નોએલ-બેકર, ફિલિપ (જ. 1 નવેમ્બર 1889, લંડન; અ. ઑક્ટોબર 1982, લંડન) : આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણના હિમાયતી, ઇંગ્લૅન્ડના અગ્રણી મુત્સદ્દી તથા 1959નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ.

લંડનના એક ક્વેકર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગરીબોની નિ:સ્વાર્થ સેવા કરનાર માતાપિતાને ત્યાં ઉછેર. તેમના પિતા જૉસેફ ઍલન બેકર ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહના સભ્ય હતા અને વિશ્વમાં શાંતિ માટે કામ કરતા હતા. પિતાનો આ વારસો પુત્ર નોએલ-બેકરે જાળવ્યો અને જીવનભર અધ્યયન, અધ્યાપન તથા સામાજિક ન્યાય અને શાંતિના કાર્યમાં વ્યસ્ત રહ્યા. બાળપણમાં તેઓ સારા રમતવીર ગણાતા. 1912 અને 1920ની ઑલિમ્પિક રમતોમાં દોડની સ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો હતો તથા 1924ની ઑલિમ્પિક રમતોમાં ઇંગ્લૅન્ડની ટુકડીના સુકાની હતા.

ઇતિહાસ અને અર્થશાસ્ત્રના સ્નાતક થઈને તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાની પદવી પણ મેળવી હતી. તેઓ ઇંગ્લિશ, જર્મન, ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, નૉર્વેજિયન અને સ્પૅનિશ – એમ સાત ભાષાઓના જાણકાર હતા.

ફિલિપ નોએલ-બેકર

1914માં ઑક્સફર્ડની રસ્ક્ધિા કૉલેજમાં ઉપાચાર્યની જગ્યા પર તેમની નિમણૂક થઈ હતી. જ્યારે પહેલું વિશ્વયુદ્ધ (1914–18) જાહેર થયું ત્યારે ક્વેકર તરીકે તેમણે બેલ્જિયન, ફ્રેંચ અને ઇટાલિયન સરહદ પર શાંતિ માટે કામ કર્યું. 1937નું નોબેલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર લૉર્ડ રૉબર્ટ સેસિલના મદદનીશ તરીકે તેમણે પૅરિસ શાંતિ પરિષદમાં લીગ ઑવ્ નૅશન્સના કરાર માટે કામ કર્યું. 1919માં યોજાયેલ પૅરિસ શાંતિ પરિષદમાં ઇંગ્લૅન્ડના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. 1920માં તેમણે ફ્રિજોફ નાનસેનના સલાહકાર તરીકે તેમનાં માનવતાવાદી રાહતકાર્યોમાં અને પછી લીગ ઑવ્ નૅશન્સમાં અને વિવિધ પ્રકારે શાંતિવાદી કાર્યોમાં સેવા આપી. 1929માં તેઓ મજૂર પક્ષના પ્રતિનિધિ તરીકે સંસદના નીચલા ગૃહના સભ્ય બન્યા. 1942માં યુદ્ધસમયની વિન્સ્ટન ચર્ચિલની સરકારમાં અને પછી 1945માં ક્લેમેન્ટ ઍટલીની સરકારમાં તેમણે પ્રધાનપદું ભોગવ્યું. ભારત, આયર્લૅન્ડ અને ન્યૂફાઉન્ડલૅન્ડ સાથે બેકરે વાટાઘાટો કરી અને ભારતના સ્વાતંત્ર્યના પ્રશ્ને રચનાત્મક ફાળો આપ્યો.

ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (FAO) તથા ઇન્ટરનેશનલ રેડક્રૉસ ઑર્ગેનાઇઝેશન(IRO)ની સ્થાપનાનાં કાર્યોમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમણે શસ્ત્રોનો વ્યાપાર રોકવામાં, અણુશસ્ત્રોના ઉત્પાદન પર પ્રતિબંધ લાદવામાં, નિર્વાસિતોને આર્થિક મદદ કરવામાં તથા ‘નાનસેન પાસપૉર્ટ’ના વિતરણના કાર્યમાં સક્રિય ટેકો આપ્યો હતો. યુનોના રાહત અને પુનર્વસવાટ તંત્ર (UNRRA) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) યુનેસ્કોમાં પણ તેઓ સક્રિય હતા.

આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ નિ:શસ્ત્રીકરણને તેમણે પ્રમુખ સમસ્યા તરીકે ગણાવી હતી. રાષ્ટ્રો માટે નિ:શસ્ત્રીકરણને તેમણે સંરક્ષણની સલામત અને વ્યાવહારિક પદ્ધતિ તરીકે ગણાવી છે.

તેમણે પોતાના નામમાં પત્નીની નોએલ અટક ઉમેરેલી.

તેઓ એક પ્રતિભાવાન લેખક પણ હતા. તેમના ગ્રંથોનું વૈચારિક મૂલ્ય બહુ ઊંચું છે. ખાસ કરીને નિ:શસ્ત્રીકરણ વિષય પર તેમની સમજ અને જાણકારી તલસ્પર્શી હતી. ‘ધી આર્મ્સ રેસ – અ પ્રોગ્રામ ફૉર વર્લ્ડ ડિસઆર્મામેન્ટ’ નામે તેમનું પુસ્તક તેમના આખા જીવનના સંશોધન-અનુભવના નિચોડ સમાન ગણાયું છે. આ પુસ્તકને 1961માં આલ્બર્ટ શ્વાઇટ્ઝર પારિતોષિક એનાયત થયું હતું.

સાધના ચિતરંજન વોરા