નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ
January, 1998
નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ (જ. 21 ઑક્ટોબર 1833, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 10 ડિસેમ્બર 1896, સાન રે મો, ઇટાલી) : વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રતિષ્ઠાનના સ્થાપક અને ડાઇનેમાઇટના શોધક સ્વીડિશ રસાયણશાસ્ત્રી. ઇમૅન્યુઅલ નોબેલના ત્રણ પુત્રોમાંના એક. શરૂઆતમાં નોબેલ કુટુંબે 1842માં સ્વીડન છોડીને સેંટ પીટર્સબર્ગ(રશિયા)માં વસવાટ કર્યો. આલ્ફ્રેડનું શિક્ષણ ખાનગી શિક્ષકો દ્વારા થયું અને માત્ર 16 વર્ષની ઉંમરે તે એક સક્ષમ રસાયણવિદ બની શક્યા તથા પોતે અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, રશિયન તથા સ્વીડિશ ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું. 1850માં રશિયા છોડી આલ્ફ્રેડે એક વર્ષ પૅરિસમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ઇજનેરીના અભ્યાસ માટે ચાર વર્ષ અમેરિકામાં ગાળ્યાં. સેંટ પીટર્સબર્ગ પાછા ફર્યા બાદ તેમના પિતાની ફૅક્ટરીમાં તેમણે કામ શરૂ કર્યું, પરંતુ 1859માં ફૅક્ટરીએ દેવાળું કાઢવાથી આલ્ફ્રેડ સ્વીડન પાછા ફર્યા. અહીં તેમણે સ્ફોટક દ્રવ્ય તરીકે જાણીતા નાઇટ્રોગ્લિસરીનનું ઉત્પાદન શરૂ કર્યું. આ ફૅક્ટરી 1864માં ધડાકા સાથે નાશ પામી અને તેમાં આલ્ફ્રેડનો નાનો ભાઈ એમિલ તથા ચાર સાથી કામદારો મૃત્યુ પામ્યા. આથી સ્વીડિશ સરકારે ફૅક્ટરી ફરી બાંધવાની મનાઈ ફરમાવી. બીજી તરફ નાઇટ્રોગ્લિસરીનની સ્ફોટકતા ઓછી કરવાના પ્રયોગો આલ્ફ્રેડે ચાલુ રાખ્યા. પરિણામે તે ધૂની વિજ્ઞાની તરીકે ઓળખાવા લાગ્યા. એક વાર અકસ્માતથી પૅકિંગ માટે વપરાતા સેલ્યુલોઝ જેવા માધ્યમમાં નાઇટ્રોગ્લિસરીન ઢોળાઈને શોષાઈ જતાં તેમને સ્ફુરણા થઈ કે કદાચ આ રીતે નાઇટ્રોગ્લિસરીનની સ્ફોટકતા ઘટાડી શકાય. આમ અકસ્માતે તેમના હાથે ડાયનેમાઇટની શોધ થઈ. કીસલગુહર નામે જાણીતી માટીમાં નાઇટ્રોગ્લિસરીનને નિશ્ચિત પ્રમાણમાં શોષવાથી ડાયનેમાઇટ નામનું દ્રવ્ય બને છે. 1867માં તેમણે ડાયનેમાઇટની બ્રિટનમાં તથા 1868માં અમેરિકામાં પેટન્ટો મેળવી. આ ઉપરાંત ડાયનેમાઇટનું પ્રબળ સ્ફોટક ગુણ ધરાવતું સ્વરૂપ, બ્લાસ્ટિંગ જિલેટીન પણ તેમણે શોધી કાઢ્યું તથા 1876માં તેની પેટન્ટ મેળવી. લગભગ એક દસકા બાદ તેમણે પ્રથમ ધૂમ્રહીન પાઉડર, બૅલિસ્ટાઇટ, નાઇટ્રોગ્લિસરીનમાંથી મેળવ્યો.
સ્ફોટક દ્રવ્યોના સંશોધક તરીકે તેમજ તેમણે લીધેલી પેટન્ટો દ્વારા તે દુનિયાભરમાંથી ખૂબ ધન કમાયા. ઉપરાંત રશિયામાં બાકુના તેલકૂવાઓમાંની ભાગીદારીથી પણ ખૂબ કમાણી કરી. વિશ્વભરમાં તેમણે ડાયનેમાઇટ જેવા સ્ફોટકો માટે કારખાનાં સ્થાપ્યાં. સ્વીડનમાંનું એક મોટું કારખાનું (બોફોર્સ આર્મામેન્ટ પ્લાન્ટ) પણ તેમણે ખરીદી લીધું. આ ઉપરાંત નોબેલે સંશ્લેષિત રબર અને કૃત્રિમ રેશમ જેવાં દ્રવ્યો ઉપર પણ સંશોધન કર્યું. નોબેલની તબિયત હંમેશાં નબળી રહેતી અને છેલ્લાં વરસોમાં તો તે ખૂબ માંદા રહેતા તથા માનસિક રીતે ગુનાઇત માનસ ધરાવતા થઈ ગયેલા. તેમને લાગ્યું કે નાઇટ્રોગ્લિસરીન તથા ડાયનેમાઇટની તેમની શોધ તથા યુદ્ધમાં તે દ્વારા થતા મોટા માનવસંહાર માટે તે પોતે જવાબદાર છે. આથી તેમણે લગભગ 90 લાખ અમેરિકન ડૉલરનું એક ફંડ બનાવ્યું અને તેના વ્યાજમાંથી દર વર્ષે માનવજાતિના કલ્યાણમાં ફાળો આપનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પુરસ્કાર અપાતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરી. નોબેલ પુરસ્કારો દર વર્ષે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અર્થવિજ્ઞાન, સાહિત્ય, દેહધર્મવિદ્યા અથવા આયુર્વિજ્ઞાન (physiology or medicine) તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ વગેરે માટે આપવામાં આવે છે.
જગદીશ જ. ત્રિવેદી