્વારા સ્યુડોમોનાસ એરિઓજિનોઝાનો ચેપ લાગે છે. તેમનાં ફેફસાંમાં લોહીવાળું પ્રવાહી ભરાય છે, જેમાં તટસ્થ શ્વેતકોષો ઓછા હોય છે. અન્ય ફેફસીશોથ કરતા સૂક્ષ્મ જીવોમાં સાયટોમેગેલો વિષાણુ, માયકોપ્લાઝ્મા ન્યુમોનિ, ન્યુમોસિસ્ટિક કેરિનાઈ નામના પરોપજીવ (parasite) તેમજ એસ્પરજિલસ ફ્યુમિગેટસ, કૅન્ડિડા આલ્બિકાન્સ તથા ક્રિપ્ટોકોકસ નિયોફોરમાન્સ નામની ફૂગ મુખ્ય ગણાય છે.

ન્યુમોકોકલ ન્યુમોનિયા : સૌથી વધુ જોવા મળતો તથા સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિ નામના જીવાણુના ચેપથી થતો આ રોગ ફેફસાંના એક કે વધુ ખંડ (lobe) કે વિખંડિકાઓ(segments)ને ચેપ અને શોથના વિકારથી અસરગ્રસ્ત કરે છે. તેને કારણે હવા ભરેલું વાદળી (sponge) જેવું પોચું હવાદાર ફેફસું યકૃત (liver) જેવું ઘન (solid) બની જાય છે. તેને સંઘનીભવન (consolidation) કહે છે. જોકે તે દરેક ઉંમરે જોવા મળે છે; આમ છતાં યુવાન વયે અને મધ્યમ પુખ્તતાની વયે ખાસ જોવા મળે છે. તે શિયાળામાં વધુ થાય છે અને તેનો ચેપ થૂંક-બિંદુઓથી ફેલાય છે.

અચાનક પુષ્કળ ટાઢ વાઈને 39°થી 40° સે. જેટલો ખૂબ ચઢી જતો તાવ તેની શરૂઆત કરે છે. બાળકોમાં ક્યારેક ઊલટી અને આંચકી પણ થઈ આવે છે. તાવ સાથે ભૂખ ન લાગવી, માથું દુખવું, શરીર અને હાથપગમાં કળતર થવી વગેરે લક્ષણો પણ થઈ આવે છે. થોડા સમયમાં છાતીના કોઈ ભાગ પર કે ખભા કે પેટના વિસ્તારમાં દુખાવો થાય છે. શરૂઆતમાં સૂકી અને દુખાવો કરતી ખાંસી હોય જેમાં પાછળથી ચીકણો તાર જેવો કફ પડવો શરૂ થાય છે. તે લોહીમિશ્રિત હોય છે અને તેથી તે કટાયેલા લોખંડના રંગનો દેખાય છે. ક્યારેક ફક્ત લોહીનો જ ગળફો પડે છે. શ્વાસોચ્છવાસનો દર વધીને 30થી 40 મિનિટ થાય છે. બાળકોમાં તે વધીને 50થી 60 મિનિટ જેટલો પણ થઈ જાય છે. ફેફસાંના આવરણ(પરિફેફસીકલા, pleura)માં શોથનો વિકાર ફેલાવાથી શ્વાસોચ્છવાસ વખતે દુખાવો થાય છે અને તેથી દર્દી ઊંડો શ્વાસ લઈ શકતો નથી. નાડી ઝડપી બને છે. ચામડી સૂકી અને ગરમ થઈ જાય છે, મોં લાલ થાય છે. ક્યારેક તીવ્ર વિકારના દર્દીમાં નખ ભૂરા થઈ જાય છે. હોઠ પર નાના ફોલ્લા થાય છે. હર્પિસ સિમ્પ્લેક્સ નામના વિષાણુઓ પુન:કાર્યશીલ થવાથી તે થાય છે. તેને લોકભાષામાં ‘બરો મૂતરવો’ કહે છે. શારીરિક તપાસમાં છાતીનું ફૂલવાનું ઘટે છે. તે જોઈ શકાય છે. છાતી પર આંગળીના ટકોરા મારીને કરાતી તપાસમાં બોદો અવાજ મળે છે અને પરિફેફસી ઘર્ષણનાદ (pleural rub) સાંભળી શકાય છે તથા છાતી પર હાથ મૂકવાથી તેની ધ્રુજારી પણ અનુભવી શકાય છે. શ્વાસોચ્છવાસનો સ્ટેથોસ્કોપ વડે સાંભળી શકાતો અવાજ શ્વસનનલિકાલક્ષી (bronchial) શ્વસનથી ઉદભવતો હોય તેવો થઈ જાય છે. સમય જતાં કફ છૂટો પડવા માંડે છે. ત્યારે સૂકાં પાંદડાંમાંથી પવન વહે ત્યારે થાય તેવો ખરખરનો અવાજ સંભળાય છે. લોહીમાં તટસ્થ શ્વેતકોષોની સંખ્યા વધે છે અને ગળફાની તપાસ કરવામાં આવે તો કારણરૂપ જીવાણુઓને દર્શાવી શકાય છે. એક્સ-રે-ચિત્રણ નિદાનદાયી છે. તેમાં તકલીફ શરૂ થયે 12થી 18 કલાક થાય ત્યારે ફેફસાંનો એક ખંડ કે તેની એક વિખંડિકા એકસરખો (homogenous) પડછાયો પાડે છે. તેને ખંડ કે વિખંડિકાની એકરૂપ અપારદર્શકતા (homogenous opacity) કહે છે. તે નિદાનસૂચક (pathognomonic) ચિહન ગણાય છે.

