નૈસર્ગિક સંપત્તિ

સજીવોના જીવનને ટકાવવામાં ઉપયોગમાં આવતા જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણના ઘટકો. જમીન, હવા, પાણી, વનસ્પતિઓ, પ્રાણીઓ, ઊર્જા વગેરે નૈસર્ગિક સંપત્તિ ગણાય છે. મનુષ્ય નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને પ્રગતિ સાધવા માટે કરે છે.

નૈસર્ગિક સંપત્તિનું વર્ગીકરણ : નૈસર્ગિક સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે : (1) પુન:અપ્રાપ્ય સંપત્તિ (non-renewable resources) : આ સંપત્તિમાં નિર્જીવ ખનિજો, જીવાશ્મીભૂત (fossil fuel) અને નાભિકીય બળતણ(nuclear fuel)નો સમાવેશ થાય છે. (2) પુન:પ્રાપ્ય સંપત્તિ (renewable resources) : આ સંપત્તિમાં હવા, જમીન, પાણી, વનસ્પતિ, પ્રાણીઓનો સમાવેશ થાય છે.

પુન:અપ્રાપ્ય સંપત્તિ : તે પૃથ્વીના પેટાળમાંથી કે સમુદ્રના તળિયેથી પ્રાપ્ત થાય છે. આ ખનિજસંપત્તિ જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે, પરંતુ તેનો જથ્થો વપરાવાથી ઓછો ને ઓછો થતો જાય છે. એક સમય એવો આવશે કે જ્યારે આ સંપત્તિ ખલાસ થઈ જશે. ધાતુરૂપ અને બિનધાતુરૂપ ખનિજો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ અને કોલસા જેવા જીવાશ્મીભૂત બળતણના ભંડારો બહોળા વપરાશે ખાલી થતા જાય છે. એક અંદાજ પ્રમાણે 2070 સુધીમાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓનો પુરવઠો બહોળાં માગવપરાશને કારણે સમાપ્ત થઈ જશે અને તેથી ઊર્જાની કટોકટી પેદા થશે. પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ અને કોલસો કરોડો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં દટાયેલી વનસ્પતિની નીપજ છે, જ્યારે અન્ય ખનિજો રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થઈ છે.

ભારત દેશમાં મુખ્ય ખનિજ-સંપત્તિમાં પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ, લોખંડ, અબરખ, મૅંગેનીઝ, મીઠું, કોલસો, બૉક્સાઇટ વગેરેનો સમાવેશ થાય છે. કોલસો અને પેટ્રોલિયમ ઊર્જા-શક્તિનો મહત્વનો સ્રોત ગણાય છે.

ઊર્જાસંપત્તિ : આધુનિક યુગમાં માનવીની ઊર્જાની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે. હાલમાં ઊર્જાના સ્રોત તરીકે લાકડું, ખનિજ-તેલ, કોલસો અને કુદરતી ગૅસ મુખ્ય છે. ઊર્જાના અન્ય સ્રોતોમાં સૂર્યપ્રકાશ-પવનશક્તિ, દરિયાઈ મોજાં અને પરમાણુશક્તિનો સમાવેશ થાય છે.

કેટલીક પુન:અપ્રાપ્ય એવી નૈસર્ગિક ધાતુઓ પર વિશિષ્ટ પ્રક્રિયા કરી તેમાંથી અણુશક્તિ મેળવવામાં આવે છે; દા.ત., યુરેનિયમ અને પ્લૂટોનિયમ જેવી ભારે ધાતુઓના પરમાણુનું ભંજન કરતાં અને ડ્યુટેરિયમ અને ટ્રીશિયમના પરમાણુઓનું પરસ્પર યુગ્મન અને વિલીનીકરણ કરતાં ઉત્પાદન સાથે આયનીકરણ દ્વારા કિરણોત્સર્ગી તરંગો (radio-active waves) ઉત્પન્ન થાય છે.

યુરેનિયમ અને થોરિયમ કુદરતમાં મળી આવતાં વિકિરણ-તત્વો છે. યુરેનિયમના થતા સતત સ્વયંવિઘટનને લીધે અંતે તે સીસામાં ફેરવાય છે. આ રૂપાંતરનો દર અત્યંત ધીમો હોય છે. તેનો અર્ધજીવનકાળ (half life time) 760 કરોડ વર્ષ જેટલો છે. યુરેનિયમ235નો અણુભઠ્ઠીમાં સીધેસીધો ઉપયોગ થાય છે. યુરેનિયમનું વધારે સામાન્ય સ્વરૂપ યુરેનિયમ238 છે. તે પહેલાં પ્લૂટોનિયમમાં ફેરવાય છે. તે જ પ્રમાણે અણુબળતણના ઉપયોગ માટે થોરિયમનું યુરેનિયમ233માં રૂપાંતર થવું જરૂરી છે. આ બંને તત્વોનો પુરવઠો, વધારે પ્રમાણમાં હોવા છતાં તે વપરાઈ જતાં પુન:અપ્રાપ્ય બનશે.

હાઇડ્રોજનનું સમસ્થાનિક એવું ડ્યુટેરિયમ સમુદ્રના પાણીમાંથી મેળવવામાં આવે છે. તેનો ભારે પાણી (heavy water) બનાવવામાં ઉપયોગ થાય છે. આ ભારે પાણી ઉષ્મા-અણુભઠ્ઠી(thermonuclear reactor)માં વપરાય છે. અણુશક્તિ સૌથી વધુ પ્રબળ છે. તેનો ઉપયોગ વિદ્યુત-ઉત્પાદનમાં, સ્વયંસંચાલિત વાહનોમાં, કૃત્રિમ ઉપગ્રહોના સર્જનમાં તથા ચંદ્ર અને અન્ય ગ્રહોના પર્યાવરણના અભ્યાસ માટે થાય છે. અણુશક્તિનો દુરુપયોગ માનવ અને કુદરતી સંપત્તિઓ માટે વિનાશકારી બની શકે તેમ છે. અણુબૉમ્બ, હાઇડ્રોજન બૉમ્બ, કોબાલ્ટ બૉમ્બ, ગાઇડેડ મિસાઇલ્સ અણુશક્તિના ઉપયોગથી બનાવાતાં વિનાશકારી શસ્ત્રો છે.

પુન:અપ્રાપ્ય સંપત્તિની જાળવણી : પુન:અપ્રાપ્ય સંપત્તિની જાળવણી નીચેની રીતે થઈ શકે :

(1) પેટ્રોલિયમ, કુદરતી વાયુ કે ખનિજ જેવી સંપત્તિ ખલાસ થઈ ગયા પછી ફરીથી અપ્રાપ્ય હોવાથી તેનો ઉપયોગ કરવામાં ખૂબ કરકસર રાખવી પડે.

(2) કેટલીક ખનિજસંપત્તિઓ વપરાવાથી ભંગારમાં ફેરવાય છે. આ ભંગારનું શુદ્ધીકરણ કરી ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવી ટૅકનૉલૉજીનો વિકાસ કરવો અપેક્ષિત છે.

(3) જે સંપત્તિનો જથ્થો રાષ્ટ્રની જરૂરિયાતના પ્રમાણમાં વધુ હોય તેનું ઉત્પાદન ખપજોગું મર્યાદિત બનાવી, જમીનના પેટાળમાં જ તેની જાળવણી કરવી જોઈએ, જેથી તે સંપત્તિ ભવિષ્યમાં લાંબા સમય સુધી, પૂરતા પ્રમાણમાં મળતી રહે.

(4) સૂર્યપ્રકાશ, પવન, ધોધ અને દરિયાઈ મોજાં જેવાં કુદરતી સ્રોતોમાંથી ઊર્જાશક્તિના ઉત્પાદન અંગે સંશોધનો કરવાં જોઈએ.

(5) આ સંપત્તિના સ્રોતનાં સ્થાન અને પ્રમાણની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

(6) ટૅકનિકલ જ્ઞાનનો વધુ વિકાસ કરવાથી શક્તિ અને સંપત્તિનો લઘુતમ ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓ શોધવી જોઈએ; દા. ત., ઈ. સ. 1900માં દર કલાકે એક કિલોવૉટ વિદ્યુત ઉત્પાદન માટે જેટલો કોલસો વપરાતો હતો; તેનો 7 ભાગનો કોલસો 1960થી તેટલા જ વિદ્યુત-ઉત્પાદન માટે વપરાતો થયો છે.

(7) ખનિજ-બળતણનું અવલંબન ઘટાડી અન્ય સ્રોતોમાંથી ઊર્જા મેળવવાનું હવે વિચારવામાં આવતું જાય છે. કાર્યક્ષમ અને નિર્ધૂમ્ર ચૂલા બનાવવા માટે સૌર ઊર્જાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કૂકર, હીટર સૌર ઊર્જાથી ચાલે તેવાં અને કિંમતમાં સસ્તાં હોય તેવાં બનાવવા માટે તેમજ બાયૉગૅસનો વપરાશ વધે એ માટે વધુ ને વધુ ઉત્તેજન આપવું જોઈએ.

પુન:પ્રાપ્ય સંપત્તિ : જે સંપત્તિ એક વાર વપરાયા બાદ તે જ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે પુન:વપરાશમાં આવી શકતી હોય તેવી સંપત્તિને પુન:પ્રાપ્ય સંપત્તિ કહે છે. તેમાં સજીવ સંપત્તિ, વનસ્પતિ, પ્રાણીઓ, હવા, જમીન, રેતી, ખડક, પાણી અને જંગલોનો સમાવેશ થાય છે.

સજીવ સંપત્તિ : સંજીવ સંપત્તિ પુન:પ્રાપ્ય છે. વનસ્પતિ, પ્રાણીઓ તથા સૂક્ષ્મ જીવોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તેનું પુનર્નિર્માણ થઈ શકે છે. સજીવોમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. નિવસનતંત્ર(ecosystem)માં વનસ્પતિ સ્વાવલંબી ઘટક અને પ્રાણીઓ, ફૂગ અને બૅક્ટેરિયા પરાવલંબી ઘટક ગણાય છે.

વનસ્પતિ : સજીવો જીવન ટકાવવા તેમજ પોષણ માટે લીલી વનસ્પતિ પર આધાર રાખે છે. લીલી વનસ્પતિઓ હરિતકણની મદદ વડે અકાર્બનિક પોષક તત્વો જેવાં કે કાર્બન-ડાયૉક્સાઇડ અને પાણીનું પ્રકાશની હાજરીમાં કાર્બનિક પોષક તત્વો(દા.ત., ગ્લુકોઝ, ઍમિનોઍસિડ)માં રૂપાંતર કરે છે. આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે. તે દરમિયાનમાં વધારાની નીપજ તરીકે ઑક્સિજન ઉત્પન્ન થાય છે. માણસના રોજિંદા ખોરાકમાંનાં ધાન્ય-કઠોળ, શાકભાજી, મસાલા, પીણાં વગેરે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. બળતણ, ફર્નિચર તથા બાંધકામ માટે જરૂરી લાકડું અને કાગળ, ગુંદર, રબર, શણ, આલ્કોહૉલ વગેરે, તે ઉપરાંત આર્થિક પેદાશો, વિવિધ રંગો તેમજ અનેક પ્રકારની ઔષધિઓ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિ ઑક્સિજનચક્ર અને કાર્બન-ડાયૉક્સાઇડ-ચક્ર દ્વારા હવા શુદ્ધ રાખે છે. જંગલોની  તેમાંની વનસ્પતિની ગીચતાને લીધે વરસાદના લીધે થતું જમીનનું ધોવાણ અટકે છે. વૃક્ષો પોતાનાં લાંબાં મૂળ દ્વારા જમીનમાં ઊંડું ગયેલું પાણી શોષી રસારોહણ તેમજ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વાતાવરણમાં તેને મુક્ત કરે છે. આમ વનસ્પતિ જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે અને વાતાવરણને ઠંડું રાખે છે. વળી નાનાંમોટાં પક્ષીઓ અને પ્રાણીઓને તે કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડે છે. આમ, મનુષ્ય અને અન્ય પ્રાણીઓના જીવન માટે વનસ્પતિ અનિવાર્ય છે.

પ્રાણીઓ : પ્રાણીઓ માનવજીવન માટે ખૂબ જ ઉપયોગી છે. દૂધ, માંસ, ઈંડાં, માછલી, મરઘી વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બધાંમાં દૂધ અને દહીં, છાશ, માખણ, ઘી, ચીઝ અને પનીર જેવી તેની પેદાશોનો ખોરાકમાં ઉપયોગ થાય છે. ઊન, રેશમ તેમજ ચામડાંની બનાવટો પ્રાણિજ પેદાશો છે. મધ, મીણ, છીપ, શંખ, કોડી, સાચાં મોતી, પ્રવાળ, હાથીદાંત, કસ્તૂરી જેવાં દ્રવ્યો વિવિધ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે.

કોડ, શાર્ક અને હેલીબટ જેવી માછલીઓના યકૃતમાંથી અને સાંઢો, ઘો વગેરેના શરીરમાંની ચરબીમાંથી તેલ કાઢવામાં આવે છે. તે ઔષધની દૃષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. સાચાં મોતી, પ્રવાળ, શંખ વગેરેની ભસ્મ આયુર્વેદની ઔષધિઓ છે. ઔષધિઓ અને રસાયણોની ઉપયોગિતા નક્કી કરતા પહેલાં પ્રાણીઓ પર વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે. આમ, પ્રાણીઓ પોતે શહીદીને વરીને માનવજાત પર મોટો ઉપકાર કરે છે. મનુષ્યે પોતાના ઉપયોગમાં આવતી વનસ્પતિઓ અને પ્રાણીઓના ઉછેર માટે કૃષિઉદ્યોગ, મરઘાઉછેર, પશુપાલન, મધમાખીઉછેર, મત્સ્યઉદ્યોગ અને રેશમના કીડાનો ઉછેર જેવા ઉદ્યોગો વિકસાવ્યા છે.

વિવિધ સજીવોની જાતિઓમાં નવીકરણશક્તિ (renewability) જુદી જુદી હોય છે. એક-વર્ષાયુ વનસ્પતિઓ તેમના પ્રજનન દ્વારા એક વર્ષમાં પુન:પ્રાપ્ય બને છે, જ્યારે શંકુદ્રુમની જાતિઓ મૉન્ટેરી પાઇન જેવી જાતિઓને ઇમારતી લાકડું મેળવી શકાય તેટલું કદ પ્રાપ્ત કરવામાં 30 વર્ષ લાગે છે. શંકુદ્રુમની અન્ય કેટલીક જાતિઓ માટે આ ચક્ર 100 વર્ષનું હોય છે. રેડવૂડનાં જૂનાં વૃક્ષો લગભગ પુન:અપ્રાપ્ય ગણાય છે, કારણ કે તેમના જેટલું કદ પ્રાપ્ત કરતાં તે જાતિને 500 થી 1000 કે તેથી વધારે વર્ષો લાગે છે.

જાતિઓ અને/અથવા જે દૃશ્યભૂમિ(landscape)માં તે થતી હોય તે સમગ્ર જૈવ સમાજ(biotic community)ના નવીકરણમાં તફાવત રહેલો છે. ભૂમિ, વનસ્પતિઓ અને પ્રાણીઓ વગેરે સાથેના મનુષ્યના આંતરસંબંધોને ધ્યાનમાં લેવામાં આવે તો એના દ્વારા વિક્ષેપ ન પામ્યું હોય તેવું નૈસર્ગિક વન સંપૂર્ણપણે પુન:પ્રાપ્ય નહિ જોવા મળે. 400 વર્ષ પૂર્વેનાં વિક્ષુબ્ધ (disturbed) ઉષ્ણકટિબંધીય વનોએ હજુ સુધી મૂળભૂત સમતુલા પુન:પ્રાપ્ત કરી નથી અને તે પ્રદેશમાં આવેલાં અક્ષુબ્ધ (undisturbed) આદિ વનો સાથેનું તેનું સામ્ય હવે અશક્ય લાગે છે.

વાયુસંપત્તિ : પૃથ્વીને ઢાંકનારું હવાનું આવરણ એટલે વાતાવરણ. તે પૃથ્વીની સપાટીથી 1,600 કિમી. સુધી વિસ્તરેલું હોય છે. તે નાઇટ્રોજન, ઑક્સિજન અને કાર્બન-ડાયૉક્સાઇડ જેવા વાયુરૂપ ઘટકો ધરાવે છે.

વાતાવરણનું કુલ દ્રવ્યમાન 5,500 ટ્રિલિયન ટન અંદાજવામાં આવે છે. હવાના વિવિધ ઘટકો પર્યાવરણમાં ફરતા રહે છે. જૈવિક પ્રક્રિયાઓ વાતાવરણમાં ઑક્સિજનના પ્રમાણમાં એક ટકા જેટલો જ ફેરફાર કરી શકે છે. માનવી વાતાવરણમાં કચરાનો ઢગલો કરી રહ્યો છે. આ સંપત્તિના દુરુપયોગથી હવાનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે.

વાતાવરણમાં ક્ષોભમંડલ (troposphere), સમતાપમંડલ (stratosphere), મધ્યમંડલ (mesosphere), આયનમંડલ (ionosphere) અને બહિર્મંડલ (exosphere) – એમ પાંચ સમકેન્દ્રિત સ્તરો આવેલા છે.

વાતાવરણના કુલ જથ્થાનો 10 % ભાગ ક્ષોભમંડલ સમાવે છે. તેના મુખ્ય ઘટકો ઑક્સિજન અને નાઇટ્રોજન છે. આ ઉપરાંત આર્ગૉન, કાર્બન-ડાયૉક્સાઇડ અને અલ્પ માત્રામાં હિલિયમ, નિયૉન, ક્રિપ્ટૉન, મિથેન, હાઇડ્રોજન, નાઇટ્રસ ઑક્સાઇડ, કાર્બન-મૉનૉક્સાઇડ અને ઓઝોન જેવા વાયુઓ હોય છે. ઓઝોન વાયુ સૂર્યનાં નુકસાનકારક પારજાંબલી (ultraviolet) વિકિરણોને શોષી લે છે. આમ, આ વાયુ પારજાંબલી વિકિરણો સામે માનવજાત અને અન્ય સજીવોનું છત્રીની જેમ રક્ષણ કરે છે. મોટાં કારખાનાંના, જેટ વિમાન તથા વાહનોના ધુમાડાને કારણે હવા પ્રદૂષિત થાય છે. વાતાવરણમાં વિષાક્ત પદાર્થોના એકત્રીકરણને અને ઘન કે પ્રવાહી કણોની સાંદ્રતાને વધતાં અટકાવવાં એ જરૂરી થયું છે, કારણ કે તે સૌર વિકિરણના અંતર્વાહ(influx)ને અવરોધે છે.

જલસંપત્તિ : પાણી પુન:પ્રાપ્ય નૈસર્ગિક સંપત્તિ છે. પાણી જલાવરણનું અગત્યનું ઘટક છે. સજીવમાત્રને શરીરના બંધારણ માટે ખોરાક અને જૈવિક ક્રિયાઓ માટે પાણી અતિ આવશ્યક છે. સમુદ્ર, નદીનાળાં વગેરે જળાશયોની સપાટી પરથી પાણીની વરાળ બને છે, જે વાદળોનાં નિર્માણમાં ફાળો આપે છે. વાદળો ઠંડાં પડતાં વરસાદ રૂપે પાછાં જમીન પર પાણી ઠાલવે છે. આમાંથી કેટલુંક પાણી જમીનમાં શોષાય છે  તો કેટલુંક પ્રકાશસંશ્લેષણ અને વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગમાં આવે છે. કેટલુંક પાણી નદીઓ મારફતે સમુદ્રમાં પાછું ઠલવાય છે. આમ, કુદરતમાં જલચક્ર ચાલ્યા કરે છે.

પૃથ્વીની સપાટી પર K ભાગ પાણીથી છવાયેલો છે. જલાવરણનું કુલ 97 % પાણી દરિયાઈ હોવાથી નિરુપયોગી છે. માત્ર 3 % મીઠું પાણી ઉપયોગી છે. મીઠા પાણીનાં 77.2 % પાણી ધ્રુવ પ્રદેશો પર છવાયેલા બરફના સ્વરૂપમાં છે. 22.4 %  પાણી ભૂગર્ભમાં ભેજ તરીકે રહેલું છે. બાકીનું 0.36 % જેટલું પાણી, નદી, તળાવ વગેરેમાં જોવા મળે છે. પાણી ખેતીવાડી, ઉદ્યોગ, યંત્રો ચલાવવામાં તથા વિદ્યુતના ઉત્પાદનમાં ઉપયોગી છે. જ્યાં વરસાદની અછત છે ત્યાં વારંવાર દુષ્કાળ પડે છે. આથી પાણીનો કરકસરભર્યો ઉપયોગ ખૂબ જ આવશ્યક છે. ચોમાસામાં નદીઓમાં પૂર આવે છે. કિનારાના વિસ્તારમાં વિનાશ વેરી પાણી સમુદ્રમાં ઠલવાઈ જાય છે. ઉનાળામાં નદીઓનું પાણી સુકાઈ જાય છે. પાણીને દરિયામાં જતું અટકાવવા બંધ અને ચેક-ડૅમ બાંધી બારે માસ તેનો ઉપયોગ કરી શકાય છે.

ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં ગટરનું પાણી નદીમાં ભળે તો પહેલાં નદીનું પાણી અને પછી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. તેનું નિયંત્રણ કરવાની વ્યવસ્થા જરૂરી છે.

મૃદાસંપત્તિ : આ સંપત્તિમાં માટી, રેતી, ખડકો વગેરેનો સમાવેશ થાય છે. જમીનમાંથી પુન:અપ્રાપ્ય દ્રવ્યો મેળવવામાં આવે છે. સજીવોના જીવનને આધાર આપતાં ઘણાં દ્રવ્યો જમીનમાં સમાયેલાં છે. મૃદાવરણના 36.6 % વિસ્તારમાં માનવીનાં રહેઠાણો, રસ્તાઓ, કારખાનાંઓ, રેલવે, બરફ, રણ અને પર્વતો વગેરે છે. બાકીના 30 % વિસ્તારમાં જંગલો છે. 22 % ઘાસનાં મેદાનો અને 11 % ખેતીલાયક જમીન છે. જમીનના સૌથી ઉપરના સ્તરને મૃદા (soil) કહે છે. જમીનનો ઉપયોગ ખેતી અને પશુપાલન માટે થાય છે. જમીનની ફળદ્રૂપતા જાળવવા માટે તેનું ભૂક્ષરણ થતું અટકાવવું જરૂરી છે. જમીનમાં કુદરતી તેમજ રાસાયણિક ખાતર ઉમેરવામાં આવે છે. જમીનની ફળદ્રૂપતા વધારવા માટે જમીન પર જંગલો વિકસાવી તેનું ધોવાણ થતું અટકાવવામાં આવે છે. રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રૂપતાને અસર કરે છે. માટે આ દ્રવ્યોનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. જમીનમાં વસતા કેટલાક બૅક્ટેરિયા જમીનની ફળદ્રૂપતા વધારવામાં મદદ કરે છે. અનિયંત્રિત વસ્તીવધારો અને ઔદ્યોગિકીકરણ પણ જમીનને પ્રદૂષિત કરે છે.

વન અને વન્ય પ્રાણીસંરક્ષણ : વન ખૂબ જ અગત્યની નૈસર્ગિક સંપત્તિ છે. વનોને કારણે વાતાવરણનું ઉનાળામાં તાપમાન સામાન્ય રીતે નીચું અને શિયાળામાં ઊંચું રહે છે. દિવસમાં પણ તાપમાન નીચું અને રાત્રે તાપમાન ઊંચું રહે છે. વનોની મુખ્ય પેદાશોમાં ખાદ્યસામગ્રી, ઇમારતી અને જલાઉ લાકડું, કોલસો તથા ઔષધીય વનસ્પતિનો નિર્દેશ કરી શકાય.

વનસમૃદ્ધિ અને તેની ઉપયોગિતા : વનસમૃદ્ધિ વિવિધ રીતે ઉપયોગી હોવા છતાં ભારત દેશમાં તેમનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. પ્રાચીન કાળમાં વનનું મહત્વ ખૂબ જ હતું. વનનો વિસ્તાર તથા તેની ગુણવત્તા અત્યંત ઘટી ગયાં છે. આપણી જમીનમાં 74.8 મિલિયન હેક્ટરમાં વન છે, જે કુલ જમીનના 22.7 % ભાગમાં આવેલાં છે. વનની લાભદાયી પેદાશો સતત મળતી રહે તે માટે તેની ખાસ માવજત કરતાં રહેવું જોઈએ. ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં પાનખર જંગલો આવેલાં છે, જેમાં સાગ (Tectona grandis, L.f.), મોટો સીસમ (Dalbergia sissoo Roxb.), હરડે (Terminalia  chebula Retz.), બહેડાં [Terminalia bellirica (Gaertn.) Roxb.], મહુડો (Madhuca indica J. F. Gmel.), સાદડ (Terminalia crenulata Roth.), કરંજ [Derres indica (Lam.) Bennet.], વાંસ (Bambusa arundinacea (Retz.) Willd.), નાર વાંસ (Dendrocalamus strictus Nees.) અને ઑર્કિડ [Vanda testacea (Lindl.) Reichb.] જેવી વનસ્પતિઓ પણ થાય છે. રાજપીપળા, પંચમહાલ, બનાસકાંઠા અને ગીરવિસ્તારમાં મુખ્યત્વે સૂકાં અને કાંટાળાં વન જોવા મળે છે. તેની મુખ્ય વનસ્પતિઓમાં સાગ, ખાખરો [Butea monosperma (Lam.) Taub.] હરડે, ખેર [Acacia chundra (Roxb. ex. Rottl.) Willd.], ખીજડો [Prosopis cineraria (L.) Druce.], આમળાં (Emblica officinalis Gaertn.), શીમળોે (Bombax ceiba L.), ગૂગળ [Commiphora wightii (Arn.) Bhandari), બીલી [Aegle marmeloes (L.) Corr.], સાદડ વગેરેનો સમાવેશ થાય છે.

