નેક્ટોન્સ : પાણીમાં ઇચ્છા અનુસાર મુક્તપણે તરી શકતાં પ્રાણીઓ. તે પ્લવક-જાળ (plankton nets) અને વૉટર બૉટલ્સ વગેરેથી દૂર રહેવા સમર્થ હોય છે. આવાં પ્રાણીઓમાં માછલીઓ, ઉભયજીવીઓ (amphibians) અને મોટા તરણકીટકોનો સમાવેશ થાય છે.
મીઠા પાણીનાં તળાવ કે સરોવરના તટે નેક્ટોન્સની જાતિઓ અને તેમની વસ્તી પુષ્કળ હોય છે. પુખ્ત અને ડિમ્ભ અવસ્થામાં રહેલા ડૂબકી મારતા ભમરા અને વિવિધ અર્ધપંખી (hemiptera) સરોવરતટ પર સહેલાઈથી નજરે ચઢે છે. તે પૈકી કેટલાક, ખાસ કરીને ડાઇસ્ટિકીડ્ઝ અને નોટોનેક્ટીડ્ઝ માંસભક્ષી હોય છે. જ્યારે હાઇડ્રૉફાઇલીડ્ઝ, હેલીપ્લીડ ભમરા અને કોરીક્ષીક માંકડ અંશત: શાકાહારી કે અપમાર્જકો (scavengers) છે. દ્વિપંખી(diptera)નાં ડિમ્ભ અને કોશિત, પાણીમાં ઘણી વાર સપાટીની નજીક નિલંબિત સ્થિતિમાં રહે છે. આ જૂથનાં પ્રાણીઓ સપાટીએથી હવા મેળવે છે. તેમના શરીરની કે પાંખોની નીચેની બાજુએ ઘણી વાર વાયુના પરપોટાનું વહન કરીને પાણીની નીચે તેનો ઉપયોગ કરે છે.
ઉભયવાસી પૃષ્ઠવંશીઓ (vertebrates) દેડકાં, સૅલામેન્ડર્સ, કાચબા અને જલજ સાપ તટપ્રદેશના જૈવ સમાજનાં સભ્યો છે. દેડકાં અને ભેક(toad)ના ટૅડપોલ મહત્વના પ્રાથમિક ઉપભોક્તાઓ છે. તે લીલ અને અન્ય વનસ્પતિદ્રવ્યનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમની પુખ્ત અવસ્થા એક કે બે પોષણસ્તર (trophic level) ઊંચે હોય છે. દક્ષિણ તરફ જતાં શીત રુધિરવાળાં પૃષ્ઠવંશી પ્રાણીઓનું મહત્વ વધે છે; દા. ત., લ્યુઇસિયાના અને ફ્લૉરિડાનાં સરોવરોમાં કાચબા, દેડકાં અને જલજ સાપની વસ્તીની ગીચતા અને તેમનું પરિસ્થિતિવિદ્યાકીય મહત્વ ઉત્તરનાં સરોવરો કરતાં વધારે છે.
તટપ્રદેશ અને સરોવરી (limnetic) પ્રદેશ વચ્ચે માછલીઓ સામાન્યત: મુક્તપણે તરે છે; પરંતુ ઘણીખરી જાતિઓ તેમનો મોટાભાગનો સમય તટપ્રદેશમાં ગાળે છે. અહીં ઘણી જાતિઓ પોતાનો પ્રદેશ રચે છે અને પ્રજનન કરે છે. લગભગ દરેક સરોવરમાં ‘સનફિશ’ કે ‘બ્રીમ’ (Centrarchideae) કુળની એક કે વધારે જાતિઓ થાય છે. દક્ષિણ અમેરિકામાં ટૉપ મીનોઝ (સાઇપ્રિનોડૉન્ટ માછલીઓ) ખાસ કરીને ગેમ્બુસિયા વનસ્પતિવાળા પ્રદેશમાં પુષ્કળ હોય છે. બાસ (Micropterus salmoides), પાઇક (Esox) અને ગાર(Lepisosteus osseus)ની કેટલીક જાતિઓ સરોવરી નિવસનતંત્રની આહારશૃંખલાના અંતનું પ્રતિનિધિત્વ કરે છે.
દરિયામાં નેક્ટોન્સ તરીકે મોટા સ્તરકવચીઓ (Crustacea), કાચબા, સસ્તનો (વ્હેલ, સીલ્સ વગેરે) અને પક્ષીઓ સક્રિય રીતે તરનારાં અને સપાટી પર રહેનારાં પ્રાણીઓ (neustons) છે. તે એક જ પ્રકારનાં તાપમાન, લવણતા અને પોષકો તેમજ એક જ પ્રકારના તલ દ્વારા મર્યાદિત બને છે. જોકે નેક્ટોન્સનું છૂટક રૂપે પ્રમાણ પુષ્કળ હોવા છતાં જાતિનું ભૌગોલિક પ્રમાણ ઘણા અપૃષ્ઠવંશી (invertebrates) કરતાં ઓછું હોઈ શકે.
મધ્ય ઍટલાન્ટિક તટ પર સરેરાશ નિમ્ન ભરતીના સ્તરે પાણીમાં સિલ્વર સાઇડ્ઝ (Menidia menidia), કીલી ફિશ (Fundulus) અને ફ્લાઉન્ડર (Pleuronectids) જેવી કે Platichthys flesus થાય છે. આ અને બીજી જાતિઓ ભરતીની સાથે સાથે આગળપાછળ જાય છે અને આંતરભરતી પ્રદેશ પાણીથી ભરેલો હોય ત્યારે જલતલસ્થ જીવો(benthos)નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે જ પ્રમાણે તટીય પક્ષીઓ આંતરભરતી વિસ્તાર ખુલ્લો થયેલો હોય ત્યારે ખોરાકનો શિકાર કરવા આગળપાછળ જાય છે. ફ્લાઉન્ડર અને રે તળિયામાં થતી સૌથી વિશિષ્ટ માછલીઓ છે. તેમનાં શરીર અને રંગ રેતી અને કાદવ સાથે ભળી જાય છે. ફ્લાઉન્ડરની કેટલીક જાતિઓ રંગપરિવર્તન માટેની શક્તિ ધરાવે છે અને તેમની પૃષ્ઠભૂમિ (background) સાથે સુમેળ ધરાવે છે.
નેરિટિક સમાજમાં તલ-પોષકો (bottom feeders) ઉપરાંત પ્લવક-પોષકો (plankton feeders) પણ હોય છે; હેરિંગ (Clupea harengus), મેન્હાડેન (Brevoortia tyrannus), સાર્ડીન (Sardina plichardus) અને એન્કૉવી (Engraulis encrasicholus) જેવી હેરિંગ કુળ(Clupeidae)ની માછલીઓ પ્લવક-પોષકો છે.
ઍટલાન્ટિકના ઉત્તરીય તટ પર થતી હેરિંગ, કૉડ (Gadus callaries), હેડ્ડોક (Melanogrammus aeglefinus) અને હેલીબટ (Hippoglossus hippoglossus) અને દક્ષિણમાં મુલેટ (Moxostoma), સી બાસ (Serranidae કુળની કોઈ પણ જાતિ), વીક ફિશ (Cynoscion regalis) ડ્રમ ફિશ, સ્પૅનિશ મૅકરલ (Scomberomorus maculatus) મુખ્ય ખાદ્ય માછલીઓ છે અને તેમનું મત્સ્યઉદ્યોગમાં ખૂબ મહત્વ છે. બીજી અગત્યની માછલીઓમાં ફ્લાઉન્ડર જેવી સૉલ્સ (Solea solea), પ્લેસિસ (Pleuronectes platessa), સાલ્મૉન્સ (Salmo saler) અને ટુના(Thunnus thynnus)નો સમાવેશ થાય છે. કૉડ, પૉલોક અને ફ્લાઉન્ડર તળમાં થતી માછલીઓ છે.
બળદેવભાઈ પટેલ