નોલકોલ (Knolkol) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા બ્રેસીકેસી (રાજિકાદિ/રાઈ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea var. gongylodes Linn. (હિ. ગંઠ ગોબી; બં. ઓલ્કાપી; મ.નાવલ કોલ; ગુ. નોલકોલ; ક. કોસુગડ્ડે, નવિલાકોસુ; તા. નૂલખોલ; તે ગડ્ડાગોબી, નૂલખોલ; ઉ. ગંઠીકોબી; અં. નોલ-ખોલ, કોહલ્રાબી) છે.

વિતરણ : ઉત્તર યુરોપના દરિયાકિનારાના દેશોની મૂલનિવાસી છે. ભારતમાં ઘણાં વર્ષો પૂર્વે તેના ખાદ્ય સલગમ જેવા હવામાં થતા કંદ (tuber) માટે પ્રવેશ પામી પ્રક્રિયા છે. તેનું વાવેતર ઉત્તર ભારત, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ અને દક્ષિણ ભારતની ટેકરીઓમાં થાય છે.

આકૃતિ : નોલકોલનો કંદ સહિતનો છોડ

બાહ્ય લક્ષણો : તે નીચી, નીલાભ (glaucous), અરોમિલ અને દ્વિવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેના કંદ સંપૂર્ણપણે જમીનની બહાર થાય છે. જોકે કંદ ઉત્પન્ન કરતી રાજિકાદિ કુળની અન્ય વનસ્પતિઓમાં જમીનમાં કંદ ઉદભવે છે. કંદ 5–10 સેમી. વ્યાસ ધરાવે છે. તે લીલા કે જાંબલી રંગના અને સપાટી પર પર્ણોનાં મોટાં ચાઠાં ધરાવે છે.  પર્ણો પાતળાં અને 20–25 સેમી. લાંબાં હોય છે. તે પૈકી 1/31/2 જેટલો ભાગ પાતળા પર્ણદંડનો બનેલો હોય છે. તેઓ અંડાકારથી માંડી અંડ-લંબચોરસ (oval-oblong) હોય છે. તેમની પર્ણકિનારી અનિયમિતપણે દંતુર (dentate) હોય છે. તેઓ પર્ણતલ પાસે 12 ખંડ ધરાવે છે. પુષ્પો સફેદ-પડતાં પીળાં અને લાંબી કલગી સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ કૂટપટી(siliqua) પ્રકારનાં, 510 સેમી. લાંબાં અને સામાન્યત: ટોચ પર ખૂબ ટૂંકી ચાંચ ધરાવે છે.

કૃષિ અને કૃષિજાતો : તેનો પાક ગોરાડુ, બેસર કાળી જમીનમાં લેવામાં આવે છે. શિયાળા દરમિયાન 45  30 સેમી.ના અંતરે ફેરરોપણી કરવામાં આવે છે. બેથી અઢી માસે પાક તૈયાર થઈ જાય છે.

મોટા ભાગની કૃષિજાતો (cultivars) અમેરિકા અને યુરોપમાંથી પ્રવેશ પામી છે. રંગને આધારે નોલકોલની કૃષિજાતોને બે વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: આછા લીલા કંદવાળી કૃષિજાતો અને જાંબલી-વાદળી કંદવાળી કૃષિજાતો. સમગ્ર ભારતમાં ‘સફેદ વિયેના’ અને ‘જાંબલી વિયેના’ જાતો વાવવામાં આવે છે. સફેદ વિયેના ગોળ, આછા લીલા, લીસા, નાજુક, મધ્યમ કદના કંદ ધરાવતી સૌથી સામાન્ય વહેલી પાકતી જાત છે. જાંબલી વિયેના સફેદ વિયેના કરતાં એક અઠવાડિયું વહેલી પાકતી જાત છે અને જાંબલી કંદ ધરાવે છે. નોલકોલની બીજી કૃષિજાતોમાં ‘અર્લી પર્પલ વિયેના’, ‘અર્લી વ્હાઇટ વિયેના’ અને ‘કિંગ ઑવ્ માર્કેટ’નો સમાવેશ થાય છે.