અમેરિકામાં 76 કરોડ એકર જમીનમાં વન પથરાયેલાં છે. તે પૈકીના B ભાગનાં વનોનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે. આ વનનો અમુક ભાગ રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ વન્ય પ્રાણીઓનાં અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવે છે. ત્યાં જેટલા પ્રમાણમાં વૃક્ષછેદન થાય છે, તેનાથી વધુ વૃક્ષો  ઉછેરવામાં આવે છે. ઉત્પાદનની દૃષ્ટિએ વિષુવવૃત્તનાં જંગલો સૌથી વધારે સમૃદ્ધ છે; પરંતુ યોગ્ય માવજતના અભાવે તેમનો નાશ થતો જાય છે.

વનની ઉપયોગિતા આ પ્રમાણે છે : (1) વન વરસાદમાં જમીનનું ધોવાણ અટકાવે છે. (2) જમીનની ફળદ્રૂપતા વધારે છે. (3) જમીનમાં પાણી જાળવી રાખે છે. (4) હવાના શુદ્ધીકરણ દ્વારા તેનું પ્રદૂષણ ઘટાડે છે. (5) પ્રકાશસંશ્લેષણ દ્વારા ખૌરાક તૈયાર કરે છે. (6) પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓને કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડે છે. (7) વન આનંદપ્રમોદ અને પ્રકૃતિસૌંદર્યનું રસપાન કરાવે છે.

પ્રાણીસંરક્ષણની આવશ્યકતા : મનુષ્ય પોતાની ભૂખ તેમજ શિકારના ગાંડા શોખને ખાતર ઘણાં મૂંગાં પક્ષીઓનો અને પશુઓનો નાશ કર્યાં કરે છે.

આફ્રિકાના શાહમૃગને મળતું આવતું ન્યૂઝીલૅન્ડનું ડિનોર્નિસ નામનું પક્ષી તેમજ મોઆ પક્ષી સ્થાનિક શિકારીઓના હાથે નાશ પામ્યાં હતાં. આ પક્ષીઓ 500 વર્ષ પહેલાં જીવતાં હતાં. આ પક્ષીઓ હવે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયાં છે.

મૉરેશિયસ અને રોડીગ્ઝાના ટાપુઓમાં કબૂતર જાતિનું કદમાં મરઘીથી મોટું ડોડો પક્ષી ત્યાંના યુરોપીય વસાહતવાદીઓના હસ્તે નાશ પામ્યું. આ પક્ષીનું હાડપિંજર ઇંગ્લૅન્ડના બ્રિટિશ કૉમનવેલ્થ મ્યુઝિયમમાં સચવાઈ રહ્યું છે.

અમેરિકામાં ‘શાંતિના દૂત’ તરીકે ઓળખાતી કબૂતરની એક જાત અમેરિકાના શિકાગો શહેરની આસપાસ લાખોની સંખ્યામાં જોવા મળતી હતી. જ્યારે આ કબૂતરો આકાશમાં ઊડતાં ત્યારે ધરતી પર છાંયડો છવાઈ જતો હતો; પરંતુ મનુષ્યને તેમનું માંસ મીઠું લાગ્યું અને 1904 સુધીમાં આ પક્ષીઓ સંપૂર્ણપણે નાશ પામ્યાં. ઉત્તર આટલાન્ટિક મહાસાગરના કેટલાક ટાપુઓમાં થતાં ઑક (Auk) નામનાં બતક જેવાં પક્ષીઓનો તેલ અને માંસ માટે મનુષ્યે સદંતર નાશ કરી નાખ્યો છે. અમેરિકામાં બાયસન આજે માત્ર અભયારણ્યોમાં જ આશ્રય લઈ જીવી રહ્યાં છે. માંસ અને ચામડાં માટે આ પ્રાણીનો મોટા પ્રમાણમાં શિકાર કરવામાં આવતો હતો.

દક્ષિણ આફ્રિકામાં ગુઆગ્યા નામનું અશ્વવંશનું પ્રાણી થતું હતું. તે ઘોડા અને ગધેડાની જેમ સારા પાલતુ પ્રાણી તરીકે ઉપયોગી થઈ શકે તેમ હતું; પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં ડચ ખેડૂતોએ ચામડાં માટે તેમનો સંપૂર્ણ નાશ કર્યો. તે જ પ્રમાણે અઢારમી સદીમાં રશિયન વ્યાપારી પેઢીઓએ ચામડાં માટે દરિયાઈ બિલાડીની જાતિને ખતમ કરી નાખી.

ભારતમાં ચિત્તો છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ નાશ પામ્યો છે. હાલમાં ચિત્તો ફક્ત આફ્રિકાનાં જંગલોમાં જ જોવા મળે છે. સિંહ હાલમાં માત્ર ગીરના નાનકડા અભયારણ્યમાં જ આશ્રય લઈ રહ્યો છે. વાઘ અને ગેંડાની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. કસ્તૂરીમૃગની જાત પણ અદૃશ્ય થવાની અણી પર છે. ગુલાબી માથાવાળી બતક અને પર્વતીય બટેર (moutain quail) લગભગ સો વર્ષથી લુપ્ત થઈ ગયેલ છે. ડબલ બૅન્ડેડ કર્સર નામનું પક્ષી 1900ની સાલ બાદ અદૃશ્ય થઈ ગયેલું હતું. આંધ્રપ્રદેશમાંથી થોડાંક વર્ષ પહેલાં જ તેને ફરીથી શોધી કાઢવામાં આવ્યું છે.

ભારત દેશમાં 1952ના વર્ષમાં લુપ્તપ્રાય (endangered) વન્ય જીવની સંખ્યા 13ની હતી, તે હાલ વધીને 140ની થઈ છે. નાગ, અજગર, ઘો, મગર અને કેટલીક જાતના કાચબા જેવાં સરીસૃપો; મોનાલ નામનો વનમોર, ઘોરાડ (Great Indian Bustard), ખડમોર (Florican), સારસ, સુરખાબ અને ચિલોત્રો (Horn-bill) જેવાં પક્ષીઓ અને રીંછ, હાથી, વાઘ, સિંહ, ગેંડો, દીપડો, બર્ફીલો દીપડો, ઘુડખર, રાની બિલાડી, વણિયર, જંગલી, ડુક્કર, જંગલી ગધેડા, કીડીખાઉ, કાળિયાર, સાગરધેનુ (dugong), હંગુલ, બારાસિંગા નામનું હરણ, મણિપુરનું હરણ જેવાં સસ્તનો લુપ્તપ્રાય છે. આજે પ્રાણીઓની આશરે 1,000 જેટલી જાતિઓ અને વનસ્પતિઓની 20,000 જેટલી જાતિઓ લુપ્ત થવાની અણી પર છે. નષ્ટપ્રાપ્ય વન્યજીવોની યાદી ‘રેડ ડેટા બુક’માં પ્રસિદ્ધ થાય છે. પ્રાણીઓ પ્રકૃતિની સમતુલા જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગીરના જંગલમાં સિંહ, દીપડા જેવાં માંસાહારી પ્રાણીઓ હરણ, સાબર, નીલગાય જેવાં તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરી તેની સંખ્યા ઉપર નિયંત્રણ રાખે છે; તેથી ખેતીના પાકને નુકસાન ઓછું થાય છે. એ જ પ્રમાણે આ ઘાસ ખાનારાં પ્રાણીઓ પણ જોઈતી વનસ્પતિનો આહાર કરીને જંગલનાં ઉપયોગી વૃક્ષોને ઊગવાની સગવડ કરી આપે છે.

નાનાં પક્ષીઓ કીડા અને ઇયળો જેવી જીવાત ખાઈ પાક અને વનસ્પતિને થતું નુકસાન અટકાવે છે. કબૂતર, ચકલાં વગેરે અનાજ ખાઈને જો પાકને નુકસાન કરે છે તો વનસ્પતિ ઉપરની જીવાત ખાઈ જઈને તેનું રક્ષણ પણ કરે છે.

માંસાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, ઘાસ અને વૃક્ષ તેમજ જમીનમાં રહેલાં બૅક્ટિરિયા અને ફૂગ વ્યવસ્થિત નિવસનતંત્રની રચના કરે છે, જેથી કુદરતની સમતુલા જળવાય છે.

વનસંરક્ષણ અને પ્રબંધ (forest-conservation and management) : ગુજરાત કુલ જમીનની ભાગ્યે જ 7.8 % જેટલી જમીન પર વન ધરાવે છે. ઊંચી કક્ષાનાં વન તો ઘણાં જ ઓછાં છે. વનખાતા તરફથી ધોરી માર્ગોની બંને બાજુએ સીસમ, શિરીષ, લીમડા, કેસિયા, ગુલમોર, સરગવો, ગલતોરા, ગરમાળો, પેલ્ટોફૉરમ જેવાં જલદી ઊછરતાં વૃક્ષો ઉગાડવામાં આવે છે. વળી ગામના સીમાડાના વિસ્તારમાં નીલગિરિનું વાવેતર પણ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય કક્ષાએ વનવિકાસ માટે આ મુદ્દાઓની વિચારણા કરવી જરૂરી છે : (1) વ્યાપારી અને બિનવ્યાપારી ધોરણે વિકસાવવાના વનના પ્રકાર જુદા પાડવા જોઈએ. (2) વ્યાપારી ધોરણે વનવિકાસની યોજના ઘડી, તેમાં મોટા મોટા પ્લૉટ પાડી વૈજ્ઞાનિક ધોરણે વૃક્ષો વાવવાં જોઈએ. એ વૃક્ષોને યોગ્ય વિકાસ અને વૃદ્ધિ થાય પછી જ તે કપાય એ મુજબનું આયોજન કરવું જોઈએ. વીસ વર્ષની યોજનામાં દર વર્ષે એક પ્લૉટમાં વૃક્ષો વાવવામાં આવે અને વીસમા વર્ષે તેમને કાપવામાં આવે. તે રીતે જૂનાં વૃક્ષો કપાય છતાં નવાં વૃક્ષોને કારણે તેની ખોટ ન રહે એવું ગોઠવવું જોઈએ.

બિનવ્યાપારી ધોરણે વનનો વિકાસ આનંદપ્રમોદનાં સ્થાનો અને વન્ય પ્રાણીઓનાં અભયારણ્યો માટે કરવામાં આવે છે. અભયારણ્યમાં વન્ય જીવોને રક્ષણ આપવામાં આવે છે. 1989માં ભારતમાં કુલ 24 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 372 અભયારણ્યો હતાં. (જુઓ : ‘અભયારણ્ય’.) હાલમાં ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 16 અભયારણ્યો છે. અભયારણ્ય મુક્ત અને સ્વતંત્ર નિવસનતંત્ર રચી શકે તેટલા પ્રમાણમાં વિસ્તૃત હોવાં જોઈએ; જેથી વન્ય પ્રાણીઓ માટે તે નૈસર્ગિક રહેઠાણ બની શકે. ભારત દેશમાં આ નાશ પામતાં પ્રાણીઓ તથા વનસ્પતિઓને બચાવવા માટેની ખાસ પરિયોજનાઓ (projects) હાથ ધરાઈ છે. તે પૈકી કેટલીક પરિયોજનાઓ નીચે મુજબ છે :

1. વાઘસંરક્ષણ પરિયોજના : ઓગણીસમી સદીના અંતસમયે ભારતમાં 40,000 વાઘ હતા, જે ઘટી જતાં 1972માં માત્ર 1,800 જ બચ્યા હતા. તેમને માટે 1973માં આ પરિયોજનાનો દેશના 11 વિસ્તારોમાં અમલ કરવામાં આવ્યો. તેના પરિણામે વાઘની સંખ્યા 1989માં 4,334 થઈ. એટલે આ યોજનાથી વાઘની સંખ્યા નાશ પામતી હતી એ અટકી અને દર વર્ષે તેની સંખ્યામાં વધારો થતો રહ્યો છે.

2. ગીરમાં સિંહસંરક્ષણની પરિયોજના : આ પરિયોજના પણ 1972માં અમલમાં આવી હતી. ગીરમાં સિંહની વસ્તીને બચાવવાના હેતુથી તેને નુકસાન થાય તેવાં પરિબળોને રોકવામાં આવ્યાં. એશિયાઈ સિંહની વસ્તી માત્ર ગીરના જંગલમાં છે.

1974માં સિંહની વસ્તી-ગણતરી 180ની હતી, જે વધીને 1979માં 232, 1985માં 239, અને છેલ્લે 1990માં 284ની થયેલી નોંધવામાં આવી છે. તે મે, 1995માં વધીને 304 સિંહોની થવા પામી છે.

3. મગર-ઉછેર કેન્દ્ર પરિયોજના : છેલ્લા થોડાક દસકાઓમાં ભારતમાં મગરની ત્રણ જાતિઓની સંખ્યામાં ખૂબ ઘટાડો નોંધાતાં, એપ્રિલ 1975માં આ પરિયોજના શરૂ કરાઈ. રેતીમાંથી મગરના માળા શોધી તેમાંથી ઈંડાં એકઠાં કરી તેમને યોગ્ય માવજત આપવામાં આવે છે અને તેમાંથી નીકળતાં બચ્ચાં યોગ્ય કદનાં થાય ત્યારે તેમને સુરક્ષિત સ્થળે છોડવામાં આવે છે. હાલ દેશમાં કુલ 16 મગરઉછેર-કેન્દ્રો કામ કરે છે.

4. હંગુલસંરક્ષણ પરિયોજના : હંગુલ (Kasmir stag) નામના હરણની 1940માં 3,000ની વસ્તી હતી, જે 1970માં ઘટીને 140થી 170 જેટલી થઈ ગઈ હતી. આ પરિયોજનાને પરિણામે 1983માં તેમની સંખ્યા વધીને 500ની થઈ છે.

5. કસ્તૂરીમૃગસંરક્ષણ પરિયોજના : કસ્તૂરીમૃગના નર પ્રાણીના શરીરમાં સુગંધી દ્રવ્ય ધરાવતી ગ્રંથિ આવેલી હોય છે, જેને કસ્તૂરી (musk) કહે છે. તે ઔષધ તરીકે પણ કામ આવે છે. પરદેશમાં 1 કિગ્રા. કસ્તૂરીના 40,000થી 50,000 અમેરિકન ડૉલર ઊપજે છે. તેથી તેનો મોટા પ્રમાણમાં શિકાર થતો હતો. આ પરિયોજના અન્વયે કસ્તૂરીમૃગને રક્ષણ અપાયું છે અને તેની સંખ્યામાં વધારો થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે.

વન્ય પ્રાણીઓની સંરક્ષણવ્યવસ્થા : વન્ય પ્રાણીઓની સંરક્ષણવ્યવસ્થા માટે નીચે આપેલી બાબતો પર ધ્યાન આપવામાં આવે છે : (1) અભયારણ્યોની વ્યવસ્થા કરી તેમાં વન્ય પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે. (2) વન્ય પ્રાણીઓના શિકાર પર કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે. (3) વનમાંથી પસાર થતી ટ્રેનો કે અન્ય વાહનોને કારણે આરામથી બેઠેલાં મૂગાં પ્રાણીઓ આકસ્મિક મૃત્યુ ન પામે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. (4) વનમાં આગ ન લાગે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે, અને જો આગ લાગે તો વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. (5) માલધારી કે અન્ય શિકારીઓ ઝેરવાળો ખોરાક ન ખવડાવે તેની તકેદારી રાખવામાં આવે છે. (6) વન્ય પ્રાણીઓને રોગ ન થાય તેની સાવચેતી રાખવામાં આવે છે. (7) વન્ય પ્રાણીની સંખ્યામાં વધારો કે ઘટાડો જાણવા માટે દર વર્ષે તેમની ગણતરી કરવામાં આવે છે.

જૈવાવરણ(biosphere)માં મનુષ્ય સૌથી વધારે ઉદવિકસિત અને પ્રભાવી પ્રાણી છે. ભૂતકાળમાં આદિમાનવે રહેઠાણ અને ખોરાકપ્રાપ્તિ માટે અન્ય પ્રાણીઓ સાથે જીવનસંઘર્ષ ખેડ્યો હતો; પરંતુ તેનાં શારીરિક લક્ષણો અને માનસિક ક્ષમતાઓ સર્વોત્કૃષ્ટ હોવાથી આજે સમગ્ર પર્યાવરણમાં સર્વોપરીતા મેળવવામાં તે સફળ રહ્યો છે. તેણે તેના સાંસ્કૃતિક વિકાસ દરમિયાન વિજ્ઞાનના ક્ષેત્રે પ્રગતિ સાધી આધુનિક પ્રાવૈધિક વિજ્ઞાન(technology)યુગમાં પ્રવેશ કર્યો છે. અને બધાં જ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરી પર્યાવરણને કેટલેક અંશે પોતાના નિયંત્રણ હેઠળ પણ લીધું છે.

મનુષ્યે પોતાના નિવાસો, ઔદ્યોગિક વસાહતો તેમજ ખેતીવાડી માટે કુદરતી રીતે વિકસેલાં વન અને મેદાનોનાં નિવસનતંત્રોમાં ફેરફારો કર્યા છે. ઔદ્યોગિક વિકાસની સાથે શહેરીકરણ થયું, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર અને આનંદ-પ્રમોદની સગવડો ઊભી કરી. યુદ્ધ અને અન્ય જરૂરિયાતો માટે તેણે પર્યાવરણનું પણ શોષણ કર્યું છે. તેણે ડુંગરો કોતરીને રસ્તા બનાવ્યા છે. ખનિજો માટે ખાણો ખોદી છે; હજારો કિમી. લાંબી રેલવેલાઇનો નાખી છે. પાણીની સુવિધા માટે તળાવો અને બંધ બાંધ્યાં છે; તેમાંથી લાંબી નહેરો કાઢી છે, ગંદા પાણીના નિકાલ માટે, સુએઝ માટે જમીન ખોદીને તેના પ્રકૃતિસૌંદર્યને પીંખી નાખવામાં આવ્યું છે. મનુષ્યે પોતાનાં સ્વાર્થ માટે પર્યાવરણમાં ઘણા અનિચ્છનીય ફેરફારો કરી, સર્વ સજીવો માટે અત્યંત અનિવાર્ય એવાં હવા, પાણી અને ભૂમિને મલિન કર્યાં છે અને તેથી બીજાં સજીવોના અને સાંસ્કૃતિક સંપત્તિના અસ્તિત્વ માટે મુશ્કેલીભરી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિ સર્જનાર પરિબળને પ્રદૂષણ કહે છે અને તે પ્રતિવર્ષ વધતું જ રહ્યું છે. હવે તો સમગ્ર જૈવાવરણ મનુષ્યના આધિપત્ય હેઠળ આવી ગયું છે. નૈસર્ગિક સંપત્તિ જે પૃથ્વીનાં બધાં સજીવો માટે હતી, તે મનુષ્ય પોતાને માટે અમર્યાદ રીતે વાપરવા લાગ્યો છે અને પરિણામે પર્યાવરણમાં અસમતુલા પેદા થઈ છે.

ગ્રીન હાઉસ અસર : જીવાશ્મી બળતણના વધતા જતા વિશ્વવ્યાપી ઉપયોગને કારણે 1900ની સાલથી વાતાવરણમાં કાર્બન-ડાયૉક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ, 1860થી 1960 સુધીમાં કાર્બન-ડાયૉક્સાઇડનો 14 % જેટલો વધારો થયેલો છે. કેટલાક વૈજ્ઞાનિકોના મત પ્રમાણે પ્રકાશસંશ્લેષણ દરમિયાન વાતાવરણમાંથી તેનો ઉપયોગ કરવાની વનસ્પતિઓની ક્ષમતા અને મહાસાગરમાં તેના ઓગળવાના દર કરતાં તેનું પ્રમાણ ઘણું વધારે છે. વાતાવરણમાં કાર્બન-ડાયૉક્સાઇડ ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરે છે. ગ્રીન હાઉસમાં રહેલા કાચની જેમ તે સૂર્યપ્રકાશનાં કિરણો પસાર થવા દે છે; પરંતુ પૃથ્વીની સપાટી પરથી પરાવર્તન પામતાં અવ-રક્ત (infra-red) કિરણોને સબળ રીતે શોષી વાતાવરણના ક્ષોભમંડળના તાપમાનમાં વધારો કરે છે. જો આ વધારો સતત ચાલુ રહે તો ધ્રુવ પ્રદેશમાં રહેલો બરફ ઓગળી જાય અને મહાસાગરોની સપાટી લગભગ 120 મી. જેટલી વધી જાય. તેથી મહાસાગરના કિનારાનું ધોવાણ થઈ જાય અને તેના કિનારે વસતી સજીવ સૃષ્ટિ નાશ પામે.

વાતાવરણમાં ધુમાડો, રજકણો અને બીજા ઘન પદાર્થોના કણો માનવોની વિવિધ પ્રક્રિયાપ્રવૃત્તિઓને લઈને ઉમેરાતા રહે છે. તેથી તેની પરાવર્તકતા(reflectance)માં વધારો થાય છે, અને સૌર વિકિરણ વધારે પ્રમાણમાં અવકાશમાં પાછું પરાવર્તન પામે છે. આ સતત ચાલુ રહે તો સમય જતાં પૃથ્વીની સપાટી પરથી તાપમાનમાં ઘટાડો થાય અને નવા હિમયુગનો પ્રારંભ થાય. જોકે આ બે અસર પૈકી કઈ અસર વધારે પ્રમાણમાં થાય છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.

ઍસિડવર્ષા : ખનિજતેલ બને છે ત્યારે તેના ધુમાડામાં સલ્ફર-ડાયૉક્સાઇડ અને સલ્ફર-ટ્રાયૉક્સાઇડ બને છે. તે પાણી સાથે ક્રિયા કરી સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિક ઍસિડ બનાવે છે. આવા ઍસિડ જ્યારે વર્ષાસ્વરૂપે વરસે છે ત્યારે તેને ઍસિડ-વર્ષા કહે છે. આવી વર્ષાથી તેના સંપર્કમાં આવતાં સજીવો, ધાતુઓ અને પથ્થરની કીમતી ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચે છે. ઍથેન્સમાં 2,000 વર્ષથી ગ્રીક પાર્થેનૉન અખંડિત રહેલ છે; પરંતુ હવાઈ પ્રદૂષણને કારણે તે ખવાવાનાં ચિહનો હવે દેખાવા લાગ્યાં છે. તાજમહાલની શોભા પણ આ કારણે ખંડિત થઈ રહી છે. સલ્ફર-ડાયૉક્સાઇડ અને સલ્ફયુરિક ઍસિડ પ્રાણીઓના શ્વસનમાર્ગમાં બળતરા ઉત્પન્ન કરે છે. વધારે પ્રમાણમાં હોય તો હૃદય અને ફેફસાંના રોગો પણ થાય છે.

ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા લોકો ફેફસાં, નાક, કાન અને ગળાના રોગોથી પીડાય છે. બેન્ઝોપાયરિન પ્રકારનાં રસાયણો તો કૅન્સર માટે જવાબદાર છે. વિનાઇન ક્લૉરાઇડ દ્વારા યકૃતનું કૅન્સર થાય છે. ક્રોમેટ્સ, ક્લૉરોફૉર્મ, ટ્રાઇક્લૉરાઇડ ઇથિલીન, બેન્ઝિન, ઍક્રિલોનાઇટ્રાઇલ, 2 – નાઇટ્રોપ્રોપેન, ફિનાઇલ મિથેન, ઇથિલીન ડાઇબ્રોમાઇડ, બેરિલિયમ અને કૅડ્મિયમ કૅન્સરનો રોગ લાગુ પાડતાં રસાયણો છે. ઍસ્બેસ્ટૉસના કણો, તાંબું, સીસું અને જસતના ગાળણથી ફેફસાંના કૅન્સરની શક્યતા વધે છે. સીસું ઝેરી હોય છે. તે લકવા માટે જવાબદાર હોય છે.

ભોપાલનો ઔદ્યોગિક અકસ્માત માનવસંસ્કૃતિ માટે એક લાંછનરૂપ, ખોફનાક અને દારુણ ઘટના ગણાય છે, જેમાં ખતરનાક વાયુઓ તરીકે મિથાઇલ આઇસોસાયનેટ અને ફૉસ્જીને મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાંની નિર્દોષ પ્રજા જે મહાદુ:ખમાં સપડાઈ અને ભવિષ્યની પ્રજાને જે સહન કરવાનું આવશે તેનું મૂલ્ય કોઈ પણ રીતે ચૂકવી શકાય તેમ નથી.

વિશ્વમાં થઈ ગયેલા કેટલાક અતિ મહત્વના ઔદ્યોગિક અકસ્માતો

વર્ષ અકસ્માતનું કારણ સ્થળ મૃત્યુ અને અન્ય અસરો
1942 કોલસાની રજકણોનો વિસ્ફોટ હોન્કેઇકો, કોલિયરી ચીન 1,572
1947 રાસાયણિક ખાતરોના વહાણનો વિસ્ફોટ ટૅક્સાસ 571
1956 ડાયનેમાઇટ ટ્રક-વિસ્ફોટ કેલી, કોલમ્બિયા 1100
1975 ખાણ-વિસ્ફોટ ચાસ્નાલા, ભારત 431
1979 જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના પ્લાન્ટનો અકસ્માત નોવોસિબિર્સ્ક રશિયા 300 વ્યક્તિઓ એન્થ્રેક્સથી મૃત્યુ પામી.
1984 કુદરતી વાયુ-વિસ્ફોટ પોમેક્સ, મેક્સિકો 452નાં મૃત્યુ, 4,258 ઘાયલ, 31,000 અસરગ્રસ્ત
1984 મિથાઇલ આઇસોસાયનેટનું સ્રવણ (યુનિયન કાર્બાઇડ પ્લાન્ટ) ભોપાલ, ભારત 3,000નાં મૃત્યુ બે લાખ અસરગ્રસ્ત

