નુકસાનકારક પ્રાણીઓ (કૃષિવિદ્યા) : ખેતી-પાકો અને ખેતીમાં ઉપયોગી તેવા પશુધનને નુકસાન કરતાં પ્રાણીઓ. તેમાં કીટક, કરચલા, પેડીવર્મ, અળસિયાં, ગોકળગાય, કનડી, વાગોળ, વાંદરાં, શિયાળ, સસલાં, હરણ, સાબર, કાળિયાર, નીલગાય, રીંછ અને હાથી જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેનો ઉપદ્રવ ક્યારેક વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિસ્તાર મુજબ નુકસાનની તીવ્રતા અલગ અલગ હોય છે. અહીં માત્ર કીટક અને પક્ષી સિવાયનાં પ્રાણીઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કરચલો એ સંધિપાદ (arthropoda) સમુદાયના સ્તરકવચી (crustacea) વર્ગનું પ્રાણી છે. કરચલાં અને તેમનાં બચ્ચાં બંને ડાંગરની ફેરરોપણી પહેલાં ધરુવાડિયામાં અને ફેરરોપણી બાદ ક્યારીમાં ડાંગરના છોડને જમીનની સપાટી આગળથી કાપી નાંખે છે. તેને પોતાનાં દરમાં ખાવા માટે લઈ જાય છે. બીજી રીતે કરચલા ડાંગરની ક્યારીઓના પાળામાં દર પાડીને નુકસાન કરે છે. તેથી ક્યારીમાં પાક માટે જરૂરી પાણી રહી શકતું નથી અને પાળા તૂટી જાય છે. કરચલા જુવાર, નાળિયેરી અને શિંગોડાના પાકને પણ નુકસાન કરે છે.
ડાંગરના છોડના મૂળ વિસ્તારમાં લાલ રંગનાં પાતળાં અળસિયાં જેવી દેખાતી જીવાતને ‘પેડીવર્મ’ (સમુદાય : નૂપુરક, વર્ગ : અલ્પલોમી) તરીકે ઓળખવામાં આવે છે. ખેતરમાંથી ડાંગરની ઝૂડી ઉપાડવામાં આવે ત્યારે મૂળ ઉપર આવી જીવાત જોવા મળે છે. પાણીમાં તેનું હલન-ચલન વધુ સ્પષ્ટ દેખાઈ આવે છે. મોળવાણ જમીનમાં તેનો ઉપદ્રવ વિશેષ જોવા મળે છે. આ જીવાત ડાંગરનાં મૂળને નુકસાન પહોંચાડી તેની વૃદ્ધિમાં અવરોધ પેદા કરે છે. જોકે તેનાથી થતું નુકસાન ભાગ્યે જ વધુ હોય છે.
અળસિયાં ફાયદાકારક કૃમિ તરીકે જાણીતાં છે; પરંતુ તે અમુક અમુક પાકને નુકસાનકારક નીવડે છે. અળસિયાં તમાકુ અને ડાંગરનાં ધરુવાડિયાંમાં શોભા માટે ઉગાડેલ લૉનને નુકસાન કરે છે. ધરુવાડિયામાં તે માટી ઉખેડી નાંખીને તંતુ મૂળને નુકસાન પહોંચાડે છે અને છોડની વૃદ્ધિ અટકાવે છે. તેની હગારની ઢગલીઓમાં ભેજ વધુ રહેવાને કારણે લૉનને કોહવારાનો રોગ વધવાની શક્યતા રહે છે. લોનમાં અળસિયાંનાં વધુ પડતાં દરને લીધે લૉનનો દેખાવ બગડી જાય છે.
ગોકળગાય (snail) એક મૃદુકાય (mollusca) સમુદાયના ઉદરપદી (gastropoda) વર્ગનું પ્રાણી છે. તે ખાસ કરીને ચોમાસામાં બાગ-બગીચા, ખેતર, પાણી અથવા તો ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. વાતાવરણમાં ભેજ અને તાપમાન નીચું જતાં તે સુષુપ્ત અવસ્થામાં ફેરવાઈ જાય છે. પાણીમાં રહેતી ગોકળગાય ડાંગરના પાકને નુકસાન કરતી જોવા મળે છે. જમીન પર રહેતી ગોકળગાય મુખ્યત્વે રીંગણ, ભીંડા, પાપડી, કૂંડામાં વવાતાં ફૂલછોડ, પપૈયાં, કેળાં, કોબી, ફ્લાવર, મરચી, ગલગોટા, સોપારી, મની-પ્લાન્ટ, રબર તથા કૉફીમાં નુકસાન કરતી માલૂમ પડી છે. ગુજરાતમાં થોડાં વરસો પહેલાં ઘિલોડીમાં ગોકળગાયથી થતું નુકસાન જોવા મળ્યું હતું.
