નીસેરિયા (Neisseria) : આકારે ગોળ (સહેજ મૂત્રપિંડ જેવા) એવી, બૅક્ટેરિયાની એક પ્રજાતિ. તેમાંના કેટલાક માનવશરીરમાં પ્રવેશીને રોગ ઉત્પન્ન કરે છે. તે હલનચલન કરતા નથી તેમજ બીજાણુ પણ ઉત્પન્ન કરતા નથી. ઑક્સિડેઝ અને કૅટાલેઝ કસોટી હકારાત્મક બતાવે છે. તે પીએચ. 7.4થી 7.6વાળા માધ્યમમાં 37° સે. તાપમાને વૃદ્ધિ પામી શકે છે. આ પ્રજાતિના બૅક્ટેરિયા હીસ સિરમમાં વિવિધ પ્રકારની શર્કરાનું આથવણ કરી અમ્લ ઉત્પન્ન કરે છે. પરંતુ વાયુ ઉત્પન્ન કરતા નથી.
આ પ્રજાતિના અગત્યના બૅક્ટેરિયાની યાદી નીચે પ્રમાણે છે :
(અ) રોગકારક : (1) નીસેરિયા મૅનિન્જાઇટિડિસ; (2) નીસેરિયા ગૉનોરિયા.
(બ) બિનરોગકારક : (1) નીસેરિયા ફ્લેવેસન્સ, (2) નીસેરિયા સિક્કા, (3) નીસેરિયા લૅંક્ટામિક્સ, (4) નીસેરિયા સબક્લેવા.
નીસેરિયા મૅનિન્જાઇટિડિસ : તે સામાન્ય રીતે મૅનિન્જોકોકાઇ તરીકે જાણીતા છે. 1887માં વેઇશસેલબૉમ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે મનુષ્યમાં થતો પ્રાણઘાતક મૅનિન્જાઇટિસ રોગ આ બૅક્ટેરિયાથી થાય છે. તેનો ચેપ મગજ અને કરોડરજ્જુની ફરતે આવેલ રક્ષણાત્મક પટ મૅનિન્જિસ પર થતો હોવાથી આ રોગને મૅનિન્જાઇટિસ કહે છે.
તે પ્રવર (capsule) ધરાવે છે. પ્રવરની બહુશર્કરાના આધારે આ જીવાણુના વિવિધ પ્રતિજનક પ્રકાર (serotypes) જાણીતા છે; દા. ત., A, B, C, D, X, Y, Z….. વગેરે. પ્રતિજન પ્રકાર A, B અને C રોગકારક તરીકે ખાસ જોવા મળે છે. આ જીવાણુ હવા દ્વારા ફેલાઈ શ્વાસનળી દ્વારા શરીરમાં પ્રવેશે છે.
ચિહનો : મૅનિન્જાઇટિસ રોગનાં ચિહનોમાં નાક ખૂબ ગળવું, ગળાનો દુખાવો, માથાનો દુખાવો, તાવ તેમજ માનસિક નબળાઈ કે માનસિક અસ્થિરતા અનુભવાય છે.
ચિકિત્સા : રોગચિકિત્સામાં સલ્ફોનામાઇડ (સલ્ફાડાયાઝિન), બેન્ઝિલ, પેનિસિલિન, ઍમ્પિસિલિન કે ક્લોરેમફેનિકોલ વપરાય છે.
પ્રતિજૈવક દવાની અસર, તુરત મગજ સુધી પ્રસરતી ન હોવાથી રોગ પ્રાણઘાતક થવાની સંભાવના વધુ રહે છે.
નિદાન : રોગના નિદાન માટે કરોડરજ્જુમાંથી પ્રવાહી (cerebro spinal fluid – CSF) કાઢી જો તે ગાઢું માલૂમ પડે તો બે રીતે નિદાન કરવામાં આવે છે :
(1) ગ્રામરંજન કસોટી : હકારાત્મક કેસમાં સી.એસ.એફ.માં લોહીમાં ગ્રામઋણી, જોડીમાં આવેલા ગોલાણુ પ્રકારના જીવાણુ જોવા મળે છે.
