નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી

January, 1998

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી : વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસની સામાજિક પ્રક્રિયા, વિકાસની વિવિધ પદ્ધતિઓના આયોજન અને સંશોધનની માહિતીનું એકત્રીકરણ કરી તેનું પ્રસારણ કરતી રાષ્ટ્રીય સંસ્થા.

ઇતિહાસ : વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને વિકાસ અંગેની નીતિ ઘડી કાઢવા 1974ના વર્ષમાં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના ઉપક્રમે ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડેવલપમેન્ટ’ની સ્થાપના કરવામાં આવી. 1980માં આ સંસ્થાને સ્વતંત્ર સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો અને તેને અનુલક્ષીને સંસ્થાનું નામ ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ’ રાખવામાં આવ્યું.

ઉદ્દેશ અને કાર્યો : વિજ્ઞાન તેમજ ટૅક્નૉલૉજી વિકાસની સામાજિક પ્રક્રિયા (social process), વિકાસની વિવિધ પદ્ધતિઓનું આયોજન, વિવિધ ક્ષેત્રમાં સંશોધન અંગેની માહિતીનું એકત્રીકરણ અને પ્રસારણ આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ રહ્યા છે.

સિદ્ધિ : વિવિધ વિષયને લગતા સંશોધન-પ્રબંધો, ગ્રંથો, સામયિકો, સંશોધનલેખો સંસ્થાએ પ્રસિદ્ધ કરીને આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવી છે. સંસ્થા આ પ્રકારનું સાહિત્ય વખતોવખત તૈયાર કરી બહાર પાડે છે, જેનો ઉપયોગ વૈજ્ઞાનિકો, ટૅકનિશિયનો, અભ્યાસીઓ, કેળવણીકારો અને વિદ્યાર્થીઓ કરે છે.

ખાસ સવલતો : સંસ્થા આયોજન અને વ્યવસ્થાપનના વિષયોમાં તાલીમ-કાર્યક્રમો યોજે છે. સંસ્થા પાસે કમ્પ્યૂટર તેમજ વર્ડ-પ્રોસેસરની સગવડ ઉપલબ્ધ છે. તેના પુસ્તકાલયમાં વિવિધ વિષયોને લગતાં ગ્રંથો તથા સામયિકો રાખવામાં આવ્યાં છે. આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ સાહિત્યમાંથી રસ ધરાવનાર વ્યક્તિને જરૂરી રિપ્રિન્ટ (નકલ) કાઢી આપવામાં આવે છે. અન્ય પુસ્તકાલય સાથે આ સંસ્થા ‘લોન સર્વિસ’ની પદ્ધતિથી જોડાયેલી છે.

સંસ્થા પોતાના ઉદ્દેશોને અનુરૂપ પરિસંવાદો, પરિષદો, કાર્યશાળાઓ ઇત્યાદિનું અવારનવાર આયોજન કરે છે.

પ્રકાશન : સંસ્થા સમકાલીન વિજ્ઞાન અને ટૅકનૉલૉજીને આવરી લેતું એક માસિક પ્રસિદ્ધ કરે છે. વળી સંસ્થાની પ્રવૃત્તિનો ખ્યાલ આપતો વાર્ષિક અહેવાલ પણ બહાર પાડવામાં આવે છે.

જયંત કાળે