નેપાળનું કાષ્ઠસ્થાપત્ય : નેપાળમાં ઘરો અને ઇમારતોમાં યોજાતી કાષ્ઠકલાકારીગરી. લોકોપયોગી ઇમારતો અને ઘરો-આવાસોનાં બાંધકામની રચના માટે નેપાળમાં લાકડાનો અને ઈંટોનો આગળ પડતો ઉપયોગ થયેલો છે. ઈંટોની દીવાલો અને લાકડાની થાંભલીઓ તથા બારીઓ અને ઝરૂખા ઇમારતોમાં એક આગવી લાક્ષણિકતા બની રહે છે. કાષ્ઠકલાકારીગીરી પણ ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. તેનું પ્રમાણ ઇમારતોમાં અત્યંત પ્રબળ રૂપે જોવા મળે છે. તેના લીધે નેપાળનાં શહેરોના મુખ્ય વિસ્તારો આકર્ષક અને સુંદર લાક્ષણિકતાનાં બેનમૂન ઉદાહરણો રૂપે ભારતીય સ્થાપત્ય-પ્રણાલીની વિશેષતાનો સચોટ ખ્યાલ આપે છે.
ઘરોની ઇમારતોમાં કાષ્ઠસ્થાપત્યનું આગવું સ્થાન છે. નેપાળનાં ઘરો ખાસ કરીને એક આંગણ અને તેની આજુબાજુ રચાયેલાં હોય છે. રસ્તા પરનાં ઘરો ત્રણ મજલા ધરાવતાં હોય છે. રસ્તા પરનો નીચેનો મજલો ખાસ કરીને દુકાનો, કોઠાર વગેરે માટે વપરાય છે. તેની રચના લાકડાની સ્તંભાવલી દ્વારા કરાયેલી હોય છે જેથી વધારે ભાગ ખુલ્લો રાખી શકાય. આ સ્તંભાવલી ઉપર ભરણાં અને લાકડાના પાટડા ગોઠવાયેલાં હોય છે; તેના પર પહેલા મજલાની ઈંટની દીવાલોનો ભાર મુકાય છે. સામાન્ય રીતે ઉપરનો મજલો રહેણાક માટે વપરાય છે. તેની લાકડાની બારીઓ દીવાલોમાં ગોઠવાયેલી હોય છે. બારીઓની રચના નેપાળનાં ઘરોની લાક્ષણિકતાનું એક મહત્વનું પાસું છે અને દીવાલમાં લાકડાની બારીની રચના એટલી સાંગોપાંગ ગૂંથાયેલી હોય છે કે તેથી બારીઓ પણ ઈંટની દીવાલોને મજબૂતાઈ આપે. ત્રીજો મજલો ખાસ કરીને સૂવાના તથા અંગત ઉપયોગ માટે હોય છે. બીજા મજલાની છત પરથી ખાસ ભરણાં કાઢી ઝરૂખાનું આયોજન કરાયેલું હોય છે. આ ભરણાં અત્યંત કલાત્મક રીતે કંડારાયેલાં હોય છે. ઝરૂખા પણ બારીની જાળી તથા જુદી જુદી ભાતની કોતરણી ધરાવતા કાષ્ઠકામનાં આ ઘરોનું એક મહત્વનું અંગ બને છે; ઘણી વાર તે ઘરની પહોળાઈના અરધા ભાગ જેટલાં વિસ્તૃત હોય છે. ઘરનું છાપરું પણ અત્યંત કલાત્મક રીતે રચાયેલું હોય છે અને તેના પર માટીનાં નળિયાં તથા પાણીના નિકાલ માટે ધાતુની નળીઓ ગોઠવાયેલી હોય છે. આ બધી જ રચનાથી નેપાળનાં ઘરોનું આયોજન એક આગવી કાષ્ઠશૈલીનો ચિતાર આપે છે, જે ભારતીય સાંસ્કૃતિક શૈલીને અનુરૂપ જીવંત પ્રણાલી રૂપે પ્રચલિત રહી છે.
રવીન્દ્ર વસાવડા