નોર્ધોસ, વિલિયમ (જ. 31-5-1941, ન્યૂ મૅક્સિકો, યુએસએ) : પર્યાવરણીય અર્થશાસ્ત્ર વિશેનાં સંશોધનો માટે પોલ રોમર સાથે અર્થશાસ્ત્રનો 2018નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન અર્થશાસ્ત્રી. તેમણે 1967માં અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ યાલે યુનિવર્સિટી ખાતે અધ્યાપક રહ્યા છે. તેમને 2017માં બીબીવીએ ફાઉન્ડેશન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. 2004માં તેઓ અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના વિશિષ્ટ ફેલો તરીકે નિમાયા હતા.

લાંબા ગાળાના આર્થિક વૃદ્ધિદર અને મોસમ પરિવર્તન વચ્ચેના સંબંધને વિશે તેમણે કરેલાં સંશોધનોએ વૈશ્વિક તાપમાનમાં થતા વધારાને ખાળવા માટેની નીતિઓ ઘડવા માટે માર્ગદર્શન આપ્યું છે. તેમનાં સંશોધનોએ અનેક સરકારોને મોસમ પરિવર્તન અંગે આર્થિક વિકાસને સાંકળીને નીતિઓ ઘડવા માટે અને વૈશ્વિક સ્તરે પણ નીતિઓ ઘડવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. તેમણે આર્થિક ચિરંતનતાની આકારણી માટે ‘આર્થિક કલ્યાણ માપ’નો ખ્યાલ આપ્યો છે. દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી અને ગ્રાહક ભાવાંકની ગણતરી જે રીતે થાય છે તેની સામે તેમણે મોટા વાંધા ઉઠાવ્યા અને કહ્યું કે કેવી રીતે આવકનું સર્જન થાય છે અને કઈ વસ્તુની વપરાશથી કેવી વ્યાપક અસર થાય છે તે ઘણું જ મહત્વનું છે. તેઓ કહે છે કે, જો આપણે ગઈ સદી દરમિયાન થયેલી વાસ્તવિક આવકની વૃદ્ધિના ચોક્કસ અંદાજો મેળવવા હોય તો આપણે જે વસ્તુઓ અને સેવાઓ વાપરીએ છીએ તેના વિસ્તાર અને ગુણવત્તામાં આવેલા ફેરફારોને ધ્યાનમાં લઈને ભાવાંક ગણવો જોઈએ.

મોસમ પરિવર્તન ઉપર અર્થતંત્ર કેવી રીતે અસર પાડે છે અને મોસમ પરિવર્તનથી અર્થતંત્ર કેવી રીતે પ્રભાવિત થાય છે તેના પર તેમણે ગહન સશોધન કર્યું છે. કાર્બન ટૅક્સ લાદનારી સરકારી નીતિઓ પ્રભાવક કેવી રીતે રહી શકે તે અંગે તેમણે સંશોધન કર્યું અને નવાં આર્થિક મૉડલ વિકસાવ્યાં. તેઓ જણાવે છે કે જો બધા દેશોમાં એકસમાન કાર્બન ટૅક્સ નાખવામાં આવે તો ભાવિ પેઢીઓ સહિતના મનુષ્યોનું કલ્યાણ કેવી રીતે મહત્તમ થઈ શકે. તેમણે તો કાર્બન-ડાયૉક્સાઇડના કેટલા ઉત્સર્જન પર કેટલો કાર્બન ટૅક્સ નાખવો જોઈએ તે પણ જણાવ્યું છે.

હેમન્તકુમાર શાહ