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક યુનિયન્સ દ્વારા સ્થાપિત એક ખાસ સમિતિએ 1971માં પ્રદૂષણના વધતા જતા પ્રશ્નોની સમીક્ષા કરી હતી, જેમાં વિશ્વવ્યાપી ચેતવણી આપતા કાર્યક્રમની અનિવાર્યતા દર્શાવતાં ગંભીર સ્વરૂપોની તારવણી કરી હતી. તેમાં રાસાયણિક પ્રદૂષકોમાં ડી.ડી.ટી., ઍલ્ડ્રિન અને ડાઇઍલ્ડ્રિન જેવાં કીટનાશકો, ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન, વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં વપરાતાં પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ્સ (PCBS), અને પારો, સીસું, કૅડ્મિયમ, આર્સેનિક અને બેરિલિયમ જેવી કેટલીક ધાતુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા પદાર્થો પર્યાવરણમાં દીર્ઘસ્થાયી અને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા અવિઘટનીય હોય છે અને જો તેમનું પ્રમાણ નિશ્ચિત આંકથી વધી જાય તો તે સજીવો માટે વિષાક્ત પણ નીવડે છે. WHO અને FAO દ્વારા સૂચિત ડી.ડી.ટી. અને ડાઇઍલ્ડ્રિનની મનુષ્યની સહન કરવાની માત્રા અનુક્રમે 1.0 અને 0.1 પી.પી.એમ. છે. મહારાષ્ટ્રમાં ઉગાડાયેલ કેટલાક બટાકામાં ડી.ડી.ટી.નું પ્રમાણ 4.2; ડાઇઍલ્ડ્રિનનું 1.4 અને ઍલ્ડ્રિનનું 2.6 પી.પી.એમ. નોંધાયું છે. મુંબઈના વાંદરા વિસ્તારમાં પ્રાપ્ત દૂધનું વિશ્લેષણ કરતાં તેમાં 4.8થી 6.7 પી.પી.એમ. ડી.ડી.ટી. અને 1.9થી 6.3 પી.પી.એમ. ડાઇઍલ્ડ્રિન માલૂમ પડ્યું છે. ડી.ડી.ટી. મેદદ્રાવ્ય છે અને પ્રાણીની મેદપૂર્ણ પેશીમાં જમા થઈ દૂધમાં પ્રવેશે છે. તે જરાયુ દ્વારા વિકસતા ગર્ભને નુકસાન પહોંચાડે છે.

લવ કૅનાલ, ન્યૂયૉર્ક અને કેન્ટકીમાં સડતાં લાખો પીપ દ્વારા વિષાક્ત પ્રદૂષકોનું ભૂમિ તેમજ પાણીમાં સ્રવણ (leakage) થાય છે. તેમાં પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ હોય છે. વિદ્યુત-ઉપકરણોમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે લગભગ પ્રત્યેક પુરુષ, સ્ત્રી અને બાળકમાં પ્રવેશી ચૂકેલ હોય છે.

પાણીમાં પારો, સીસું, કૅડ્મિયમ, તાંબું, જસત અને ક્રોમિયમ ધાતુના ક્ષારો ઉમેરાતાં તે જલજીવનને વિષાક્ત અસર પહોંચાડે છે. પારો મિથાઇલ મર્ક્યુરીમાં પરિણમે તો તેના દ્વારા ચેતાતંત્રના રોગો થાય છે અને કોષવિભાજનમાં રંગસૂત્રોની વહેંચણી પર અસર કરે છે.

માછલીમાં પારાનું સામાન્ય પ્રમાણ 0.02થી 0.2 પી.પી.એમ. જેટલું હોય છે; પરંતુ જાપાન, સ્વીડન અને ઉત્તર અમેરિકાનો પારો ધરાવતો ઔદ્યોગિક કચરો સમુદ્રમાં ઠાલવવામાં આવતાં તેનું પ્રમાણ 1.0 પી.પી.એમ. જેટલું થયું છે. ધાતુયુક્ત ખડકોના ક્ષરણથી અને ઔદ્યોગિકીકરણને કારણે પ્રતિવર્ષ 2  105 ટન સીસું દરિયામાં ઉમેરાય છે.

પ્રદૂષણનિયંત્રણ : તેને માટે નીચે મુજબના ઉપાયો લેવાય છે :

(1) ઔદ્યોગિક વિસ્તારો શહેરની વસ્તીથી દૂર રાખવામાં આવે છે. (2) ઔદ્યોગિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી લઘુતમ પ્રદૂષકો સર્જાય તે માટેની વૈકલ્પિક પદ્ધતિઓ અજમાવવામાં આવે છે. (3) કોઈ પણ ઉદ્યોગની સ્થાપના પૂર્વે તે ઉદ્યોગને કારણે ઉદભવતાં પ્રદૂષકોનું બિનહાનિકારક સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય તે માટેની વ્યવસ્થા વિચારી જરૂરી યંત્રસામગ્રી વસાવવામાં આવે છે. (4) પ્રદૂષણની માત્રા અને તેની હાનિકારક અસરો વિશે સતત સંશોધન કરી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. (5) વાહનોમાં પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ ઘટાડવામાં આવે છે અથવા એન્જિન દ્વારા તેનું સંપૂર્ણ દહન થવા દેવામાં આવે છે, જેથી ઝેરી વાયુઓ પેદા ન થાય. પ્રતિ-ધૂમ્ર સાધન(antismog device)નો ઉપયોગ કરવામાં આવે છે. વાહનો અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં જરૂરી બળતણ માટે અન્ય શક્તિસ્રોતનાં સંશોધનો કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી સાઇકલનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે પેટ્રોલ કે ડીઝલથી ચાલતાં વાહનો 60 % હવાઈ પ્રદૂષણ માટે જવાબદાર છે. (6) કેટલાક દેશોમાં ચક્રવાત પૃથક્કારકો (cyclone separators), સ્થિર વીજ અવક્ષેપકો (electrostatic precipitators) અને માર્જકો(scrubbers)નો ઉપયોગ પ્રદૂષણને લઘુતમ બનાવવામાં થાય છે. (7) ખાતરો, અપતૃણનાશકો અને કીટનાશકોનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સૂચવાયેલ માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. (8) દૂધ, પીણાં, લોશન, શૅમ્પૂ વગેરે ચીજો પ્લાસ્ટિકની થેલી કે બૉટલના બદલે કાચની બૉટલોમાં ખરીદવામાં આવે છે. (9) ડિટરજંટને સ્થાને બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. (10) બૅક્ટિરિયા અને સૂક્ષ્મજીવોની જૈવિક પ્રક્રિયાઓ દ્વારા કેટલાંક કુદરતી કાર્બનિક પ્રદૂષકોનો ઉપયોગ થઈ જતાં પાણીમાં અત્યંત ઓછું કાર્બનિક દ્રવ્ય રહે છે; અને પાણી સ્વચ્છ અને રંગહીન બને છે. (11) પ્રત્યેક ઘર કે નાની વસાહત માટે અજારક મળદ્રાવી કુંડ (anaerobic septic tank) તૈયાર કરવામાં આવે છે. જોકે પાણીના શુદ્ધીકરણનું પ્રમાણ અસંતોષકારક હોવાથી તેને નદીના પાણીમાં ઠાલવવામાં આવતું નથી. (12) પાણીના શુદ્ધીકરણ માટે ઝમતી ગાળણ (trickling filtration) પદ્ધતિ, સક્રિયિત આપંક (active sludge) ચિકિત્સા, ઉપચયન તળાવ (oxidation pond) જેવી જારક જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. (13) અદહનશીલ પ્રદૂષકો – ધાતુના ડબ્બા, પ્લાસ્ટિક, કાચના ટુકડાઓ, પૉલિથીન, રાખ, કચરો વગેરે – જો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં ન હોય તો તેનો નીચાણવાળી ભૂમિમાં પૂરણ-પદ્ધતિ દ્વારા નિકાલ કરવામાં આવે છે. (14) પર્ણો, કાગળો, ચીંથરાં વગેરે દહનશીલ પ્રદૂષકોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને નિયંત્રિત ભસ્મીકરણ દ્વારા બાળી રાખ બનાવી તેનો નિકાલ કરી શકાય છે. (15) જે તે વિસ્તારના નિવસનતંત્રની સમતુલાની યોગ્ય જાળવણી માટે લોકજાગૃતિ પેદા કરવા પ્રદર્શનો, ચલચિત્રો અને નાટકો જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. લોકસભાના સભ્યનો કે પર્યાવરણ સાથે સંકળાયેલાં મંડળો સાથે આ અંગે સતત સંપર્ક રાખવામાં આવે છે.

