નુકુઆલોફા (Nuku’alofa)

January, 1998

નુકુઆલોફા (Nuku’alofa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટૉન્ગાનું પાટનગર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 21° 08´ દ. અ. અને 175° 12´ પ. રે.. આ બંદર ખડક-ખરાબાઓથી આરક્ષિત છે. તે ટૉન્ગાટાપુ દ્વીપના ઉત્તર કિનારા પર વસેલું છે. તેની શહેરી વસ્તી 24,571 (2012) છે. આ સ્થળનું તાપમાન જાન્યુઆરીમાં 25.8° સે. અને જુલાઈમાં 21.3° સે. તથા વરસાદ 1643 મિમી. પડે છે.

નાળિયેર-કોપરાં, કેળાં તથા વેનિલા તેની મુખ્ય કૃષિપેદાશો છે. તેની નિકાસ પણ કરવામાં આવે છે. આ પેદાશો માટેનું તે વ્યાપારી કેન્દ્ર પણ બની રહ્યું છે. પરંપરાગત હસ્તકારીગરીની ચીજવસ્તુઓનું ઉત્પાદન ત્યાં થાય છે. 1977 પછી નગરમાં નાના ઉદ્યોગોનું સંકુલ ઊભું કરવામાં આવ્યું છે.

આ નગરમાં સ્કૂલો, કૉલેજો, શિક્ષક –પ્રશિક્ષણ સંસ્થા, દવાખાનું, સરકારી કચેરીઓ, રેડિયો-પ્રસારણ કેન્દ્ર તથા ખ્રિસ્તી દેવળ આવેલાં છે. 1862માં બંધાયેલ ગૃહમંદિર (ચૅપલ) તથા 1865–67 દરમિયાન બંધાયેલ રાજપ્રાસાદ ઉપરાંત મકબરા તથા શાસકોની કબરો નગરનાં મુખ્ય આકર્ષણસ્થળો છે. નગરના દક્ષિણ-પૂર્વ તરફ આશરે 22 કિમી. અંતરે કુઆમોટુ નામનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે