નોમિક પોએટ્રી : કાવ્યરચનાનો અત્યંત પ્રાચીન પ્રકાર. ગ્રીક શબ્દ gnome (એટલે કે અભિપ્રાય, કહેવત) પરથી બનાવાયેલું આ વિશેષણ મુખ્યત્વે નીતિવચન કે બોધવચન જેવી કાવ્યપંક્તિઓ તથા સૂત્રાત્મક, સારરૂપ કે કહેવતરૂપ કંડિકાઓ માટે પ્રયોજવામાં આવે છે. આ વિશેષણ સૌપ્રથમ ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદીના કેટલાક ગ્રીક કવિઓની રચનાઓને લાગુ પાડવામાં આવ્યું હતું. આવી કાવ્યપંક્તિઓનો સંગ્રહ ‘નોમોલૉજિયા’ એટલે કે એક પ્રકારના કહેવતસંગ્રહ તરીકે ઓળખાતો અને તરુણોને ઉપદેશ તથા બોધનું શિક્ષણ આપવામાં ખપમાં આવતો.

મૂળ ગ્રીક કાવ્યરચના માટે આ શબ્દ પ્રયોજાયો હોવા છતાં આ પ્રકારનાં ટૂંકાં નીતિસૂત્રો, પરંપરાગત નીતિમત્તા તથા શાણપણ દર્શાવતી માર્મિક કાવ્યોક્તિનું સાહિત્ય લગભગ દરેક ભાષા અને સાહિત્યમાં જોવા મળે છે. ગ્રીક કવિતા પૂર્વે પણ ચીની, સંસ્કૃત તથા ઇજિપ્શિયન જેવી ભાષાઓમાં આવી અર્થસભર કાવ્યકંડિકાઓનું સાહિત્ય જોવા મળે છે. પ્રાચીન (old) અંગ્રેજી ભાષાની મહાકાવ્ય પ્રકારની તથા ઊર્મિકવિતા એમ બંને પ્રકારમાં આવી બોધપંક્તિઓ અનેક વાર આવે છે. ‘બેઓવુલ્ફ’માં આવી કંડિકાઓ ઘણી વાર વૃત્તાંતકાવ્યની વચ્ચે વચ્ચે પથરાયેલી છે અને તેમાં નાયકના વર્તનના આધારે પ્રસંગોપાત્ત, બોધવચન કે ઉપદેશસૂત્ર તારવી બતાવાયાં છે. આયર્લૅન્ડ અને નૉર્વેજિયાના તથા જર્મેનિક ભાષા-સાહિત્યમાં પણ આવાં અનેક ઉદાહરણો છે.

અંગ્રેજી સાહિત્યમાં પ્રમાણમાં કંઈક અર્વાચીન સમયમાં સૌથી જાણીતો થયેલો સંગ્રહ છે ફ્રાન્સિસ ક્વાર્લ્ઝનો ‘ધ બુક ઑવ્ એમ્બ્લમ’ (1633). ઍલિગઝાન્ડર પોપરચિત ‘ધી એસે ઑન્ મૅન’ (1733–34) અર્વાચીન અંગ્રેજી સાહિત્યમાં આ પ્રકારનું લાક્ષણિક દૃષ્ટાંત છે; એ લાંબા કાવ્યમાં વચ્ચે વચ્ચે ડહાપણ અને દૂરંદેશિતા દર્શાવતી પંક્તિઓ ડોકાયાં કરે છે.

આ રીતે સાર્વત્રિક અને સનાતન સત્ય જેવી તથા અનુભવપ્રાપ્ત શાણપણના નિચોડ રૂપે બોધવચન તથા નીતિસૂત્રો જેવી સંક્ષિપ્ત છતાં માર્મિક કંડિકાઓ રચવાની કાવ્યરીતિ બહુધા સર્વ દેશકાળના સાહિત્યમાં સુલભ હોય છે.

મહેશ ચોકસી