નેગિશી, એઈ – ઈચી (Negishi, Ei – ichi) [જ. 14 જુલાઈ 1935, ચેન્ગચુન, ચીન(Changchun, China)] : યુગ્મન પ્રક્રિયાના શોધક અને 2010ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા જાપાની રસાયણવિદ.
તેઓ ચેન્ગચુન, ચીનમાં જન્મેલા પરંતુ તેમનો ઉછેર જાપાની હકૂમત હેઠળ કોરિયાના સેઉલ(Seoul)માં થયો હતો.
1958માં તેઓ ટોકિયો યુનિવર્સિટીમાંથી સ્નાતક બનેલા અને તેઈજિન(Teijin) ખાતે ઇન્ટર્નશિપ કરી. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ યુ.એસ.માં ગયા અને પ્રો. એલન આર. ડે(Professor Allan R. Day)ના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી 1963માં પેન્સિલ્વેનિયા (Pennsylvania) યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1966માં તેઓ પરડ્યૂ(Purdue) યુનિવર્સિટીમાં પોસ્ટડૉક્ટરલ સંશોધક બન્યા અને નોબેલ પુરસ્કાર-વિજેતા હર્બટ સી. બ્રાઉન (Herbert C. Brown) સાથે સંશોધન કરતાં 1968માં મદદનીશ (assistant) પ્રાધ્યાપક બન્યા. 1972માં તેઓ સિરાકુઝ (Syracuse) યુનિવર્સિટીમાં સહાયક પ્રાધ્યાપક બન્યા અને 1979માં પ્રાધ્યાપક તરીકે બઢતી પામ્યા. તે જ વર્ષે તેઓ પરડ્યૂ યુનિવર્સિટીમાં પાછા આવ્યા.
નેગિશી, રિચાર્ડ હેક અને અકિરા સુઝુકીને કાર્બનિક સંશ્લેષણમાં પેલેડિયમ ઉદ્દીપિત તિર્યક યુગ્મન પ્રક્રિયા (cross coupling) અંગેના સંશોધન બદલ 2010નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નેગિશીને નીચે મુજબના પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે :
રૉયલ સોસાયટી ઑવ્ કેમિસ્ટ્રી તરફથી સર એડવર્ડ ફ્રૅન્કલૅન્ડ પ્રાઇઝ લેક્ચરરશિપ (2000), પર્સન ઑવ્ કલ્ચરલ મેરિટ અને ઑર્ડર ઑવ્ કલ્ચર(order of culture) (2010) વગેરે સન્માનો મળેલ છે.
2011માં નેગિશીને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
પ્રહલાદ બે. પટેલ