નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID) : ડિઝાઇન વિષયમાં શિક્ષણ અને સેવાનું વિતરણ કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા. ઔદ્યોગિક ડિઝાઇન અને સંચાર (communication) જેવાં વ્યાપક લોકોપયોગી ક્ષેત્રોમાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી 1961માં કેન્દ્ર-સરકાર દ્વારા અમદાવાદ ખાતે સ્થાપવામાં આવેલી સ્વાયત્ત રાષ્ટ્રીય સંસ્થા તે ‘રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન.’ તે NID તરીકે વિશ્વવિખ્યાત છે.
સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં ઝડપી ઔદ્યોગિકીકરણને અનુકૂળ વિકાસલક્ષી ડિઝાઇનની આવશ્યકતા આયોજન-પંચને સમજાઈ હતી. 1953ના ‘ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી રેઝલ્યુશન’માં આ માટે જરૂરી માળખું સૂચવાયું હતું. પુપુલ જયકરની ભલામણને અનુસરીને વિદેશના નામાંકિત ડિઝાઇન-નિષ્ણાતો ચાર્લ્સ ઇમ્ઝ અને રે ઇમ્ઝને ભારત સરકારે નિમંત્રિત કર્યા તથા લઘુઉદ્યોગને મદદરૂપ થાય તેવો ડિઝાઇન કાર્યક્રમ ઘડવાનું કામ તેમને સોંપ્યું. આ કામના નિષ્કર્ષ રૂપે તેમણે ‘ધી ઇન્ડિયા રિપૉર્ટ’ રજૂ કર્યો. 1961માં ગૌતમ સારાભાઈના અધ્યક્ષપદે આ સંસ્થાની સ્થાપના થઈ. કૃષિ-આધારિત અર્થતંત્રમાંથી ઝડપથી ઔદ્યોગિક અર્થતંત્ર તરફ વળી રહેલા ભારતની અનેકવિધ મુશ્કેલીઓનો વિવિધ વિદ્યાશાખાનિર્ભર ડિઝાઇન વડે ઉકેલ લાવવા માટે આ સંસ્થા ધંધાદારી ડિઝાઇનકારોને તાલીમ આપવાનું કામ કરે છે. તેને માટે તે આ વિષયમાં વિવિધ પ્રયોગો, હરીફાઈ અને વિકાસ-આયોજનો હાથ ધરે છે. ડિઝાઇનના ક્ષેત્રે કાર્યશિબિરો, વ્યાખ્યાનો, પરિસંવાદો અને લઘુ અભ્યાસક્રમો તથા વિવિધ પુસ્તકોના પ્રકાશન દ્વારા દેશમાં ડિઝાઇન-વિષયક સભાનતા (awareness) કેળવે છે.
કાર્ય દ્વારા શિક્ષણ : 1963માં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમો શરૂ થયા. તે વખતે મોટાભાગના અધ્યાપકો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સના સ્નાતકોમાંથી લેવાતા હતા. આ ઉપરાંત દેશવિદેશના નિષ્ણાતો મુલાકાતી અધ્યાપકો તરીકે આવતા હોવાથી સહેજે બહુરાષ્ટ્રીય વાતાવરણ જામે છે.
એન.આઇ.ડી.ની શિક્ષણપ્રથા રૂઢ (academic) માળખા મુજબની નથી. તેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને વાસ્તવિક સમસ્યાના સ્થળે જઈને શિક્ષણનું આદાનપ્રદાન કરે છે. આ માટે સંસ્થાના ‘ગ્રાહક સેવા કાર્યક્રમ’ (client service programme) હેઠળ વિદ્યાર્થી અને શિક્ષક ઔદ્યોગિક સ્થળે જઈને કામ કરી શકે છે. આથી એન.આઇ.ડી.નો વિદ્યાર્થી ભણતરકાળથી જ હાથ ધરેલા કાર્યની મુશ્કેલીઓ અને જરૂરિયાતોથી સભાન થઈ કેળવાતો જાય છે. એન.આઇ.ડી.નો શૈક્ષણિક કાર્યક્રમ બે પ્રકારનો છે. પ્રાથમિક કાર્યક્રમ : ફોર ઇયર સ્કૂલ લીવર્સ પ્રોફેશનલ એજ્યુકેશનલ પ્રોગ્રામ. તેમાં બારમું ધોરણ (HSCE) પસાર કરનારને પ્રવેશ મળે છે. મહત્તમ વયમર્યાદા 22 વરસ છે. આ કાર્યક્રમ હેઠળ ડિઝાઇન-પ્રવૃત્તિની વિવિધ શાખાઓ, તેમની આંતરગૂંથણી તથા પર્યાવરણને અનુકૂળ ડિઝાઇનની સમજ અપાય છે. છેલ્લા દશકામાં ગાંધીનગર, બૅંગાલુરુ અને કૉલકાતા ખાતે એન.આઇ.ડી.ની શાખાઓ કાર્યરત થઈ છે.
સંવર્ધિત કાર્યક્રમ ઍડ્વાન્સ્ડ એન્ટ્રી પ્રોગ્રામ 2થી 21 વરસનો છે. પોસ્ટ ડિપ્લોમા પ્રકારના આ કાર્યક્રમમાં નીચેના અભ્યાસક્રમ છે :
(1) ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન : તેની ઉપશાખાઓ : (ક) પ્રોડક્ટ ડિઝાઇન, (ખ) ફર્નિચર ડિઝાઇન અને (ગ) સિરૅમિક ડિઝાઇન.
(2) કૉમ્યુનિકેશન ડિઝાઇન : તેની ઉપશાખાઓ : (ક) ઍનિમેશન ફિલ્મ ડિઝાઇન, (ખ) ગ્રાફિક ડિઝાઇન તથા (ગ) વીડિયો પ્રોગ્રામ.
(3) ટેક્સ્ટાઇલ અને અપૅરલ ડિઝાઇન.
(4) ફોટોગ્રાફી.
અમિતાભ મડિયા