નેફેલોમિતિ : વૈશ્લેષિક રસાયણમાં દ્રાવણનું ધૂંધળાપણું (cloudiness) અથવા આવિલતા (turbidity) માપવા માટે વપરાતી પ્રકાશમિતીય (photometric) પદ્ધતિ. દ્રાવણની આવિલતા તેમાં અવલંબિત બારીક કણોને લીધે હોય છે. જ્યારે આવા આવિલ દ્રાવણમાંથી પ્રકાશપુંજ (beam of light) પસાર કરવામાં આવે ત્યારે અવલંબનમાં રહેલા કણો દ્વારા પ્રકાશનું  વિખેરણ (scattering) અને અવશોષણ (absorption) થાય છે. આથી પારગત પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય છે. પ્રકાશનું આ વિખેરણ દ્રાવણમાંના કણોની સાંદ્રતા અને તેમના આમાપ (size) ઉપર આધાર રાખે છે. નેફેલોમિતિમાં વિખેરિત પ્રકાશની તીવ્રતા માપવામાં આવે છે જ્યારે આવિલતામિતિ(turbidimetry)માં પૃથક્કરણ હેઠળના નમૂનામાંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા માપવામાં આવે છે. (જુઓ : ટર્બિડીમિતિ).

સાદા નેફેલોમીટરમાં પ્રકાશના એક સ્રોતમાંથી નીકળતા પ્રકાશને નમૂનો ધરાવતા કોષ ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે.

નમૂના દ્વારા વિખેરિત થતા પ્રકાશના માપન માટે પ્રકાશપુંજને કાટખૂણે પરખકારી અવયવ (detecting element) રાખવામાં આવે છે. જો દ્રાવણ ચોખ્ખું (clear) (નીતર્યું) હોય તો પ્રકાશનું કાટખૂણે વિખેરણ કે વિવર્તન થશે નહિ. નેફેલોમિતિમાં આ રીતે પ્રકાશવિહીનતા (no light) અને વિખેરિત પ્રકાશના વિભિન્ન જથ્થાઓ વચ્ચેનો તફાવત માપવામાં આવે છે. આ માટે પ્રકાશવિદ્યુત (photoelectric) અને દૃશ્ય (visible) પરખકો વપરાય છે. બે પૈકી પ્રકાશવિદ્યુત પરખકો વધુ સંવેદી હોય છે.

નેફેલોમિતિ ઉપકરણ

દ્રાવણમાં રહેલા કણોનું કદ, અવલંબનની સ્થિરતા, અને આવિલતાનું સમાંગપણું (homogeneity) નેફેલોમિતીય અને ટર્બિડીમિતીય વિશ્લેષણને અસર કરે છે અને એ રીતે તેમની પરિશુદ્ધિ (precision) અને ચોકસાઈ(accuracy)ને મર્યાદિત કરે છે. આથી મોટાભાગનાં વિશ્લેષણોમાં નમૂનાના પદાર્થનાં વિવિધ પ્રમાણભૂત દ્રાવણો વાપરીને મેળવેલા અંકિત વક્ર(calibration curve)નો ઉપયોગ કરી અજ્ઞાતની સાંદ્રતા મેળવાય છે. આવું એક પ્રમાણભૂત અવલંબન મેળવવા બરાબર વજન કરેલા 5 ગ્રા. હાઇડ્રેઝિનિયમ(2+) સલ્ફેટ (N2H6SO4) અને 50 ગ્રા. હેક્ઝામિથિલીન ટેટ્રામાઇનને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવે છે. આને 4,000 NTU(nephelometric turbidity units)નું અવલંબન કહે છે. દ્રાવણને 48 કલાક રાખી મૂકવાથી અદ્રાવ્ય બહુલક (ફૉર્મેઝિન) બનવાથી સફેદ ટર્બિડિટી ઉત્પન્ન થાય છે. આ મિશ્રણને મંદન કરી જોઈતા મૂલ્યનાં પ્રમાણભૂત અવલંબનો બનાવી શકાય છે.

નેફેલોમિતિનો ફાયદો એ છે કે ટર્બિડિટીની અલ્પ માત્રા માપવામાં તેની સંવેદિતા(sensitivity)ની ચોકસાઈ અને પરિશુદ્ધિ વધુ હોય છે. આ પદ્ધતિનો ઉપયોગ અવલંબનો અથવા કોલોઇડલ દ્રાવણો માટે થાય છે; કુદરતી પાણીમાં (દા. ત., વરસાદના પાણીમાં) અને પ્રક્રમી ધારાઓ(processing streams)માં રહેલા અવલંબિત પદાર્થની માત્રા નક્કી કરવામાં, તથા બિયર, વાઇન જેવાં પીણાંની આવિલતા માપવા માટે થાય છે. વિવિધ કોણથી વિખેરિત પ્રકાશની તીવ્રતા માપીને બહુઘટકોના અણુભાર માપી શકાય છે. કોલસામાં રહેલા ગંધક, તેલ અને અન્ય કાર્બનિક પદાર્થોને નક્કી કરવા માટે પણ આ તકનીક ઉપયોગમાં લેવાય છે.

જ. દા. તલાટી