નોબેલિયમ : આવર્તકોષ્ટકના 3જા B સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીની ટ્રાન્સયુરેનિયમ તત્વ તરીકે ઓળખાતી કિરણોત્સર્ગી ધાતુ. તેની સંજ્ઞા No, પરમાણુઆંક 102 તથા સ્થાયી સમસ્થાનિક(અર્ધજીવનકાળ ~1 કલાક)નો પરમાણુભાર 259.101 છે. તે કુદરતમાં મળતું નથી, પરંતુ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવાય છે. માત્ર સૂક્ષ્માતિસૂક્ષ્મ (atomic quantities) માત્રામાં જ તે મેળવી શકાયું છે. તેનો ક્ષય થતાં α – કણ ઉત્સર્જિત થાય છે..

કૃત્રિમ રીતે મેળવેલું યુરેનિયમ પછીનું તે 10મું તત્વ છે તથા ઍક્ટિનાઇડ શ્રેણીનો તે 13મો સભ્ય છે. આ શ્રેણી દુર્લભ મૃદા શ્રેણી (rare earth-series) જેવી છે. 1961માં પરમાણુઆંક 103વાળું તત્વ લોરેન્સિયમ (Lr) શોધાતાં તે પૂર્ણ થઈ શકી.

નોબેલિયમ(102) સૌપ્રથમ ગ્રેટ બ્રિટન, સ્વીડન અને યુ.એસ.ની આંતરરાષ્ટ્રીય ટુકડીએ 1957માં શોધી કાઢેલું. સાયક્લોટ્રૉનમાં ક્યુરિયમ (96) ઉપર 60થી 85 MeV જેટલી પ્રબળ ઊર્જાવાળા કાર્બન આયનોનો મારો ચલાવવાથી ક્યુરિયમ પરમાણુઓ થોડાક ઉચ્ચ શક્તિવાળા કાર્બન આયનો ઝડપી લઈને અતિ ઉત્તેજિત નોબેલિયમ પરમાણુઓ બનાવે છે. આ ઉત્તેજિત પરમાણુઓ તેમની વધારાની ઊર્જા ન્યૂટ્રૉનના બાષ્પીભવન દ્વારા ગુમાવી 102 પરમાણુક્રમાંકવાળું તત્વ બનાવે છે. આ તત્વના સમસ્થાનિકનો અર્ધજીવનકાળ ખૂબ ટૂંકો છે જેથી તે બને કે તરત જ તેની લાક્ષણિકતા નક્કી કરવી જરૂરી બને છે. આ માટે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયાની લૉરેન્સ રેડિયેશન લૅબોરેટરીમાં પ્રતિક્ષિપ્ત (recoil) તકનીક વિકસાવવામાં આવી હતી. 1950માં આ જ લૅબોરેટરીમાં નોબેલિયમનો અન્ય સમસ્થાનિક (અર્ધજીવનકાળ 3 સેકંડ) શોધી કાઢવામાં આવ્યો હતો. આ રીતનો ઉપયોગ કરી સોવિયેત યુનિયનના વૈજ્ઞાનિકોએ No-102ના 256 તથા 254 પરમાણુભારવાળા સમસ્થાનિકો શોધ્યા હતા. 1966માં ઘીઓર્સો અને સિબૉર્ગે નોબેલિયમને તત્વ તરીકે સ્પષ્ટપણે ઓળખી બતાવ્યું હતું. IUPAC દ્વારા આલ્ફ્રેડ નોબેલની યાદમાં આ તત્વનું નામ નોબેલિયમ આપવામાં આવ્યું છે. Noના કુલ 9 સમસ્થાનિકો શોધાયા છે.

Noના 255 પરમાણુભારવાળા સમસ્થાનિકની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે કે દ્રાવણમાં તે No+2 આયન સ્વરૂપે હોય છે.

જગદીશ જ. ત્રિવેદી