નોકરશાહી (bureaucracy) : મોટા પાયા પરનાં સંગઠનોનો વહીવટ કરવાની એવી પ્રથા, જેમાં સત્તાનું એક ચોક્કસ માળખું હોય તથા નિયમો અને પ્રવિધિઓ સ્પષ્ટ હોય. આવી નોકરશાહી પ્રથા સરકારી તંત્રો, સંગઠિત સંપ્રદાયો, શિક્ષણસંસ્થાઓ, મોટી વેપારી-ઔદ્યોગિક પેઢીઓ વગેરેમાં જોવા મળે છે.

જર્મનીના સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે નોકરશાહીના એક આદર્શ સ્વરૂપને ઘડી કાઢીને તેને સૈદ્ધાંતિક સ્વરૂપ આપ્યું હતું. તેમના મત પ્રમાણે નોકરશાહી પ્રથા આધુનિક દુનિયાની એક આવશ્યકતા છે. વિશ્વનું જે આધુનિકીકરણ થઈ રહ્યું છે તેના એક ભાગ રૂપે નોકરશાહી પ્રથા વિકસી છે. જૂની દુનિયા પરંપરાઓ પ્રમાણે ચાલતી હતી. આધુનિક દુનિયામાં સામાજિક જીવનમાં કાર્યવિભાજન વધુ ને વધુ વ્યાપક અને કુશળતા પર આધારિત બનતું જાય છે. તેમાં જીવન પરત્વેનો અભિગમ વધુ તર્કનિષ્ઠ અને કાનૂનનિષ્ઠ બન્યો છે. માનવસંબંધો વધુ પ્રમાણમાં કરારનિર્ધારિત બનતા જાય છે. સમાજની આ ઉત્ક્રાંતિના એક ભાગ રૂપે નોકરશાહી પ્રથા અસ્તિત્વમાં આવી છે અને વિસ્તરી છે.

વેબરે નોકરશાહીની નીચેની લાક્ષણિકતાઓ દર્શાવી હતી :

(1) સંગઠનમાં અધિકારીઓને, સ્પષ્ટ કરવામાં આવેલી ઉચ્ચાવચ શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ ક્રમમાં કોઈ એક અધિકારીની સત્તા તેના સ્થાનના આધારે નક્કી થયેલી હોય છે. (2) આ સંગઠનમાં રોકાયેલા બધા જ અધિકારીઓ/કર્મચારીઓ પગારદાર નોકરો હોય છે. તેમને તેમની કામગીરીનું વળતર તેઓ જે હોદ્દો સંભાળે છે તેમાંથી પ્રત્યક્ષ રીતે મળતું નથી, પણ પગાર સ્વરૂપે મળે છે. (3) અધિકારીઓની સત્તા તેમણે ભજવવાની ભૂમિકામાંથી નિષ્પન્ન થયેલી હોય છે, તેમની કોઈ અંગત હેસિયતમાંથી એ સત્તા તેમને સાંપડી હોતી નથી. અધિકારીની સત્તા તે તેની ભૂમિકા ભજવવાની ચાલુ રાખે ત્યાં સુધી જ ટકી રહે છે. (4) નોકરશાહીના માળખામાં અધિકારીઓની નિમણૂક તેમની વ્યાવસાયિક લાયકાત અને કાર્યદક્ષતાના આધાર પર કરવામાં આવે છે. તેમાં વ્યક્તિના મોભાને જોવામાં આવતો નથી. એ જ રીતે વ્યક્તિ પર કૃપા કરવાની રીતે પણ તેની નિમણૂક કરવામાં આવતી નથી. (5) અધિકારીઓ જે નિર્ણયો કરે છે તે, તે માટેના નિયમોને અધીન રહીને કરે છે. આને પરિણામે અધિકારીઓને મુનસફી પ્રમાણે વર્તવાનો અવકાશ ન્યૂનતમ થઈ જાય છે. (6) આ તંત્ર ઘણી માહિતી ભેગી કરે છે અને નોંધી રાખે છે. તેમના નિર્ણયો એકત્ર કરેલી સામગ્રી (data) પર આધારિત હોય છે.

વેબરના જમાનાથી એ સ્વીકારાતું આવ્યું છે કે વેબરે પોતે કલ્પેલી આદર્શ નોકરશાહી ક્યારેય ક્યાંય અસ્તિત્વમાં આવી નથી. આમ છતાં, મોટાં સંગઠનો કઈ રીતે કામ કરે છે તેના એક વર્ણન રૂપે વેબરે આપેલી લાક્ષણિકતાઓ હકીકતની ઘણી નજીક છે તે વિશે પણ ઝાઝો મતભેદ નથી.

નોકરશાહી પ્રથાની સામે કેટલીક ટીકાઓ સમાજમાં ખૂબ પ્રચલિત છે. નોકરશાહી તંત્રમાં નિર્ણયો વિલંબથી થાય છે, તેમાં ફાઈલોનું કદ વધતું જાય છે; તેના નિયમો અને પ્રવિધિઓ નિયત સાધ્યના સાધનરૂપ હોય છે; પરંતુ વ્યવહારમાં તે નિયમોનું પાલન પોતે જ સાધ્ય થઈ જાય છે. આ તંત્રમાં કર્મચારીઓ પહેલવૃત્તિ (initiative) દાખવીને કામ કરી શકતા નથી. એક સમાજશાસ્ત્રીએ તો આ કર્મચારીઓને યંત્રમાનવ તરીકે પણ ઓળખાવ્યા છે.

રમેશ ભા. શાહ