નુનો દ કુન્હા : ઈ. સ. 1529થી 1538 સુધી ભારતમાં રહેલ પોર્ટુગીઝ (ફિરંગી) ગવર્નર. પોર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર તરીકે તેને દીવ કબજે કરવાની સ્પષ્ટ સૂચના સહિત નીમવામાં આવ્યો હતો. આ વખતે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ (1527–37) હતો. નુનોએ ઑક્ટોબર, 1529માં ભારત આવીને તરત ખંભાત, સૂરત, રાંદેર, અગાશી તથા દમણનાં બંદરો પર હુમલા કરાવી, ત્યાં આગ લગાડી, લોકોની નિર્દયતાથી હત્યા કરાવી. તેથી આ વિસ્તારના લોકોમાં ફિરંગીઓની જુલમી શાસકો તરીકે ગણના થવા લાગી. પરંતુ ચેવલ બંદરની પાસેના લશ્કરે ફિરંગીઓને હરાવ્યા અને તેમને નાસી જવાની ફરજ પાડી. નુનો તેનાથી હિંમત હાર્યો નહિ. એણે ગોવાથી 6 જાન્યુઆરી, 1531ના રોજ 400 વહાણોનો નૌકાકાફલો રવાના કર્યો. તેણે મુંબઈમાં તેનું નિરીક્ષણ કર્યું. તેની સાથે તે દમણ ગયો અને તે કબજે કર્યું. ત્યાંથી જ એણે સુલતાન બહાદુરશાહ સામે પોર્ટુગલના રાજાના નામે વિગ્રહ જાહેર કર્યો. નુનો 7 ફેબ્રુઆરી, 1531ના દિવસે દીવ નજીક આવેલા શિયાલબેટ ગયો. ત્યાં તેણે બેટ પર રહેતા બધા લોકોની ક્રૂરતાપૂર્વક કતલ કરી ભયંકર હત્યાકાંડ સર્જ્યો. આથી એ બેટને મૃત્યુના બેટ (The Isle of the Dead) તરીકે ઓળખવામાં આવે છે.

નુનોનો કાફલો 11 ફેબ્રુઆરી, 1531ના રોજ દીવ નજીક પહોંચ્યો. તે પહેલાં દીવના મુસ્લિમ ગવર્નર મલિક તુગાને સંરક્ષણની પૂરતી તૈયારી કરી લીધી હતી. ફિરંગીઓએ દીવના ગવર્નર મલિક તુગાનને પોતાના પક્ષમાં લેવાના પ્રયાસો કર્યા, પરંતુ તેમાં સફળ થયા નહિ. આ કટોકટીના સમયે યમનના અમીર તરફથી મુસ્તફા બિન બહરામ 1,300 અરબો તથા 600 તુર્કો સહિત મદદ કરવા આવ્યો હતો. લડાઈમાં મુસ્તફાના જોરદાર તોપમારા સામે નુનો દ કુન્હા દીવ કબજે કરી શક્યો નહિ. પરાજિત ફિરંગીઓ ગોવા પાછા ફર્યા. આ હારનો બદલો લેવા નુનોએ ઍન્ટોનિયો દ સાલ્દાને પશ્ચિમ કાંઠાનાં બંદરો લૂંટવા મોકલ્યો. તેણે મહુવા, ઘોઘા, વલસાડ, તારાપુર, માહિમ, કેલવા, સૂરત અને અગાશી બંદરો પર હુમલા કરીને તારાજ કર્યાં.

