નુબિયન રણ : આફ્રિકામાં સુદાનના ઈશાન ભાગમાં આવેલો સૂકો પ્રદેશ. ભૌગોલિક સ્થાન. 20° 30´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.. તેની પૂર્વમાં રાતો સમુદ્ર અને પશ્ચિમમાં નાઈલ નદી છે. 720 કિમી. લંબાઈ ધરાવતું આ રણ 2,50,000 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. ઉત્તર તરફ તે પૂર્વ ઇજિપ્તના અરબી રણ સાથે ભળી જાય છે.
અત્યંત અલ્પ વરસાદ, વનસ્પતિ-જીવનનો અભાવ તથા પાતળી વસ્તી – આ ત્રણ તેની ખાસિયતો ગણાય છે. તેના પૂર્વ તરફનો રાતા સમુદ્રના કિનારાથી અંદર તરફનો ભાગ પવનના ઘસારાથી ખરબચડા થઈ ગયેલા ઊંચા ડુંગરાઓથી છવાયેલો છે, જ્યારે બાકીનો ભાગ લગભગ નિર્જન અને ઉજ્જડ છે. વાયવ્ય તરફ નાસર સરોવર તથા અગ્નિ છેડે રાતા સમુદ્ર પર પૉર્ટ સુદાન આવેલાં છે. પૂર્વ ભાગમાં આવેલું જેબેલ ઓડા આ રણપ્રદેશનું ઊંચામાં ઊંચું (2,259 મીટર) સ્થાન છે. નાસર સરોવરથી અબુ હમાદ સુધીનો રેલમાર્ગ આ રણપ્રદેશમાં થઈને પસાર થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે