નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી

January, 1998

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી : વિષાણુ(virus)ઓ અને સૂક્ષ્મજીવજન્ય ચેપી રોગો વિશે માહિતી મેળવી રોગની સામે પ્રતિરોધક ઉપાયોનું સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સંચાલિત સંસ્થા. 1952માં ICMR સંસ્થાએ તેની શરૂઆત રૉકફેલર ફાઉન્ડેશનના સહયોગથી કરી. તેનો મુખ્ય ઉદ્દેશ સંધિપાદ અને ખાસ કરીને કીટકજન્ય વિષાણુના ચેપનો પ્રતિકાર કરવા અંગેનો હતો. 1967 સુધી આ સંસ્થાને રૉકફેલર ફાઉન્ડેશનનો સહકાર સાંપડ્યો હતો. હાલમાં ઉપર દર્શાવેલા ક્ષેત્રે સંશોધન કરવા ઉપરાંત તે આ ક્ષેત્રે કાર્ય કરતા વૈજ્ઞાનિકો અને અધિકારીઓને તાલીમ આપે છે. અનુસ્નાતક કેન્દ્ર તરીકે ઘણાં વિશ્વવિદ્યાલયોએ આ સંસ્થાને માન્યતા આપી છે.

ચેપી રોગોનો સામનો કરી જાહેર આરોગ્ય જાળવવા અંગે આ સંસ્થાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ત્યાં રોગપ્રતિરોધક રસીઓનું સંશોધન તે અંગેના વિવિધ પ્રયોગો દ્વારા કરે છે. તેની સફળતા અંગે નિર્ણાયક પુરાવાઓ મેળવી જાહેર જનતાના ઉપયોગાર્થે તે મુકાય છે. રોગ ફેલાતાં, જે તે પ્રદેશના અધિકારીઓ આ સંસ્થાની સલાહ લેતા હોય છે અને તે મુજબ રોગચાળો અટકાવવાના પ્રબંધ કરે છે. આ સંસ્થાએ ફ્લૂ, કમળો, રેબીઝ, જાપાની રોગ, આફ્રિકન-હોર્સ સિક્નેસ જેવા ચેપી રોગોને અટકાવવા વીસેક જેટલી રોગ-પ્રતિકારક રસીઓનું સંશોધન કર્યું છે.

આ સંસ્થા જાહેર આરોગ્ય સાથે સંકળાયેલ દેશવિદેશના વૈજ્ઞાનિકો, આરોગ્ય-વિભાગના કર્મચારીઓ માટે ટૂંકી અવધિ(short term)ના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. વળી આ ક્ષેત્રે રસ ધરાવતી સંસ્થાઓને તાંત્રિક સલાહ આપવા ઉપરાંત પ્રાણી-ઘરનાં સ્થાપન અને સંચાલન વિશે તકનીકી માહિતી પૂરી પાડે છે. પરિસંવાદ, કાર્યશાળા (work-shop), પરિષદ જેવા જાહેર કાર્યક્રમો દ્વારા આધુનિક માહિતીનો પ્રસાર કરે છે. તેની પાસે વિશાળ પુસ્તકાલય છે. આ વિષયના સામયિકનું પ્રકાશન પણ કરે છે અને દર વર્ષે પોતાની પ્રવૃત્તિનો વાર્ષિક અહેવાલ રજૂ કરે છે.

આ સંસ્થાની વિશેષ માહિતી નિયામક, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી, 20 A, આંબેડકર માર્ગ, પુણે – 411 001નો સંપર્ક કરવાથી મળી શકે છે.

જયંત કાળે