સારવાર રૂપે પેનિસિલીન જૂથની કે કોઈ અન્ય ઍન્ટિબાયૉટિક અપાય છે. અસરકારક ઍન્ટિબાયૉટિક દવાઓમાં એમ્પિસિલીન, એરિથ્રોમાયસિન તથા કો-ટ્રાઇમેક્સેઝોલ ગણાય છે. જો દર્દી અતિશય માંદો હોય અને સ્ટેફાયલોકોકાઈ કે ગ્રામ-અનભિરંજિત જીવાણુઓ(gram negative bacteria)નો પણ ચેપ સાથે લાગેલો હોય એવું લાગે તો ક્લોક્સાસિલીન કે જેન્ટામાયસિન પણ સાથે અપાય છે. તેવા સમયે દવાઓ ઇંજેક્શન દ્વારા અપાય છે. જો કોઈ આનુષંગિક વિકાર ન થાય તો 7થી 10 દિવસની ઍન્ટિબાયૉટિક સારવાર પછી રોગ મટે છે. તાવને કાબૂમાં રાખવા પૅરાસિટેમોલ તથા છાતીના દુખાવા માટે ક્યારેક પીડાનાશક દવા રૂપે આઇબ્રુપ્રોફેન કે તેના જૂથની દવા અપાય છે. લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોય તો તે અપાય છે; પરંતુ શ્વસનમાર્ગની લાંબા સમયની બીમારી હોય તો ઑક્સિજન આપતી વખતે ઘણી સાવચેતી રખાય છે. દર્દીને ગળફો કાઢવામાં સરળતા રહે માટે તેને શ્વસનલક્ષી વ્યાયામાદિ સારવાર (physiotherapy) પણ અપાય છે.