દીવ કબજે કરવામાં નિષ્ફળતા મળવા છતાં, નુનોએ મુત્સદ્દીગીરી દ્વારા પોતાનો હેતુ સિદ્ધ કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા. બહાદુરશાહ સાથે મંત્રણા કરવા એણે ફેરીરાને રાજદૂત તરીકે તથા સાન્ટિઆગોને દુભાષિયા તરીકે મોકલ્યા. સાન્ટિઆગો બહાદુરશાહની કૃપા મેળવીને તેની નોકરીમાં રહી જવા છતાં, ફેરીરાએ સુલતાન તથા નુનો વચ્ચેની મુલાકાત ગોઠવી. તે પ્રમાણે નુનો ઑક્ટોબર, 1533માં દીવ ગયો. પરન્તુ બહાદુરશાહના વિચારો બદલાઈ જવાથી, તે નુનોને મળ્યો નહિ. તેથી નુનોને ખાલી હાથે પાછા જવું પડ્યું.

આ દરમિયાન મુઘલ સમ્રાટ હુમાયૂંએ ગુજરાત પર ચડાઈ કરી બહાદુરશાહને મૂંઝવણમાં મૂકી દીધો. તે સમયે ફિરંગીઓ દીવ જીતવા દબાણ કરતા હતા. તેથી બહાદુરશાહે ફિરંગી સત્તા સાથે ડિસેમ્બર, 1534માં કરાર કરી વસઈનું મહત્વનું બંદર આસપાસના પ્રદેશ સહિત સોંપી દેવા કબૂલ થયો. એના પરિણામે ગુજરાતની ભૂમિમાં તથા જળવિસ્તારમાં ફિરંગીઓનો મજબૂત પગપેસારો થયો. ગુજરાતનો વેપાર એમના અંકુશમાં આવ્યો. આ સમયે હુમાયૂં મોટાભાગના ગુજરાતનો માલિક બન્યો હતો અને બહાદુરશાહને ભાગેડુ સ્થિતિમાં મૂકી દીધો હતો. સુલતાને ફિરંગીઓની મદદ માગી અને ઑક્ટોબર, 1535માં કરેલા કરાર મુજબ નુનોએ બહાદુરશાહને દુશ્મનો સામે રક્ષણ આપવાની ખાતરી આપી. તેના બદલામાં દીવમાં કિલ્લો બાંધવાની ફિરંગીઓને સુલતાને રજા આપી. આ રીતે બહાદુરશાહની નિ:સહાય સ્થિતિને લીધે ફિરંગીઓની ઇચ્છા ફળીભૂત થઈ.

આ કરાર થયા બાદ ફિરંગીઓએ અસાધારણ ઝડપ કરીને માત્ર પાંચ મહિનામાં દીવમાં કિલ્લો બાંધી દીધો. આ દરમિયાન સંજોગવશાત્ હુમાયૂંને તાત્કાલિક ગુજરાત છોડી જવાની ફરજ પડી. તે પરિસ્થિતિનો લાભ લઈને બહાદુરશાહે પુન: ગુજરાત કબજે કરી લીધું. ત્યારબાદ વસઈ અને દીવ માટે ફિરંગીઓ સાથે કરેલા કરારો બદલ તેને ભારે પસ્તાવો થયો. તેથી તે દીવ ગયો. ત્યાં 13 ફેબ્રુઆરી, 1537ના રોજ બહાદુરશાહ સમુદ્રમાં અક્સ્માતે મૃત્યુ પામ્યો. તે પછી નુનોએ દીવ કબજે કરી, ત્યાંની પ્રજાને શાન્ત પાડી, વ્યવસ્થાતંત્ર ગોઠવી દીધું. ગુજરાતના દરિયાઈ વેપાર તથા વહાણવટા પર ફિરંગીઓનો અસરકારક અંકુશ સ્થપાયો. પાછળથી સપ્ટેમ્બર, 1538માં બહાદુરશાહની મદદે આવેલા તુર્કી નૌકા કાફલાને પણ નુનોના કાર્યદક્ષ સંચાલન સામે પરાજય મળ્યો. નુનોએ દક્ષિણ ભારતમાં મદ્રાસ (ચેન્નાઈ) પાસે સાન થોમ અને બંગાળમાં હુગલીમાં થાણાં સ્થાપીને પૂર્વકિનારે ફિરંગીઓનો વેપાર વધાર્યો હતો.

જયકુમાર ર. શુક્લ