નૉજ, ઈમ્રે (જ. 7 જૂન 1896, કાપોસ્વાર, હંગેરી; અ. 17 જૂન 1958, બુડાપેસ્ટ) : હંગેરિયન રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી, સ્વતંત્ર સામ્યવાદી તથા સોવિયેત યુનિયનના સકંજામાંથી હંગેરીને મુક્ત કરવા મથતા હંગેરિયન ક્રાંતિકારી સરકારના વડાપ્રધાન (1956).
ખેડૂત કુટુંબમાં જન્મેલ નૉજ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી થતાં પહેલાં લુહાર તરીકે કામ કરતા હતા. રશિયનો દ્વારા અટકાયત થતાં તેઓ સામ્યવાદીઓ સાથે જોડાયા અને બૉલ્શેવિક ક્રાંતિમાં ભાગ લીધો. વિશ્વયુદ્ધ બાદ હંગેરી પાછા ફર્યા. 1929માં તેમણે મૉસ્કો ખાતે સ્થળાંતર કર્યું, જ્યાં 1944 સુધી તે કૃષિવિજ્ઞાન માટેના પ્રતિષ્ઠાનના સભ્ય તરીકે રહ્યા. સોવિયેત કબજા હેઠળના હંગેરીમાં તેઓ પાછા ફર્યા તથા યુદ્ધોત્તર સરકારની રચનામાં મદદ કરી. 1944–48 દરમિયાન તેઓ મંત્રીપદે રહ્યા. ખેડૂતોના કલ્યાણ માટે નૉજના સતત ટેકાને લીધે 1949માં તેમનો સામ્યવાદી સરકારમાં સમાવેશ કરવામાં ન આવ્યો પરંતુ જાહેરમતના દબાણ નીચે તેમને ફરીથી સરકારમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ 1953–55 દરમિયાન વડાપ્રધાન રહ્યા, પરંતુ સ્વતંત્ર વલણને લીધે તેમને સરકાર છોડવાની ફરજ પડી. ત્યારપછી તેમણે શિક્ષણનો વ્યવસાય અપનાવ્યો.
ઑક્ટોબર 1956ની ક્રાંતિ દરમિયાન ક્રાંતિકારીઓ અને સોવિયેત વિરોધી બળોએ નેતાગીરી માટે નૉજનો સંપર્ક સાધ્યો અને તેઓ ફરી એક વાર હંગેરીના વડાપ્રધાન બન્યા. તેમણે બિન-સામ્યવાદીઓને મંત્રીમંડળમાં લીધા, મુક્ત ચૂંટણીનું વચન આપ્યું અને એક-પક્ષપદ્ધતિ દૂર કરવાની જાહેરાત કરી. સોવિયેત દળોએ હંગેરીનો બળવો કચડી નાખ્યો અને યુગોસ્લાવિયાની એલચી કચેરીમાંથી સલામતીની ખાતરી આપી, બહાર બોલાવી નૉજને રોમાનિયા લઈ જઈને કેદ કર્યા. ત્યાંથી તેમને હંગેરી ખાતે પાછા લાવ્યા, તેમના પર કામ ચલાવવામાં આવ્યું અને તેમનો વધ કરવામાં આવ્યો.
નવનીત દવે