સારણી 1 : ભારતમાં ઉગાડવામાં આવતી નોલકોલની કૃષિજાતોની લાક્ષણિકતાઓ

કૃષિજાત

પરિપક્વતા ઉત્પાદન લક્ષણો અને અનુકૂલન શીલતા
(દિવસો) (ટન/હૅક્ટર)

(adaptability)

અર્લી પર્પલ 80–90 20.0–25.0 પર્ણો જાંબલી, કદ ગોળાકાર, મોટો, ગર આછો લીલો,
વિયેના    પુષ્પનિર્માણ 290–300 દિવસ.
અર્લી વ્હાઇટ 70–80 વહેલી કૃષિજાત, છોડ વામન, કંદ ગોળાકાર,
વિયેના    ગર મૃદુ અને કકરો (cnisp), પુષ્પનિર્માણ
   300–330 દિવસ.
કિંગ ઑવ્ 80–90 છોડની ઊંચાઈ 25–30 સેમી. પર્ણો ઘેરાં લીલાં,
માર્કેટ    કંદ ચપટો, વર્તુળાકાર, પુષ્પનિર્માણ 300–330 દિવસ.
પર્પલ વિયેના 20–25.0 મોડી કૃષિજાત, કંદ જાંબલી, ગર લીલાશ પડતો સફેદ.
વ્હાઇટ વિયેના 55–60 20.0–25.0 વહેલી કૃષિજાત, કંદ અત્યંત લીસા, આછા લીલા, ગર
   આછો પીળાશ-પડતો સફેદ, નાજુક, મંદ સુવાસ.

રાસાયણિક બંધારણ : નોલકોલનું 100 ગ્રા. ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 86.7 ગ્રા., પ્રોટીન 3.5 ગ્રા., લિપિડ 0.4 ગ્રા., કાર્બોદિતો 6.4 ગ્રા., રેસો 1.8 ગ્રા., ખનિજદ્રવ્ય 1.2 ગ્રા., કૅલ્શિયમ 740 મિગ્રા., ફૉસ્ફરસ 50 મિગ્રા., લોહ 13.3 મિગ્રા., કૅરોટિન 4146 માઇક્રોગ્રા., થાયેમિન 0.25 મિગ્રા., નાયેસિન 3.0 મિગ્રા., વિટામિન ‘સી’ 157 મિગ્રા., ઊર્જા 43 કિ. કૅલરી.

નોલકોલનાં પર્ણો કૅલ્શિયમનો સારો સ્રોત છે. તે દૂધ કરતાં લગભગ ત્રણગણું વધારે કૅલ્શિયમ ધરાવે છે. તે વિટામિન ‘સી’ પણ સારા એવા પ્રમાણમાં ધરાવે છે. તેમાં અલ્પ તત્વો(trace elements)નું દર 100 ગ્રા. ખાદ્ય ભાગમાં પ્રમાણ આ મુજબ છે : મૅગ્નેશિયમ 18 મિગ્રા., સોડિયમ 112 મિગ્રા., પોટૅશિયમ 37 મિગ્રા., તાંબું 0.09 મિગ્રા., સલ્ફર 143 મિગ્રા. અને ક્લોરિન 67 મિગ્રા. તથા શુષ્ક દ્રવ્યના આધારે આયોડિન 0.69 પી.પી.એમ. અને ફ્લોરિન 3.8 પી.પી.એમ. તથા ઑક્સેલિક ઍસિડ 10 મિગ્રા./100 ગ્રા. ખાદ્યપદાર્થ. કંદ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ ધરાવે છે. નોલકોલના પ્રોટીનમાં રહેલા આવશ્યક ઍમિનોઍસિડનું બંધારણ (ગ્રા./16 ગ્રા. Nમાં દર્શાવવામાં આવ્યું છે.) આ પ્રમાણે છે : લાયસિન 8.64, ટ્રિપ્ટોફેન 5.92, ફિનાઈલ એલેનિન 2.56, મિથિયોનિન 0.80, થ્રિયોનિન 2.08, લ્યુસિન 8.00, આઇસોલ્યુસિન 5.28 અને વેલાઇન 4.96.

તેના કંદનાં બહારનાં કોષીય સ્તરો ફૂગરોધી દ્રવ્ય ધરાવે છે. નોલકોલનાં છોતરાં(peeling)નું બાષ્પનિસ્યંદન કરતાં પીળાશ પડતો ઘન ફૂગરોધી પદાર્થ મળે છે; જેની ઉગ્ર ગંધ સ્વીડિશ સલગમ જેવી હોય છે. બીજમાંથી 34.0 % જેટલું સ્થાયી તેલ પ્રાપ્ત થાય છે.