પૃથુકૃમિ (platyhelminthes) સમુદાયના યકૃત કૃમિ(liver fluke)નું એક ડિમ્ભ ગોકળગાયના શરીરમાં વિકાસ પામતું હોય છે. યકૃત કૃમિની એક જાત પુખ્તાવસ્થા દરમિયાન ગાય, બળદ જેવા યજમાનના યકૃતને ચોંટીને જીવન પસાર કરે છે. ખોરાક તરીકે યકૃત-કોષો અને રુધિરનું ગ્રહણ કરે છે, જે યજમાન માટે ખતરનાક થાય છે.
નાના તેમજ મોટા કરમિયા (round worms), પટ્ટીકીડા (tape worms) અને સૂત્રકૃમિ (thread worms) જેવા કૃમિઓ પણ ગાય અને બળદ જેવાં પ્રાણીઓના શરીરમાં પુખ્તાવસ્થા પસાર કરે છે અને વિપરીત સંજોગોમાં યજમાન મૃત્યુ પામે છે.
કનડી સામાન્ય રીતે ભાદરવો કે ભરવાડના નામે ઓળખાય છે. તે સંધિપાદ સમુદાયનું સહસ્રપદી (millipede) વર્ગનું પ્રાણી છે. તેનું શરીર ઘણા સમખંડો(metameric segments)નું બનેલું હોય છે. ઉદરપ્રદેશના દરેક સમખંડ પર બે-બે જોડ સાંધાવાળા પગ હોય છે. તે ભેજવાળી, અંધારી જગ્યાઓમાં પથ્થર અથવા સડતા પદાર્થોની નીચે રહે છે. તેને સહેજ દખલ કરતાં તે ગૂંચળું વળી જાય છે. તેના શરીર પર સંખ્યાબંધ ગંધગ્રંથિઓ આવેલી હોય છે, જે તેનાં પરભક્ષી દુશ્મનોને દૂર ભગાડવામાં મદદ કરે છે. આ જીવાત ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાથી જમીનમાં દર બનાવીને સુષુપ્ત અવસ્થામાં ભરાઈ રહે છે. પરંતુ જુલાઈ મહિનામાં પ્રથમ વરસાદ પડતાંની સાથે પુષ્કળ સંખ્યામાં બહાર નીકળી આવે છે. કનડી સામાન્ય રીતે કોહવાયેલી વનસ્પતિજ તથા પ્રાણિજ પદાર્થો ખાય છે. પરંતુ તેની કેટલીક જાતિઓ જીવંત વનસ્પતિને નુકસાન કરતી જોવા મળે છે. તે મગફળી, કપાસ, મરચાં, જુવાર, શણ જેવા પાકનાં મૂળિયાંને નુકસાન કરતી માલૂમ પડી છે. આ ઉપરાંત કેટલાંક વેલાવાળાં શાકભાજીનાં પાનને પણ ખાઈને તે નુકસાન કરે છે. સૌરાષ્ટ્રના મગફળી ઉગાડતા પ્રદેશોમાં તેનો ઉપદ્રવ વિશેષ જોવા મળે છે. તે મગફળીનાં જમીનમાં ઊગતાં બીજને ખાઈ જાય છે. પરિણામે ઉગાવામાં ઘટાડો માલૂમ પડે છે.
વાગોળ સસ્તન વર્ગનું ઊડી શકે તેવું પ્રાણી છે. તે ટોળામાં રહેનારું નિશાચર પ્રાણી છે. દિવસ દરમિયાન તે પીપળો, આંબલી, વડ જેવાં ઊંચાં અને ફેલાયેલી ડાળીઓવાળાં ઝાડ પર હજારોની સંખ્યામાં ઊંધાં લટકી રહે છે. સામાન્ય રીતે ફળઝાડની વાડીઓની નજીકનાં ઊંચાં ઝાડને રહેઠાણ માટે વધુ પસંદ કરે છે. સાંજે સૂર્યાસ્ત પછી તે પોતાનું રહેઠાણ છોડી દઈને ખોરાકની શોધમાં નીકળી પડે છે અને વહેલી સવારે પાછાં ફરે છે. તે સ્વભાવે ખાઉધરી વૃત્તિનાં હોવાથી ફળોને અડધાં-પડધાં ખાઈને બગાડે છે. આમ પોતાના વજન કરતાં પણ વધુ વજન જેટલાં ફળોને બગાડે છે. તેનાથી થતું નુકસાન આશરે 12 %થી 40 % જેટલું અંદાજવામાં આવે છે. સામાન્ય રીતે તે લીંબુ સમૂહનાં ફળો સિવાયનાં બધી જ જાતનાં ફળો જેવાં કે કેળાં, જામફળ, જાંબુ, બોર, અંજીર, પીપર, પીચ, કેરી, બદામ, લીચી, સફરજન અને ચીકુનાં ફળો ખાવાનું પસંદ કરે છે.
