નોંથોમ્બમ, વીરેનસિંહ (જ. 1945, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મપાલ નાઇદબસિદા’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે.
1965માં બી.એ. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ. અત્યારે ડી.એમ. કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ, ઇમ્ફાલમાં મણિપુરી ભાષાના ટ્યૂટર.
તેમણે 3 કાવ્યસંગ્રહો ઉપરાંત ટૂંકી વાર્તાનો સંગ્રહ તથા લઘુ નાટકોનો સંગ્રહ પ્રગટ કર્યા છે. તેઓ ‘વખાલ’, ‘પારિશાદકી’, ‘શેઇરેંગ લાઇરિક’ તથા ‘અતોપ્પા ખોન્જેલ’ના સંપાદકમંડળમાં છે. વળી મણિપુરની કેટલીયે સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. 1973માં તેમને ‘તોલ્લબ શડુગી વખાલ’ કાવ્યસંગ્રહ માટે મણિપુર રાજ્ય કલા અકાદમી તરફથી ઍવૉર્ડ મળ્યો હતો.
38 કાવ્યરચનાઓની આ વર્ષની પુરસ્કૃત કૃતિની તમામ રચનાઓ જે કેન્દ્રીય વિષયભાવથી ગંઠાયેલી છે તે છે કવિની માનવ-અસ્તિત્વ વિશેની ચિંતા. જીવન અને મૃત્યુ વિશે સંવેદનશીલ આ કવિનું મનોજગત માનવો જે પીડા અને યાતના અનુભવે છે તેનાથી ઘેરાયેલું – મૂંઝાયેલું રહે છે. અસ્તિત્વની સનાતન સમસ્યાનું લગાતાર ચિંતન-મંથન તેમજ તેની સંવેદનાત્મક અભિવ્યક્તિ માટેનું કવિનું ઉત્કૃષ્ટ કવિકર્મ – આ કારણોએ આ કાવ્યસંગ્રહ ભારતીય સાહિત્યમાં મૂલ્યવાન પ્રદાન લેખાય છે.
મહેશ ચોકસી