લીલા નોલકોલમાંથી 83 જેટલાં સુવાસિત બાષ્પશીલ સંયોજનો પ્રાપ્ત થયાં છે. સલ્ફરયુક્ત સંયોજનો વધારે પ્રમાણ (લગભગ 37 % વજન/ કુલ વજન)માં મળી આવ્યાં છે; જેમાં ડાઇમિથાઇલ ટ્રાઇસલ્ફાઇડ મુખ્ય ઘટક (આશરે 25 %) છે. 4(મિથાઇલથાયો) બ્યુટાઇલ ગ્લુકોસાઇનોલેટ, 3(મિથાઇલથાયો) પ્રોપાઇલ-ગ્લુકોસાઇનોલેટ અને 2–ફીન્ઇથાઇલ ગ્લુકોસાઇનોલેટ અને બે અસામાન્ય સલ્ફર ધરાવતા કિર્ટાનો, 4–મિથાઇલથાયોબ્યુટન – 2 – ઑન અને 1 – મિથાઇલથાયોપેન્ટોન–3 – ઓનમાંથી પ્રાપ્ત કરવામાં આવેલ આઇસોથાયોસાયનેટો ઓળખવામાં આવ્યા છે. અન્ય સંયોજનોમાં ડાઇમિથાઇલ ડાઇસલ્ફાઇડ 5.90 %, 4(મિથાઇલથાયો) બ્યુટેનોનાઇટ્રાઇલ 14.5 %, 5C (મિથાઇલથાયો) પેન્ટેનોનાઇટ્રાઇલ 32.30 %, 3 – (મિથાઇલથાયો) પ્રોપાઇલ આઇસોથાયોસાઇનેટ 1.90 %, 3 – ફીનાઈલ પ્રોપેનોનાઇટ્રાઇલ 4.20 %, 4–(મિથાઇલથાયો) બ્યુટાઇલ આઇસોથાયોસાઇનેટ 3.20 %, અને ડાઇઑક્ટાઇલ (ડાઇ – 2 – મિથાઇલ હેપ્ટાઇલ) ફથેલેટ 1.80 %નો સમાવેશ થાય છે.

કુલ ફીનૉલીય કોલીન ઍસ્ટરો (PCE, માઇક્રોમોલમાં ઇક્સિનેપિન)/ ગ્રામ શુષ્ક બીજ 40.7 હતા. બીજ ગ્લુકોસાઇનોલેટો ધરાવે છે. બીજમાં તેમના એગ્લુકૉનોનું બંધારણ આ પ્રમાણે છે : કૅપ્પેરીન, 3-બ્યુટેનાઇલ, આઇબર્વેરીન ઇરુસીન, આઇબેરીન, સલ્ફોરેફેન, નેસ્ટુર્ટિઈન અને p-હાઇડ્રૉક્સિબૅન્ઝાઇલ.

ઉપયોગ : ખાદ્યકંદનો ભાગ હવાઈ પ્રકાંડ છે. તે ગોળાકાર અને સલગમસશ હોય છે. તેનો મનુષ્ય તેમજ ઢોરોના આહાર તરીકે ઉપયોગ થાય છે. નાજુક કંદોને શાકભાજી માટે પસંદ કરવામાં આવે છે. નાના કંદોને કોબીજની જેમ રાંધવામાં આવે છે અથવા તેનું કચુંબર બનાવાય છે. તેના પરની છાલ કાઢી નાખી તેને કાચો પણ ખાઈ શકાય છે. છાંટણી (thinning) દરમિયાન કાઢી નાખેલા છોડોનો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કુમળાં પાન પણ રાંધીને ખાઈ શકાય છે અથવા તેમનો પ્રાણીઓના ચારા તરીકે ઉપયોગ કરી શકાય છે. તે ઝડપથી બગડી જાય છે અને રેસાઓના વિકાસને કારણે સંગ્રહ દરમિયાન સખત દોરી જેવો બને છે. 8 % કાર્નોબા મીણ પાયસ (emulsion) અને 100 પી. પી. એમ. મેલેઇક હાઇડ્રેઝાઇડની ચિકિત્સા દ્વારા સંતોષજનક સ્થિતિમાં રાખી શકાય છે.

નોલકોલના સહસભ્યોમાં ફ્લાવર (B. oleracea Linn. var. botrytis Linn. subvar. cauliflora DC.), બ્રોકોલી (B. oleracea var. botrytis Linn. subvar. cymosa Lam.), કોબીજ (B. oleracea var. capitata Linn.f.) વગેરે છે.

બળદેવભાઈ પટેલ

રાજેન્દ્ર ખીમાણી