નેબુખદનેસ્સર (નેબુકદનેઝર) (જ. ઈ. સ. પૂ. 630; અ. ઈ. સ. પૂ. 562) : બૅબિલોનમાં થયેલ ખાલ્ડિયન પ્રજાનો પ્રતાપી રાજા. ખાલ્ડિયન સામ્રાજ્યના સ્થાપક નેબોપોલાસરના પુત્ર નેબકદ્રેઝરે ઈ. સ. પૂ. 605થી 562 સુધી રાજ્ય કર્યું. તેના સમયનો તે મહાન સેનાપતિ હતો. તેણે ફિનિશિયન નગરો, સીરિયા તથા પૅલેસ્ટાઇન પર વિજયો મેળવ્યા. તેણે ઇજિપ્તના સૈન્યને હરાવીને ત્યાં સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. બાઇબલ તથા અન્ય સાધનોના ઉલ્લેખો મુજબ તેણે જેરૂસલેમને ઘેરો નાખી, તે નગર કબજે કર્યું અને ત્યાંના અનેક લોકોને કેદ કરીને બૅબિલોન લઈ ગયો. નેબુકદનેઝર લડાઈઓ કરવામાં રોકાયેલો રહેવા છતાં તેણે તેના પાટનગર બૅબિલોનને ભવ્ય બનાવ્યું. તેણે ત્યાં અનેક શ્રેષ્ઠ ઇમારતો બંધાવી. તેના પિતાએ શરૂ કરાવેલ માર્ડુક દેવનું ભવ્ય મંદિર તેણે પૂરું કરાવ્યું. પોતાની પર્શિયન રાણીને ખુશ કરવા તેણે તેના આલીશાન રાજમહેલની અગાશીઓમાં આકર્ષક બગીચા બનાવરાવ્યા. તે ઝૂલતા બગીચાના નામે જગપ્રસિદ્ધ બન્યા તથા પ્રાચીન જગતની સાત અજાયબીઓમાં તેને સ્થાન મળ્યું હતું. તેણે યુફ્રેટિસ નદી પર પુલ બંધાવ્યો, તે જગતનો પ્રથમ પુલ હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી