નૉરફોક ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં 1600 કિમી. અંતરે અને ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી વાયવ્યમાં 1000 કિમી. અંતરે આવેલો ઑસ્ટ્રેલિયન કબજા હેઠળનો નૉરફોકનો ટાપુ મુખ્ય છે, પરંતુ ફિલિપ અને નેપીઅન નામના બીજા બે નાના ટાપુઓ પણ નજીકમાં આવેલા છે. તે બંને વસ્તીવિહીન છે. ઑસ્ટ્રેલિયા-કેનબેરાના મુલ્કી ખાતા મારફતે ગવર્નર જનરલ દ્વારા તેને માટેનો વહીવટદાર નીમવામાં આવે છે. વહીવટદાર ઑસ્ટ્રેલિયન સરકારને જવાબદાર રહે છે. અહીં આવકવેરો નથી, પરંતુ અહીંનાં જાહેર કાર્યોના ખર્ચને પહોંચી વળવા માટે સામાન્ય વેરો નંખાય છે.
આ ટાપુ માત્ર 8 કિમી. લાંબો અને 5 કિમી. પહોળો છે. ભૌગોલિક સ્થાન : 29° 02´ દ. અ. અને 167° 57´. પૂ. રે. તથા તેનો વિસ્તાર 3455 હેક્ટર જેટલો છે. તે ડુંગરાળ અને ભેખડોવાળો છે. તેનાં માઉન્ટ પિટ્ટ અને માઉન્ટ બેટ્સ નામનાં બે શિખરો (બંનેની ઊંચાઈ 300 મીટર) અલગ તરી આવે છે, તેમના પર સરળતાથી ચઢી શકાય છે. ઉપરથી આખો ટાપુ, ફિલિપ અને નેપીઅન ટાપુઓ પણ જોઈ શકાય છે. ટેકરીઓ અને ખીણો વનસ્પતિથી સમૃદ્ધ રહે છે. નાનાં નાનાં ઝરણાં છે. ઊંચાં પાઇન વૃક્ષો ટાપુની વિશિષ્ટતા બની રહેલ છે. કિનારા પર બારાં માટેની કે વહાણોને લાંગરવા માટેની કોઈ અનુકૂળતા ન હોવાથી વહાણો દૂર ઊભાં રહે છે જ્યાંથી જેમ્સ કૂક તેની દુનિયાની બીજી સફર દરમિયાન 1774માં આ ટાપુ પર ઊતરેલો અને તેના પર બ્રિટનનો પ્રાદેશિક હકદાવો કરેલો. 1788માં સિડની નજીકના બોટાની ઉપસાગરમાં પ્રથમ કાફલો આવ્યો, ત્યાંથી 15 માણસોના જૂથને ટાપુ પર અન્ય કોઈની હકૂમત ન જામે તે માટે મોકલ્યું, 1788ના માર્ચની 6 તારીખે ટાપુ પર ઊતર્યું અને કબજો જમાવ્યો. આ ટાપુના લોકો આ દિવસને ‘ફાઉન્ડેશન ડે’ તરીકે યાદ કરે છે.
અહીં રહેવા આવેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, છેવટે 1813માં લોકો અહીંથી ચાલી નીકળ્યા અને પછીનાં બારેક વર્ષ માટે આ ટાપુ નિર્જન બની રહ્યો. 1825ના જૂનમાં ઑસ્ટ્રેલિયામાંના ગુનેગારોને વધુ ગુનાઓ કરતા અટકે તે હેતુથી તેમને અહીં વસવાની ફરજ પાડવામાં આવી. પરંતુ કેટલાક લોકોએ આ ‘પૅસિફિક નરક’ સામે વિરોધનો સૂર ઉઠાવ્યો. છેવટે 1856માં ગુનેગારો આ વસાહત છોડી ગયા. તે જ વર્ષે પિટકેર્ન ટાપુમાંથી 194 માણસો અહીં વસવા માટે આવ્યા, જે પૈકી ઘણા તો બળવાખોરોના વંશજો અનુયાયીઓ હતા, પરંતુ થોડાં જ વર્ષોમાં કેટલાંક કુટુંબો મૂળ વતનની યાદમાં પિટકેર્ન પાછા ફર્યા. 1896માં ન્યૂ સાઉથ વેલ્સે આ ટાપુને પોતાને અધીન ટાપુ હોવાનું ઘોષિત કર્યું અને 1914માં છેવટે તે ઑસ્ટ્રેલિયન મુલક બન્યો. 2021 મુજબ તેની વસ્તી 2,188 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા