નૌનયન-નકશા (navigation charts) : સમુદ્રની સપાટીની નીચેનું ભૂતળ દર્શાવતો નકશો જે નૌચાલકને સમુદ્રના તળ વિશે જરૂરી માહિતી આપે. માણસ દ્વારા નૌનયનની શરૂઆત થઈ એ કાળથી જ, સમદ્રમાં જુદાં જુદાં સ્થળે પાણીની ઊંડાઈ જાણવાનું ઘણું અગત્યનું થયું; કારણ કે સમુદ્રની સપાટી નીચે રહેલા ખડકો, છીછરાં સ્થાનો વગેરેની પૂરી જાણકારીથી જ માર્ગમાં આવેલાં જોખમોથી નૌકાને બચાવીને તેનું નયન (ચાલન) સલામત રીતે કરી શકાય. સલામતી માટે જરૂરી સઘળી માહિતી નૌનયન નકશા દ્વારા જાણી શકાય છે.
નૌકાના પહોંચવાના (destination) ગંતવ્ય સ્થળ માટે કયો જળમાર્ગ ટૂંકો અને સલામત છે; જળમાર્ગમાં જુદાં જુદાં બિંદુઓ પર પાણીની ઊંડાઈ કેટલી છે; કયા અવરોધોથી નૌકાને દૂર રાખવી જરૂરી છે; અફાટ સમુદ્રમાં સફર દરમિયાન જુદા જુદા સમયે, નૌકાનું સ્થાન ક્યાં છે અને ગંતવ્યનું સ્થાન ક્યાં છે વગેરે બાબતો નકશા પરથી જાણી શકાય છે. એ ઉપરાંત કિનારા નજીકના સમુદ્રવિસ્તારોમાં ભરતી-ઓટની ઊંચાઈ વિશે; ભરતી-ઓટને લીધે ઉત્પન્ન થતા સમુદ્રપ્રવાહોની દિશા તથા ઝડપ વિશે; નૌચાલન માટે આવશ્યક દીવાદાંડીઓ, બોયાંઓ જેવી નૌનયન સુવિધાઓનાં સ્થાન, પ્રકાર તેમજ કિનારા નજીકના ભૂપૃષ્ઠની મહત્વની વિગતો વગેરે માહિતી આ નકશામાં દર્શાવાય છે. એ રીતે નૌનયન-નકશા ખૂબ અગત્યના છે અને એના વિના નૌનયન સલામતીપૂર્વક થઈ શકે નહિ.
આથી ઘણા જૂના સમયથી નૌનયન-નકશા અસ્તિત્વમાં છે. જેમ જેમ સામુદ્રિક વ્યાપાર વધતો ગયો અને સાથે નૌકાઓનાં કદ પણ વધતાં ગયાં તેમ તેમ આંતરરાષ્ટ્રીય નાવિક સમાજ દ્વારા ઉપયોગમાં લઈ શકાય એવા નકશાની આવશ્યકતા અનિવાર્ય થતી ગઈ, ચોકસાઈની જરૂરિયાત પણ વધતી ગઈ. જુદા જુદા દેશો દ્વારા આવા નકશાઓનું પ્રકાશન હાથ ધરાયું; પરંતુ તેમાં એકસૂત્રતાનો અભાવ હોવાથી 1908માં સેન્ટ પીટ્સબર્ગમાં ભરાયેલ આંતરરાષ્ટ્રીય નૌનયન કૉંગ્રેસમાં જુદા જુદા દેશો દ્વારા પ્રકાશિત નૌનયન-નકશાઓમાં એકસૂત્રતા અપનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો. આના અનુસંધાને, 1921માં મૉનેકોમાં આંતરરાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફિક બ્યૂરોની સ્થાપના થઈ. અત્યારે ભારત સહિત 49 દેશો એના સભ્ય છે.
ભારતમાં નૌનયન-નકશાઓ બનાવવાની જવાબદારી, નૌકાસૈન્યની નીચે આવેલ નેવલ હાઇડ્રોગ્રાફિક વિભાગની છે. એના વડા ચીફ હાઇડ્રોગ્રાફર છે અને તેની વડી કચેરી દહેરાદૂનમાં છે. આ કચેરી, ઈરાની અખાત, લાલ સમુદ્ર અને દક્ષિણ ચાઈના સમુદ્ર સહિતના સમગ્ર ઉત્તર હિન્દી મહાસાગરના વિસ્તારના નૌનયન-નકશા બનાવીને પ્રકાશિત કરે છે.
આ નકશાઓ તૈયાર કરવા માટે, ખાસ પ્રકારનાં સર્વે જહાજો દ્વારા સમુદ્રના વિસ્તારોનો હાઇડ્રોગ્રાફિક સર્વે કરવામાં આવે છે. આ જહાજો, સેક્સન્ટ, એકો સાઉન્ડર, રડાર, હાઇ-ફિક્સ રિસીવરો, સાઇડ સ્કેન સોનાર જેવાં ખાસ પ્રકારનાં અને અદ્યતન સાધનોથી સજ્જ હોય છે. મોજણી કર્યા પછી નકશા બનાવવાનું કામ પણ ઘણું અટપટું તથા મહત્વનું છે. એ માટે ખાસ પ્રકારનાં અને અદ્યતન સાધનો, નેવલ હાઇડ્રોગ્રાફિક ઑફિસમાં ઉપલબ્ધ હોય છે.
નૌનયન-નકશા જરૂરિયાત મુજબ જુદાં જુદાં માપ(scale)માં બનાવવામાં આવે છે. બારાં અને બંદરોથી નજીકના વિસ્તાર માટે સામાન્યત: 1:10,000થી 1:35,000નાં માપના નકશા બનાવાય છે. બારાં તથા બંદરોના જળમાર્ગોના નકશા 1:50,000 થી 1:1,50,000નાં માપમાં તથા સમુદ્રકાંઠાના વિસ્તારના નકશા 1:3,00,000નાં માપમાં બનાવાય છે. સમુદ્રના દૂરના ઊંડા વિસ્તારોમાં નૌનયનના માર્ગો તથા અન્ય વિગતો દર્શાવવા 1:15,00,000 થી 1:30,00,000નાં માપના નકશાઓ હોય છે. નકશાઓ સામાન્યત: મરકેટર પ્રોજેક્શન પર બનાવાય છે; પણ મોટા માપના નકશા કે જેમાં નાના વિસ્તારો દર્શાવાયા હોય તે નોમોનિક (Gnomonic) પર હોય છે.
નૌનયન-નકશાની પ્રાથમિક જરૂર નાવિકોને સલામત નૌનયન માટે છે; પરંતુ સાંપ્રત સમયમાં આ નકશાઓ કાંઠાનજીકના વિસ્તારોમાં તેલ-સંશોધન, ખંડીય છાજલી તથા રાષ્ટ્રના આર્થિક વિસ્તાર(Exclusive Economic Zone)માં વિવિધ પ્રકારનાં સંશોધનો, મત્સ્યોદ્યોગ, જહાજોના બચાવની કાર્યવહી (rescue operations) વગેરે અનેકવિધ કાર્યો માટે ખૂબ ઉપયોગી છે.
ભ. પ. કૂકડિયા