નુર્ક્સ, રાગ્નર (જ. 5 ઑક્ટોબર 1907, ઇસ્ટોનિયા; અ. 1959, જિનિવા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી. વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસના પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાકીય પ્રશ્નોના ઊંડા અભ્યાસી તરીકે તેઓ વિશેષ જાણીતા છે. તેમણે ઉચ્ચશિક્ષણ એડિનબરો અને વિયેનામાં લીધેલું. 1935–45 દરમિયાન લીગ ઑવ્ નૅશન્સમાં અર્થશાસ્ત્રી તરીકે કામગીરી બજાવ્યા બાદ 1945–59 સુધી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. તેમનાં લખાણોમાં ચલણ અંગેના આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ગરીબીનું વિષચક્ર, સમતોલ વિકાસ તથા વિકાસશીલ દેશોમાં મૂડીસંચયના પ્રશ્નો વગેરેની વિશદ ચર્ચા જોવા મળે છે. 1959માં તેમણે સ્ટૉકહોમ ખાતે ‘વિકસેલ વ્યાખ્યાનો’ આપ્યાં હતાં. ‘ઇન્ટરનેશનલ કરન્સી એક્સપિરિયન્સ : લેસન ઑવ્ ધ ઇન્ટર વૉર પિરિયડ’ આ ગ્રંથ 1944માં ‘લીગ ઑવ્ નેશન્સ’ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો. તેના એક સિવાયનાં બધાં પ્રકરણો નુર્ક્સે લખ્યાં હતાં. તેમનો બીજો જાણીતો ગ્રંથ ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ કૅપિટલ ફૉર્મેશન ઇન અન્ડરડેવલપ્ડ કન્ટ્રીઝ’ 1953માં પ્રગટ થયો હતો. આ ગ્રંથમાં તેમણે વિકાસશીલ દેશોમાં મૂડીરોકાણના દરને ઊંચે લઈ જવાના પ્રશ્નોની છણાવટ કરી છે. આ સંદર્ભમાં તેમણે રજૂ કરેલો પ્રચ્છન્ન બેકારીનો ખ્યાલ તેમનું અગત્યનું પ્રદાન ગણાય છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ મૂળભૂત રીતે વિદેશી લોનો કે બાહ્ય અનુદાન દ્વારા નહિ, પરંતુ દેશનાં આંતરિક સાધનો ઉત્સાહપૂર્વક ઊભાં કરી તેનો ઉપયોગ ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં કરવાથી જ શક્ય બની શકે એવું તેમનું નિરીક્ષણ હતું. પ્રચ્છન્ન બેકારી ધરાવતાં સાધનોનું ઉત્પાદકીય ક્ષેત્રે સ્થળાંતર કરીને તેનો ઉપયોગ કરવાથી વિકાસશીલ દેશોની મૂડીસર્જનની સમસ્યાનું નિરાકરણ થઈ શકશે એવી તેમની શ્રદ્ધા હતી. આ વિશ્લેષણના ભાગ રૂપે ગરીબીના વિષચક્રના ખ્યાલનો ઉપયોગ કરીને તેમણે સમતોલ વિકાસની હિમાયત કરી હતી, જે એક વિવાદાસ્પદ મુદ્દો બન્યો હતો.
રમેશ ભા. શાહ