નોકાર્ડીઆ : ઍક્ટિનોમાયસિટ્સ જૂથના જીવાણુની પ્રજાતિ. આ પ્રજાતિના જીવાણુ લાંબા, તંતુ આકારના, ફૂગને મળતા હોય છે. તે વાતજીવી છે. તેની વૃદ્ધિ વિભાજન દ્વારા થતી હોવાથી તે આકારમાં દંડાણુ અને ગોલાણુ આકારના બને છે. તે ગ્રામધની છે. જેમની કોષદીવાલમાં નોકાર્ડોમાયકૉલિક ઍસિડ નામનું દ્રવ્ય આવેલું હોય, એવી જાતિઓ ઍસિડપ્રતિકાર (acid fast) કરતી હોય છે.

આ જીવાણુ જમીન તેમજ પાણીમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે મૃતોપજીવી (saprophyts) હોય છે. પણ કેટલીક જાતિઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં પલ્મોનરી નોકાર્ડીઑસિસ ફેફસાંનો રોગ કરે છે. ફેફસાંમાંથી તેનો ચેપ કેટલીક વાર કિડની અને મગજ સુધી પણ ફેલાય છે. ફેફસાંમાં ચાંદાં પડી તે મોટાં થઈ જૂનો ક્ષય હોય તેવાં ચિહનો પેદા કરે છે.

આ જીવાણુ સેબોરોડ્સ ડેક્સ્ટ્રોઝ અગાર માધ્યમ કે અકાર્બનિક ક્ષારવાળા યીસ્ટ એક્સ્ટ્રેક્ટ મેનિટોલ અગાર માધ્યમ જેવા સાદા માધ્યમ પર, વાતકીય વાતાવરણમાં વૃદ્ધિ પામી શકે છે. માધ્યમને 28° સે. તાપમાને 3થી 5 દિવસ સુધી સેવન માટે મૂકવામાં આવે છે. તેની વસાહતો કરચલીવાળી, દેખાવમાં મીણ જેવી તેમજ પીળા કે નારંગી રંગની હોય છે તેમજ માધ્યમ સાથે તે સખત રીતે ચોંટેલી રહે છે.

આ પ્રજાતિની વિવિધ રોગકારક જાતોની યાદી નીચે પ્રમાણે આપી શકાય :

(1) નોકાર્ડીઆ એસ્ટેરોઇડ્ઝ; (2) નોકાર્ડીઆ કેવીએ, (3) નોકાર્ડીઆ મદુરા (બૂટ ન પહેરતાં મનુષ્યોમાં મદુરા ફૂટ નામનો રોગ કરે છે), (4) નોકાર્ડીઆ બ્રાસીલીએન્સિસ, (5) નોકાર્ડીઆ પેલેટીએરી, (6) નોકાર્ડીઆ કાર્નિઆ.

નોકાર્ડીઆ  માયસીલીયમ અને કોનીડીઆ

આ જીવાણુ સલ્ફોનામાઇડ અને નૅલિડિક્સિક ઍસિડને સંવેદનશીલ છે. રોગની સારવારમાં સલ્ફાડાયાઝીન ઉપરાંત ક્લોરોટેટ્રાસાયકલીન, ઑક્સિટેટ્રા-સાયક્લીન તેમ જ કલૉરેમ્ફેનિકૉલ પણ વપરાય છે.

પ્રમોદ રતિલાલ શાહ