નેપ્ચૂનિયમ : ઍક્ટિનાઇડ અથવા 5f શ્રેણીનાં તત્વો પૈકીનું એક વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Np, પરમાણુક્રમાંક 93, ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn]5f46d17s2 અથવા [Rn]5f57s2 તથા પરમાણુભાર 237.0482. 1940માં મેકમિલન અને એબલસને યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો ચલાવી તેને પ્રથમ અનુયુરેનિયમ (transuranium) તત્વ તરીકે મેળવ્યું હતું.

ગ્રહ નેપ્ચૂન ઉપરથી તેને નેપ્ચૂનિયમ નામ આપવામાં આવ્યું હતું. તેના 16 સમસ્થાનિક (isotopes) પૈકી α – કણો ઉત્સર્જિત કરતો, 2.14 × 106 વર્ષનું અર્ધ-આયુષ્ય (half-life) ધરાવતો સમસ્થાનિક 237Np રાસાયણિક રીતે અગત્યનો છે. પરમાણુભઠ્ઠીમાં એક ઉપપેદાશ (byproduct) તરીકે તે મળે છે.

નેપ્ચૂનિયમ ટ્રાયફ્લોરાઇડનું 1,200° સે. તાપમાને બેરિયમની બાષ્પ વડે અપચયન કરવાથી નેપ્ચૂનિયમ મળે છે. તે ચાંદી જેવી સફેદ, તન્ય (ductile), ગ. બિં. 637° સે. અને ઘ. 20.45 ગ્રા/ઘ.સેમી. ધરાવતી ધાતુ છે. તેનાં સંયોજનોની જાણકારી સૂક્ષ્મ રાસાયણિક રીતો દ્વારા મળે છે. રાસાયણિક રીતે તે યુરેનિયમ અને પ્લૂટોનિયમના મિશ્ર ગુણધર્મો ધરાવે છે. દ્રાવણમાં NpO2+ આયન સ્થાયી છે. જલીય દ્રાવણમાં વિવિધ ઉપચયન અવસ્થાવાળાં ધનાયનો સંકીર્ણ બનવાને કારણે સ્થાયી હોય છે. હાઇડ્રૉક્સિલ (OH) આયનોની ઊંચી સાંદ્રતા ધરાવતાં દ્રાવણોમાં Np7+ આયન બને છે, જે પ્રબળ અપચયનકર્તા છે. નારંગી રંગનો NPF6 (UF6ની માફક) બાષ્પશીલ છે. NPOF5 પણ બનાવી શકાય છે. નેપ્ચૂનિયમ સક્રિય ધાતુ હોઈ H, C, N, P, O, S તથા હેલોજન તત્વો સાથે સંયોજનો બનાવે છે. તેનાં કાર્બધાત્વિક સંયોજનો પણ બનાવી શકાયાં છે.

237Np ન્યૂટ્રોન પારખવા માટેનાં ઉપકરણોમાં વપરાય છે.

જગદીશ જ. ત્રિવેદી