નૂરજહાં (જ. 31 મે 1577, કંદહાર; અ. 17 ડિસેમ્બર 1645 લાહોર, પાકિસ્તાન) : ભારતના મુઘલ બાદશાહ જહાંગીરની બેગમ. તેના પિતા મિર્ઝા ગ્યાસબેગ તહેરાન(ઈરાન)નો વતની હતો. ભારત આવતાં રસ્તામાં કંદહારમાં તેનો જન્મ થયો. તેનું નામ મેહરુન્નિસા રાખવામાં આવ્યું. તેનું લગ્ન શેર અફઘાન સાથે થયું હતું. શેર અફઘાન બર્દવાન નજીક મુઘલ છાવણીમાં એક ઝપાઝપીમાં મરણ પામ્યો. ત્યારબાદ જહાંગીરે તેની સાથે ઈ. સ. 1611માં લગ્ન કરીને તેને ‘નૂરજહાં’નું નામ આપ્યું. તે સાહિત્ય, કલા, રમતગમત અને શિકારની શોખીન હતી. તેને અરબી તથા ફારસી સાહિત્યનો સારો અભ્યાસ હતો. તે પોતે કવિતા રચતી. તે બુદ્ધિશાળી અને સંસ્કારી મહિલા હતી. તેની સત્તાલાલસા અને અતિ મહત્વાકાંક્ષાને લીધે મુઘલ સામ્રાજ્યને નુકસાન થયું.
જહાંગીર સાથે લગ્ન કર્યા બાદ તે જહાંગીરના અવસાન સુધી મહત્વના રાજકીય નિર્ણયોમાં પોતાનો પ્રભાવ પાડતી હતી. ઈ. સ. 1611થી 1622 સુધી નૂરજહાં, તેના પિતા ગ્યાસબેગ, તેનો ભાઈ આસફખાન અને શાહજાદા ખુર્રમ (શાહજહાં–આસફખાનનો જમાઈ) આ ચાર જણાનું જૂથ મહત્વના રાજકીય નિર્ણયો લેતું. આ દરમિયાન નૂરજહાંએ તેના પિતા અને ભાઈને ઉચ્ચ હોદ્દા પર નીમ્યા. જહાંગીરના સમયની ત્રણ મહત્વની લશ્કરી સિદ્ધિઓ (1) મેવાડવિજય, (2) દખ્ખણમાં અહમદનગર સામેની જીત તથા (3) કાંગરાનો વિજય – આ જૂથની નીતિ તથા શાહજાદા ખુર્રમના સફળ સેનાપતિપદનું પરિણામ હતું. નૂરજહાંએ પોતાના અંગત ખર્ચામાંથી આશરે 500 અનાથ કન્યાઓનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. ગરીબો તથા અનાથોને મદદ કરવામાં તેને આનંદ મળતો. તેનું વ્યક્તિગત ચારિત્ર્ય ઉચ્ચ પ્રકારનું હતું. ઈ. સ. 1622માં તેના પિતાનું અવસાન થયા બાદ તેણે શાણો સલાહકાર ગુમાવ્યો. ત્યારબાદ તેની મહત્વાકાંક્ષા અને સત્તાલાલસા બેકાબૂ બન્યાં. જહાંગીરને તેણે પોતાને વશ કરી દીધો. નૂરજહાંએ પોતાની અગાઉની પુત્રીનું લગ્ન જહાંગીરના સૌથી નાના પુત્ર શહરિયાર સાથે કર્યું. તે પછી તે ખુર્રમને બદલે શહરિયાર પ્રત્યે પક્ષપાત કરવા લાગી. તે ખુર્રમને બદલે શહરિયારને રાજ્યનો વારસદાર બનાવવા માંગતી હતી. તેથી ખુર્રમ પ્રત્યે તે વૈમનસ્ય રાખવા લાગી. પરિણામે મુઘલ દરબારમાં નૂરજહાં અને શહરિયાર વિરુદ્ધ આસફખાન અને ખુર્રમ – એમ બે સત્તાજૂથો વચ્ચે તીવ્ર સ્પર્ધા જન્મી. જહાંગીરે ઈ. સ. 1622માં ખુર્રમને કંદહારમાં ઈરાનીઓ સામે કૂચ કરવાનો હુકમ કર્યો ત્યારે નૂરજહાંના પ્રપંચી સ્વભાવથી વહેમાઈને તેણે બળવો કર્યો. તેથી મુઘલોએ કંદહાર ગુમાવ્યું. ત્યારબાદ શક્તિશાળી અને વફાદાર સેનાપતિ મહાબતખાન શાહજાદા પરવેઝનો ટેકેદાર હોવાથી નૂરજહાંએ આ બંનેને અલગ પાડવા માટે મહાબતખાનને બંગાળના સૂબા તરીકે મોકલી તેના પર લાંચરુશવતના આક્ષેપો મૂક્યા. મહાબતખાને વિદ્રોહ કરી, જહાંગીર અને નૂરજહાંને જેલમ નદીકાંઠે પડાવમાંથી કેદ કર્યાં તેથી સામ્રાજ્યની પ્રતિષ્ઠા ઘટી. નૂરજહાંના સગાંવહાલાં તરફના પક્ષપાતને લીધે સામ્રાજ્યમાં ભ્રષ્ટાચાર, લાંચરુશવત વગેરે દૂષણો વ્યાપક બન્યાં. શાસનતંત્ર નિર્બળ બન્યું. નૂરજહાંના પ્રભાવ હેઠળ જહાંગીર વિલાસી બની ગયો. નૂરજહાંએ તત્કાલીન વેશભૂષા અને આભૂષણોમાં નવી ફૅશનો પ્રચલિત કરી. જરીકસબનાં વસ્ત્રો, દુપટ્ટા, કપડાંની કિનારીઓમાં નવી ભાતની બનાવટો તેણે શોધી હતી.
જયકુમાર ર. શુક્લ