નુક (Nuuk) : દુનિયાના સૌથી મોટા દ્વીપ ગ્રીનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 64° 14´ ઉ. અ. અને 51° 0´ પ. રે.. પાટનગરની વસ્તી 17,316 (2016), બૃહત શહેરની વસ્તી : 18,040 (2016). ગૉટહૉપ તરીકે ઓળખાતા આ નગરનું સ્થાનિક ભાષામાં નામ નુક છે. તે ડેવિસની સામુદ્રધુની પર આવેલું છે. તે ગૉટહૉપ ફિયૉર્ડના મુખભાગ પર આવેલું બંદર પણ છે, જે આખા વર્ષ દરમિયાન બરફથી મુક્ત રહે છે.

માછીમારી, ઘેટાંઉછેર તથા શિકાર  એ ત્યાંના લોકોના વ્યવસાય છે. નગરમાં મત્સ્યપ્રક્રમણ-ઉદ્યોગ વિકસ્યો છે. ગ્રીનલૅન્ડનું સંસદ-ભવન, સર્વોચ્ચ અદાલતનું કાર્યાલય, રેડિયો-સ્ટેશન, એલચી-કચેરીઓ તથા ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ ત્યાં આવેલાં છે. દસમી સદીના નૉર્સ વસાહત વેસ્ટરબિગ્ડેનનાં ખંડિયેરો અહીં નજીકમાં જ છે.

હૅન્સ એગેડ નામના ડૅનિશ-નૉર્વેજિયન ધર્મોપદેશકે 1721માં આ સ્થળે ખ્રિસ્તી મિશનની સ્થાપના કરી હતી. 1728માં અહીં વસવાટ શરૂ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ગ્રીનલૅન્ડનો ડેન્માર્ક સાથે સંપર્ક તૂટી જતાં તેનો વહીવટ આ નગરથી કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે