નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી

January, 1998

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી : વસ્ત્રનિર્માણક્ષેત્રે વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ પ્રશિક્ષણની સુવિધા પૂરી પાડતી ભારત સરકારની સંસ્થા. સ્થાપના 1992માં દિલ્હીમાં થઈ. ભારતની નિકાસોમાં કાપડનું સ્થાન પ્રથમ હોય એ પરંપરા કેટલાંક વર્ષોથી તૂટવા લાગી હતી. પરદેશોની સ્પર્ધા વધતી હતી. દેશમાં મિલો એક પછી એક બંધ પડતી જતી હતી; પણ તૈયાર વસ્ત્રોની નિકાસ કરતા લઘુ એકમો વધુ સમૃદ્ધ થતા જતા હતા. તેથી મોટા એકમો પણ એ તરફ વળ્યા, અને એ રીતે તૈયાર વસ્ત્રોની નિકાસ કરનારા અગ્રણી દેશોમાં ભારતે સ્થાન પ્રાપ્ત કર્યું. વસ્ત્રોએ ભારતની પ્રમુખ નિકાસનું સ્થાન લીધું. લઘુ એકમોને મૂડીની મર્યાદા નડતી. મોટા એકમોને એ પ્રશ્ન નહોતો, પણ બંનેને વસ્ત્રનિર્માણના નિષ્ણાતોની સેવાનો અભાવ સમાન રૂપે સતાવતો હતો. આ સમસ્યાના નિવારણ માટે એક નોંધપાત્ર પ્રયાસ તરીકે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજીની સ્થાપના કરવામાં આવી. અહીં ‘ફૅશન ટેક્નૉલોજી’નો ભાવાર્થ આધુનિક યુગના માનવી માટેનાં સુંદર વસ્ત્રોની નિર્માણકલાના સંદર્ભે ઘટાવવાનો રહે છે.

ઉનાળાની રજાઓમાં યોજાતા તેના અભ્યાસક્રમોનાં વૈવિધ્ય અને વ્યાપ જોતાં આ વાત સમજાય છે. જોકે સંસ્થાનો પ્રમુખ ઉદ્દેશ વસ્ત્રનિર્માણના ઇચ્છુકોને આધુનિક પ્રૌદ્યોગિકી(technology)થી પૂર્ણ રૂપે પરિચિત કરવાનો હોવાથી અભ્યાસક્રમોમાં ફૅશન રૂપાંકન તથા વસ્ત્રનિર્માણ પ્રૌદ્યોગિકી ઉપર ભાર મુકાયો છે. પ્રથમ અભ્યાસક્રમ ત્રણ વર્ષનો અને બીજો બે વર્ષનો છે. સફળ વિદ્યાર્થીઓને ડિપ્લોમા અપાય છે.

વિશેષ પ્રશિક્ષણ પામેલા કર્મચારીઓની માગ પૂરી કરવા ઉનાળાની રજાઓના ગાળામાં ટૂંકી અવધિના વિશેષ અભ્યાસક્રમો પ્રયોજાય છે. તેમાં દસેક અભ્યાસક્રમ નીચે પ્રમાણે છે :

(1) વણાટમાં રૂપાંકન, (2) બાળકોનાં વસ્ત્રો (3) વસ્ત્રનિર્માણ એકમો માટે માઇક્રોસૉફ્ટનું પ્રયોજન, (4) સુતરાઉ ગૂંથણમાં આકૃતિનિર્માણ અને વર્ગીકરણ-પ્રવિધિ, (5) વસ્ત્રનિર્માણ-રૂપાંકનમાં સંગણકની સહાય, (6) વસ્ત્ર તથા ફૅશનની દૃષ્ટિએ કાપડની ગુણવત્તાનું પરીક્ષણ, (7) પુરુષોનાં વસ્ત્રોમાં આકારનિર્માણ અને વર્ગીકરણ, (8) ફૅશન વિક્રયણ (fashion marketing) અને વિક્રયસામગ્રી-આયોજન (merchandise planning), (9) વસ્ત્રસૂઝ, (10) પરિધાનસૂઝ.

આ અભ્યાસક્રમો સંસ્થાના દિલ્હીના પ્રમુખ કેન્દ્ર ઉપર જ ઉપલબ્ધ છે.

વસ્ત્રનિર્માણનાં મોટાં કેન્દ્રો અન્ય મહાનગરોમાં હોવાથી કેવળ દિલ્હીની શાળાથી અર્થ સરી શક્યો નહિ. 1995માં નવી પાંચ સંસ્થાઓ કૉલકાતા, ગાંધીનગર, ચેન્નાઈ, મુંબઈ અને હૈદરાબાદમાં શરૂ કરવામાં આવી. 1995થી ગુજરાતમાં ગાંધીનગરની શાખામાં ઉપરના બે ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવ્યા. ગુજરાતમાં વસ્ત્રનિર્માણ-ઉદ્યોગ વિકાસમાર્ગે પ્રગતિ કરી રહ્યો છે, તે સમયે તેને પ્રશિક્ષિત કર્મચારીઓ મળી રહે તે દૃષ્ટિએ આ સંસ્થાની સ્થાપના આવકારપાત્ર બની છે.

બંસીધર શુક્લ