સ્ટેફાયલોકોકલ ન્યુમોનિયા : હાડકાના ચેપ (સમજ્જાસ્થિશોથ, osteomyelitis) કે તેવા અન્ય પરુ કરતા ચેપી વિસ્તારમાંના સફાયલોકોકાઈ પ્રકારના જીવાણુઓ લોહી વાટે ફેફસાંમાં આવીને સ્થાયી થાય ત્યારે આ પ્રકારનો ન્યુમોનિયા થાય છે. ઘણી વખતે ફેફસાંના પ્રાથમિક ચેપ રૂપે પણ તે જોવા મળે છે. અન્ય સ્થાનનો ચેપ ફેલાઈને ફેફસાંને અસર કરે ત્યારે ઘણી વખત ન્યુમોનિયા થવાને બદલે ફેફસાંનું ગૂમડું (lung abscess) થાય છે. પ્રાથમિક સ્ટેફાયલોકોકલ ન્યુમોનિયા કરતાં ન્યુમોકોકલ ન્યુમોનિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે ઇન્ફ્લુએન્ઝાના હુમલા પછી, કોષ્ઠીય તંતુતા(cystic fibrosis)ના રોગમાં  તથા હૉસ્પિટલમાં દાખલ થયેલા, નિર્બળ થયેલા દર્દીઓમાં સ્ટેફાયલોકોકલ ન્યુમોનિયા થાય છે. તેમાં ફેફસાંનો એક ખંડ કે વિખંડિકા અસરગ્રસ્ત થાય છે. અને તેથી તેને તીવ્ર પ્રકારના ન્યુમોકોકલ ન્યુમોનિયાથી અલગ પાડવું અઘરું બને છે. ઘણી વખત તેમાં ફેફસાંનાં નાનાં નાનાં ઘણાં ગૂમડાં થાય છે, જે પાતળી દીવાલવાળી પોટલીઓ જેવી કોષ્ઠ (cysts) રૂપે જોવા મળે છે. આવી કોષ્ઠો ચેપ શમ્યા પછી ઘણા સમય સુધી ફેફસાંમાં રહી જાય છે. સારવાર રૂપે ક્લોઝાસિલીન કે ઍરિથ્રોમાયસિન 14 દિવસ કે વધુ સમય સુધી અપાય છે. જ્યાં સુધી દર્દીની તબિયત સુધરે નહિ ત્યાં સુધી ઇંજેક્શન દ્વારા ઍન્ટિબાયૉટિક અપાય છે.

ક્લેબ્સીએલા ન્યુમોનિયા : તે ક્લેબ્સીએલા ન્યુમોનિ નામના જીવાણુના ચેપથી થતો ન્યુમોનિયા છે. તે ભાગ્યે જ થાય છે. તેનો મૃત્યુદર ઘણો ઊંચો રહે છે. સામાન્ય રીતે ફેફસાંના ઉપલા ખંડમાં સંઘનીભવન અને ગુહિકાકરણ (cavitation) થાય છે. ફેફસાંનો કોઈ ભાગ નાશ પામે અને ત્યાં નાનું પોલાણ થઈ જાય તો તેને ગુહિકા (cavity) કહે છે. દર્દીને તાવ ને દુખાવા સહિતની ઘણી તીવ્ર માંદગી થઈ આવે છે. પુષ્કળ ગળફા પડે છે. તે ક્યારેક ચૉકલેટના રંગના હોય છે. ફેફસાંના એક્સ-રે–ચિત્રણમાં મોટા થઈ ગયેલા ફેફસીખંડમાં ગૂમડાં જેવી ગુહિકા (cavities) બનેલી જોવા મળે છે. ગળફાની તપાસમાં જીવાણુઓને ઓળખી શકાય છે, તેથી ચોક્કસ નિદાન માટે એક્સ-રેચિત્રણ અને ગળફાની તપાસ આવશ્યક ગણાય છે. સારવાર માટે જેન્ટામાયસિનનાં દિવસમાં ત્રણ વખત ઇંજેક્શન અપાય છે. તેની સાથે દિવસમાં ત્રણ વખત સેફ્ટાઝિડિમ કે દિવસમાં બે વખત સિપ્રોફ્લોઝાસિનનાં ઇંજેક્શન પણ અપાય છે. સારવાર બેથી ત્રણ અઠવાડિયાં સુધી ચાલુ રખાય છે.

લેજિયોનેલા ન્યુમોનિયા : તેને લેજિયોનેલો રોગ પણ કહે છે. તે એલ. ન્યુમોફિલા નામના જીવાણુનાં જલબિંદુઓથી ફેલાતા ચેપથી થાય છે. વાતાવરણમાંનો ભેજ વધારતાં સાધનો, વાતાવરણ ઠંડું કરતા મિનારાઓ, પાણી ભરેલી નાની-નાની જગ્યાઓ કે નાહવાના ફુવારાઓ વગેરેમાં ભરાયેલા પાણીમાં આ જીવાણુઓ ઊછરે છે. તેથી સામાન્ય રીતે હૉસ્પિટલમાં વાવડ રૂપે (epidemic) તે જોવા મળે છે. ક્યારેક એકલદોકલ (sporadic) કિસ્સો પણ નોંધાય છે. મોટાભાગના દર્દીઓ બચી જાય છે, પણ ક્યારેક તેને કારણે મૃત્યુ પણ થાય છે. દર્દી પેટમાં તકલીફ અનુભવે છે. તેને માનસિક ગૂંચવણ થાય છે. તેના લોહીમાં સોડિયમ ઘટે છે. તેને ન્યુમોનિયા થાય છે અને તેના પેશાબમાં પ્રોટીન વહી જાય છે. આવા સંજોગો હોય ત્યારે આ રોગ હોવાની નિદાનીય શંકા કરાય છે. સારવાર રૂપે દિવસમાં ચાર વખત એરિથ્રોમાયસિન અને દિવસમાં બે વખત ભારે માત્રામાં, રિફામ્પિસિન અપાય છે. તીવ્ર વિકાર હોય તો ઇંજેક્શન દ્વારા દવાઓ અપાય છે. સામાન્ય રીતે સારવાર 14 દિવસ માટે ચાલુ રખાય છે.