(2) બ્લડ અગાર કે ચૉકોલેટ અગાર માધ્યમ : સી.એસ.એફ. પ્રવાહીને બ્લડ અગાર માધ્યમ કે ચૉકોલેટ અગાર માધ્યમ પર પાથરી, 5 %થી 10 % અંગારવાયુની હાજરીવાળા વાતાવરણમાં 37° સે. તાપમાને 24થી 48 કલાક માટે સેવન (incubation) માટે મૂકવામાં આવે છે. ઉપરાંત મ્યુલર-હિન્ટન અગાર અથવા થાયર-માર્ટિન માધ્યમ દ્વારા પણ તેને શોધી કાઢવામાં આવે છે.
ની. ગૉનોરિયા : તે સામાન્ય રીતે ગૉનોકોકાઇ તરીકે જાણીતા છે. 1879માં આલ્બર્ટ નીસર નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે પરમિયા(gonorrhoea)નો રોગ આ બૅક્ટેરિયાથી થાય છે.
આ જીવાણુ કવચ ધરાવે છે અને મુખ્યત્વે શ્વેતકણોમાં જોવા મળે છે. તેની રોગપ્રતિકારકતા વધારવામાં તેનું કવચ, પીલી અને અંતર્વિષ જવાબદાર છે. પીલીને લીધે જીવાણુ યજમાનના કોષ પર ચોંટી રહી રોગ પેદા કરવાની ક્ષમતા વધારી શકે છે. તેનું સંવર્ધન કરવું મુશ્કેલ છે. તે વાતજીવી તેમજ અવાતજીવી અવસ્થામાં પીએચ 7.2 થી 7.6વાળા માધ્યમમાં, 35°થી 36° સે. તાપમાને 5 %થી 10 % અંગારવાયુની હાજરીવાળા પર્યાવરણમાં વૃદ્ધિ પામી શકે છે.
જાતીય સમાગમ દ્વારા આ રોગના જીવાણુ ફેલાય છે. રોગપીડિત સગર્ભા સ્ત્રીનો ચેપ તેના નવજાત શિશુને લાગવાથી બાળકમાં આંખનો રોગ થાય છે. આવા બાળકની આંખમાં તાત્કાલિક દવાનો મલમ કે આંખનાં ટીપાં નાંખવામાં ન આવે તો બાળકને અંધાપો પણ આવી શકે છે.
ચિહનો : રોગનાં ચિહનોમાં તાવ, પેડુનો દુખાવો, યોનિમાર્ગમાં દુખાવો તેમજ યોનિમાર્ગમાંથી ગાઢું પ્રવાહી નીકળવું, વગેરે છે. આ જીવાણુ મૂત્રમાર્ગનો પણ ચેપ કરે છે.
ચિકિત્સા : પેનિસિલિન એ આ રોગ માટે ઉત્તમ ઔષધ છે. પરંતુ કેટલાક જીવાણુ પેનિસિલિનનો પ્રતિકાર કરતા માલૂમ પડ્યા છે. આવા દર્દીને ટેટ્રાસાયક્લિન કે સ્પેક્ટિનોમાયસિન આપવામાં આવે છે.
નવજાત શિશુને લાગેલ આંખના ચેપમાં ટેટ્રાસાયક્લિન, ઇરિથ્રોમાયસિન કે 1 % સિલ્વર નાઇટ્રેટ દ્રાવણનાં ટીપાં નાંખવામાં આવે છે.
નિદાન : યોનિમાર્ગના પ્રવાહીને બ્લડ અગાર કે ચૉકોલેટ અગાર માધ્યમ પર પાથરી 5 %થી 10 % અંગારવાયુની હાજરીવાળા વાતાવરણમાં 37° સે. તાપમાને 24 કલાકથી 48 કલાક સેવન માટે મૂકવામાં આવે છે. તેની વસાહતો મોટી, પાતળી, સૂકી અને અનિયમિત આકારની જોવા મળે છે.
પ્રમોદ રતિલાલ શાહ