નુસરતી, મોહંમદ

January, 1998

નુસરતી, મોહંમદ : (જ. 1600, બીજાપુર; અ. 1683) : દક્ષિણી ઉર્દૂના અગ્રણી કવિ. ‘નુસરતી’ તેમનું તખલ્લુસ હતું. તેમના વડવાઓ બીજાપુર રાજ્યના લશ્કરમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા હતા, પરંતુ નુસરતીનું મન સિપાહીગીરી કરતાં સાહિત્ય તરફ વળ્યું હતું. તે અભ્યાસી હતા. પ્રતિષ્ઠિત ઉલેમાઓ પાસેથી તેમણે જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેમને લોકો મુલ્લા નુસરતી તરીકે ઓળખતા. કવિતાનો શોખ તેમને અલી આદિલશાહ બીજાના દરબાર સુધી લઈ ગયો; ત્યાં તેમનું બહુમાન થયું અને રાજ્યના કવિશિરોમણિ તરીકે બિરદાવવામાં આવ્યા. તેમને દક્કનીના ઉચ્ચ કોટિના કવિ લેખવામાં આવે છે. ગઝલોના દીવાન ઉપરાંત કસીદા (પ્રશસ્તિકાવ્ય), મસ્નવી, રુબાઈ વગેરે પણ તેમના સંગ્રહમાં જોવા મળે છે.

કવિ તરીકે તેમનું મહત્વ તેમની વિખ્યાત મસ્નવીઓ ‘ગુલશને ઇશ્ક’ અને ‘અલીનામા’  જેવાં કાવ્યો ઉપર આધારિત છે. તેમની કાવ્યશૈલી મુખ્ય આકર્ષણરૂપ છે; જ્યારે ‘અલીનામા’ કાવ્યમાં અલી આદિલશાહનાં યુદ્ધોનું જોશીલું વર્ણન જોવા મળે છે. આ ઉપરાંત ‘ફતેહનામા’ નામનું ઐતિહાસિક વિષય-વસ્તુ પર આધારિત તેમનું એક મસ્નવી-કાવ્ય પણ મળી આવે છે.

નુસરતીએ પોતાની ગઝલોમાં સૌપ્રથમ વાર ‘સ્ત્રી’ને આ ધરતીની ગુણસુંદરી રૂપે રજૂ કરી છે. તેમાં અપ્સરાવાદની વિરુદ્ધ માનવીય પ્રેમનો ઉલ્લેખ જોવા મળે છે. નુસરતીની હત્યા કરવામાં આવી હતી.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા