નુરાઘે : ઇટાલીના સાર્ડિનિયા ટાપુ પર આવેલી પ્રાગૈતિહાસિક પથ્થરની ઇમારતો. આ ઇમારતો ઈસુ પૂર્વે 1900થી ઈસુ પૂર્વે 730 સુધીમાં ચણાઈ હતી. તેનું તળદર્શન વર્તુળાકાર હોય છે તથા તેમાં પથ્થરના ઉપરના થરો ક્રમશ: અંદરની તરફ નીકળતા રાખી ઉપર ગુંબજ બનાવાયો હોય. વર્તુળાકારની ઇમારતો સ્કૉટલૅન્ડ તથા આયર્લૅન્ડ, ઉપરાંત ભૂમધ્ય સાગરમાં આવેલા ઇટાલીના સાર્ડિનિયા ટાપુમાં મળી આવી છે; તે ત્રણથી સાડાત્રણ હજાર વર્ષ જૂની હોવાનું મનાય છે. આ પ્રકારની ઇમારતનો નોંધપાત્ર નમૂનો ઈ. સ. પૂ. તેરમી સદીમાં માઇસેનીમાં બનાવાયેલ ટ્રેઝરી ઑવ્ ઍર્ટિયસ છે. ઇટાલીના અગ્નિખૂણાના વિસ્તારમાં સ્થાનિક ત્રુલીના નામે ઓળખાતી આવી ઇમારતો આજે પણ ઉપયોગમાં લેવાય છે. તે ‘બીહાઇવ હાઉસ’ તરીકે પણ ઓળખાય છે.

હેમંત વાળા