એક્ટિનોમાયકોસિસ : તે એક પ્રકારનો અજારક (anaerobic) જીવાણુજન્ય (એ. ઇઝરાયેલિ) ચેપ છે. સામાન્ય વ્યક્તિના મોંમાં આ જીવાણુ રહેતા હોય છે. જ્યારે પણ સ્થાનિક સંરક્ષણ ઘટે ત્યારે તેનો ચેપરૂપી વિકાર શરીરના જુદા જુદા ભાગને અસરગ્રસ્ત કરે છે. ફેફસાંમાં તે પરુ કરતો ન્યુમોનિયા કરે છે. તેથી ઘણી વખત બંને પરિફેફસી આવરણોમાં પરુ થાય છે, જે છાતીની દીવાલમાંથી છિદ્રનલિકા (sinus) રૂપે બહાર આવે છે. તેના પરુમાં જાણે સલ્ફરની કણિકાઓ હોય તેવું દેખાય છે. ચહેરા, ગળા કે પેટના રોગમાં પણ આવી પરુ કાઢતી છિદ્રનલિકાઓ થાય છે. તેની સારવાર રૂપે બેન્ઝાયલ પેનિસિલીનનાં ઇંજેક્શનો અપાય છે.

વિષાણુજન્ય તથા અન્ય બિનજીવાણુજન્ય ન્યુમોનિયા : ઇન્ફ્લુએન્ઝા, પેરાઇન્ફ્લુએન્ઝા, ઓરી, અછબડા તથા વેરિસેલા તેમજ રેસ્પિરેટરી સિન્સિટીઅલ વિષાણુ વગેરે વિવિધ વિષાણુઓ ન્યુમોનિયા કરે છે. માયકોપ્લાઝ્મા તથા ક્લેમાયડિયા પણ ન્યુમોનિયા કરે છે. આ બધા જ વિકારોમાં ન્યુમોનિયાનો વિકાર ફેફસાંમાં શરૂ થાય તે પહેલાં એકાદ અઠવાડિયાથી તાવ અને અન્ય ચેપનાં લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં દર્દીને સખત માથું દુખે છે, માંદગીનો અનુભવ થાય છે (molasie), અને તેની ભૂખ મરી જાય છે. ફેફસાં પરનાં અગાઉ વર્ણવેલાં, ચિહનો મોડાં તેમજ ખૂબ જ થોડા પ્રમાણમાં થાય છે. એક્સ-રે–ચિત્રણ ન કર્યું હોય તો ઘણી વખત ન્યુમોનિયા થયો છે તેવી ખબર પણ ન પડે. પહેલા અઠવાડિયામાં બરોળ મોટી થયેલી હોય છે અને લોહીના શ્વેતકોષોની સંખ્યા વધતી નથી. સામાન્ય રીતે આ તબક્કામાં જો પેનિસિલીન અપાયું હોય તો તેની અસર થતી નથી. સૂક્ષ્મજીવને પ્રયોગશાળામાં દર્શાવીને કે યોગ્ય પ્રકારના રુધિરરસલક્ષી (serological) પરીક્ષણ દ્વારા નિદાન કરી શકાય છે. સામાન્ય રીતે 5થી 10 દિવસમાં તાવ આપોઆપ શમે છે અને એક્સ-રે-ચિત્રણ પણ સામાન્ય થઈ જાય છે. જોકે એક્સ-રે-ચિત્રણને સામાન્ય થતાં થોડી વધુ વાર લાગે છે. જો મગજને ચેપગ્રસ્ત કરેલું હોય તો તેને મસ્તિષ્કશોથ (encephalitis) કહે છે. તેવા કિસ્સામાં મૃત્યુ પણ થાય છે. ઇન્ફ્લુએન્ઝા, પેરાઇન્ફ્લુએન્ઝા કે ઓરીના ન્યુમોનિયામાં ક્યારેક જીવાણુજન્ય ચેપ ઉમેરાય છે. ઇન્ફ્લુએન્ઝા અને સ્ટેફાયલોકોકલ ન્યુમોનિયા સાથે થાય તો મૃત્યુદર ઘણો વધે છે. અછબડા કે વેરિસેલા વિષાણુના ચેપમાં જો ન્યુમોનિયા થાય તો તે ઘણું જોખમી ગણાય છે. એક્સ-રે-ચિત્રણમાં ઘણા નાના જવના દાણા જેવા અપારદર્શક વિસ્તારો જોવા મળે છે. તેમાં પાછળથી કૅલ્શિયમ જમા થાય છે. આ પ્રકારનો દેખાવ નિદાનસૂચક ગણાય છે. નાનાં બાળકોમાં (બે મહિનાનાં શિશુઓમાં) શ્વસનલક્ષી સિન્સીટીઅલ વિષાણુ શ્વસનિકાશોથ (bronchiolitis) અને ન્યુમોનિયા કરે છે. તાવ, ખાંસી, સિસકારાવાળો શ્વાસોચ્છવાસ અને ચામડી પર લાલાશભર્યો સ્ફોટ જોવા મળે છે. તેમાં પણ મૃત્યુદર ઘણો ઊંચો રહે છે. વેરિસેલા નામના વિષાણુથી થતા ન્યુમોનિયામાં એસાઇક્લોવીર નામની દવા દિવસમાં પાંચ વખત અપાય છે. જરૂર પડ્યે ઇંજેક્શન રૂપે વિડારબિન અપાય છે. અન્ય વિષાણુઓ સામે અસરકારક ચોક્કસ દવાઓ હાલ ઉપલબ્ધ નથી.

ક્લેમાડિયા નામના સૂક્ષ્મ જીવો સિટેકોસિસ કે ઓર્નિર્થોસિસ નામનો રોગ કરે છે, જે ચેપવાહક પક્ષીઓમાંથી ફેલાય છે. તાવ, માથું દુખવું, વ્યાપક શારીરિક વિકાર સાથેનો આ પ્રકારનો ન્યુમોનિયા ઘણો ઊંચો મૃત્યુદર ધરાવે છે. તેની સારવારમાં ઇંજેક્શન દ્વારા ટેટ્રાસાયક્લિન વપરાય છે. ક્યુ-જ્વર કરતા કોક્સીએલા બુર્નેટાઇ નામના સૂક્ષ્મ જીવોથી ન્યુમોનિયા અને હૃદ્કલાશોથ (endocarditis) થાય છે. તેમાં પણ ટેટ્રાસાઇક્લિન મુખમાર્ગે અપાય છે. લશ્કરને રહેવાના આવાસો(baracks)માં ઘણી વખત માયકોપ્લાઝમા ન્યુમોનિના ચેપનો વાવડ થઈ આવે છે. તે બાળકો અને યુવાનોને અસર કરે છે. તેમાં ન્યુમોનિયા ઉપરાંત ક્યારેક ચામડી પર ડાઘા અને ફોલ્લીઓ કરતો સ્ફોટ, રક્તકોષોને તોડી નાખવાથી થતી પાંડુતા તથા મગજ અને તેનાં આવરણોને અસર કરતો તાનિકા-મસ્તિષ્કશોથ (meningo-encephalitis) થાય છે. તેનાં પ્રતિદ્રવ્યોને દર્શાવતી કસોટીઓ ઉપલબ્ધ છે. તેમાં ટેટ્રાસાઇક્લિન કે એરિથ્રોમાયસિન આપવાથી ફાયદો થાય છે. તીવ્ર વિકાર હોય તો ઇંજેક્શન દ્વારા દવાઓ અપાય છે.

