નૉત્રદામ, પૅરિસ : બારમી સદીમાં યુરોપમાં પ્રચલિત ગૉથિક સ્થાપત્ય-શૈલીથી ફ્રાન્સમાં બનાવાયેલ ઉત્કૃષ્ટ ચર્ચ. ઊંચી છતને ટેકવતા કમાનદાર ટેકા, ઊંચી ટોચ-રચના, વિશાળ રોઝ બારી તથા રમ્ય કોતરણીવાળો વિશાળ સન્મુખ ભાગ જેવી આ ચર્ચની રચના-વિશેષતા પાછળથી ફ્રાન્સના ગૉથિક સ્થાપત્યની લાક્ષણિકતા બની રહી. ઈ. સ. 1163થી 1250ના ગાળામાં બનાવાયેલ આ ચર્ચની મુખ્ય ધરી અકસ્માતે કે સહેતુક મધ્યમાંથી વળેલી છે. તે સિવાય ચર્ચનું તળદર્શન અન્ય ગૉથિક ચર્ચ પ્રમાણે વચમાં વિશાળ મધ્યવીથિ તથા તેની બંને તરફ પાર્શ્વવીથિવાળું છે. આ ચર્ચના નળાકાર સ્તંભનું તથા તેની પશ્ચિમે મુખ્ય દીવાલના સન્મુખ ભાગનું પાછળથી ફ્રાન્સના અન્ય ચર્ચમાં અનુકરણ કરાયું. પૅરિસની મધ્યમાં નદીકિનારે નૉત્રદામ ચર્ચની 13 મી. વ્યાસની રોઝ બારી ચર્ચના અંદરના ભાગમાં નાટ્યસહજ પ્રકાશછાયા સર્જે છે. આ ચર્ચમાં પાછળથી પણ ઈ. સ. 1325 સુધી સુધારા-વધારા થતા રહ્યા છે.

15 એપ્રિલ 2019ના રોજ તેમાં આગ લાગી હતી. આગમાં તેની મોટાભાગની છત નાશ પામી હતી. કલા અને ધાર્મિક અવશેષોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતાં.

હેમંત વાળા