નૂરુલ હસન, ડૉ. સૈયદ (જ. 26 ડિસેમ્બર 1921, લખનૌ; અ. 12 જુલાઈ 1993, કૉલકાતા) : ભારતના વિદ્વાન ઇતિહાસકાર અને રાજકીય નેતા. પિતા અબ્દુલ હસન, માતા નૂર ફાતિમા બેગમ. સૈયદ નૂરુલ હસને અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ. એ. અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડી.ફિલ્.ની ડિગ્રીઓ મેળવી. તે દરમિયાન તેમણે મધ્યકાલીન ભારતના ઇતિહાસનો વિશેષ અભ્યાસ કર્યો.
તેઓ લખનૌ યુનિવર્સિટીમાં ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે 1942માં જોડાયા. લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં 1947–48માં સેવા આપ્યા બાદ, 1949માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસના રીડર તરીકે જોડાયા. 1954માં તેઓ ઇતિહાસના પ્રોફેસર અને વિભાગના અધ્યક્ષ બન્યા. ઇતિહાસના સેન્ટર ફૉર એડ્વાન્સ્ડ સ્ટડીઝના નિયામક તરીકે 1958માં તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સના ડીન તરીકે 1966–68 દરમિયાન તેમણે સેવાઓ આપી. સિમલાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડીઝના મુલાકાતી પ્રોફેસર તરીકે 1966માં તેમણે સેવા આપી.
ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના 1961ના અધિવેશનમાં મધ્યકાલીન ભારતના ઇતિહાસના વિભાગીય અધ્યક્ષ તરીકે, તે સંસ્થાના સેક્રેટરી તરીકે 1965–68 સુધી તથા તે સંસ્થાના 1973માં ભરાયેલ અધિવેશનના પ્રમુખ તરીકે તેમણે કામગીરી બજાવી. કેનબેરામાં 1971માં ભરાયેલા ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑવ્ ઓરિયેન્ટાલિસ્ટ્સમાં મોકલાયેલ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેમણે સંભાળ્યું હતું.
ઇન્દિરા ગાંધીના વડાપ્રધાનપદ દરમિયાન નૂરુલ હસનની એપ્રિલ, 1968માં રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી. નવેમ્બર, 1971માં કૉંગ્રેસ પક્ષના રાજ્યસભાના સભ્ય તરીકે ફરી વાર ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયા હતા. 1971માં તેઓ કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય બન્યા. માર્ચ, 1972માં ભારત સરકારના શિક્ષણ, સમાજકલ્યાણ તથા સંસ્કૃતિના રાજ્યકક્ષાના મંત્રી તરીકે તથા ફેબ્રુઆરી, 1973માં શિક્ષણમંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાનપદ ગુમાવતાં, નૂરુલ હસન માર્ચ, 1977માં દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે જોડાઈ ગયા. તેમણે 1980થી કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના ઉપ-પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેમણે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એજ્યુકેશનલ પ્લાનિંગ ઍન્ડ ઍડ્મિનિસ્ટ્રેશનના પ્રમુખ તરીકે 1982–83માં, ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑવ્ હિસ્ટરી ઍન્ડ સાયન્સીઝના વિભાગીય અધ્યક્ષ તરીકે બુખારેસ્ટમાં 1980માં તથા સ્ટ્રટગાર્ટમાં 1985માં કામ કર્યું.
સોવિયેત સંઘમાં ભારતના રાજદૂત તરીકે તેમણે 1983થી 1986 સુધી તથા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે 1986થી ’89 સુધી અને ત્યારપછી 12 જુલાઈ, 1993ના રોજ તેમનું અવસાન થયું ત્યાં સુધી રહ્યા. તે દરમિયાન 1988માં ઓરિસાના રાજ્યપાલ તરીકે પણ કામગીરી બજાવી.
ઑક્સફર્ડ યુનિવર્સિટીની ઑલ સોલ્સ કૉલેજના તેઓ વિઝિટિંગ ફેલો (1968–69), લંડનની રૉયલ હિસ્ટૉરિકલ સોસાયટી તથા રૉયલ એશિયાટિક સોસાયટીના તેઓ ફેલો હતા. તેમણે 1982–83માં ટોકિયો યુનિવર્સિટીમાં, યુનાઇટેડ નેશન્સની સલાહકાર સમિતિમાં તથા યુનેસ્કોના હિસ્ટરી ઑવ્ મૅનકાઇન્ડના સલાહકાર તરીકે સેવાઓ આપી હતી.
જયકુમાર ર. શુક્લ