નૉલ્ડ, એમિલ (જ. 1867, નૉલ્ડ, જર્મની; અ. 1956, જર્મની) : આધુનિક અભિવ્યક્તિવાદી, ચિત્રકાર તથા પ્રિન્ટમૅકર. ઍમિલ હૅન્સન તેમનું ખરું નામ. અત્યંત મહત્વના એક્સ્પ્રેશનિસ્ટ ચિત્રકાર તરીકે તેમની નામના છે. ટૂંક સમય માટે ’ડી બ્રુક નામના એક્સ્પ્રેશનિસ્ટ કલાજૂથમાં જોડાયેલા.
શોણિતભીની ધરતી(blood and soil)ના વિષયો નિરૂપવાની તેમને વિશેષ ફાવટ હતી. નૉલ્ડનાં નિસર્ગચિત્રોમાંથી ભેંકાર અને બિહામણા મનોભાવો જાગ્રત થાય છે. તેઓ રંગોને ખૂબ તેજસ્વી રીતે ચિત્રોમાં પ્રયોજતા હતા. ભયાનક તથા હિંસાલક્ષી ધાર્મિક ચિત્રોમાં આકારોની વિકૃતતા પ્રયોજી તેમણે અત્યંત પ્રભાવશાળી ચિત્રો નિપજાવ્યાં. ‘ધ લાઇફ ઑવ્ ક્રાઇસ્ટ’ (1911–12) તેનું લાક્ષણિક ઉદાહરણ છે. આ ઉપરાંત સંખ્યાબંધ ઇચિંગ, લિથોગ્રાફ તથા કાષ્ઠકલા-સર્જનો પણ તેમણે તૈયાર કર્યાં હતાં.
મહેશ ચોકસી