આનુષંગિક ન્યુમોનિયા : ઓછી ચેપક્ષમતાવાળા સૂક્ષ્મ જીવો, જ્યારે રોગપ્રતિકારકતા ઘટે ત્યારે, આ પ્રકારના ન્યુમોનિયા કરે છે. તેથી મોંમાં સામાન્ય રીતે જોવા મળતા સ્ટ્રેપ્ટોકોકાઈ, કેટલાક પ્રકારના ન્યુમોકોકાઈ, એચ. ઇન્ફ્લુએન્ઝી અને અજારક જીવાણુઓ (anaerobic bacteria) આ પ્રકારનો ચેપ કરે છે. ફેફસાં સુધી ચેપ ફેલાવાનાં વિવિધ કારણો હોય છે : નાકની આસપાસનાં હાડકાંનાં પોલાણોમાંનો વિવરશોથ (sinusitis) નામનો ચેપજન્ય રોગ, કાકડાની કે દાંતની શસ્ત્રક્રિયા પછી ચેપી દ્રવ્યનું શ્વાસમાં અંદર ઊતરવું, ઘેનમાં પડેલી વ્યક્તિ કે બેહોશ થયેલી વ્યક્તિ દ્વારા ચેપી દ્રવ્ય શ્વાસ મારફત અંદર લઈ લેવું વગેરે. વળી ઊલટીમાંનું દ્રવ્ય, અન્નનળી કે જઠરમાં અવરોધ હોય અને તેને કારણે પાછું ફેંકાયેલું પ્રવાહી પણ શ્વસનમાર્ગમાં પ્રવેશે છે તે પણ એક કારણ છે. શ્વસનનલિકાઓ કે ફેફસાંના કોઈ એક ભાગમાં પરુ જમા હોય તો તે પણ શ્વસનનલિકાઓ દ્વારા ફેફસાંના બીજા ભાગમાં ફેલાય છે. શસ્ત્રક્રિયા કે ઈજા પછી કફને બહાર કાઢવાની ક્ષમતા ઘટે છે. છાતીના અને પેટના દુખાવામાં શારીરિક નિર્બળતામાં પણ આવું બને છે. ગળાના ભાગનો લકવો પણ કફને બહાર કાઢવામાં મુશ્કેલી સર્જે છે. શ્વાસની નળીઓમાં અપૂર્ણ અવરોધ હોય તોપણ અવરોધ પછીનાં ફેફસાંના ભાગમાં પ્રવાહી જમા થઈ જાય છે. આવા વિવિધ સંજોગોમાં ફેફસાંમાં પ્રવાહી એકત્ર થાય છે, જે રાસાયણિક કે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા ફેફસીશોથ(ન્યુમોનિયા)ની સ્થિતિ સર્જે છે. તેમાં ઉગ્ર શ્વસનનલિકા-ફેફસીશોથ (broancho-pneumonia), સામાન્ય અભિશોષણજન્ય (aspiration) ન્યુમોનિયા, પરુ કરતો સપૂય (suppurative) ફેફસીશોથ, હૉસ્પિટલમાં લાગતો ફેફસાંનો ચેપ અને પ્રતિરક્ષાની ઊણપની સ્થિતિમાં થતા ન્યુમોનિયાનો સમાવેશ થાય છે.

નિર્બળ દર્દીઓને ઓરી, ઇન્ફ્લુએન્ઝા કે ઉટાંટિયા પછી કે ઉગ્ર શ્વસનનલિકાશોથ (acute bronchitis) પછી ઉગ્ર શ્વસનનલિકા ફેફસીશોથ થાય છે. સૂતા રહેતા દર્દીનાં ફેફસાંના નીચલા ભાગમાં પ્રવાહી જમા થવાથી તે થાય છે. માટે તેને અધ:સ્થાયી ફેફસીશોથ (hypostatic pneumonia) પણ કહે છે. તેમાં છેડાની શ્વસનિકાઓમાં પરુ ભરાય છે અને તેની આસપાસનાં ફેફસાંમાં વાતશૂન્યતા (collapse) અને સંઘનીભવન થાય છે. નાના નાના રોગના વિસ્તારો ક્યારેક એકબીજા સાથે જોડાઈને મોટો રોગવિસ્તાર પણ કરે છે. આ રોગમાં તાવ, પરુવાળો ગળફો, તથા પુષ્કળ ખાંસી જોવા મળે છે. સામાન્ય રીતે છાતીમાં દુખાવો થતો નથી. શરૂઆતના તબક્કામાં ફેફસાંમાં કોઈ ચિહનો ઉદભવતાં નથી, જોકે લોહીમાં તટસ્થ શ્વેતકોષો વધે છે. તેની જેમ શરૂઆત ધીમી અને વિશિષ્ટ લક્ષણો વગરની હોય છે તેમ તેનો અંત પણ ધીમો હોય છે અને ઘણી વખત અધૂરો રહે છે. અપૂર્ણ શમનને કારણે પરિણામ રૂપે ફેફસાંમાં તંતુતા અને શ્વસનનલિકાવિસ્ફારણ(bronchiactesis)નો રોગ રહી જાય છે. આ વિકારનો મૃત્યુદર ઘણો વધુ રહે છે. સારવાર રૂપે એમ્પિસિલીન કે કોટ્રાઈ-મૅક્સેઝોલ અપાય છે.

મોં, નાક, ગળું, અન્નનળી કે જઠરમાંનું પ્રવાહી ફેફસાંમાં પ્રવેશીને જે ન્યુમોનિયા કરે છે તેને સૌમ્ય અભિશોષણજન્ય ફેફસીશોથ (benign aspiration pneumonia) કહે છે. આ રોગમાં ખાંસી, પરુવાળો ગળફો અને ક્યારેક છાતીમાં દુખાવો થતો જોવા મળે છે. થોડોક તાવ આવે છે. તેને કારણે મોટેભાગે જમણા ફેફસાના નીચલા ભાગમાં ન્યુમોનિયાનાં ચિહનો જોવા મળે છે. લોહીમાં થોડા પ્રમાણમાં તટસ્થ શ્વેતકોષો વધે છે તથા એક્સ-રે–ચિત્રણમાં કોઈ એક ફેફસીખંડમાં અનિયમિત છાંટદાર અપારદર્શકતા (irregular mottled opacity) જોવા મળે છે. તેની સારવાર માટે એમ્પિસિલીન કે કૉટ્રાઇમૅક્સેઝોલ વપરાય છે.

ફેફસાંમાં પરુ કરતો ન્યુમોનિયા સામાન્ય રીતે સ્ટ્રેફાયલોકોકસ  કે ક્લેબ્સીએલા ન્યુમોનિયાના ચેપથી થાય છે. ફેફસાંનો કોઈ એક ભાગ લોહી ન મળવાથી મૃત્યુ પામે તો તેને ફેફસીપ્રણાશ (pulmonary infraction) કહે છે. અને જો તેમાં કોઈ ભાગમાં હવા ન પ્રવેશી શકે તો ત્યાં ફેફસીવાતશૂન્યતા (pulmonarycollapse) સર્જાય છે. તેવા સમયે સ્ટ્રોપ્ટોકોકસ ન્યુમોનિ, સ્ટેફાયલોકોકસ ઍરિયસ, સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સ અને એચ. ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુઓ પણ પરુ કરતો ન્યુમોનિયા સર્જે છે. ક્યારેક અજારક (anaerobic) જીવાણુઓ પણ તેના કારણરૂપ બને છે. રોગની શરૂઆત કેટલીક વાર તો એનો અણસાર સુધ્ધાં ન આવે એવી છદ્મતાયુક્ત (insidious) અથવા ઝડપી (ઉગ્ર) પ્રકારની હોય છે. જ્યારે રોગની શરૂઆત ક્યારે થઈ તેની ખબર ન પડી શકે ત્યારે તે સ્થિતિને અનાદિજ્ઞતાની સ્થિતિ કહે છે. દર્દીને પુષ્કળ પ્રમાણમાં પરુ અને લોહીવાળો ગળફો પડે છે તથા છાતીમાં દુખાવો થાય છે. તેને તાવના વારંવાર અને જોરદાર હુમલા થાય છે. તેથી અતિશય નબળાઈ આવે છે. આંગળીઓના નખ ફૂલીને ટેટા જેવા થઈ જાય છે. ફેફસાંમાં નાનીમોટી ગુહિકાઓ (cavites) થાય છે તથા ફેફસાંનાં આવરણમાં બંને પડ સૂજીને એકબીજાં સાથે ઘસાય છે, તેથી છાતીમાં દુખાવો થાય છે. દર્દીનું વજન ઘટે છે. એક્સ-રે–ચિત્રણ નિદાનસૂચક હોય છે. સારવારમાં એમ્પિસિલીન કે અન્ય જીવાણુ સામેની અસરકારક ઍન્ટિબાયૉટિક અપાય છે. દર્દીને કફ કાઢવાની કસરત શિખવાડાય છે. નાક, દાંત, કાકડા, પરાનાસાવિવર(paranasal sinus)માંના ચેપગ્રસ્ત વિસ્તારોની સમયસરની સારવાર કરવાથી આ તકલીફ થતી અટકાવી શકાય છે.

