નોમ પેન્હ (Phnom Penh – nahm pen) : કામ્પુચિયા(કમ્બોડિયા)નું પાટનગર. કામ્પુચિયાના દક્ષિણ મધ્ય ભાગમાં મેકોંગ, ટોનલે સૅપ તથા બાસાક નદીઓના ‘X’ આકારના સંગમસ્થાન(બે નદીઓ એકબીજીને વીંધતી હોય એવું સંગમસ્થાન) પર તે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 11° 33´ ઉ. અ. અને 104° 55´ પૂ. રે.. દંતકથા મુજબ શહેરના ઉત્તર ભાગમાં આવેલી પેન્હ ટેકરી પર લેડી પેન્હનો એક પૅગોડા છે, જ્યાં તેમની ભસ્મ રાખવામાં આવેલી છે; આના પરથી શહેરનું નામ ‘નોમ પેન્હ’ પડ્યું એમ કહેવાય છે.

નોમ પેન્હની આસપાસના વિસ્તારનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડાંગર, મકાઈ, કપાસ અને મરી અહીંના મુખ્ય પાકો છે; જ્યારે શાકભાજી, કેળાં અને અન્ય અયનવૃત્તીય ફળફળાદિ સ્થાનિક વસ્તીના ઉપયોગ માટે ઉગાડાય છે. ભેંસ, ભુંડ અને બતકાં આ પ્રદેશનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે.

નોમ પેન્હ કામ્પુચિયાનું મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં  ચોખાની મિલો, સુતરાઉ કાપડની મિલો, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ આવેલી છે. આ ઉપરાંત ખાદ્યપ્રક્રમણ-ઉદ્યોગ, મોટર-ઉદ્યોગ; પગરખાં, કાગળ, બાંધકામ-સામગ્રી, કાચનાં વાસણો તથા ટાયર-ઉત્પાદનને લગતા ઉદ્યોગો અહીં વિકસ્યા છે. ટીપીને ઘડેલાં ચાંદીનાં વાસણો, પેટીઓ અને વિશિષ્ટ ભાતવાળું ઝવેરાત હસ્તકારીગરીના રૂપમાં અહીં તૈયાર થાય છે. ચામડાની ચીજવસ્તુઓ અને કાષ્ઠકલાની ચીજો પણ બને છે.

દક્ષિણ ચીની સમુદ્રથી લગભગ 290 કિમી. દૂર દેશના અંદરના ભૂમિ-ભાગમાં આવેલું આ શહેર મેકોંગ ખીણવિસ્તારનું એક મહત્વનું નદી-બંદર બની રહ્યું છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન વરસાદની ઋતુમાં મેકોંગ નદીમાં જળભરાવો થવાથી તેનાં પાણી પાછાં પડે છે, ટોનલે સૅપ નદીનો પ્રવાહ ઊલટો બની જાય છે, તેના ઉપરવાસમાં આવેલું ટોનલે સૅપ સરોવર જળબંબાકાર બનવાથી પૂરનું વિશાળ થાળું બની રહે છે. આ કારણથી એટલા ગાળા માટે નોમ પેન્હ નદી-બંદર તરીકે, માછીમારીના કેન્દ્ર તરીકે અને મેકોંગ નદી મધ્યમ કદનાં વહાણોની અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે. અહીંથી સૂકવેલી માછલીઓ અને મરીની નિકાસ કરવામાં આવે છે. આ શહેર ચાર રાષ્ટ્રીય ધોરી માર્ગો અને ત્રણ રેલમાર્ગોનું જંકશન બની રહ્યું છે. અહીંનો રેલમાર્ગ તેને બૅંગકૉક સાથે જોડે છે. પોચેન્ટૉંગ (Pochentong) હવાઈ મથકથી જુદાં જુદાં સ્થાનોને જોડતી હવાઈ સેવા ચાલે છે.

નોમ પેન્હ કામ્પુચિયાનું શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. નોમ પેન્હ યુનિવર્સિટી, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ જેવી કે ‘યુનિવર્સિટી નૅશનલ દ નોમ પેન્હ’, ‘યુનિવર્સિટી રૉયલ ખ્મેર’ તથા ઇજનેરી, કળા, ટૅક્નૉલૉજી અને કૃષિની સંસ્થાઓ, ‘યુનિવર્સિટી રૉયલ દ સાયન્સીઝ’ તથા ‘ઍગ્રોનોમીક્યુ’ જેવી નામી સંસ્થાઓ અહીં આવેલી છે.

કમ્બોડિયાના જૂના નામે ઓળખાતા આ દેશની સાંસ્કૃતિક ઇતિહાસની ઝાંખી કરાવતાં અહીંનાં પુસ્તકાલયો અને સંગ્રહાલયો ધ્યાન ખેંચે છે. જયવર્મન સાતમાના કળાસંગ્રહસ્થાનમાં ખ્મેર ઝવેરાતનું પ્રદર્શન કરવામાં આવેલું છે. વળી તે ખ્મેર કળાના નમૂનાઓ અને ઐતિહાસિક દસ્તાવેજો પણ ધરાવે છે. સ્થાપત્યની દૃષ્ટિએ અહીંનો શાહી મહેલ અને અનેક પૅગોડા નોંધપાત્ર બની રહેલા છે.  આ પૈકીનો પ્રેહ મોરોકોટ (Preh Morokot) પૅગોડા તેની ચાંદીનાં ટાઇલ્સવાળી ફરસબંધી માટે જાણીતો છે. નોમ ટેકરીના શિખર પર ભગવાન બુદ્ધની પ્રતિમા પણ છે.

નોમ પેન્હનો એક રાજમાર્ગ

ઇતિહાસ : આ શહેર 14મી સદી દરમિયાન વસેલું હોવાનું કહેવાય છે. આશરે 1434ના અરસામાં આંગકોર થોમના સ્થાને રાજધાની તરીકે નોમ પેન્હની વરણી થયેલી. જોકે અવારનવાર તેનું પાટનગર તરીકેનું પદ છીનવાતું રહ્યું છે. 1863માં ફ્રેન્ચોએ આ દેશમાં થોડા સમયગાળા માટે વહીવટ કરેલો, પરંતુ 1867માં રાજા નોરોદમે તેની પાટનગર તરીકે પુન:સ્થાપના કરી ને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને તે કબજે કરેલું, પરંતુ 1945માં બ્રિટિશ લશ્કરે તેને મુક્ત કરાવ્યું. 1975માં ખ્મેર રૂજ સામ્યવાદીઓએ કમ્બોડિયા પર કબજો કર્યો, ત્યારે આ શહેરની વસ્તી 20 લાખની હતી. સામ્યવાદીઓની નિર્દય નીતિઓને કારણે ખ્મેર રૂજ શાસકોએ આ શહેરની મોટાભાગની વસ્તીને ગ્રામીણ વિસ્તારોમાં ખસેડી અને શહેરમાં માત્ર 20,000ની વસ્તી જ રહી. 1979માં કમ્બોડિયા અને વિયેટનામી દળોના હાથે ખ્મેર રૂજનો પરાજય થતાં, ગ્રામીણ વિસ્તારોમાં ગયેલી વસ્તી પાછી ફરી. 1981માં આ શહેરની વસ્તી વધીને 4 લાખની થઈ હતી. તેની વસ્તી 22,81,951 (2019 મુજબ) આસપાસની છે.

નવનીત દવે