નેકી, જશવંતસિંહ (જ. 27 ઑગસ્ટ 1925, પતિયાળા; અ. 11 સપ્ટેમ્બર 2015, ન્યૂ દિલ્હી) : પંજાબી લેખક. પિતાનું નામ એસ. હરિ ગુલાબસિંહ અને માતાનું નામ સીતા વાંતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પતિયાળા અને ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં. એમણે એમ.બી.બી.એસ. પરીક્ષા પસાર કરી મન:ચિકિત્સાનો વિષય લઈ દિલ્હીની ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.ડી. કરી. ત્યાં જ પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને અગ્રણી માનસચિકિત્સક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. નાનપણથી જ એમને કવિતાલેખનનો શોખ હતો. એમની કવિતામાં કવિનું મનોવૈજ્ઞાનિક તરીકેનું જ્ઞાન જોવા મળે છે. એમની કવિતા વિચારપ્રધાન છે. અને એમણે મનની ભિન્ન ભિન્ન અવસ્થાઓનું વિશદતાથી નિરૂપણ કર્યું છે. વિજ્ઞાન અને ઔદ્યોગિકીકરણને કારણે જે માનસિક તાણ ઉત્પન્ન થાય છે તેનું ચિત્રણ છે. તેમની કવિતામાં કાવ્યશૈલી કરતાં કાવ્યવિષયનું જ મહત્વ વધારે છે. આ ઉપરાંત કાવ્યજગત અને વસ્તુજગત વચ્ચે સંતુલનરચનાનો પણ પ્રયત્ન નજરે પડે છે. એમની પ્રસિદ્ધ કાવ્યરચનાઓ છે ‘અસલે તે ઓહલે; (1955) તથા ‘ઇહ મેરે સંસે ઈહ મેરે ગીત’ (1958). એમના બે કાવ્યસંગ્રહોમાં એક તરફ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તો બીજી તરફ વ્યક્તિગત નૈતિક મૂલ્યોના દ્વન્દ્વમાં જીવતા માનવની મનોદશાનું ચિત્રણ છે. એ તેમની વિશિષ્ટતા છે. તેઓ ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સભ્ય છે. આનંદપુર સાહિબની 300મી જન્મજયંતીની ઉજવણીમાં તેમને ‘ઑર્ડર ઑવ્ ધ ખાલસા’ની માનદ પદવી મળી હતી. તેઓ ભાઈ વીરસિંહ સાહિત્ય સદનના જનરલ સેક્રેટરી તરીકે પણ કાર્ય કરતા હતા.

તેમણે ‘વિશ્વ અરદાસ’ નામે એક પ્રાર્થનાકાવ્યોનો સંગ્રહ સંપાદિત કર્યો છે. તેમાં વિવિધ જાતિ-જ્ઞાતિના જુદા જુદા સમયે ગવાતાં પ્રાર્થનાકાવ્યો છે. તે ઓળખાય છે ‘અ લૅન્ડમાર્ક પીસ ઑવ્ વર્ક’ તરીકે. કવિતામાં કરેલા ઉત્તમ કાર્ય માટે તેમને 2001નો જ્ઞાની લાલસિંઘ મેમોરિયલ ઍવૉર્ડ એનાયત થયો હતો.

તેઓ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, આસન મેમોરિયલ ઍવૉર્ડ, શિરોમણિ સાહિત્યકાર ઍવૉર્ડ, પંજાબી એકૅડેમી દિલ્હીનો સર્વોત્તમ સાહિત્યકાર ઍવૉર્ડ, ભાઈ વીરસિંહ ઍવૉર્ડ વગેરેથી સન્માનિત થયા છે. તેમને ગુરુ નાનક દેવ યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી.

ચન્દ્રકાન્ત મહેતા