નૌબહાર : સિંધી ભાષાનાં બાળકાવ્યોનો સંગ્રહ. બાળસાહિત્યના આગવા પ્રકારનો પ્રારંભ કિશનચંદ ‘બેબસ’(1935)ની બાળકવિતાથી થયો ગણાય છે પણ તે પૂર્વે ભેરૂમલ મહેરચંદે (1875–1950) બાળકાવ્યોની રચના કરી હતી. ‘નૌબહાર’ નામે તે બાળોપયોગી ગીતસંગ્રહની ભાષા એટલી સરળ અને મધુર હતી કે પાઠ્યપુસ્તકો ઉપરાંત તે ગીતો જનસામાન્યમાં પ્રચલિત બની ગયાં હતાં. ગમ્મત સાથે જ્ઞાન મળે તેવાં આ ગીતો વડીલો પણ બાળકોને લયમાં ગાઈ સંભળાવતા અને બાળકો સ્વયં પણ તે કંઠસ્થ કરીને તે ગીતોના આધારે રમતો રમતાં. તે ગીતોના વિષયો પણ રોજિંદા જીવનના હતા. આસપાસની પરિચિત વસ્તુઓ અને પશુપક્ષીઓને તે ગીતોનાં પાત્રો બનાવાયાં હતાં.

ક્રમશ: ‘નૌબહાર’ કાવ્યસંગ્રહનાં તે બાળગીતોએ લોકસાહિત્યનું સ્વરૂપ લઈ લીધું અને હવે તે સિંધી બાળલોકગીતોની રૂએ પ્રચલિત બની રહ્યાં છે.

જયંત રેલવાણી