પ્રતિરક્ષા-ઊણપ(immunodeficiency)વાળા વિકારો : દા. ત., એઇડ્ઝનો રોગ હોય તો ન્યુમોસિસ્ટિક કેરિનાઈ, સ્યુડોમોનાસ એરિઓજિનેઝા, સ્ટેફાયલોકોકસ ઓરિયસ, એસ્પિરજિલસ ફ્યુમિગેટ્સ, વિવિધ વિષાણુઓ, ક્ષયરોગના જીવાણુ તથા ફૂગને કારણે ન્યુમોનિયા થાય છે. તે ભારે જોખમી છે અને અનેક ઍન્ટિબાયૉટિકને વશ થતો નથી. ગળફાની તપાસ, એક્સ-રે–ચિત્રણો તથા લોહીના કોષોની સંખ્યાની તપાસ કરવાથી નિદાન અંગે માહિતી મળે છે. ન્યુમોસિસ્ટિક કેરિનાઈમાં ફેફસાંમાં કોઈ એક્સ-રે દ્વારા જોઈ શકાતી વિકૃતિ મળે તે પહેલાંથી શ્વાસ ચઢવાનાં અને ખાંસીનાં લક્ષણો થઈ આવે છે. ક્યારેક નિદાન માટે ફેફસાંની શસ્ત્રક્રિયા કરીને પેશીપરીક્ષણ (biopsy) માટેનો ટુકડો મેળવવો પડે છે. ક્યારેક પ્રકાશવાહી તંતુઓવાળા અંત:દર્શક (fibre-optic endoscope) વડે તપાસ કરીને ફેફસાંની અંદરનું પ્રવાહી મેળવાય છે અને ત્યારબાદ તેની તપાસ કરાય છે. સામાન્ય રીતે ત્રીજી પેઢીની સિફેલોસ્પોરિનસ કે સ્યુડોમોનાસ સામે અસરકારક પેનિસિલીન, એનાયનોગ્લાઇકોસાઇડ, ફ્લુકેનેઝોલ કે એમ્ફોટેરિસિન તથા મેટ્રોનિડેઝોલ વગેરે ઔષધો વડે સારવાર શરૂ કરાય છે. જે-તે સૂક્ષ્મ જીવની સામે અસરકારક ઍન્ટિબાયૉટિક જરૂર પડ્યે અપાય છે. ન્યુમોસિસ્ટિક કેરિનાઈ સામે કો-ટ્રાઇમેક્સેઝોલ અસરકારક ઔષધ બની રહે છે.

સામાન્ય રીતે ઘરે અથવા હૉસ્પિટલ બહાર લાગતો ચેપ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિ, માયકોપ્લાઝ્મા કે વેજિયોનેલાના સૂક્ષ્મ જીવોથી થાય છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા ગંભીર રીતે માંદા દર્દીઓમાં 48 કલાક પછી વિવિધ પ્રકારના ગ્રામ-અનભિરંજિત જીવાણુઓ(gram negative bacteria)થી ચેપ લાગે છે. આ ઉપરાંત સ્ટેફાયલોકોકસ ઓરિયસ અને વિવિધ અજારક જીવાણુઓ તેમજ ફૂગને કારણે થતો ન્યુમોનિયા મુખ્યત્વે હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં જોવા મળે છે. તેમનો રોગ અનેક દવાઓને વશ થતો નથી અને તેથી તેમની સારવાર ઘણી જટિલ રહે છે. તેનો મૃત્યુદર પણ ઊંચો રહે છે. અસરકારક ઍન્ટિબાયૉટિકને શોધી કાઢવા જીવાણુ-સંવર્ધન અને ઍન્ટિબાયૉટિક વશ્યતા(bacterial culture and antibiotic sensitivity)ની કસોટી કરવી જરૂરી ગણાય છે.

શિલીન નં. શુક્લ

નલિન ઝવેરી