નૌકચોટ (Nouakchott) : પશ્ચિમ આફ્રિકાના મૉરિટાનિયા પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મોટામાં મોટું શહેર. દેશના પશ્ચિમ છેડે આટલાન્ટિક મહાસાગરના કિનારા નજીક 18° 06´ ઉ. અ. અને 15° 57´ પ. રે. પર તે આવેલું છે. દક્ષિણે આવેલા સેનેગલના પાટનગર ડાકરથી તે ઈશાનમાં 435 કિમી. અંતરે છે. તેની ઉત્તરે નૌમઘર બંદર, અગ્નિ તરફ બૌટિલિમિટ નગર, દક્ષિણે મેડેડ્રૉ નગર તથા વધુ દક્ષિણે સેનેગલનું સેન્ટ લુઇ બંદર અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર આવેલાં છે.

મૉરિટાનિયા પર ફ્રાન્સની હકૂમત હતી તે દરમિયાન 1957માં આ નગરની સ્થાપના થઈ હતી. આ નગર સ્થાપવા પાછળનો હેતુ મૉરિટાનિયાનો વહીવટ સંભાળવાનો તેમજ સેનેગલના સેંટ લુઈ જેવું સ્થાન ઊભું કરવાનો હતો. મૉરિટાનિયાને 1960માં આઝાદી મળ્યા પછી તે પાટનગર થતાં તેનો ઝડપી વિકાસ થયો. 2013 મુજબ તેની વસ્તી અંદાજે 9,58,399 જેટલી હતી. 1980ના દાયકામાં સહરાના પ્રદેશમાં પડેલા ભયંકર દુકાળને કારણે ત્યાંના પોતપોતાના વતનમાંથી ખોરાક અને કામની ખોજમાં સ્થળાંતર કરી આવેલા નિર્વાસિત લોકોમાંથી ઘણા આ નગરમાં સ્થાયી થયા છે, કેટલાક તો હજી તંબુઓમાં રહે છે, જેથી વસ્તીમાં ઘણો વધારો થયો છે. આ નગરની મોટા ભાગની મૂળ વસ્તી સ્વાધીનતા ચૉક(independence square)ની આજુબાજુમાં રહે છે, જ્યાં આધુનિક ઢબની ઇમારતો ઊભી થયેલી છે અને વ્યાપારી પ્રતિષ્ઠાનો તેમજ ઔદ્યોગિક એકમો કેન્દ્રિત થયાં છે.

નગરની મુખ્ય પેદાશોમાં હસ્તકારીગરીની ચીજવસ્તુઓ, ઊનના ગાલીચા, રસાયણોની પેદાશો, તથા મૃદુ પીણાં(soft dirnks)નો સમાવેશ થાય છે. નગરની પશ્ચિમે આશરે 8 કિમી. અંતરે વિકસેલા બંદર પરથી તાંબું અને ખનિજતેલની નિકાસ થાય છે. નજીકના દેશોનાં મુખ્ય શહેરો સાથે તે માર્ગોથી જોડાયેલું છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે પણ તેનો વિકાસ થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે