નોઆખલી : બાંગ્લાદેશના ચિત્તાગોંગ ક્ષેત્રીય વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું વહીવટી વડું મથક તથા બંદર. ‘નોઆખલી’નો અર્થ ‘નવેસરથી છેદાયેલો જળમાર્ગ’ એ પ્રમાણે થાય છે. તે બંગાળના ઉપસાગર પર મેઘના નદીના મુખભાગમાં નદીનાળ-પ્રદેશમાં આવેલો છે. ભૌગોલિક દૃષ્ટિએ 1822માં સ્થપાયેલો આ જિલ્લો 22° 49´ ઉ. અ. અને 91° 06´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનું ક્ષેત્રફળ 4202.70 ચોકિમી. જેટલું છે. બાંગ્લાદેશના મુખ્ય ભૂમિભાગના દક્ષિણ છેડે આવેલો આ જિલ્લો ઘણા ટાપુઓમાં વહેંચાઈ ગયેલો છે, આ પૈકીના મોટામાં મોટા ટાપુઓ સંદ્વીપ અને હાતિયા છે. બારૈયાધાલા તરીકે ઓળખાતું તેના ઈશાન ભાગ તરફનું ભૂપૃષ્ઠ ટેકરીઓથી બનેલું હોવાથી આજુબાજુની સમભૂમિથી અલગ પડી આવે છે. મેઘનાના નદીનાળ-પ્રદેશમાં દરિયાઈ જળથી થતી પીછેહઠથી આખો પ્રદેશ કાંપના આવરણથી છવાઈ જાય છે. જિલ્લાનો ઉત્તર અને મધ્ય ભાગ મેઘના નદીની જળસપાટીથી નીચો હોવાથી આ પ્રકારનાં પૂર આવે છે. તેથી અહીંનાં મોટાભાગનાં મકાનો પૂરની સપાટીથી ઊંચાઈ પર રહે તેમ બાંધવામાં આવે છે. 1947માં ભારતના ભાગલા પડ્યા તે પહેલાં આ જિલ્લાની કુલ વસ્તી આશરે 22 લાખ હતી, જેમાં 4 લાખ હિંદુઓ હતા.

ડાંગર, શણ, તેલીબિયાં, કઠોળ, મરચાં, ડુંગળી, સોપારી અને શેરડી અહીંની મુખ્ય પેદાશો છે. સુતરાઉ કાપડનું વણાટકામ તથા પિત્તળનાં વાસણો અહીંના મુખ્ય ઉદ્યોગો છે. આ ઉપરાંત કોપરેલ અને સુતરાઉ કપડાં તૈયાર કરવામાં આવે છે.

આ પ્રદેશ દરિયાકાંઠે આવેલો હોવાથી સમધાત આબોહવા ધરાવે છે. વાર્ષિક સરેરાશ તાપમાન 27° સે.ની આજુબાજુનું અને વાર્ષિક સરેરાશ વરસાદ 3,000 મિમી. જેટલો રહે છે. 1876માં વંટોળને કારણે પ્રચંડ વાવાઝોડું આવેલું તેને કારણે ઘણું નુકસાન થયેલું, રોગચાળો ફાટી નીકળેલો અને લગભગ એક લાખ જેટલા માણસો મૃત્યુ પામ્યા હતા. જિલ્લાની કુલ વસ્તી આશરે 33,18,083 (2015) જેટલી છે. આર્થિક દૃષ્ટિએ આ જિલ્લો ઘણો પછાત છે.

નગર : ભૌગોલિક સ્થાન : 22° 49´ ઉ. અ. અને 91° 06´ પૂ. રે. જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. બંગાળના ઉપસાગરથી 16 કિમી. ઉત્તર તરફ મેઘનાની નાની સહાયક નદી પર, ઢાકાથી 136 કિમી. અગ્નિકોણમાં રેલમાર્ગ પર આવેલું છે. તે બંદર પણ હોવાથી રેલમાર્ગે તથા સડકમાર્ગે કોમિલ્લા, ચાંદપુર અને બારીસાલ સાથે જોડાયેલું છે. અહીં ઢાકા યુનિવર્સિટી સાથે સંલગ્ન સરકારી કૉલેજો, સાર્વજનિક કાર્યાલયો તેમજ જેલ આવેલાં છે. ઇસ્લામી સંસ્કૃતિના કેન્દ્ર તરીકે તે જાણીતું છે.

ઇતિહાસ : જિલ્લો જૂના વખતમાં ભુલુઆ તરીકે ઓળખાતો હતો, પરંતુ 1822માં તેને બદલીને ‘નોઆખલી’ નામ અપાયું છે. સુધારામ મજુમદાર અહીંના નિવાસી હતા, તેમના નામ પરથી આ નગરને ‘સુધારામ’ નામથી પણ ઓળખવામાં આવે છે.

નોઆખલી

ગાંધીજીના કોમી શાંતિ અને એકતા સ્થાપવાનાં કાર્યોમાં નોઆખલી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતના ભાગલા પડ્યા તે અગાઉ નોઆખલી જિલ્લામાં 64 ટકા જમીન હિંદુઓની માલિકીની હતી, પરંતુ ગણોતિયાઓ અને ખેતમજૂરો મુસલમાનો હતા. ત્યાંનો મોટાભાગનો વેપાર હિંદુઓના હાથમાં હતો તથા તેઓ વધારે શિક્ષિત હોવાથી પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં તેમનું જ પ્રાધાન્ય હતું. 1920–22ની કૉંગ્રેસની અસહકારની ચળવળમાં ઘણા મુસલમાન કાર્યકર્તાઓ જોડાયા હતા તથા હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રચાર કરતા હતા. 1921ની સાલમાં કૉંગ્રેસની ટિકિટ પર એક નિરક્ષર હિંદુએ એક હિંદુ સરકારી વકીલને તથા બે નિરક્ષર મુસલમાનોએ બે મુસલમાન ખાન બહાદુરને હરાવ્યા હતા. તેથી બ્રિટિશ શાસકો દ્વારા કોમી ભાગલા પડાવીને કૉંગ્રેસવિરોધી અને હિંદુવિરોધી પ્રચાર કરવામાં આવ્યો હતો.

10 ઑક્ટોબર, 1946ના રોજ નોઆખલીમાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને જિલ્લાનાં ઘણાં ગામોમાં તે ફેલાયાં હતાં જેમાં હિંદુઓ મુખ્યત્વે હુમલાનો ભોગ બન્યા હતા. આ પરિસ્થિતિમાં કોમી શાંતિ અને એકતા સ્થાપવા માટે ગાંધીજીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 1947 દરમિયાન નોઆખલીનાં ગામોમાં પદયાત્રા યોજી હતી. દુ:ખી પરિવારોને સાંત્વના આપી હતી, ફરજિયાત ધર્મપરિવર્તન કરાવવાના કિસ્સાઓમાં સ્ત્રીઓને આશ્વાસન આપ્યું હતું, દરેક ગામમાં શાંતિ સમિતિઓ સ્થાપવા માટે પહેલ કરી હતી અને દરેક ગામમાં શાંતિ અને એખલાસ ઊભો થાય તે માટેની જવાબદારી દરેક ગામના કાર્યકર્તાઓને સોંપી હતી, રમખાણોને લીધે નિરાશ્રિત બનેલાં કુટુંબોની પુન:સ્થાપના માટે સ્થાનિક કાર્યકરો સાથે ચર્ચાવિચારણા કરી હતી. રમખાણો દરમિયાન ભટિયાલપુર ગામના એક હિંદુ મંદિરની મૂર્તિ હઠાવી દેવાઈ હતી, તેની પુન:પ્રતિષ્ઠા વખતે ગાંધીજી પોતે હાજર રહ્યા હતા અને મંદિરનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા મુસલમાનોએ લીધી હતી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