નિરાકરણ માગતી સમસ્યાઓ : ઔદ્યોગિક, કૃષિવિદ્યાકીય, ઔષધવિજ્ઞાન અને પ્રાવૈધિક વિજ્ઞાનની ક્ષમતાના સંદર્ભમાં એવી આશા રખાય છે કે ભવિષ્યમાં પ્રમાણમાં સ્થાયી માનવ-વસ્તી દ્રવ્યની વિપુલતાની ઊંચી કક્ષાએ જીવતી હશે; વન્યજીવનનું અસ્તિત્વ પુષ્કળ પ્રમાણમાં હશે; અને મનુષ્યના આનંદપ્રમોદ માટે અવિક્ષોભિત ભૂમિ પૂરતી પ્રાપ્ય હશે; પરંતુ વિશ્વની પ્રવર્તમાન પરિસ્થિતિઓ આ વૈજ્ઞાનિક અને પ્રાવૈધિક આશાવાદને અનુમોદન આપતી નથી. વૈજ્ઞાનિક અને પ્રાવૈધિક જ્ઞાન વિશ્વની મુખ્ય પર્યાવરણીય સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રાપ્ય હોવા છતાં માનવ સંસ્થાઓની ગોઠવણો અને કાર્યપદ્ધતિઓ તેમજ વ્યક્તિઓનાં વલણો સમસ્યારૂપ છે; જેમ કે વિશ્વની બધી જ વનવિદ્યાની સંશોધનસંસ્થાઓ પ્રવૃત્ત હોવા છતાં ઉષ્ણકટિબંધીય વનોનો જે રીતે વિધ્વંસ થઈ રહ્યો છે તે દર્શાવે છે કે જાણે વનવિદ્યા અને વનપ્રબંધ (forest management) કદી અસ્તિત્વમાં હતાં જ નહિ. પશુધન-પ્રબંધની પ્રવિધિઓ સારી રીતે વિકાસ પામી હોવા છતાં વિશ્વનાં મુખ્ય રણોની આસપાસ અતિચરાઈ ચાલુ રહી છે; પ્રાણીઓ ભૂખે મૃત્યુ પામી રહ્યાં છે; લોકો અછત અનુભવી રહ્યા છે અને રણો વિસ્તરી રહ્યાં છે. આમ, તંત્રજ્ઞ પાસે જ્ઞાન પ્રાપ્ય હોવા છતાં, પૃથ્વી પરની બધી સામાન્ય વ્યક્તિઓ સુધી તે પહોંચતું નથી અથવા પહોંચે છે તો ધારી અસર કરતું નથી.

વસ્તીવધારો : 1970માં વસ્તીવધારાનો દર પ્રતિવર્ષ 2.0 % માલૂમ પડ્યો હતો અને વિશ્વની કુલ માનવવસ્તી 3.5 અબજની હતી. એક ધારણા મુજબ, સૌથી શ્રેષ્ઠ પરિસ્થિતિઓમાં પણ 6થી 7 અબજની સંખ્યા થાય ત્યાં સુધી તે સ્થિરતા પ્રાપ્ત કરશે નહિ. આ ધારણામાં ભૂખમરો, યુદ્ધ અને રોગચાળો જેવી દુર્ઘટનાઓ થશે નહિ તેમ માની લેવામાં આવ્યું છે. ઝડપી વસ્તીવધારો વ્યવસ્થિત આર્થિક વિકાસને અવરોધે છે; માનવ-પર્યાવરણ બગાડે છે; માનવ-સંસ્થાઓમાં ગંભીર તણાવ પેદા કરે છે અને વન્ય પ્રાણી અને વનસ્પતિજીવનનું અસ્તિત્વ જોખમાય છે.

શિક્ષિત વ્યક્તિઓમાં કુટુંબનિયોજનની પદ્ધતિઓ જાણીતી અને અસરકારક હોય છે; પરંતુ આ પદ્ધતિઓ ઝડપી પ્રજનનદર ધરાવતા અને સૌથી જોખમી સમતુલાવાળા પર્યાવરણમાં વસતા લોકો માટે અજાણ, અપ્રાપ્ય અને દેખીતી રીતે અસ્વીકૃત બની છે. ભાવિ ધૂંધળું છે, પરંતુ પરિસ્થિતિ-વિજ્ઞાનીઓ વધારે અસરકારકતા માટે કુટુંબનિયોજનનાં સાધનોનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય; કુટુંબની સંખ્યા મર્યાદિત બને તે માટે સઘન શિક્ષણ આપવામાં આવે અને નાનું કુટુંબ ધરાવતી વ્યક્તિઓમાં આર્થિક પ્રગતિ માટેની તકો ઊજળી બને તે માટે પ્રોત્સાહન આપવાનો આગ્રહ રાખે છે. આ બધી જરૂરિયાતો ખૂબ ખર્ચાળ હોવાને કારણે જે રાષ્ટ્રનો વસ્તીવધારાનો દર ઊંચો અને આર્થિક ઉત્પાદકતા નીચી હોય તે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં અસફળ રહે છે. આમ, વિશ્વમાં વસ્તી-વધારાનું નિયંત્રણ આંતરરાષ્ટ્રીય જવાબદારી બની ગઈ છે; મોટાભાગનાં રાષ્ટ્રો આ બાબતે મર્યાદિત સહકાર આપતાં હોય છે.

પ્રદૂષણનિયંત્રણ : વસ્તીવધારા પછી સૌથી વધારે તીવ્રતા દર્શાવતી સંરક્ષણ (conservation) સમસ્યા પ્રદૂષણ-નિયંત્રણની છે અને તે વસ્તીવધારા કરતાં વધારે તાકીદની છે. પ્રદૂષણનું નિયંત્રણ અસરકારક રીતે કરવા માટેનું જ્ઞાન અને પ્રવિધિઓ; પ્રદૂષણરહિત યંત્રો અને પ્રદૂષણરહિત કારખાનાંઓ; અને દીર્ઘ સ્થાયી કીટનાશકોના લઘુતમ ઉપયોગ દ્વારા કીટ-નિયંત્રણની પદ્ધતિઓ હવે પ્રાપ્ય છે. આર્થિક કારણોસર આ બધા ઉપાયો સાર્વત્રિક રીતે યોજી શકાતા નથી; અને રાજકીય અને સામાજિક પરિબળોએ તેના અમલ માટે હજુ સુધી જરૂરી રસ દાખવ્યો નથી. આ ઉપરાંત વિકસતાં રાષ્ટ્રોએ ભય દર્શાવ્યો છે કે પ્રદૂષણ વિશેની અતિશય કાળજી અને અમલ તેના આર્થિક વિકાસને અવરોધી શકે છે. દેશની પ્રાવૈધિક વિજ્ઞાનની પ્રગતિ જે હોય તે, પરંતુ જ્યારે લોકો અને રાષ્ટ્રો પ્રદૂષણનિયંત્રણ માટેનાં યોગ્ય આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે સંમત થશે અને માગણી મૂકશે ત્યારે પ્રદૂષણનિયંત્રણ સાચા અર્થમાં વાસ્તવિક બનશે.

નૈસર્ગિક સંપત્તિના ઉપયોગનું નિયંત્રણ : વસ્તીવધારો અને પ્રદૂષણ જેટલું જ અગત્યનું વિશ્વસંરક્ષણનું ભાવિ છે. તે અંગે મોટાભાગનાં રાષ્ટ્રો ભૂમિ, જલ અને અન્ય સ્રોતોના ઉપયોગ પર પૂરતું નિયંત્રણ લાવવામાં અસમર્થ નીવડ્યાં છે. રાષ્ટ્રે તેના અંગેના કાયદાઓ અને નિયમો ઘડ્યા હોવા છતાં લોકોનો સખત વિરોધ હોય તો તેનો અમલ સારી રીતે થઈ શકતો નથી. ભૂમિ અને અન્ય નૈસિર્ગક સંપત્તિની ભાવિ ઉત્પાદકતાને અનુલક્ષીને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો અનિવાર્ય હોવા છતાં ઉપયોગ કરનારાઓની નૈસર્ગિક સંપત્તિની જરૂરિયાતો સંતોષાતી નથી. અન્ય સંરક્ષણ-સમસ્યાઓની જેમ આ સમસ્યા વિજ્ઞાન કે પ્રાવૈધિક વિજ્ઞાનની સાથે સંબંધિત નથી; પરંતુ તે કાયદાકીય, આર્થિક, રાજકીય, સામાજિક ભૂમિકા કે પરિસ્થિતિ અને વર્તન-વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. તેના નિરાકરણ માટે પર્યાવરણીય શિક્ષણના અસરકારક ઉપયોગની આવશ્યકતા છે. આ બાબતે મોટાભાગનાં રાષ્ટ્રોમાં જાગૃતિ હોવા છતાં તેના વાસ્તવિક અમલમાં મુશ્કેલીઓ વરતાય છે.

મધુસૂદન જાંગીડ

બળદેવભાઈ પટેલ