ભારતમાં વાંદરાંની લગભગ 60 લાખ જેટલી વસ્તી અંદાજવામાં આવી છે. લાલ મોઢાવાળાં વાંદરાં (માંકડાં) (Rhesus macaca zimmerman) મુખ્યત્વે ઉત્તરપ્રદેશમાં વસવાટ કરતાં જોવા મળે છે. કાળા મોઢાવાળાં વાંદરાં (Presbytis entallus Duf) કે જે ‘લંગૂર’ તરીકે ઓળખાય છે તે આખાય ભારતમાં જોવા મળે છે. લાલ વાંદરાં ગામ અને શહેરની નજીક, ખાસ કરીને મંદિરોની આસપાસ રહેતાં જોવા મળે છે. જ્યારે લંગૂર વાંદરાં જંગલની ઝાડીઓમાં વસ્તીથી દૂર અને ઊંચી ટેકરીઓમાં જોવા મળે છે. તે ભાગ્યે જ માનવીના વસવાટની નજીક આવે છે. લાલ મોઢાવાળાં વાંદરાં જમીન પર રહીને ખાવાની ટેવ ધરાવે છે. તે વનસ્પતિનાં ફળ, ફૂલ અને પાન, કરોળિયા, કીટકો વગેરે ખાય છે જ્યારે કાળા મોઢાવાળાં વાંદરાં ફક્ત વનસ્પતિ પર જ નભે છે. તેઓ શાકાહારી હોય છે. છોડનાં કુમળાં પાન, ફળ, ફૂલ અને ડૂંખો ખાય છે. વાંદરાંની લાળમાં હડકવાનાં જંતુઓ રહેલાં હોય છે. તેથી વાંદરો માનવને કરડે તો હડકવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લાલ મોઢાવાળાં વાંદરાં લાખના કીટક ખાઈને લાખના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
શિયાળ એક નિશાચર અને સર્વભક્ષી (omnivorous) પ્રાણી છે; પરંતુ ખાસ કરીને તે મૃત પ્રાણીઓનાં હાડકાં અને માંસ ખાય છે. આ ઉપરાંત તે પેટે ઘસડાઈને ચાલતાં નાનાં પ્રાણીઓ (reptiles), કીટકો અને પક્ષીઓને પણ ખાય છે. જોકે ખેતીપાકોમાં તરબૂચ, બોર અને ડૂંખો તથા ચણાના પોપટા ખાય છે. ચોમાસા દરમિયાન આ પ્રાણી ઉંદર, કરચલા અને ઊધઈ ખાય છે. આમ એક રીતે શિયાળ ખેડૂતોને ઉપયોગી છે.
સસલાં લીલી વનસ્પતિ અને ઝાડની છાલને ખાઈને નુકસાન કરે છે. વળી જુવાર, બાજરી અને તલ જેવા ખેતીપાકોને પણ ખાઈને નુકસાન કરે છે.
સાબર, કાળિયાર, નીલગાય અને હરણ પણ ટોળાંમાં રહીને ખેતીપાકોને નુકસાન પહોંચાડે છે. પાકોને ખાવા કરતાં તેના પર ચાલીને તે વધુ નુકસાન કરે છે.
રીંછ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, જમ્મુ તથા કાશ્મીર, મણિપુર, કર્ણાટક અને પંજાબના જંગલવિસ્તારમાં જોવા મળે છે. વર્ષાઋતુ બાદ તે શેરડી અને મકાઈના પાકને નુકસાન કરે છે. તાડીનો ઉદ્યોગ થતો હોય છે ત્યાં આ પ્રાણી તાડનાં ઝાડ પર ચઢી એકઠો કરેલો રસ પી જાય છે. શિયાળામાં તે બોર ખાય છે. ઉનાળામાં મહુડાનાં સુગંધિત ફૂલો ખાય છે. સાંજ થતાં આ પ્રાણી તેની ગુફામાંથી બહાર આવી આખી રાત શિકારની શોધમાં આમથી તેમ ભટક્યાં કરે છે અને સવાર થતાં ફરી તે પાછું ગુફામાં ભરાઈ જાય છે. ફળોમાં તે કેરી, જાંબુ અને જંગલી અંજીર પસંદ કરે છે. મધ તેનો પ્રિય ખોરાક ગણાય છે.
હિમાલયની તળેટી, આસામ, કેરળ, કર્ણાટક અને ઓરિસાનાં જંગલોમાં હાથીની વસ્તી જોવા મળે છે. વર્ષાંઋતુમાં તે જંગલમાંથી બહાર આવી ખુલ્લાં મેદાનોમાં ખેતરોમાં દાખલ થઈ પાકને પારાવાર નુકસાન પહોંચાડે છે. તે ઘાસ, પાંદડાં, વાંસ તથા કેળનાં રસદાર થડ અને મોટાં ઝાડની છાલ ખાય છે. તે ખૂબ જ ખાઉધરું પ્રાણી છે. પુખ્ત હાથી દિવસ દરમિયાન લગભગ 250થી 325 કિગ્રા. લીલો ચારો આરોગી જાય છે. શેરડી તેનો પ્રિય ખોરાક છે.
પરબતભાઈ ખી. બોરડ